
- ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
પ્રાચીન યૌગિક ગ્રંથોમાં જણાવ્યા મુજબ સમગ્ર શરીરમાં એવો કોઈ ભાગ નથી, જે કોઈને કોઈ નાડીથી જોડાયેલ ન હોય. એટલે નાડીઓની સંખ્યા ખૂબ મોટી માનવામાં આવે છે, એક મત મુજબ આ સંખ્યા ત્રણ લાખ છે.
ગૌરક્ષશતકમાં નાડીઓની સંખ્યા 72,000 ગણાવવામાં આવેલ છે. તેમાંથી 72 મુખ્ય છે. તેમાં પણ 10 મહત્ત્વની છે. ગોરક્ષનાથ આ દશે નાડીઓના નામ અને સ્થાન નીચે પ્રમાણે ગણાવે છે.
- સુષુમ્ણા – મેરુદંડની મધ્યમાં વહે છે.
- ઈડા – સુષુમ્ણાની ડાબી બાજુ વહે છે.
- પિંગલા – સુષુમ્ણાની જમણી બાજુ વહે છે.
- ગાંધારી – ડાબી આંખ સુધી વહે છે.
- હસ્તિ જિહ્વા – જમણી આંખ સુધી વહે છે.
- પૂષા – જમણા કાન સુધી વહે છે.
- યશસ્વિની – ડાબા કાન સુધી વહે છે.
- અલંબુષા – મુખ સુધી વહે છે.
- કુહૂ – લિંગ પ્રદેશમાં વહે છે.
- શંખિની – મૂલસ્થાનમાં વહે છે.
षट्चक्रनिरुपणમાં માત્ર સાત નાડીઓ ગણાવવામાં આવેલ છે: સુષુમ્ણા, ઈડા, પિંગલા, વજ્ર, ચિત્રિણી, બ્રહ્મનાડી, અને શખિની. અહીં એક વિશેષ બાબત જણાવવામાં આવેલ છે, જે નોંધનીય છે. તેમના મતે મેરુદંડમાં વજ્ર નાડી વહે છે. વજ્ર નાડીની અંદર ચિત્રિણી છે. ચિત્રિણીમાં સુષુમ્ણા છે અને સુષુમ્ણામાં બ્રહ્મનાડી છે, જે સૌથી સૂક્ષ્મ છે.
આ બધી નાડીઓમાં ત્રણ નાડીઓ સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે; તેથી વિશેષ ઉલ્લેખને પાત્ર છે.
- સુષુમ્ણા:
આ નાડી મૂલાધારથી મસ્તક સુધી વ્યાપીને રહેલી છે. તે મેરુદંડની મધ્યમાંથી પસાર થાય છે. આધ્યાત્મિક
દૃષ્ટિએ સમગ્ર નાડીતંત્રમાં તેનું મૂલ્ય સૌથી વિશેષ છે. સામાન્યત: પ્રાણનો પ્રવાહ તેમાંથી વહેતો નથી. તેનું મુખ બંધ રહે છે, જ્યારે કુંડલિની શક્તિ જાગૃત થઈ સુષુમ્ણાના બંધ દ્વારને ખોલીને, સુષુમ્ણા માર્ગે ઊર્ધ્વગામિની બને છે. સાધકના આધ્યાત્મિક વિકાસનો સાચો પ્રારંભ થાય છે.
- ઈડા:
આ નાડી સુષુમ્ણાની ડાબી બાજુ રહે છે. તેનો આરંભ પણ મૂલાધારથી થાય છે અને તે ડાબા નસકોરાં સુધી પહોંચે છે. તેમાં વહેતો પ્રાણ પ્રવાહ શીતળ છે. તેને ચંદ્રનાડી પણ કહેવામાં આવે છે. પ્રતીકાત્મક રીતે તેને સ્ત્રી' તત્ત્વવાળી નાડી માનવામાં આવે છે. યોગિક પરિભાષામાં તેને
હ’ સંજ્ઞા આપવામાં આવે છે. તેનો રંગ વાદળી છે, એમ માનવામાં આવે છે.
- પિંગલા:
આ નાડી સુષુમ્ણાની જમણી બાજુ વહે છે. તેનો આરંભ મૂલાધારથી થાય છે અને તે જમણા નસકોરાં સુધી પહોંચે છે. તેમાં વહેતો પ્રાણપ્રવાહ ઉષ્ણ છે. તેને સૂર્યનાડી પણ કહે છે. પ્રતીકાત્મક રીતે તેને પુરુષ' તત્ત્વવાળી નાડી માનવામાં આવે છે. યૌગિક પરિભાષામાં તેને
ઠ’ સંજ્ઞા આપવામાં આવે છે. તેનો રંગ લાલ છે, એમ ગણાય છે.
જ્યારે ડાબા નસકોરામાંથી શ્વાસ વધુ પ્રમાણમાં વહેતો હોય ત્યારે ઈડાનાડી ચાલુ છે એમ કહેવાય. જ્યારે જમણા નસકોરામાંથી શ્વાસ વધુ પ્રમાણમાં વહેતો હોય ત્યારે પિંગલા નાડી ચાલુ છે, એમ કહેવાય. જ્યારે બન્ને નસકોરાંમાંથી વહેતા શ્વાસનું પ્રમાણ સમાન હોય ત્યારે સુષુમ્ણા નાડી ચાલુ છે, એમ કહેવાય. યૌગિક દૃષ્ટિએ સુષુમ્ણા નાડી ચાલુ હોય તે ઈષ્ટ છે.
સામાન્યત: દિવસ દરમિયાન ઈડા અને પિંગલાના પ્રવાહો બદલાયા કરતા હોય છે. જ્યારે યોગીનો સુષુમ્ણા પ્રવાહમાં પ્રવેશ થયો હોય છે. ચંદ્રનાડી- હ' અને સૂર્યનાડી
ઠ’ને સમ બનાવવા તે હઠ' યોગને અભિપ્રેત છે. શ્વાસવહનની આ સૂક્ષ્મગતિ વિશે
સ્વરવિજ્ઞાન’ નામનું શાસ્ત્ર રચાયું છે.
નાડીઓના ઉદ્ગમ-સ્થાન અંગે ભિન્નભિન્ન મતો વ્યક્ત થયા છે. છાંદોગ્ય ઉપનિષદમાં નાડીઓનું ઉદ્ગમ-સ્થાન હૃદયને ગણવામાં આવેલ છે.
शतं चैका च हृदयस्य नाडयस्तासां मूर्धोनमभिनिः सृतैका ।
तयोर्ध्वमायन्नमृत्वमेति विष्वड्डन्या उत्क्रमणे भवन्त्युक्रमणे भवन्ति॥ ॥8-6-6॥
`હૃદયની એકસો એક નાડીઓ છે. તેમાંની એક મસ્તક તરફ વહે છે તેના દ્વારા ઊર્ધ્વ તરફ ગતિ કરવાથી અમૃતત્ત્વ મળે છે. બીજી નાડીઓ ઉત્ક્રમણનું કારણ બને છે.’
હઠપ્રદીપિકા, ગોરક્ષશતક વગેરે યૌગિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે નાડીઓનું ઉદ્ગમ-સ્થાન નાભિની નીચે રહેલ કંદમાં છે.
એક અન્ય મતે આ સ્થાન યોનિસ્થાનમાં છે. સામાન્ય રીતે નાભિની નીચે રહેલ અંડાકાર કંદને નાડીઓના ઉદ્ગમ-સ્થાન લેખે સ્વીકારવામાં આવે છે.
જો બધી નાડીઓ કંદમાંથી નીકળી હોય તો સુષુમ્ણા, ઈડા અને પિંગલા યોનિસ્થાનમાંથી નીકળેલી બતાવી છે, તેનો મેળ કેવી રીતે બેસાડવો, એવો સવાલ થાય છે. ખરેખર તો બધી નાડીઓની જેમ આ ત્રણે નાડીઓ પણ કંદમાંથી નીકળે છે, પરંતુ ત્યાંથી તેઓ નીચેની દિશામાં મૂલાધાર સુધી અને ઉપરની દિશામાં મસ્તક તથા નાસિકા સુધી વહે છે એટલે તેઓ મૂલાધારમાંથી નીકળી કંદમાંથી પસાર થઈને ઉપર તરફ વહે છે એમ ગણવામાં કશો વિરોધ રહેતો નથી.
- ચક્રો: માનવદેહને પિંડ કહેવામાં આવે છે. આ પિંડ, બ્રહ્માંડનું લઘુરૂપ છે અને `પિંડે સો બ્રહ્માંડે’ મુજબ પિંડ અને બ્રહ્માંડની રચનામાં રહસ્યપૂર્ણ સામ્ય છે. વેદમાં અનેક સ્થળે ચેતનાના સાત સ્તરોનું પ્રતીકાત્મક વર્ણન જોવા મળે છે. બ્રહ્માંડમાં ચેતનાના સાત સ્તરો છે. भूः, भुवः, स्वः, महः, जनः तपः-
આ સાત વ્યાહુતિ અને સાત લોક ગણાય છે. આ વર્ણન બ્રહ્માંડસ્થ ચેતનાના સાત સ્તરો જ સૂચિત કરે છે.
આપણ વાંચો: માનસ મંથન : જેઓ નિર્વાણને પોતાનું લક્ષ્ય સમજે છે, તેમણે શિવ આરાધના કરવી જોઈએ
જેમ બ્રહ્માંડમાં તેમ પિંડમાં પણ ચેતનાના સાત સ્તરો છે. પિંડસ્થ ચેતનાનું દરેક સ્તર, બ્રહ્માંડસ્થ ચેતનાના જે તે
સ્તર સાથે જોડાયેલું છે. કેમ કે, વ્યષ્ટિ એ સમષ્ટિ સાગરનું એક મોજું છે. આવા જોડાણ દેહમાં જે કેન્દ્રો પર થયેલાં છે તે કેન્દ્રોને યૌગિક પરિભાષામાં ચક્ર કે કમલ કહેવામાં આવે છે. આ સાતે ચક્રો દેહમાં વિકસતી જતી ચેતનાનાં કેન્દ્રો છે. તેથી યોગસાધનામાં તેનું વિશેષ મૂલ્ય છે.
સામાન્ય રીતે વ્યક્તિ આ ચક્રો, પિંડસ્થ અને બ્રહ્માંડસ્થ ચેતનાનાં સ્તરો અને તેમની એકતા અંગે સભાન હોતી નથી. કુંડલિની શક્તિનું જાગરણ થાય અને આ શક્તિ જેમ જેમ ચક્રો ભેદતી ભેદતી ઊર્ધ્વગામી બનતી જાય છે તેમ તેમ સાધકમાં આ સભાનતા વિકસતી જાય છે.
નાડીની જેમ ચક્રો પણ સૂક્ષ્મ શરીરમાં છે તેથી તેઓ ઈન્દ્રિયગમ્ય નથી પરંતુ અનુભવગમ્ય છે. (ક્રમશ:)