આચમન : દસે દિશાઓમાં પ્રભુનો વાસ… | મુંબઈ સમાચાર

આચમન : દસે દિશાઓમાં પ્રભુનો વાસ…

અનવર વલિયાણી

એક સત્ય જે સનાતન છે, કદી પણ મિથ્યા થતું નથી એ છે કે પ્રભુને માનવીમાં જે નિહાળે છે તે કદી કોઈ માનવીને જરાયે હેરાન પરેશાન કરે નહીં. હેરાન કરવાની કલ્પના પણ નહીં કરે કારણ કે એ જાણે છે કે એ માનવીને હેરાન કરવાથી પોતે પ્રભુને હેરાન કરી રહ્યો છે.

  • પ્રભુને હેરાન કરવાની કોઈ હિંમત કરે નહીં.
  • દરેક માનવીમાં પ્રભુને જ નિહાળનાર ઉચ્ચ કોટિના સંત હશે.
  • દરેક માનવીમાં પ્રભુનું દર્શન કરનાર માનવ પ્રભુમય જ બની જાય છે.
  • ત્યાર પછી કોઈ માનવીની લાગણી એ કદી દુભાવશે નહીં.
  • બીજા કોઈની લાગણીને પોતાનાથી દુ:ખ પહોંચે એવું લાગશે ત્યારે તેને ઘણું દુ:ખ થશે.
  • જીવનમાં ડગલે ડગલે છે પ્રભુ.
  • જે વ્યક્તિનું જીવન પ્રભુમય બને છે તેના જીવન તરફ નજર કરતાં જણાશે કે એ જે કાંઈ કરે તે પ્રભુને અર્પણ કરતો હશે.
  • એની દરેક પ્રવૃત્તિ પ્રભુમય હશે.
  • શહેનશાહ અકબરના દરબારમાં અકબરના મુખે કવિ કહેવડાવે છે કે,
  • પૃથ્વીનો પ્રભુ દસે દિશાઓમાં છે.
  • પ્રભુ હિંદુઓનો જ નથી, પ્રભુ ઈસ્લામીઓનો જ નથી. પ્રભુ માનવજાતનો છે.
  • પ્રભુ કોઈ એક દિશામાં જ નથી. પૂર્વમાં કે પશ્ચિમમાં જ છે કે ઉત્તર કે દક્ષિણમાં જ છે. એવું નથી.
  • પ્રભુ દસે દિશાઓમાં છે. તેથી સૂતી વેળા કોઈ દિશામાં જ માથું રાખીને સૂવું, તે દિશા તરફ પગ થાય નહીં, આવી માન્યતાઓનું ખંડન કરતાં કવિ ઉપર કહ્યા મુજબ શહેનશાહ અકબરના મુખે કહે છે કે,
  • પ્રભુ તો દસે દિશાઓમાં છે.
  • કોઈ એવી દિશા નથી જ્યાં પ્રભુ નહીં હોય.
  • એટલે જ કાંઈ કરીએ ત્યારે દિશાને મહત્ત્વ આપવાનો બદલે પ્રભુને સમર્પણ કરીએ.
  • એ જે દિશામાં હોય ત્યાં એને આપણું પૂજન, આપણી પ્રાર્થના પહોંચે.
  • સાચા દિલનું પૂજન, સાચા દિલની પ્રાર્થના- ઈબાદત એ હંમેશ સ્વીકારે છે.

બોધ:

  • પ્રભુ કોઈ એક ધર્મનો નથી. એ સમસ્ત માનવજાતનો છે.
  • પ્રભુ મારો જ છે, તમારો નથી એવી માન્યતા રાખીને ખોટા ઝઘડા કરવા જોઈએ નહીં.
  • માનવજાતને ઈશ્વરે સર્જી છે. સહુ એનાં સંતાનો છે.
  • માતા પિતાને મન બધાં જ સંતાનો સરખા.
  • તેમ પ્રભુને મન પણ બધા જ માનવો સરખા.
  • કોઈ વચ્ચે એ ભેદ રાખતો નથી.
  • માનવી પોતાની જાતે જ ભેદ પાડતો રહે છે અને એ જાતે જ ભેદરેખા પાડે છે અને એમાંથી એ બહાર આવી શકતો નથી.
  • પ્રેમપંથની ને પ્રભુ પંથની પહેલી મજલ મૃત્યુ સમોવડી છે, સહુએ એકલા ખેડવાની છે.

-પ્રેમપંથના પ્રવાસીઓ જાણે છે કે એમની પ્રણયયાત્રામાં તેઓ બીજા કોઈને ભાગીદાર બનાવી શકતા નથી. એ પંથ તેમણે એકલાએ જ ખેડવો પડે છે.

આ પણ વાંચો…આચમન : માનવતાનો સ્તંભ: સમભાવ

  • તેવું જ પ્રભુ પંથના પ્રવાસીઓનું છે.
  • પ્રભુને પામવા માટે માનવીએ જાતે જ મહેનત કરવી પડે છે. બીજું કોઈ એન્ાા માટે પ્રભુને પામવાની મહેનત કરી શકે નહીં.
  • બીજા કોઈ એજન્ટ કે વકીલ રોકીને પ્રભુને પામી શકાય નહીં.
  • તેમાંય પ્રેમપંથ કે પ્રભુપંથ પરથી મંજિલે પહોંચવાનું કામ ઘણું કપરું હોય છે.
  • એમાં કોઈવાર મૃત્યુને પણ ભેટવું પડે છે.
  • પ્રેમીઓ પ્રેમ ખાતર પ્રાણ ન્યોછાવર કરતાં પણ ડરતા નથી.
  • મીરાંબાઈને રાણાજીએ ઝેરનો પ્યાલો મોકલ્યો એ પીવાથી મૃત્યુ થશે એવું જાણવા છતાં મીરાંબાઈ ઝેર ગટગટાવી જાય છે.
  • મૃત્યુની તકલીફ દેહની બદલી કરવાની તકલીફ છે. પરંતુ જો આ સાચી સમજ પ્રાપ્ત થઈ હોય તેને તકલીફ પણ તકલીફ નહીં લાગે.
  • આ પ્રથમ પળ પસાર થઈ જાય પછી મન મસ્ત બની જાય છે.
  • ફકીરી પોતે અમીરી બની જાય છે.
  • વિરાટને પામવા તડપતું જીવન ભવ્ય બની જાય છે.

    આ પણ વાંચો…આચમન: પૈસો ઊંઘ, આરોગ્ય, ભૂખ કે સાચું સુખ આપી શકતો નથી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button