ચિંતન : કૈલાસને જીતવાની ઈચ્છા! | મુંબઈ સમાચાર

ચિંતન : કૈલાસને જીતવાની ઈચ્છા!

  • હેમુ ભીખુ

હમણાં સાંભળ્યું કે ભૂતકાળમાં કેટલાક પર્વતારોહકોએ શિવજીના નિવાસ્થાન કૈલાસ પર્વતને સર કરવાનો પ્રયત્ન કરેલો. આ પ્રયત્ન દરમિયાન જેમ જેમ તેઓ ઉપર ચડતા ગયા તેમ તેમ તેમના નખ અને વાળ અકલ્પનીય માત્રામાં વધતા ગયા. સાથે સાથે તેમના શરીરમાં વિકારો પણ પ્રવેશતા ગયા. મારી સમજ પ્રમાણે આ એક વિશેષ પ્રકારના સમયખંડની અસર ગણાય. મારી બુદ્ધિ પ્રમાણે હું એમ કહી શકું કે આ પર્વતારોહકોનું આયુષ્ય એકદમ વધતું ગયું હશે. પૃથ્વીના અન્ય ક્ષેત્રમાં નખની જે લંબાઈ વધતા મહિનો લાગે તે ત્યાં એક દિવસમાં વધી જતા હશે. અર્થાત્‌‍ પૃથ્વીનો એક મહિનો તેમની માટે એક દિવસ સમાન બની ગયો. આને પરિણામે વૃદ્ધત્વ પણ તેમને જલદી પ્રાપ્ત થયું હશે. પૃથ્વી પરના સમયના માપદંડ પ્રમાણે પર્વતારોહકોના શરીરમાં થતા ફેરફાર વિકાર લાગે પરંતુ હકીકતમાં તે તેમના વૃદ્ધત્વ તરફનું તેમનું આ અતિ ઝડપી પ્રયાણ હશે. કૈલાસ ને ચડવાની મહેચ્છા પડતી મૂકી બધા પાછા આવેલા અને ટૂંકા સમયગાળામાં મૃત્યુ પામેલા. અર્થાત્‌‍ તેમનું આયુષ્ય ઝડપથી પૂર્ણ થયેલું.

એમ કહેવાય છે કે, ચીનની સરકારે હેલિકોપ્ટર દ્વારા કૈલાસના શિખરને સર કરવાનો પ્રયત્ન કરેલો. તેમાં પણ નિષ્ફળતા મળેલી. પછી તો આ પ્રયત્નો છોડી દેવાયા અને હવે આ માટે કોઈને મંજૂરી પણ નથી અપાતી. કોઈક શક્તિ તો છે જ કે જે કૈલાસ શિખર સુધી પહોંચવાની મંજૂરી નથી આપતી. કોઈ એવી ચોક્કસ વ્યવસ્થા છે કે જેનાથી કાળા માથાનો માનવી ત્યાં પહોંચી શકતો નથી. સ્વાભાવિક છે કે આવી વ્યવસ્થા માનવીય ન હોઈ શકે. આવી વ્યવસ્થા સ્થાપિત યાંત્રિક કે વૈજ્ઞાનિક પણ ન હોઈ શકે. આ વ્યવસ્થા અતિ માનવીય ગણાય – દૈવી ગણાય.

પર્વતારોહકો અને ચીની સરકારના નિષ્ફળ પ્રયત્નો બાદ, કૈલાસ પર્વત ઉપર કોઈ દૈવી અસ્તિત્વની હયાતી હોવાની સંભાવના હવે વિજ્ઞાને પણ સ્વીકારી છે. માનવીય ક્ષમતાની બહારનું આ ક્ષેત્ર છે. માનવીય બુદ્ધિની પહોંચની બહારનો આ વિષય છે. સ્થૂળ માનવીય અસ્તિત્વનું આ ક્ષેત્ર નથી. માનવીય અશુદ્ધિનું અહીં સ્થાન નથી. આ ક્ષેત્રમાં પહોંચવા માટે તે પ્રકારની ક્ષમતા ધારણ કરવી પડે. શક્ય છે કે અહીં એટલી ઊર્જા હશે કે માનવી તેને સહી ન શકે. માનવીના ભલા માટે જ તેને રોકી રખાતો હશે.

આ પણ વાંચો…ચિંતન : નેતિ એટલે ન ઇતિ, અર્થાત આ નહીં-હેમુ ભીખુ

આ માત્ર સાધનાનો વિસ્તાર છે. આ યોગની ભૂમિ છે. કૈલાસ શિખર નિર્દોષ રહેવા સર્જાયું છે. અહીં માત્ર પવિત્રતાનો પ્રભાવ છે. અહીં માત્ર આધ્યાત્મિકતા જ પાંગરી શકે. આ પરમ શુદ્ધતાનો વિસ્તાર છે. અહીં સ્વાર્થ કે અહંકાર ને કોઈ સ્થાન ન હોય. અહીં કશું પણ પ્રાપ્ત કરવા માટેના પ્રયત્ન ન હોય. માત્ર પોતાની સ્થિતિ પામી તેમાં સ્થિર રહેવા માટેનું આ સ્થાન છે. અહીં સતનું અસ્તિત્વ હોય, શુદ્ધ ચિત્તનો પ્રભાવ હોય અને આત્મસ્થ આનંદની અનુભૂતિ હોય. આ કોઈ વિજય મેળવવાનું સ્થાન નથી.

અહીં શિવજીએ માતા પાર્વતીને સૃષ્ટિના ઇતિહાસમાં સર્વપ્રથમ જ્ઞાનની અનુભૂતિ કરાવેલી. અહીં જ આરંભિક સપ્તર્ષિઓને કોઈ એક યોગીક ક્ષેત્રમાં – ક્રિયામાં પારંગતતા પ્રદાન કરાઈ હતી. અહીં જ સતી અને શિવજીનો પ્રેમ સ્થાપિત થયો હતો અને અહીંનું પ્રત્યેક કણ તે પ્રેમનું સાક્ષી હશે. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં સતીના દેહની આહુતિ બાદ અહીં જ વીરભદ્રને અવતારિત કરાયો હતો. આવી અનેક દિવ્ય ઘટનાના સાક્ષી એવા કૈલાસ પર્વત પર – કૈલાસ શિખર પર નિમ્ન કક્ષાનું અસ્તિત્વ સંભવી જ ન શકે. આનાથી ભૌગોલિક રીતે ઊંચા શિખરો પર માનવીએ પોતાનો ઝંડો લહેરાવ્યો છે, પરંતુ આધ્યાત્મિક રીતે સૌથી ઉચ્ચ ગણી શકાય તેવા શિખર પર સંપૂર્ણ શુદ્ધતા વગર પહોંચી ન શકાય. અગત્યની વાત એ છે કે અહીં પહોંચવાનું નથી હોતું, પહોંચી જવાતું હોય છે.

એમ જણાય છે કે શિવજીને રાવણનો અનુભવ હશે. જો કોઈ કાળા માથાના માનવીને, તેની પ્રત્યેના પ્રેમને કારણે, તેની ભક્તિને કારણે જો કૈલાસ શિખર પર પ્રવેશ આપવામાં આવે તો શું સંભવી શકે તે રાવણે પ્રસ્થાપિત કરેલું છે. રાવણે સમગ્ર કૈલાસ ઊંચકીને પોતાની લંકામાં લઈ જવાનો પ્રયત્ન કરેલો. શિવજીએ તો માત્ર પોતાના અંગૂઠાથી થોડું દબાણ આપીને તેને તેના આ કાર્ય માટે દંડિત પણ કરેલો. પછી શિવજી સમજી ગયા હશે કે હવે આ પ્રમાણે પ્રવેશની છૂટ ન અપાય. દૈવી શક્તિએ પછી કૈલાસ ઉપર માનવીના પ્રવેશની સંભાવના બંધ કરી દીધી હશે.

આ પણ વાંચો…ચિંતન -વિષયોના ચિંતનનું નિયંત્રણ…

મને અહીં મારા ગુરુદેવની એક વાત કહેવાનું મન થાય છે. એકવાર તેઓ ઘરમાં બપોરના સમયે સૂતા હશે ત્યારે કોઈ એક સાધુ-મહાત્મા તેમના ઘરની આગળ આંટા ફેરા કરી તેમના વારંવાર દર્શન કરતા. ગુરુ માતાએ પૂછતાં તેમણે જણાવ્યું કે આ મહાપુરુષ ગઈકાલે રાતે કૈલાસ પર્વત પર શિવજીની સાથે હતા અને આજે અત્યારે અહીં આરામથી સામાન્ય માનવીની જેમ આરામ ફરમાવે છે. તે સાધુ-મહાત્મા મારા ગુરુદેવની આ લીલા જોતા હતા. અહીં એમ સમજી શકાય કે કૈલાસ પહોંચી શકાય, પણ સૂક્ષ્મતા ધારણ કરીને.

હું એમ સમજી શક્યો છું કે, કૈલાસ પર પહોંચી શકાય છે. પરંતુ આ શરીર સાથે નહીં. ત્યાં પહોંચવા માટે સૂક્ષ્મ અસ્તિત્વ જ અનુકૂળ રહે. આ અસ્તિત્વ પવિત્ર, નિર્મળ, શુદ્ધ અને સાત્વિક હોવું પણ જરૂરી છે. કૈલાસ શિખર પર તેમની હયાતી શિવજીને પણ માન્ય હોવી જોઈએ. અને એ વાત તો જગજાહેર છે કે શિવજીને શિવત્વ સિવાય કશું માન્ય નથી. ચિદાનંદ રૂપ: શિવોહમ્‌‍ શિવોહમ્‌‍ સંપૂર્ણતામાં જ્યારે ચરિતાર્થ થાય ત્યારે જ કૈલાસ શિખર ઉપર સૂક્ષ્મ પ્રવેશ શક્ય બને.

આ પણ વાંચો…ચિંતન: ગુરુ તારો પાર ન પાયો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button