અલખનો ઓટલોઃ અખંડ બ્રહ્મ કું ડાઘ ન લાગે…

- ડૉ. નિરંજન રાજ્યગુરુ
સંતોની શબ્દસાધના એ તદ્દન આગવો ઈલાકો છે. એમાં જ્યારે નાદ ઉપાસના ભળે છે ત્યારે એના ગાન દ્વારા ગૂઢ અધ્યાત્મ શબ્દાવલિ કોઈક કોઈક માટે પિંડગત-અપાર્થિવ-અલૌકિક અર્થાનુભૂતિ જરૂર કરાવે પણ એની માત્રા વ્યક્તિએ વ્યક્તિએ જુદી જુદી હોય. ભારતીય યોગસાધનાના ત્રણ પ્રવાહોમાં (1) પાતંજલ શૈવ- યોગદર્શનના અનુયાયી.(2) તાંત્રિક શાક્ત-યોગના અનુયાયી. (3) બૌદ્ધ, જૈન, સંતમત તથા સૂફી વગેરે અવૈદિક ધારાના યોગના અનુયાયી…એમ ત્રણ સ્પષ્ટ ધારાઓ જોવા મળે.
જો કે પાછળથી આપણે ત્યાં ગુજરાતીમાં તરી આવેલા સંતસાહિત્યમાં – સાધનાત્મક સાહિત્યમાં તો આ ત્રણે પ્રવાહોનો ત્રિવેણીસંગમ થયો હોય એવું જોવા મળે છે. એકનો એક સંતકવિ યોગી પણ હોય, ભક્ત પણ હોય, જ્ઞાની-વેદાન્તી પણ હોય અને કર્મમાર્ગી પણ હોય. એ ઉપરની ત્રણે ધારાઓની સાધનાત્મક પારિભાષિક શબ્દાવલિનો પ્રયોગ પોતાની અનુભવવાણીમાં કરતો હોય પરંતુ એ દરેક શબ્દ વિશે પોતાનો આગવો, મૌલિક સાંકેતિક અર્થ હોય.
સંત કે ભક્ત પોતાની અધ્યાત્મયાત્રા કઈ રીતે આગળ વધારે છે? (1) પોતાનાં દરેક દૈનિક કાર્યોમાં ઈશ્વર શરણાગતિથી સેવાધર્મ બજાવતાં બજાવતો રહે, (2) હરિકથા કહે અને સાંભળે, (3) પૂજા કરે અને પૂજા થતી જોયા કરે, (4) જપ કરે, (પ) ધૂપ-દીપ-પૂષ્પ-નૈવેદ્ય ધરાવે, (6) આરતી કરે, અને આરતી લઈને સૌની આગળ ફેરવે, (7) પરમાત્માને, ગુરુને અને સંત-સાધુઓને દંડવત્ પ્રણામ કરે, (8) ફૂલ અને તુલસીપત્ર ચૂંટે, (9) ભગવાન માટે નૈવેદ્ય-ભોગ બનાવે,
(10) ભગવાનનો પ્રસાદ મેળવે અને કોઈકને આપે, (11) તિલક કરે- કરાવે, (12) માળા-કંઠી બનાવે, પહેરે, કોઈને પહેરાવે, (13) ગુરુજનો- વડીલો- યાત્રાળુઓની ચરણસેવા કરે, (14) સંત-સાધુ-બ્રાહ્મણ-અતિથિને દક્ષિણા આપે, (1પ) ભોજન-પાણી પીરસે, વાસણ સાફ કરે, બળતણ લાવે, (16) મંદિર- આશ્રમ-રસ્તાની સાફસફાઈ કરે, (17) ધૂન-ભજન-કીર્તન ગાય અને જયકાર બોલાવે, (18) રોગી-વૃદ્ધ- અશક્ત-દીનજનોની તમામ પ્રકારની સેવા કરે, (19) જીવમાત્ર ઉપર દયા કરે,
(20) કોઈપણ નાત-જાત-ધર્મ-પંથને જોયા વિના મૃતદેહને અવલમંજિલ પહોંચાડે, (21) તીર્થયાત્રા કરે, (22) આવાં અનેક-તમામ પ્રકા2નાં સેવાકાર્યો કરતાં કરતાં ભક્ત-સાધકની સુરતા અહર્નિશ પરમાત્મામાં લાગી રહે અને દ્વૈતભાવ છૂટતો જાય, સમાધિભાવ- બ્રહ્મભાવમાં જ રમમાણ રહે ત્યારે સહજ રીતે જ આપોઆપ આત્મસાક્ષ્ાાત્કારની-સંતત્ત્વની ભૂમિકાએ ભક્ત પહોંંચી જાય.
‘ગુજરાતી સંતસાહિત્ય/સંતકવિતા/સંતવાણીની પરિભાષાઓ’ વિશે એક પણ શબ્દ પાડતાં પહેલાં આપણે બૌદ્ધસિદ્ધોના દોહાકોશ, ચર્યાપદો, નાથયોગીઓના મત્સ્યેન્દ્રનાથ અને ગોરક્ષ્ાનાથ પ્રણીત દાર્શનિક ગ્રંથો, હિન્દુ, જૈન તથા બૌદ્ધ ધર્મોના તંત્રગ્રંથો, ષડ્દર્શન ગ્રંથો, પાતંજલ યોગદર્શન, યોગવાશિષ્ઠ, શાંકર વેદાન્ત, રામાનુજ, મધ્વ, નિમ્બાર્ક, રામાનંદના ભાષ્યો, શૈવ-શાક્ત-વૈષ્ણવ-તંત્રના ગ્રંથોમાં વર્ણિત સાધના પરંપરાઓની શબ્દાવલિ
ઉપરાંત વેદાચાર, વૈષ્ણવાચાર, શૈવાચાપ, દક્ષિણાચાપ, કૌલાચાપ, સિદ્ધંતાચાર, વામાચાર, મંત્ર, તંત્ર,યંત્ર, સ્વરોદય, શબ્દ સાધના કે નાદબ્રહ્મ ઉપાસના… વગેરેનું વર્ણન કરતાં સંસ્કૃત, પ્રાકૃત,અપભ્રંશની સાથોસાથ પાલિ, માગધી, બંગાળી, તિબેટીઅન, નેપાળી, બોડો, હિન્દવી, વ્રજભાષા, સધુક્કડી, સિંધી-કચ્છી, મરાઠી, કાશ્મીરી, પંજાબી, રાજસ્થાની ઉપરાંત દક્ષ્ાિણભારતની વિવિધ પ્રાન્તિય ભાષાઓ ઉપરાંત ફારસી અને અરબી ભાષાઓમાં લખાયેલા ગ્રંથો અને જૂના ગુજરાતી ગ્રંથો ઉપર આપણી પહોંચ પ્રમાણે અવશ્ય નજર નાખવી જ જોઈએ.
કોઈ એક જ સાધનાપરંપરામાં લૌકિક રીતે આપણા પ્રદેશમાં પ્રચલિત થયેલા શબ્દાર્થને આપણે અધિકૃત માનીને એના વિશે વાત માંડીએ એ તો અત્યંત ઉપરચોટિયું અર્થઘટન ર્ક્યું ગણાય. હજારો વર્ષથી તરી આવેલી ભારતીય અધ્યાત્મવિદ્યાની શબ્દાવલિમાં સમયાંતરે અર્થવિકાસ, અર્થસંકોચ અને અર્થાન્તરો થયા ર્ક્યાં છે.
ત્યારે વાણીના ચતુર્વિધ પરિમાણો: વૈખરી, મધ્યમા, પશ્યંતિ અને પરા મુજબની પરિભાષાના અર્થઘટનનો પ્રદેશ કોઈપણ અનુભવપ્રાપ્ત સિદ્ધ-સાધક સિવાય માત્ર ખોખલી વાણીનો વ્યવહાર બની રહે. વિશ્વની અનેક વિદેશી ભાષાઓમાં અને આપણે ત્યાંની વિધવિધ પ્રાન્તિય ભાષાઓમાં આજ સુધીમાં સંતસાહિત્ય-સંતસાધના વિશે અઢળક અભ્યાસો અને અર્થઘટનોનાં પ્રકાશનો થયાં છે, એટલે તો હું આવી સાધનાત્મક પરિભાષાઓના અર્થઘટન આપવાનું ટાળતો રહું છું…
અખંડ બ્રહ્મ કું ડાઘ ન લાગે, સંતો દેખો જ્ઞાન દિલ લાઈ રે.. હો..જી..
અખંડ બ્રહ્મ કું કર્મ ન બેસે, સંતો દેખ લો જ્ઞાન દિલ લાઈ રે હો ..જી..0
સંતો દેખ લો જ્ઞાન દિલ લાઈ રે હો ..જી..0
મહા મણિકું મેલ ન લાગે, તું સકલ છોડ ચતુરાઈ રે હો..જી..
અગ્નિકો ઉધઈ નવ લાગે, માંહી પડત સબ પરલાઈ..
સુધિ તલવા2 લોહ ગજવેલી, મહા સુખ મ્યાન બંધાઈ રે… હો..જી..
કાલ મૂળ સબ હી કું કાપે, વા મેં પાપ રતિ નાંઈ..
સંતો દેખ લો જ્ઞાન દિલ લાઈ રે હો ..જી..0
અંબુ માંહી પાવક નહિં પ્રગટે, કંચન કું ન લાગે કાંઈ રે… હો..જી..
ચંદન ઝાડ ભોરિંગ વિટાયા. મિટત નાંહી શીતલાઈ…
મહા જ્ઞાની મન નિજ ઘર પહોચ્યા, સૂરતિ સહજ શૂન્ય સમાઈ રે… હો..જી..
કહે રવિરામ કુસંગ ક્યા કરહી, જા કા દિલ બ્રહ્મ દરિયાઈ…
સંતો દેખ લો જ્ઞાન દિલ લાઈ રે હો ..જી..
આપણ વાંચો: અલૌકિક દર્શનઃ આધ્યાત્મિક ખજાનાને ખોલવાની ચાવી છે કુંડલિની શક્તિ…