
- ડૉ. બળવંત જાની
પુરોગામી નંદસંત કવિઓથી પ્રેમાનંદ, આગવું ભાવવિશ્વ અને વર્ણનવિશ્વ આલેખે છે. પ્રત્યક્ષ સેવાભાવનું સહજ રીતનું સામીપ્ય એમના જેટલું વિશેષમાત્રામાં અને સાતત્ય કોઈને સાંપડ્યું ન હતું. શ્રીહરિનું નિતાંત ભાવે એકનજરે પ્રત્યક્ષ નીકટપૂર્વકનું દર્શન, લયાન્વિત પદાવલિ દ્વારા પદમાં પ્રગટતું અવલોકવા મળે છે. જીવાત્મા અને પરમાત્માનો નાતો અત્યંત સૂક્ષ્મ-નાજુક એવા સ્નેહતત્ત્વથી જોડાયેલો હોય છે. પ્રેમાનંદ સ્વામી પ્રેમસખી બનીને પરબ્રહ્મ સ્વરૂપ સહજાનંદ સાથે તદાકાર-તાદાત્મ્ય સાધીને કામનાઓનું ભાવનિરૂપણ કરતા જણાય છે. ભક્તિશૃંગારનો આ વિચક્ષણ અને વિલક્ષણ ભક્તિરસ, રાધાકૃષ્ણના સંયોગશૃંગારથી ઓછો મધુર કે કમનીય નથી. અઢી અક્ષરનો પ્રેમ પ્રેમસખી પ્રેમાનંદની પ્રત્યક્ષાનુભૂતિથી સંપન્ન ભક્તિ શૃંગારનો વાહક બનીને પ્રગટયો જણાય છે, એટલે ડૉ. ચંદ્રકાન્ત ટોપીવાલાના એક નિરીક્ષણ સાથે સહમત થવાતું નથી. સંનિકટત્વ, શ્રદ્ધેય સમક્ષ સમર્પણભાવમાંથી પ્રગટતું સ્વાર્પણ, પ્રેમાનંદ-પ્રેમસખીનાં પ્રેમભક્તિમાર્ગી પદો, કીર્તનો અને ગરબીઓમાં નિહિત છે.
॥ જ્ઞાનમાર્ગી પદકવિતા ॥
પ્રેમસખી પ્રેમાનંદ શ્રીહરિની સતત સમીપ રહેતા હોઈને સંપ્રદાયના અધ્યાત્મલક્ષી સિદ્ધાંતો, સાધનાધારા અને તાત્ત્વિકપીઠિકા – જ્ઞાનમાર્ગથી પોતાની રીતે પરિચિત થયેલા. સંપ્રદાયની સ્થાપનાના દોઢેક દાયકા દરમિયાન ઘણું સાહિત્ય પણ રચાઈ ગયેલું. એના શ્રવણપાન અને સત્સંગથી પણ ઘણું સમજતા થયેલા અને પામી ગયેલા. `વચનામૃત’ કથન, સત્સંગ પ્રબોધન અને વિચરણનાં નિત્યસહવાસ તથા અંગત સેવા-શુશ્રૂષાથી ઘણું દત્તચિતે શ્રવણપાન, ચિંતન-મનનને કારણે એમણે રચેલા પદ્યસાહિત્યમાં જ્ઞાનમાર્ગી ગણી શકાય એવું સાહિત્ય પ્રેમલક્ષણામૂલક પદસાહિત્યથી મને આગવું અને અનોખું જણાયું છે. મને એમની પદરાશિનો અભ્યાસ કરતાં એમાં ત્રીધારા દૃષ્ટિગોચર થઈ છે. અંગત ભાવાનુભૂતિ, પ્રેમ ભક્તિમાર્ગી ભાવાનુભૂતિ અને જ્ઞાનમાર્ગી ભાવાનુભૂતિ એમ ત્રણ ધારા અવલોકવા મળે છે.
મનુષ્યમાત્રને કર્મફળ અનુસાર સ્થિતિને ભોગવવાની જ રહે. પણ પરમાત્મા એનામાં દૃઢભાવથી આશ્રિત થઈને રહેતા શ્રદ્ધાવાન હરિભક્તના કર્મફળ શ્રીહરિ પોતે હરણ કરી પોતાને માથે રાખે છે. સંપ્રદાયની આવી વિગતો શ્રીહરિ મુખે વચનામૃત ગઢડા મધ્ય 21 અને 29માં અવલોકવા મળે છે. પ્રેમાનંદજીએ એક પદમાં આ જ્ઞાનભક્તિમાર્ગને ગુંથી લીધેલ છે તેનો અંતિમ અંશ આસ્વાદીએ.
`હરિ પ્રકટ્યા ધરી એની ટેક રે,મારી કર્મની રેખ પર મેખ રે;
ઝાઝું શું કહી વર્ણવું વિશેક રે,પ્રેમાનંદના સ્વામી એવા એક રે.
પ્રેમાનંદે સંપ્રદાયની સિદ્ધાન્તમાર્ગી જ્ઞાનધારાને ભગવાન સ્વામિનારાયણના `વચનામૃત’ કથનને અનુસંગે ગરબીમાં ચોસર પદમાળા રૂપે અભિવ્યક્તિ અર્પી છે.
વચનામૃત ગઢડા મધ્ય-13 અનુસાર મારા હૃદયને વિશે જે આકાશ છે, તેમાં એકલું તેજ વ્યાપી રહૃુાં છે. અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. અને જે તેજને વિશે એક મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો.' તથા ગઢડા મધ્યઅંત્ય-32 મુજબ
ગુણાતીત એવું જે અક્ષરધામ, તેને વિશે જે મૂર્તિ છે. તે જ મૂર્તિ પ્રત્યક્ષ છે એ બેમાં ફેર નથી.’ આમ ભગવાન સ્વામિનારાયણ જ સ્વયં પોતાના સ્વરૂપ અને અક્ષરધામ વિશે કેટલીક ગ્ૂાઢ અધ્યાત્મિક વિગતો કહી તે વચનામૃત'માં છે. પણ બ્ૃાહદ વ્યાપક જનસમુદાય કે હરિભક્તોને માટે તેઓ ચાર ગરબીની ચોસરમાં નિરૂપે છે, એ એમની જ્ઞાનમાર્ગી અભિવ્યક્તિનું મને સુંદર ઉદાહરણ જણાયું છે. નીજસ્વરૂપની વિગતો પ્રેમસખી પ્રેમાનંદે શ્રીહરિના મુખે જ કથી છે એટલે મને તો એ રચનાઓ
વચનામૃત’નું પદ્યાત્મક રૂપ જણાઈ છે. મૂળે તો વચનામૃત ઉપરાંત શ્રીહરિએ અક્ષરધામ વિશેની રહસ્યાત્મક વાતો હરિભક્ત-અનુયાયીઓ સમક્ષ કહેલી એના શ્રોતા પ્રેમસખી પ્રેમાનંદ પણ હતા. એટલે આ ભાવવિશ્વની સામગ્રીના રચયિતા પ્રેમસખી છે. પણ ગરબીમાં કથક તો શ્રીહરિ છે. કથનકળાના સ્વરૂપની દૃષ્ટિએ પણ આ ચારેય ગરબીઓ તત્ત્વજ્ઞાનમૂલક સ્ૌદ્ધાન્તિક ધારાનો સંપુટ છે.
પ્રેમસખી પ્રેમાનંદ જ્ઞાનમાર્ગી છે એનાથી પૂરા પરિચિત છે પણ એ અખાની જેમ ઉપહાસ કરતા નથી. તત્ત્વનો-જ્ઞાનનો મહિમા ઓછો નથી આંકતા, પણ માત્ર એની ઉપાસના નહીં, સાથે સાથે એમાં ભક્તિભાવને પણ અનિવાર્ય ગણે છે.
`પઢે વેદ ખટ અંગ જુત, વારી વાંચે કથા પુરાન,
શ્યામ તુમારી ભક્તિ વિના, વારી કેવળ કલેશ નિદાન.
ગાવે છંદ પ્રબંધ પુનિ, વારી લે ઉચી તાન,
શ્યામ તુમારી ભક્તિવિના, વારી ગણિકા ભાંડ સમાન.’
અષ્ટ સિદ્ધિ નવનિધિ સબ, પુનિ મુક્તિ ચાર વિભાગ,
શ્યામ તુમારી ભક્તિ વિના, વારી લાગો સબમેં આગ..’ (423)
તત્ત્વનું (ટૂંપણું ચૂંથવું) એમ ન કહેતા કહે છે કે વેદ, છ દર્શન અને પુરાણનું પઠન અવશ્ય ભલે કરે પણ હે શ્રીહરિ-શ્યામ તમારી ભક્તિ વગર આ બધું કલેશકર બની રહે. વળી એમ પણ કહે છે કે છંદ, પ્રબંધ અને રાગ-ઢાળથી રસિક-શૃંગારસંપન્ન કીર્તનો ભક્તિભાવ શ્રીહરિ પરત્વે ન પ્રગટાવતા હોય તો એ ભાંડ-ભવાયા અને ગણિકા દ્વારા પ્રસ્તુત થતી ગાન સામગ્રી સમાન છે. અષ્ટસિદ્ધિ કે નવનિધિ હોય પણ એમાં ભક્તિવિહિનતાને કારણે એમાં આગ લાગે, બળી જાય એમ પ્રેમસખીને અભિપ્રેત છે.
જ્ઞાનનો ઉપહાસ નહીં અસ્વીકાર પણ નહીં રાગ-તાલયુક્ત ભાવગાનની પણ ઠેકડી, તો ઉડાડે કે જો તેમાં ભક્તિભાવ ન હોય તો, આમ પ્રેમસખીનો જ્ઞાનમાર્ગ ભક્તિભાવથી સંપન્ન જણાયો છે. જ્ઞાનમાર્ગનો ઉપાસક, ભાવક પણ અંતે તો એ ગાઈ ઊઠે છે કે,
`નીત સેવા, નીત કિરતન ભક્તિ
લક્ષ્મીનારાયણ મુખ ગાઈએ રે…’ 252
આ બધું છતાં `તું દેહ નહીં, તું આત્મા છે, બ્રહ્મરૂપ છે.’ આવા વેદ-વેદાંતના અધ્યાત્મ સંદેશને તેઓ પ્રસરાવતા-ગાતા અવલોકવા મળે છે. આ દેહના સગાસંબંધીઓ પરત્વે મમત્વભાવ નહીં, પરંતુ આત્મતત્ત્વના ઉપાસક સાધુ સંતો પરત્વે મમત્વભાવ પ્રગટે તો એમાં આત્મબુદ્ધિના પ્રાગટ્યનું ઘટક તેમને જણાયું લાગે છે. આવા દેહધારી ભક્તો માયાને તરી જાય છે. આવા મનોભાવને તેમણે પદમાં બહુ સ્પષ્ટ રીતે વણી લીધો છે.
આપણ વાંચો: વિશેષ : વિશ્વમાં અત્ર – તત્ર – સર્વત્ર શિવ હી શિવ!
`હે નાથ દેહના સંબંધી જનમાં, મમતા થાઓમાં કોઈ કાળ રે
નાથ અહં ને મમતા થાઓ સંતમાં, જે તમને વહાલા દયાળ રે…’ 791
સ્વામિનારાયણીય તાત્ત્વિક પીઠિકાના અનુસરણ દ્વારા પ્રગટેલી નીજ અનુભૂતિને, આત્મલક્ષી ભાવથી જ્ઞાનમાર્ગને પ્રગટાવતા તેમનાં પદો આવા કારણે ખરા અર્થમાં પ્રેમસખીછાપ પ્રગટાવતા જણાયા છે. કહો કે એમની ઓળખ બની ગયા છે.
પ્રેમાનંદસ્વામીના જીવનવિશેની વિવિધ પ્રકારની પ્રચલિત સામગ્રીનું એકત્રીકરણ કરીને એ બધી વિગતોનો એક સાથે પરિચય કરાવીને પરંપરિત સામગ્રીને આધારે એમના સંતજીવન ચરિત્રનો પૂરો આલેખ અહીં આપવાનું બન્યું એનો પરમ આનંદ છે. એમના વિપુલ સાહિત્યને અવલોકતા એમની પદમાળા-પદશૃંખલાઓ સ્વતંત્ર ગ્રંથનું રૂપ ધારણ કરતી હોય એવું જણાયું છે. પ્રેમાનંદે પદરાશિમાં જ આવા વિવિધ વિષયસામગ્રીના ભાવવિશ્વને આલેખ્યું છે. મેં એ ભાવવિશ્વને પૂર્વકાલીન-પૌરાણિક અર્થાત્ પ્રાચીન સનાતની અને તત્કાલીન અર્થાત સાંપ્રત સહજાનંદકાલીન એમ કાળ અને વિષયાનુસાર વર્ગીકૃત અભિગમને અનુસંગે એમના સાહિત્યની મહત્તાનો પરિચય કરાવ્યો. વિપુલ પદરાશિમાંની કૃષ્ણભક્તિ, પ્રેમલક્ષણાભક્તિ અને જ્ઞાનમાર્ગીધારા એમ ત્રિવિધ રીતે મૂલવીને એમણે પ્રગટાવેલા સૂર અને સ્વરને ઓળખાવવાનું બન્યું એનો આનંદ છે. મૂળે તો પ્રેમસખી શ્રીહરિમાં જ સેવારત. આ દરમ્યાન, જોયું, અનુભવ્યું અને સત્સંગમાં સાંભળ્યું એના સ્વર અને સૂરગંગાના પાવનકારી પ્રવાહનું પૂર તેમણે વર્ણવ્યું-વહાવ્યું એમાંથી ચાંગળૂક, અંજલિરૂપે પ્રસ્તુત કરી શકાયાની પ્રસન્નતા સાથે જય શ્રી સ્વામિનારાયણ. (સમાપ્ત)