અલખનો ઓટલો: અગમ અગોચર રસના પૂર્ણ અધિકારી | મુંબઈ સમાચાર
ધર્મતેજ

અલખનો ઓટલો: અગમ અગોચર રસના પૂર્ણ અધિકારી

ડૉ. નિરંજન રાજ્યગુરુ

ગંગાસતીનાં ભજનોનું અર્થઘટન આપવું એટલે સંપૂર્ણ ભારતીય ધર્મસાધનાની પરિભાષાનું સ્પષ્ટીકરણ કરવું. બહુ ઓછા શબ્દોમાં સઘન રીતે આ ભજનોમાં સાધનાપરક બાબતો વણી લેવામાં આવી છે. જો કે એ દેન માત્ર ગંગાસતીની નથી. આ પરિભાષા તો પરંપરિત રીતે સેંકડો વર્ષોથી લોકભજનિકોમાં સચવાતી આવી છે.

ગુંજાનો લાડવો એટલે ચણોઠીનો લાડુ, જે દેખાવમાં સુંદર દેખાય પણ અતિશય ઝેરી હોય, એમ સાધના પણ બહુ કપરી છે જે પોતાના અહંકા2નો ત્યાગ ક2ે તે જ એમાં આગળ ડગલાં માંડી શકે… પણ આવી સીધી સાદી સાધનાત્મક વાતને જાણ્યા વિના કેટલાક વિધ્વાનોએ આવું પણ અર્થઘટન ર્ક્યું છે જુઓ- ‘આ તો ગજવાનો લાડવો છે. ભક્તિનો લાડુ ગજવામાં ન ઘાલવો ને ભક્તિનો કરી રાખવો રંગ કે જે કદી પછી જીવનમાં ભંગ ન થાય. ગંગાસતી ગુંજાના લાડવાનું રૂપ આપે છે તેને સિદ્ધાંતરૂપ સમજનાર આ વિધિ તરી જાય છે. ગુંજાનો લાડવો ગુલાબના ફૂલડા જેવો હોય પણ તેમાં કાંટા હોય છે તે ન ભૂલવું જોઈએ ગુંજાના લાડવાને બહાર કાઢી તેમાં કાંટા દૂર કરો તો ગળ્યો મધ જેવો સુગંધી થઈ જશે. અહંભાવના કાંટા ફૂલ ગુલાબના દુશ્મન જેવા હોય છે તે દૂર કર્યે જ છૂટકો. ગુંજાનો લાડવો છે તેમાં કાંટારૂપી અહંભાવ દૂર થાય તો સુગંધ તેની તરબતર બને અને તેનો ગુલકંદરૂપી અમૃતનો સ્વાદ માનવ માણી શકે…’

ખરેખર તો ગંગાસતીએ કહ્યું છે કે – આ અગમ અગોચર રસપૂર્ણ અધિકારીમાં ઠેરાય, સ્થિર થાય. અહંભાવ છોડયા પછી જ એનો અનુભવ થાય, પૂર્વના કોટિ જન્મોના સંસ્કા2ોનાં પડ જ્યારે ધોવાઈ જાય ત્યારે શુદ્ધ આત્મસ્વરૂપની ઝાંખી થાય પણ આ તો છે ‘ગુંજાનો લાડવો…’ ગુંજા એટલે ચણોઠી. અત્યંત સુંદર-ચમકદાર છતાં ઝેરી ફળ. એનો લાડવો વળે જ નહીં. ને અન્ય પદાર્થો મેળવીને લાડુ બનાવીએ તો એવો રૂપાળો લાગે કે મન લલચાઈ જાય પણ ખાવા જઈએ તો મળે મોત. એટલો એ ઝેરી હોય. સાધકમાં સૂક્ષ્મપણે પણ અહમવૃત્તિ હોય ત્યાં સુધી અમૃતરસનું પાન ન કરી શકે. એની અસર અવળી થાય. જો કોઈ સિદ્ધ અનુભવી વૈદ્યરાજ હોય તો ચણોઠી ઉપર અનેક પ્રકારની રસાયન ક્રિયા કરીને એનું ઔષધ બનાવી શકે અને તે અનેક રોગ ઉપર ઉપયોગી થાય. સ્ત્રી-પુ2ુષ, નાનાં-મોટાં, બ્રાહ્મણ-શું એવું સર્વે જીવનમાત્રમાં જાતિપણું ઓગળી જાય, માત્ર આત્મસ્વરૂપ દેખાય ત્યારે સમષ્ટિ કેળવાણી કહેવાય અને ત્યારે જ… ત્યારે જ… સાધનાના ક્ષેત્રમાં સાધક આગળ વધી શકે, સ્વાનુભવ કરી શકે, આત્મસાક્ષાત્કાર કરી શકે.

આ પણ વાંચો…..અલખનો ઓટલો : ભારતીય સંસ્કૃતિમાં નાગપૂજન

સંતસાહિત્ય-સંતવાણી આપણા આધ્યાત્મિક સાહિત્યનો એવો ઈલાકો છે કે જે અર્થઘટન, વિવેચન, રસદર્શન,મૂલ્યાંકન,અભ્યાસ… એમ અનેક પ્રકારના દૃષ્ટિકોણને ખમી શકે. જેવો જેનો અનુભવ કે જેવી જેની ક્ષ્ામતા. એકની એક સંતવાણી રચનાને યોગમાર્ગી પરિભાષાના દૃષ્ટિકોણથી; ભક્તિમાર્ગી પરિભાષાના દૃષ્ટિકોણથી; જ્ઞાનમાર્ગી-વેદાન્તી તત્ત્વચિંતનની પરિભાષાના દૃષ્ટિકોણથી; ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક, પૌરાણિક કે આધુનિક જીવનશૈલી સાથે સાંકળીને વિધવિધ વિચારધારાઓ મુજબ તમે સમજી કે સમજાવી શકો. અને એ દરેક અભિગમ જો સંતસાધના- સંતજીવનશૈલી-સંતવિચારધારા સાથે પૂરા આદરભાવથી જોડાયેલ હોય તો જ શ્રોતા કે વાચકને એ તાર્કિક તથા સ્વીકાર્ય લાગે.

ગંગાસતીની બહુધા – લગભગ તમામ રચનાઓ ચાર ચાર પંક્તિની એક એવી ચાર કડીની બનેલી હોય છે, એમાં સાધનાનો એક ચોક્ક્સક્રમ સચવાયો છે, એમાં શીલ, સત્સંગ, વૈરાગ્ય, વૃત્તિ વિરામ, મિતવ્યવહાર, ગુ2ુ ઉપાસના, અભયભાવ, મનની સ્થિરતા, ગુ2ુવચનમાં વિશ્વાસ, વચનનો વિવેક, યૌગિક કિયાઓ, સહજ સાધના, ભક્તિના સિદ્ધાંતો અને સાધનાથી સાક્ષ્ાાત્કાર સુધીની વિવિધ ભૂમિકાઓની ચોક્ક્સ સમજ આપવામાં આવી છે. પાંચેક ભજનો સીધાં કથાત્મક છે જેમાં ‘પદમાવતીનો જયદેવ સ્વામી…’ (ગીતગોવિંદનો પ્રસંગ), ‘મોહજીત રાજા મહા વિવેકી…’, ‘પૃથુરાજ ચાલ્યા સ્વધામમાં…’ વગેરે ભજનોમાં તો ભક્તિમહિમા માટે ભક્ત ચરિત્રોના પ્રસંગો વર્ણવાયા છે.

વિભિન્ન સાધના ભૂમિકા કે અવસ્થા વર્ણવતો એક એક શબ્દ, ચક્રભેદનની અનુભૂતિનું વર્ણન કરતી શબ્દાવલિ, સાધનાત્મક પરિભાષાને સમજાવવા માટે જુદીજુદી સાધના પરંપરા સાથે અનુસંધાન ધરાવતા અનુભવી સાધકો ભિન્ન ભિન્ન અર્થઘટન કરતા હોય ત્યારે એ દરેક અર્થઘટન સાચું જ હોય, કારણ કે તે દરેક સાધક પોતાની આત્મઅનુભૂતિ મુજબ અર્થઘટન આપીને સમજાવવાનો પ્રયાસ કરતા હોય. પણ ક્યારેક કોઈ કટ્ટરવાદી કંઠીબંધ અનુયાયી પોતે જે માર્ગનો જાણકાર હોય એ મુજબ થયેલા અર્થઘટનને જ સાચું માને, અન્યને ખોટાં માને, પરંતુ જો એ પોતે ભક્ત-યોગી-જ્ઞાની કે કર્મમાર્ગીની સર્વોચ્ચ ભૂમિકાએ પહોંચેલો અનુભવસિદ્ધ હોય તો એ દરેક અર્થઘટનને સાચાં માને.

ઝીલવો હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ! પછી પસ્તાવો થાશે;
અગમ અગોચર રસનું નામ છે, એ તો પૂરણ અધિકારી ઠેરાશે…
ઝીલવો હોય તો રસ…
માન રે મેલ્યા પછી રસ તમને મળશે, જુઓને વિચારી તમે મનમાં;
દૃષ્ટ પદારથ નથી રહેવાનો પાનબાઈ સુણોને ચિત્ત દઈ વચનમાં…
ઝીલવો હોય તો રસ…
આ તો ગુંજાનો લાડવો પાનબાઈ અહંભાવ ગયા વિના ન ખવાય;
કોટિ રે જનમની મટાડો કલ્પના ત્યારે, જાતિ રે પણું વયું જાય રે…
ઝીલવો હોય તો રસ…
દૃષ્ટિ રાખો – ગુપત રસ ચાખો, તો તો સહેજે આનંદ વરતાય;
ગંગાસતી એમ બોલિયાં રે, આપમાં આપ મળી જાય…
ઝીલવો હોય તો રસ…


આ પણ વાંચો…..અલખનો ઓટલો ઃ ઉત્સવનો આનંદ આધિ-વ્યાધિ-ઉપાધિમાંથી મનુષ્યને મુક્ત કરે છે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button