ધર્મતેજ

ફોકસઃ આ મંદિરનાં ભગવાન વ્યાપારમાં ભાગીદાર બને છે!

  • કવિતા યાજ્ઞિક

તનકી જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરી
સાંવરિયા સેઠ સે ક્યા છિપાવે, જિસકે હાથ સબકી ડોરી!

ભગવાનની પ્રશંસામાં લખાયેલ આ પંક્તિઓ જે મંદિરના અધિપતિ દેવ માટે લખાઈ છે, આજે એ મંદિરની વાત કરવી છે. એ મંદિર છે શ્રી સાંવરિયા (કે સાંવલિયા) શેઠનું. દંતકથાઓ અનુસાર, સાંવલિયા શેઠ એ જ ગિરધર ગોપાલ છે જેની મીરાં બાઈ પૂજા કરતા હતા. તે સમયે, મીરાબાઈ, સંતો અને ઋષિઓના સમૂહમાં આ મૂર્તિઓ સાથે મુસાફરી કરતા હતા. દયારામ નામના સંત પણ આ મૂર્તિઓ ધરાવતા લોકોમાંના એક હતા.

એવું કહેવાય છે કે જ્યારે ઔરંગઝેબની સેના મંદિરોનો નાશ કરી રહી હતી, ત્યારે મુઘલ સૈનિકોને મેવાડ પહોંચ્યા પછી આ મૂર્તિઓ વિશે ખબર પડી. મુઘલોના હાથમાં મૂર્તિઓ આવે તે પહેલાં જ, ભગવાનની પ્રેરણાથી સંત દયારામે આ મૂર્તિઓને બાગુંડ-ભાદસોરાના છાપરમાં એક વડના ઝાડ નીચે ખાડામાં દાટી દીધી હતી.

દંતકથાઓ અનુસાર, 1840 માં, માંડફિયા ગામના રહેવાસી ભોલારામ ગુર્જર નામના ગોપાલને સ્વપ્ન આવ્યું કે છાપરમાં ભગવાનની ત્રણ મૂર્તિઓ જમીનમાં દટાયેલી છે. જ્યારે તે જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું, ત્યારે સ્વપ્ન સાચું પડ્યું અને ત્યાં ત્રણ મૂર્તિઓના દર્શન થયા. આ ત્રણ મૂર્તિઓને અનુક્રમે ગામ ભાદસોરા, માંડફિયા, છાપરીયામાં સ્થાપિત કરવામાં આવી. તેમાંથી ચિત્તોડગઢની નજીક આવેલા માંડફિયા ગામનું મંદિર સાંવલિયા સેઠના મંદિર તરીકે અતિ પ્રસિદ્ધ થયું. આ મંદિર અત્યંત ચમત્કારી માનવામાં આવે છે. ખાસ કરીને વ્યાપાર અને ધનની મુશ્કેલીઓ અહીં માનતા માનવાથી દૂર થાય છે તેવી અતૂટ માન્યતા છે.

કહેવાય છે શેઠોના શેઠ
ઉદયપુર અને આસપાસના વિસ્તારોમાં, ખાસ કરીને વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં,સાંવલિયા સેઠ ખૂબ જ આદરણીય છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ પોતાનો વ્યવસાય કે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા સાંવલિયા શેઠની મુલાકાત લે છે અને તેમની પ્રાર્થના કરે છે, તેને ચોક્કસપણે સફળતા અને સમૃદ્ધિ મળે છે. રોકાયેલો કારોબાર પણ ચાલવા લાગે છે. તેથી તેમને શેઠોના શેઠ કહેવાય છે. જોકે કહેવાય છે ઈમાનદારી સાથે વેપાર કરનારને જ સાંવલિયા સેઠ પાસે કરેલી માનતા ફળે છે.

ભગવાન બને છે ભાગીદાર
સાંવલિયા શેઠના મંદિરમાં વેપારીઓ કોઈપણ નવું કાર્ય શરૂ કરતા પહેલા માનતા માનવા આવે છે. લોકો અહીં એવી માનતા માને છે કે વેપારમાં જેટલો નફો થશે તેમાં ભગવાનને ભાગીદારી આપશે. માની ન શકાય તેવી વાત છે, પણ હકીકતમાં અહીં વેપારીઓ પોતાની શક્તિ અને ભક્તિ અનુસાર 10 ટકા થી લઈને 25 ટકા સુધીનો નફો પણ ભગવાનને દાન કરે છે! હું સ્વયં આ મંદિરના દર્શને ગઈ ત્યારે અમારી ગાડીના ડ્રાઈવરે કહ્યું હતું કે અહીં ચોરી-લૂંટફાટ કરનારા પણ માનતા માનવા આવે છે કે પોતે ચોરીના માલ સાથે પકડાઈ નહીં જાય તો મુદ્દામાલમાં ભાગીદારી આપીશું બોલો!!

ત્યારે થયેલું કે એવું તે કંઈ હોતું હશે?! પણ 2024માં હકીકતમાં વર્તમાનપત્રમાં સમાચાર વાંચ્યા કે ઈંદોરના બે ચોર ઘઉં ભરેલી ટ્રક ચોરી કરીને ભાગી ગયેલા. તેમણે સાંવલિયા શેઠની માનતા માની હતી કે સફળ થઈશું તો દસ હજારનું દાન આપીશું. એ લોકો સફળ પણ થયા. પણ ઈંદોર થી સાંવલિયા શેઠ માનતા પૂરી કરીને દસ હાજર ચઢાવવા જતી વખતે પકડાઈ ગયા! 2025માં આવા જ કોઈ એક ભક્તે શ્રી સાંવલિયા શેઠને ચાંદીની બંદૂક, ગોળીઓ અને લસણની બે કળી ભેટમાં આપી હતી!

એક વેપારીને પેટ્રોલ પંપના ધંધામાં મનોવાંછિત ફાયદો થતાં તેણે ચાંદીનું પેટ્રોલપંપ બનાવીને સાંવલિયા શેઠના ચરણે ભેટ કર્યું હતું. કેટલાકે મોબાઇલ ફોન અર્પણ કર્યા છે, કેટલાકે ભગવાનને હાથકડી, વિમાન, ટ્રેક્ટર, ઘર અને પોતાનો ખેતીનો સંપૂર્ણ પાક પણ અર્પણ કર્યો છે. આવી છે સાંવલિયા શેઠની અદ્ભુત આસ્થા. દરેક મંદિરમાં એક દાન પેટી હોય છે. પણ સાંવલિયા શેઠ મંદિરમાં ભગવાનની સામે મંદિરની મધ્યમાં મોટો પટારો રાખવો પડ્યો છે.

કારણકે તેમાં લોકો હજારો અને લાખો રૂપિયા રોકડા દાનમાં અર્પણ કરી જાય છે. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ભંડાર ખોલ્યો તો હજાર કે લાખ નહીં અધધ 19 કરોડ રૂપિયા નીકળ્યા હતા! ઉપરાંત 95 કિલો ચાંદી નીકળી.

ક્યાંય ન સાંભળી હોય તેવી એક વાત હજી બાકી છે! પોતાની ઇચ્છા પૂર્ણ થયા પછી, એક ભક્તે સાંવલિયા શેઠને પોતાના કાનૂની ભાગીદાર બનાવ્યા છે. તેમણે સ્ટેમ્પ પેપર પર ઔપચારિક કરાર પણ કર્યો છે. કરાર મુજબ, તે દર મહિને જે પણ નફો કમાય છે, તેમાંથી 10 ટકા ભાગ સાંવલિયા શેઠ મંદિરને દાન કરશે. આ કરાર મંદિરના દાન ભંડારમાંથી નીકળ્યો છે. જોકે, મંદિરના ટ્રસ્ટે આ ભક્તની ઓળખ ગુપ્ત રાખી છે.

આપણ વાંચો:  ભજનનો પ્રસાદઃ વેલનાથની વ્યક્તિમત્તાને આલેખતું ચરિત્રાત્મક ભજન

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button