અલૌકિક દર્શન: બેટા શુકદેવ! મહારાજ જનક જ્ઞાનીઓના શિરતાજ છે

- ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
ભગવાન વ્યાસદેવના શિષ્યોએ આ શ્ર્લોક કંઠસ્થ કરી લીધા અને અરણ્યમાં જતા ત્યારે તેઓ હિંસક પ્રાણીઓથી બચવા માટે આ શ્ર્લોકોનું ગાન કરતા. એક વાર તેઓ અરણ્યમાં આ શ્ર્લોકોનું ગાન કરતા હતા ત્યારે યથેચ્છ વિહરણ કરતા શુકદેવજી ત્યાં આવી ચડ્યા. તેમણે આ બંને શ્ર્લોકો સાંભળ્યા. આવા પ્રેમરસભરપૂર શ્ર્લોકો સાંભળીને શુકદેવજી મંત્રમુગ્ધ બની ગયા. તેઓ વ્યાસ-શિષ્યોને આ શ્ર્લોકો વારંવાર ગાવા માટે આગ્રહ કરવા લાગ્યા. ‘ભાગવત’ના આ શ્ર્લોકો માટે તેમનો આવો અનુરાગ જોઈને વ્યાસ-શિષ્યોએ તેમને કહ્યું:
‘અરે, મુનિમહારાજ! અમારા ગુરુમહારાજે આવા અઢાર હજાર શ્ર્લોકોની રચના કરી છે. આપને આટલો રસ છે તો આપ અમારા આશ્રમમાં પધારો.’
‘શ્રીમદ્ભાગવત’ના આ શ્ર્લોકોથી આકર્ષાઈને શુકદેવજી વ્યાસાશ્રમમાં ગયા અને ત્યાં રહીને તેમણે ભગવાન વ્યાસજી પાસે સમગ્ર ‘ભાગવતસંહિતા’નું અધ્યયન કર્યું. આમ ભગવાન વ્યાસજીની શુકદેવજીને ‘શ્રીમદ્ભાગવત’ ભણાવવાની મનીષા પૂરી થઈ અને ‘શ્રીમદ્ભાગવત’ની પરંપરા જળવાઈ શકી.
વામદેવ અને શુકદેવ બે એવા પુરુષો છે, જેઓ જ્ઞાન પામીને પછી જન્મ્યા હતા. બંને ગર્ભજ્ઞાની હતા. શુકદેવજી જ્ઞાની છે, પ્રેમી છે અને યોગી પણ છે. શુકદેવજી જન્મીને શીખ્યા નથી, શીખીને જન્મ્યા છે. વસ્તુત: તેમને કોઈ ગુરુની આવશ્યકતા નથી, પરંતુ પરંપરા એવી છે કે ગુરુના પ્રમાણપત્ર વિના અધ્યાત્મયાત્રાની પૂર્ણાહુતિ થતી નથી. જ્યાં સુધી ગુરુ શિષ્યને અધ્યાત્મસિદ્ધિનું પ્રમાણ ન આપે ત્યાં સુધી શિષ્યને સંતૃપ્તિ અનુભવાતી નથી. ત્યાં અજ્ઞાનના સંશયનો શિષ્યના ચિત્તમાંથી સર્વથા લોપ થતો નથી. ભગવાન વ્યાસ પણ જ્ઞાની પુરુષ છે, અરે! જ્ઞાનીઓના શિરતાજ છે. ભગવાન વ્યાસે શુકદેવજીને ‘શ્રીમદ્ભાગવત’ ભણાવ્યું છે. આમ છતાં શુકદેવજી માટે તેમનું પ્રમાણપત્ર ચાલે નહીં, કારણ કે ભગવાન વ્યાસ પિતા છે. પિતાના વાત્સલ્યે ગુરુત્વમાં બાધા ઊભી કરી છે, તેથી શુકદેવજીએ અધ્યાત્મયાત્રાની પૂર્ણાહુતિ માટે, અધ્યાત્મસિદ્ધિના પ્રમાણપત્ર માટે અન્ય ગુરુ પાસે જવું આવશ્યક બન્યું.
ભગવાન વ્યાસદેવે શુકદેવજીને મહારાજ જનક પાસે મોકલ્યા. ભગવાન વ્યાસજીએ શુકદેવજીને આજ્ઞા આપી:
‘બેટા શુકદેવ! મહારાજ જનક જ્ઞાનીઓના શિરતાજ છે. તમે જ્ઞાનપ્રાપ્તિ માટે તેમની પાસે જાઓ.’
શુકદેવજી જનક મહારાજ પાસે જાય છે. શુકદેવજી જ્ઞાની પુરુષ તો છે જ, તો પણ ગુરુના પ્રમાણ માટે ભગવાન વ્યાસે તેમને ગુરુ પાસે મોકલ્યા છે. જનકજી તો ગૃહસ્થ છે, રાજવી છે અને શુકદેવજી તો આજન્મ ત્યાગી છે, તો પણ શુકદેવજી તેમની પાસે જાય છે. મહારાજ જનકની રાજધાની મિથિલામાં શુકદેવજી પ્રવેશે છે. અનવરત બ્રહ્મભાવમાં અવસ્થિત શુકદેવજીને તો સર્વત્ર ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ જ જણાય છે. સર્વત્ર બ્રહ્મદૃષ્ટિ રાખનાર શુકદેવજીને તો નગરજનો, મકાનો, પશુઓ, વસ્તુઓ આદિ સર્વ બ્રહ્મરૂપે જ જણાય છે. નગરના મુખ્ય દ્વારમાંથી પ્રવેશીને રસ્તા પરથી પસાર થઈને શુકદેવજી રાજમહેલના દ્વાર પર પહોંચ્યા. જનકમહારાજે અગાઉથી આપી રાખેલી આજ્ઞા પ્રમાણે મહેલના દ્વાર પર તેમને ત્રણ દિવસ સુધી રોકી રાખવામાં આવ્યા. તેમનો સ્વાગત-સત્કાર પણ ન થયો. શુકદેવજી ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ સુધી અન્ન-જળ વિના ઊભા રહ્યા. ત્રણ દિવસ પછી તેમને રાજમહેલમાં પ્રવેશ મળ્યો. મહારાજ જનક અંત:પુરમાં હતાં. શુકદેવજીને ફરીથી અંત:પુરના દરવાજે ત્રણ દિવસ સુધી રોકી રાખવામાં આવ્યા. ત્યાં પણ તેમનો સ્વાગત-સત્કાર ન થયો. ત્યાં પણ શુકદેવજી ત્રણ દિવસ સુધી અન્ન-જળ અને સત્કાર વિના જ ઊભા રહ્યા. ત્રણ દિવસ પછી શુકદેવજીને અંત:પુરમાં પ્રવેશવાની અનુમતી મળી. આવો ઘોર અનાદર છતાં શુકદેવજીને અપમાન લાગ્યું નહીં. બ્રહ્મનિષ્ઠને અપમાન શું?
અંત:પુરમાં પ્રવેશીને શુકદેવજીએ જોયું કે મહારાજ જનક તો રાણીઓ સાથે રંગરાગમાં રોકાયેલા છે. મહારાજ જનકે તેમની સામે પણ ન જોયું. ઘોર ઉપેક્ષા છતાં શુકદેવજી બ્રહ્મભાવમાંથી ચલિત થતા નથી. શુકદેવજી મહારાજ જનકને શિષ્યભાવે પ્રણામ કરે છે.
મહારાજ જનક શુકદેવજીને પૂછે છે: ‘શુકદેવજી: ‘રસ્તામાં શું જોયું?’
શુકદેવજી : ‘મીઠાઈની દુકાનો.’
જનકજી : ‘મીઠાઈની દુકાનોમાં શું જોયું?’
શુકદેવજી : ‘સાકરની વાનગીઓ.’
જનકજી : ‘વેચનાર કોણ હતા?’
શુકદેવજી : ‘સાકરનાં પૂતળાં.’
જનકજી : ‘ખરીદનાર કોણ હતા?’
શુકદેવજી : ‘સાકરનાં પૂતળાં.’
જનકજી : ‘બીજું શું જોયું?’
શુકદેવજી : ‘સર્વત્ર સાકરનાં પૂતળાં, સાકરનાં મકાનો, સાકરના ઘોડા, સાકરના હાથી, સાકરના રસ્તા, સાકરની ધરતી.’
જનકજી : ‘અત્યારે અહીં શું જુઓ છો?’
શુકદેવજી : ‘એક સાકરનું પૂતળું બીજા સાકરના પૂતળાં સાથે વાત કરી રહ્યું છે.’
મહારાજ જનક પ્રમાણપત્ર આપે છે:
‘શુકદેવજી-મહારાજ! તમને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ચૂકી છે. હવે તમારે કોઈ ગુરુની આવશ્યકતા નથી. તમે જ્ઞાની છો. જ્ઞાનીઓના શિરતાજ છો.’
શુકદેવજી પાછા ફરે છે. જનક મહારાજ પાસે શુકદેવજી જ્ઞાન પ્રાપ્ત કરતા નથી. જ્ઞાની તો તેઓ છે જ. જનક મરાહાજ શુકદેવજીને જ્ઞાની હોવાનું પ્રમાણ આપે છે. શુકદેવજીનો જ્ઞાનનિશ્ર્ચય શંકાતીત થયો. સદ્ગુરુના પ્રમાણની આ જ મહત્તા છે.
શુકદેવજીએ આશ્રમ બાંધ્યો નથી. તેઓ નારદજીની જેમ અનિકેત છે. શુકદેવજી યથેચ્છ વિહરણ કરે છે. શુકદેવજીએ વર્ણ અને આશ્રમનાં કોઈ ચિહ્નો ધારણ કર્યાં નથી. તેમની અવધૂત-અવસ્થા છે અને તેમનો અવધૂત-વેશ છે.
શુકદેવજીની સિદ્ધિ સાધનાને પરિણામે મળેલી સિદ્ધિ નથી. તેઓ જન્મસિદ્ધ છે. શુકદેવજીનું બ્રહ્મચર્ય સિદ્ધ કરેલું બ્રહ્મચર્ય નથી, તેઓ જન્મસહજ બ્રહ્મચારી છે. પૃથ્વીલોકના પવિત્ર પુરુષોની ગણના કરતી વખતે શુકદેવજીનું નામ પ્રથમ લેવાય છે. શુકદેવજીએ આસક્તિઓના પરિત્યાગપૂર્વક વૈરાગ્ય કેળવ્યો નથી, તેમનો જન્મસિદ્ધ વૈરાગ્ય છે.
મહારાજ પરીક્ષિતજી પ્રાયોપવેશનવ્રત લઈને ગંગાના કિનારે શુકતાલમાં આસનસ્થ થયા છે. આર્યાવર્તના ઋષિઓ-મુનિઓ તેમની પાસે બેઠા છે. પરીક્ષિતજીએ તેમને માનવના સર્વોચ્ચ કર્તવ્ય વિશે, વિશેષત: મરણોન્મુખ માનવના સર્વોચ્ચ કર્તવ્ય વિશે પ્રશ્ર્ન પૂછ્યો છે. સભામાં આ પ્રશ્ર્નની વિચારણાનો પ્રારંભ થયો છે. તે જ વખતે યથેચ્છ વિહરણ કરતાં શુકદેવજી ભગવત્પ્રેરણાથી તે સભામાં પ્રવેશ કરે છે.
શુકદેવજી સભામાં પ્રવેશ કરે છે, તે જ વખતે જેમ એક વ્યક્તિ ઊભી થાય તેમ એકસાથે આખી સભા ઊભી થઈ ગઈ. આર્યાવર્તના સર્વશ્રેષ્ઠ ઋષિમુનિઓ અને આર્યાવર્તના સમ્રાટ એક બાળકના આગમનથી તેમને માન આપવા ઊભા થઈ ગયા. સૌએ સાથે મળીને તેમને ઉચ્ચાસને બેસાડ્યા. શુકદેવજીનો આવો મહિમા છે.
પરીક્ષિતમહારાજે જે પ્રશ્ર્ન સૌ ઋષિમુનિઓને પૂછ્યો હતો તે જ પ્રશ્ર્ન હવે તેઓ શુકદેવજીને પૂછે છે:
‘હે શુકદેવજી-મહારાજ! સર્વ અવસ્થામાં અને વિશેષત: મરણોન્મુખ અવસ્થામાં માનવનું સર્વોચ્ચ કર્તવ્ય કયું?’
આખી સભામાં પરમ શાંતિ છવાઈ ગઈ છે. ભારતવર્ષના શ્રેષ્ઠ ઋષિમુનિઓ અને મહારાજ પરીક્ષિત જેવા રાજર્ષિ શ્રોતાઓ છે. ગંગાતટનું પવિત્ર સ્થાન છે. શુકદેવજી જેવા મહામહિમ વક્તા છે. જીવનના સર્વોચ્ચ પ્રશ્ર્નનો ઉત્તર આપવાનો છે. શુકદેવજી મહારાજ આ મૂલ્યવાન પ્રશ્ર્નનો ઉત્તર આપવા તત્પર થાય છે.
શુકદેવજીનો ઉત્તર તે જ છે: ‘શ્રીમદ્ ભાગવત’. (ક્રમશ:)
આપણ વાંચો: માનસ મંથન: જેમણે ‘રામચરિતમાનસ’માં બરાબર પ્રવેશ નથી કર્યો તેમને એમાં મર્યાદા દેખાય છે



