ધર્મતેજ

ગીતા મહિમા : ગીતા કહે છે કે, કામનાઓની પૂર્તિ ક્યારેય થતી જ નથી.

-સારંગપ્રીત

ગત અંકમાં દિવ્ય ગુણોથી મોક્ષની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ કામ રૂપી શત્રુથી ચેતવે છે.

ગીતા કહે છે કે, કામનાઓની પૂર્તિ ક્યારેય થતી જ નથી.

મહાભારતમાં એક કથા છે. યયાતિ કુરુવંશના પૂર્વજ હતા. યયાતિ વીર પુરુષ તેમ જ યોદ્ધા હતા, પરંતુ કામનાઓથી ગ્રસિત હતાં. તેમની પત્ની દેવયાનીના પિતા શુક્રાચાર્યે તેમને શાપ આપેલો કે તારું યૌવન જતું રહેશે. યયાતિને બહુ ચિંતા થઈ કે યૌવન નહીં હોય તો કામનાઓની પૂર્તિ કઈ રીતે થશે? જ્યારે તેમણે શુક્રાચાર્યને શ્રાપ પાછો લેવા કહ્યું ત્યારે શુક્રાચાર્યે કહ્યું કે જો કોઈ તારું વૃદ્ધત્વ લેવા તૈયાર થશે તો તારું યૌવન તને પાછું મળશે. યયાતિએ પોતાના બધાં પુત્રોને વૃદ્ધત્વ લેવા માટે પૂછ્યું. પૂરુ નામનાં તેમના પુત્રે તેમનું વૃદ્ધત્વ લઈ લીધું. અહીં સમજવાની વાત એ છે કે બધું ભોગવી લીધા પછી પણ કામનાઓની પૂર્તિ તો થતી જ નથી. ગમે તેવા સમર્થ પણ કામની આગળ હારી જાય છે. કામની એ તાકાત છે. ગમે તેવાને ભૂલા પાડી દઈ શકે છે. કામના આવેગો ઘોડાપૂર કરતાં પણ વધારે બળવાન છે. જે કામને શાંત રાખે છે ને એના પર શાસન કરી શકે છે, તે જ ઋષિપદને પામીને પરમાત્માને ઓળખી શકે છે.

संकल्पात् जायते काम ः, सेव्यमानो विवर्धते|
સંકલ્પથી કામ ઊપજે છે, સેવવાથી વધે છે. માટે વિષયના સંકલ્પ ન કરવા, સંકલ્પો કરતા રહેવાથી કામ વધતો જાય છે.

કોઈપણ વિષય જેવા કે કામ, ક્રોધ, લોભ વગેરેની શરૂઆત ઈન્દ્રિયો અને વિષયોના સંપર્કથી થાય છે. જેમ કે, આપણે કોઈ દૃશ્ય જોયું અને આપણને તે ગમ્યું. ત્યારથી એની વાસના શરૂ થઈ જાય છે. કોઈ સુંદર ફરવાની જગ્યા આપણે જોઈએ અને આપણને તરત ત્યાં જવાની ઈચ્છા થઈ જાય છે.

આ પણ વાંચો…ગીતા મહિમા : તમે વિશિષ્ટ છો !

અરે, કોઈ સરસ વાનગી વિશે સાંભળીએ કે વાનગીનું ચિત્ર પણ જોઈએ તો પણ આપણને તરત જ તે ખાવાની ઈચ્છા થઈ જાય છે. વિજાતીય આકર્ષણ કામની જ અભિવ્યક્તિ છે. અને અહીંથી જ પતનની શરૂઆત થાય છે. પછી આગળ મન અને બુદ્ધિમાં પણ એ જ વિષયો વસી જાય છે. ઇન્દ્રિયો જે વિષયોને ગ્રહણ કરે છે તે મન પર અંકિત થઈ જાય છે અને પછી બુદ્ધિ તેને પામવા માટેનાં પ્રયત્નો ચાલુ કરે છે. ઇન્દ્રિય, મન અને બુદ્ધિ ત્રણેય જગ્યાએ આ કામ-રૂપી શત્રુઓ પોતાનો અડ્ડો જમાવીને બેસી જાય છે અને જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત કરે છે. પોતાનાં આત્મસ્વરૂપને ભૂલીને પોતાને જ દેહ સમજી બેસે છે અને દેહના વિષયોને સંતોષવાનો પ્રયત્ન કરે છે. દેહ છોડવાનો સમય આવી જાય ત્યાં સુધી વિષયો પાછળની આ દોડાદોડ ચાલુ જ રહે છે.

વૃદ્ધ શરીરમાં પણ કામના અને ભોગની ઇચ્છા સુષુપ્ત રહે છે. આજ કાલ લગ્ન પહેલા પ્રીવેડિંગ ફોટોશૂટ/વીડિયોશૂટ થાય છે. કેટલાક જૂના લોકોને કહેતાં સાંભળ્યા હશે: કે યાર.. કેવું જોરદાર હોય છે. આપણી વખતે આવું કશું જ નહોતું. એમ તે તેનો અફસો….સ કરે છે. આમ, લોકો જે પહેલાં નથી કરી શક્યાં એ કરવા માટે સેક્ધડ ઇનિંગના નામે તે ભોગવવા માટે તૈયાર જ છે!

અરે! સેક્ધડ ઇનિંગનો અર્થ આમ બાકી રહી ગયેલું હવે ભોગવવું એવો નથી, પરંતુ એ છે કે હવે આપણે આપણા મનને સંસારમાંથી કાઢીને ઈશ્વર સાથે એકરૂપ કરવાનો સમય આવી ગયો છે. સંસારની મોહજાળમાંથી છૂટા પડવાનું છે. સાંસારિક જવાબદારીઓમાંથી મુક્ત થયા પછી શાંત ચિત્તે ઈશ્વર સાથે તદ્રૂપ થવું, તેની સેવા કરવી, સત્સંગ કરવો, પૂજાપાઠ કરવા. મૃત્યુ ક્યારે આવશે એની ખબર નથી એટલે જલદી હું મનુષ્ય જન્મને સાર્થક કરી લઉં.

કામનાઓની પૂર્તિ કરવાથી શક્તિનો વ્યય થાય છે અને તૃષ્ણામાં વૃદ્ધિ થતી રહે છે. આ પરિસ્થિતિમાં માણસની પચાવવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય છે, પરંતુ સ્વાદના ચટાકા ઓછા થતા નથી. આંખો નબળી થઈ ગઈ હોય છે પરંતુ જોવાની લાલસા રોકી શકતા નથી. તેથી જ ભગવાન કહે છે કે કામને તું તારો દુશ્મન સમજ. ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામાં આપણને પોતાની જાતને, સૃષ્ટિને અને આપણી વૃત્તિને સમજવાની સમજ આપે છે, દૃષ્ટિ આપે છે.

મહંત સ્વામી મહારાજ પણ કહે છે કે ‘કામનો અંત નથી. સંયમ અને નિયમથી જ જીવન સુખી બને છે.’ એ સદુપદેશ યાદ રાખીને એને સાર્થક કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો જીવન ઉજ્જવળ બને એમાં સંદેહ નથી.

આ પણ વાંચો…ગીતા મહિમા : હૃદયની વિશાળતા દરિયા જેવી હોય એવા માણસનો આ જગતમાં કોઈ શત્રુ હોતો નથી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button