માનસ મંથન: ગીતાએ એક નવો જ સંન્યાસ ઊભો કર્યો છે

-મોરારિબાપુ
ભગવાન શ્રીકૃષ્ણના વચનામૃત,અધરામૃત જે કહો તે, જેમાં ગ્રંથસ્થ થયા છે એવા પરમ પાવન સદ્દગ્રંથ ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ ને પ્રણામ. આમ તો ગીતાજયંતીનો એક વિશેષ આનંદ આપણને હોય જ છે. પણ એક દિવસ હું મોડો આવ્યો તોયે ખબર નહીં પણ કંઈક વિશેષ આનંદ આવ્યો છે.
ગીતાના સંદેશની વાત અહીંથી કહેવાની હોય છે. કોઈપણ નિર્ણય યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિના કહેવાથી, પરમ યોગ્યના ચરણમાં સ્થાપવાનો ગીતાનો એક મહિમાવંત સંદેશ છે. કોઈપણ નિર્ણય કોઈ એવી યોગ્ય વ્યક્તિના કહેવાથી અને એ પરમ યોગ્ય વ્યક્તિના ચરણમાં એ નિર્ણયને સ્થાપિત કરી દેવો. ડામાડોળ થયા વગર તમામ ભટકનને મૂકી દઈને એવો એક નિર્ણય કરી લેવો બાપ, એને ગીતાના આધારે, સદ્દગુરુની કૃપાના આધારે, સંતો અને વિદ્વાનો પાસેથી સાંભળ્યું હોય અને ગ્રંથ અવલોકન કર્યું હોય એના આધારે અને કંઈક અનુભવના આધારે મોરારિબાપુ એમ માને છે કે, એ ગીતાનો એક મહત્ત્વનો સંદેશ છે.
ગીતાએ ઘણી વ્યાખ્યાઓ આપી. ગીતાની એક વ્યાખ્યા મને બહુ ગમે, હું અવારનવાર કહું છું કથાઓમાં કે, ગીતાએ એક નવો સંન્યાસ ઊભો કર્યો. આપણે ત્યાં સંન્યાસના ઘણા પ્રકાર, એને બધા ને એક વિશિષ્ટ શીલવંત નામ આપવામાં આવ્યું છે. પણ ગીતાએ એક સંન્યાસ ઉત્પન્ન કર્યો અને એ છે નિત્ય સંન્યાસ. જે સાધકને કોઈ કામના ન હોય અને કોઈના તરફ દ્વેષ ન હોય એવો સાધક નિત્ય સંન્યાસી છે.
આ પણ વાંચો…માનસ મંથન: જેમણે ‘રામચરિતમાનસ’માં બરાબર પ્રવેશ નથી કર્યો તેમને એમાં મર્યાદા દેખાય છે
ज्ञेय स नित्य सन्यासी यो न द्वेष्टि न कांक्षति|
હાફ પેન્ટ ભલે પહેર્યું હોય ,પેન્ટ શર્ટ ભલે પહેર્યું હોય.. ભગવા ભલે ન હોય સફેદ હોય, જે રંગના હોય તે પણ આપણે આપણી જાતને પૂછીએ કારણ કે, મારી દૃષ્ટિમાં રામાયણે ત્રણ પ્રકારના જીવોની ચર્ચા કરી છે. એ ત્રણેય દર્શન પ્રદ્ધતિ બીલગ છે.
बिषई साधक सिद्ध सयाने| त्रिबिध जिव जग बेद बखाने॥
તો બાપ, ત્રણ પ્રકારના જીવોની શ્રેણી ‘રામચરિતમાનસે’ કહી છે. એમાં આપણે બધા આવતા હોઈએ મોટે ભાગે. એક વિષયી,બીજા સાધક અને બહુ જ ઉપર એ સિદ્ધ. આ ત્રણેયના દર્શનની રીત જુદી છે. પોતાની છાયામાં પોતાને માપે એ વિષયી છે કે, મારો પડછાયો કેટલો લાંબો? એમ પોતાના વ્યક્તિત્વની વાતો પોતે જ કરે. એનો નિર્ણય પોતે લઇ લે, સમાજમાં એ રીતે પોતાનું વ્યક્તિત્વ સ્થાપવાનો બહુ જ કુનેહપૂર્વક પ્રયાસ કરે એ વિષય દર્શન છે. જે છાયામાં પોતાને માપે.
ખલીલ જિબ્રાનની પેલી લોમડીની વાત. એ પોતાનો પડછાયો જોઇને વારંવાર વિચાર કરે છે મારે તો આટલો ખોરાક જોશે ને મારે તો આટલો બધો ખોરાક જોશે. આખરે સૂરજ માથે આવ્યો ને છાયાઓ સમાપ્ત થઈ ત્યારે એને એમ થયું કે મારે કાંઈ આટલું બધું જોતું નથી.
આ છાયામાં આપણે જયારે આપણી જાતને માપીએ છીએ તો બાપ, મોટેભાગે પડછાયામાં આપણે આપણું દર્શન કરીએ છીએ. પણ જે સાધક છે એ પડછાયામાં પોતાને માપતો નથી પણ એ દર્પણમાં પોતાને જુએ છે.
પોતાના મનરૂપી દર્પણમાં એ પોતાને જુએ છે, અથવા તો સ્થૂળરૂપે પોતાને જુએ છે કે હું કેવો છું? પણ દર્પણેય ક્યાં સાચું દેખાડે છે !બગડી ગયું હોય, ધૂળધુસરિત હોય, અથવા તો ઘણા એવાંય દર્પણ આવે કે આપણા મોઢા બહુ લાંબા દેખાડે. આપણે હોઈએ બરાબર ઊંચા પણ આપણને બહુ ઠીંગણા દેખાડે.
આપણને બહુ જ ઊંચા દેખાડે, આપણને બહુ જ ફૂલેલા દેખાડે. આપણા ચહેરા કદાચ વિકૃત પણ દેખાડે. આવાં દર્પણો પણ આપણે જોયા છે. એટલે દર્પણ ઉપર પણ બહુ ભરોસો નથી મૂકી શકાતો. આપણું મન દર્પણ કહીએ તો, આપણું મન એ ક્યાં સાચું દર્શન કરાવે છે સાહેબ? ક્યારેક મન આપણને સંતોષ આપી દે કે, નહીં નહીં ભાઈ તું તો મહાન છે! પણ બહુ ભરોસો ન કરાય સાહેબ. અંગદ જ્યારે રાવણને એમ કહે છે કે, તું કયો રાવણ?
મારા પિતાએ કાંખમાં દબાવ્યો એ તું? ધનુષયજ્ઞમાં મુખભર પડ્યો એ તું? તું કયો રાવણ છે એ તો કહે મને! બલિરાજાને જીતવા પાતાળમાં ગયો અને બાળકોની સાથે એને બાંધી દીધો, બાળકોનું રમકડું બનાવી દીધો એ તું રાવણ? પણ બહુ વિચારવા જેવું વક્તવ્ય રાવણે આપ્યું કે,અંગદ, હે વાનર, હું કયો રાવણ છું એ બીજાની સાથે, બીજાના અભિપ્રાય ઉપર નક્કી ન કર. હું કયો રાવણ છું એ હું જ કહીં શકું. રામ પણ કોણ છે એ રામ જ કહીં શકે
.
ત્રીજું દર્શન છે તે છે આત્મદર્શન. જે સિદ્ધ લોકો કરતા હોય છે. એને જે દેખાય છે. તો, મારે જે કહેવું છે તે એ છે કે, આપણે યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિની પાસે આખરી નિર્ણય કરી શકીએ છીએ. એ આપણે નથી કરી શકતા અને પરિણામે ભગવાન કૃષ્ણ મને ને તમને જે સન્માન આપવા માગે છે, એક જીવનો આદર કરવા પ્રભુ માગે છે, પછી એને પીડા થાય છે કે મારે આને સન્માન આપવું છે પણ આ આટલી વસ્તુ કરી શકતો નથી. એટલે સંન્યાસીની વ્યાખ્યા સરસ આપી કે, જેને કોઈ આકાંક્ષા નથી, કોઈનો એ દ્વેષ કરતો નથી એ સંન્યાસી. કાયમનો સંન્યાસી.
એ વ્યક્તિને તમે સાધુ કહીં શકો. ભલે ગમે તે કપડાંમાં હોય, ગમે તે વર્ણ હોય, ગમે તે સાધના પદ્ધતિમાં એ જીવતો હોય, ગમે તે વ્યવસાયમાં હોય, ગમે તે દેશમાં હોય, પાતાળમાં હોય, આકાશમાં હોય, પૃથ્વી પર હોય કે બ્રહ્માંડોની અનંત શૃંખલામાં ગમે ત્યાં હોય, પણ એ સાધુ કહેડાવવાને યોગ્ય છે. આવી એક સાધુની વ્યાખ્યા ભગવદ્ ગીતાકારે આપી. અને એ મને બહુ ગમે છે.
- સંકલન :જયદેવ માંકડ
આ પણ વાંચો…માનસ મંથનઃ આપણી ધરતીનું પર્યાવરણ પ્રદૂષિત ન થાય તે જોવાની આપણા સૌની ફરજ છે…



