અલૌકિક દર્શનઃ ભક્ત માટે આતુર બને તે જ આ આતુરતા હશે?

ભાણદેવ
ઘોર અંધારી રાત્રિ છે. સૂમસામ શાંતિ છે. દ્વારકાવાસીઓ પ્રભુની છત્રછાયા હેઠળ નિરાંતે નિદ્રાધીન છે, પરંતુ પ્રભુની નિદ્રા આજે આટલી વહેલી ઊડી ગઈ છે.
‘દારૂક!’ પ્રભુએ બૂમ પાડી.
‘જી, પ્રભુ!’ દારૂક સફાળો બેઠો થઈ ગયો.
‘રથ તૈયાર કર!’
દારૂક કાંઈક બેબાકળો અને કાંઈક સ્તબ્ધ બનીને રથ તૈયાર કરવા લાગ્યો. પ્રભુ ઉતાવળ તો અનેક વાર કરે છે અને કરાવે છે, પરંતુ આટલા અધીર ક્યારેય જોયા નથી. રુક્મિણી, સત્યભામા, જાંબવતી આદિ અષ્ટપટરાણીઓ પણ આવા સમયે યાત્રા માટે તૈયાર થયેલા પ્રભુને જોઈને કાંઈક ચિંતિત અને કાંઈક તત્પર બની ગયાં હતાં. હજુ તો મધ્યરાત્રિ હમણાં જ પસાર થઈ છે અને પ્રભુ તો હજુ હમણાં નિદ્રાધીન થયા હતા. બહારથી કોઈ દૂત કે સંદેશવાહક આવ્યા નથી. આમ આટલા વહેલા પ્રભુ કેમ તૈયાર થાય છે? ક્યાં જવાનું છે? શું થયું છે? કાંઈ કળી શકાતું નથી.
બહાર જતી વખતે ભગવાન માતાપિતા અને મોટા ભાઈને પ્રણામ કરીને નીકળે છે, બહાર જતી વખતે ઉદ્ધવને રાજ્યવ્યવસ્થા-સંબંધી અનેક ભલામણો કરે છે અને બહાર જતી વખતે ભગવાન આ અષ્ટપટરાણીઓની હેતભરી વિદાય લઈને આગળ વધે છે. ભગવાન ઘોડાઓનાં શરીર પર હેતભર્યો હાથ ફેરવીને અને દારૂકને સ્નેહપૂર્વક બોલાવીને પછી જ રથમાં બેસે છે, પરંતુ આજ તો પ્રભુનું રૂપ કાંઈક જુદું જ છે.
આર્યાવર્તના કોઈ ને કોઈ ખૂણેથી કહેણ આવતું અને પ્રભુને અચાનક દોડવું પડે એવા પ્રસંગો તો વારંવાર આવતા, પરંતુ આજનો પ્રસંગ કાંઈક જુદો જ જણાય છે. ભગવાનની યાત્રા દરમિયાન સત્યભામાજી લગભગ સતત પ્રભુની સાથે રહે છે. ભગવાનનાં ભોજન, વસ્ત્ર, નિવાસ આદિની વ્યવસ્થા તેઓ જ સંભાળે છે. પ્રત્યેક યાત્રાની જેમ આ વખતે પણ પોતાને સાથે જવાનું જ હશે એમ માનીને સત્યભામાજી કહે છે:
‘પ્રભુ! હું હમણા જ ઝડપથી તૈયાર થઈ જઉં છું.’
‘ના, તમારે આ વખતે સાથે નથી આવવાનું.’
સૌ સ્તબ્ધ થઈ ગયાં છે. હવે તો કોઈની પૂછવાની પણ હિંમત નથી ચાલતી.
સાત્યકિ તો પ્રભુના અંગત મંત્રી અને અંગત મદદનીશ, પ્રભુના પડછાયાની જેમ સતત સાથે રહેનાર. ‘મારે તો પ્રભુની સેવામાં સતત સાથે જ રહેવાનું છે’ એમ માનીને તેઓ પણ રથની બાજુમાં ઊભા રહી ગયા છે. પ્રભુ ઝડપથી બહાર આવે છે. ચાલતાં-ચાલતાં જ સાત્યકિને કહે છે:
‘સાત્યકિ! તારે સાથે આવવાનું નથી.’ સાત્યકિ શું બોલે? કોણ શું બોલે? છલાંગ મારીને પ્રભુ રથમાં ચડી ગયા અને સાથેસાથે એવી જ ઝડપથી બોલ્યા:
‘રથ ચલાવ, દારૂક!’
રથ સડસડાટ મહેલની બહાર અને તે જ રીતે દ્વારકાની બહાર નીકળી ગયો.
વસુદેવજી, દેવકીજી, રોહિણીજી, બલરામજી-સૌને તો છેક સવારે ખબર પડી કે શ્રીકૃષ્ણ મધ્યરાત્રિ પછી તરત અતિ ત્વરાથી બહાર ગયા છે. ક્યાં ગયા છે? શા માટે ગયા છે? સૌ ચિંતિત તો થયાં, પણ શું કરે? કૃષ્ણની ગતિ તો માત્ર કૃષ્ણ જ જાણે!
‘દારૂક! રથ હસ્તિનાપુરના રસ્તે!’ પ્રભુ ત્વરાથી બોલે છે અને દારૂક માત્ર આટલું જ બોલી શકે છે: ‘જી, પ્રભુ!’
ભગવાન શ્રીકૃષ્ણના રથના ચાર ઘોડા છે: શૈબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક. સાનમાં સમજી જાય તેવા આ દેવાંશી ઘોડા સમજી ચૂક્યા છે કે ભગવાન આજે અતિ ત્વરિત વેગ ઈચ્છે છે અને તદનુસાર પૂરપાટ દોડી રહ્યા છે. દારૂક અશ્વોની આ સમજ અને તેમની ગતિ જોઈને હેરત પામી રહ્યો છે અને મનોમન અશ્વોને વંદી રહ્યો છે. આમ છતાં ભગવાન દારૂકને વારંવાર કહી રહ્યા છે:
‘દારૂક! રથ હજુ ઝડપથી ચલાવ! રથ વધુ ઝડપથી ચલાવ!’
દારૂક પાસે ‘જી, પ્રભુ!’ સિવાય કોઈ ઉત્તર નથી. દારૂકને કહેલા આ શબ્દો અશ્વો સમજી જાય છે અને વધુ ને વધુ વેગથી દોડી રહ્યા છે.
અશ્વોનાં મુખમાંથી ફીણના ગોટા ઊડી રહ્યા છે. તેમના શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યા છે, પણ વેગ ઘટતો નથી, વધી જ રહ્યો છે.
દારૂક પાસે વિચારવાનો સમય પણ નથી અને વૃત્તિ પણ નથી કે પ્રભુ આજે આટલી ત્વરા કેમ કરે છે?
પ્રભુ આજે કોઈક દિવ્ય દીવાનાપણાથી ગ્રસ્ત હોય તેમ લાગે છે. આ કેવી આતુરતા છે? ભગવાન ભક્ત માટે આતુર બને તે જ આ આતુરતા હશે?
દારૂક કંઈ સમજતો નથી. સેવકનું કામ સ્વામીના આદેશને સમજવાનું નથી, સ્વામીના આદેશનું પાલન કરવાનું હોય છે અને દારૂક તો પ્રભુનો પરમ સેવક છે. તે તો બસ પ્રભુની આજ્ઞાનું પાલન કરી જાણે છે.
પ્રભુ કાંઈ બોલતા નથી, મહદંશે મૌનમય જ છે, પરંતુ હા, ક્વચિત્ કાંઈક સ્વગતોક્તિ કરી રહ્યા છે.
‘આ દુષ્ટ શકુનિ કપટદ્યૂતમાં કુશળ છે અને તે પાંડવો સમક્ષ કપટદ્યૂતની જાળ ફેલાવી રહ્યો છે!’
રથ પૂરપાટ દોડી રહ્યો છે.
‘પરંતુ દ્યૂતનું નિમંત્રણ સ્વીકારવું જ શા માટે? યુદ્ધ અને દ્યૂતનું નિમંત્રણ ક્ષત્રિય ઈન્કારી ન શકે એવો નિયમ કોણે બનાવી દીધો? આ તો એક કુરિવાજ છે! ભોળા યુધિષ્ઠિર આ જાળમાં ફસાઈ રહ્યા છે!’
‘આ યુધિષ્ઠિર પોતાને દ્યૂતવિદ્યાના કુશળ જાણકાર માને છે, પરંતુ વસ્તુત: તેઓ જાણકાર નથી અને કપટ-દ્યૂતવિદ્યામાં તો આ કપટી શકુનિને સમગ્ર આર્યાવર્તમાં કોઈ ન પહોંચી શકે!’
‘જીવનમાં ક્યારેક ઈન્કાર કરવાનો પણ ધર્મ હોય છે, પણ આ સરલ યુધિષ્ઠિર દ્યૂતક્રીડાના ઈન્કારનો ધર્મ ચૂકી ગયા છે અને શકુનિની જાળમાં ફસાઈ ગયા છે!’
અશ્વોનો વેગ જરા પણ ઘટ્યો નથી, તો પણ પ્રભુ વારંવાર કહે છે:
‘દારૂક! રથ વધુ ઝડપે ચલાવ! હજી વધુ ઝડપે!’
હવે દારૂકે કહેવું જ પડ્યું:
‘ઘોડા થાકી ગયા હોય તેમ લાગે છે.’
‘તો આવતા મુકામે ઘોડા બદલી નાખ.’
‘જી, પ્રભુ!’
દ્વારકાના નિર્માણની સાથે જ દ્વારકા અને હસ્તિનાપુરને જોડતા રથમાર્ગનું નિર્માણ પણ થયું છે. વચ્ચે-વચ્ચે વિશ્રામસ્થાનો પણ છે. પ્રત્યેક વિશ્રામસ્થાને ઘોડાઓ હોય છે. થાકેલા ઘોડાને ત્યાં મૂકી નવા ઘોડા લઈ શકાય તેવી વ્યવસ્થા છે અને વિશ્રામસ્થાને પહોંચતાં વાર ન લાગી.
દારૂક ત્વરાથી ઘોડા બદલી રહ્યો છે. આ સ્વામીભક્ત સેવકના મુખમાંથી અનાયાસે શબ્દો નીકળી ગયા:
‘પ્રભુ ! આ છેલ્લું વિશ્રામસ્થાન છે. આપ થોડો આરામ કરશો?’
‘દારૂક ! આ વિશ્રામનો સમય નથી. તું ઉતાવળ કરે!’
‘પ્રભુ ! થોડું પાણી?’
‘ના-ના, પાણી પણ નહીં. તું રથ ચલાવ-તીવ્રવેગે!’
દારૂકનો પ્રિય શબ્દપ્રયોગ છે:
‘જી, પ્રભુ!’
પ્રભુની સ્વગતોક્તિઓ ચાલુ થઈ ગઈ: ‘દ્યૂતક્રીડાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ મૂર્ખ યુધિષ્ઠિર બધું જ હારી જશે-હા, બધું જ-રથ, ઘોડા, સુવર્ણ, હીરા, મોતી, દાસ-દાસીઓ, રાજ્ય-હા સંપૂર્ણ રાજ્ય! યુધિષ્ઠિર બધું જ હારી જાશે!’ દારૂક સાંભળે છે, પરંતુ સમજતો નથી. પ્રભુની સ્વગતોક્તિ આગળ ચાલે છે:
‘બધું જ હાર્યા પછી તો દ્યૂતક્રીડા બંધ થવી જોઈએ, પરંતુ બંધ નહીં થાય. દ્યૂતક્રીડા આગળ ચાલશે. યુધિષ્ઠિર નકુલને હારશે, સહદેવને હારશે, અર્જુનને હારશે, ભીમને હારશે ને આખરે પોતાની જાતને પણ હારી જશે!’ (ક્રમશ:)



