અલૌકિક દર્શનઃ પ્રાણપુષ્ટિ એટલે પ્રાણ બળવાન બને

- ભાણદેવ
વ્યક્તિના સાંવેગિક જીવનની કેળવણીમાં પ્રાણાયામ કેવી રીતે ઉપયોગી થઈ શકે તેમ છે તે આપણે આધુનિક શરીરવિજ્ઞાનની પરિભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. એ હકીકત શરીરવિજ્ઞાનની અને મનોવિજ્ઞાન દ્વારા સિદ્ધ થઈ ચૂકી છે કે શરીરસ્થ અંત:સ્ત્રાવી ગ્રંથિઓના સ્ત્રાવ સાથે વ્યક્તિના સાંવેગિક જીવનને સંબંધ છે. આ સ્ત્રાવમાં થતા પરિવર્તનની વ્યક્તિના સાંવેગિક જીવન પર અસર પડે છે. કામ, ક્રોધ, વિષાદ, ઉલ્લાસ, વૈફલ્ય, ઉત્સાહ આદિ સાથે અંત:સ્ત્રાવી ગ્રંથિઓના સ્રાવનો ગાઢ સંબંધ છે.
પ્રાણાયામના અભ્યાસ દ્વારા જ્ઞાનતંત્ર અને તેના દ્વારા અંત:સ્ત્રાવી તંત્ર સ્વસ્થ, સમતોલ અને કાર્યક્ષમ બને છે. પરિણામે વ્યક્તિના સ્વસ્થ સાંવૈગિક જીવનમાં તેનાથી સહાય મળે છે. પ્રાણાયામ દ્વારા જ્ઞાનતંત્ર અને અંત:સ્રાવી તંત્ર સ્વસ્થ, સમતોલ અને કાર્યક્ષમ બને છે, આ સિદ્ધ થયેલી હકીકત છે.
(ક) પ્રાણમય ક્ષેત્રે : પ્રાણાયામની સૌથી વિશેષ અસર પ્રાણ ઉપર થાય છે. કારણ કે પ્રાણાયામ મુખ્યત: અને પ્રત્યક્ષ રીતે પ્રાણ પર અસર કરે છે. પ્રાણાયામ મૂલત: પ્રાણના સંયમનની જ સાધના છે. પ્રાણાયામ દ્વારા પ્રાણમય ક્ષેત્રે ચાર કાર્યો સિદ્ધ થાય છે:
(I) પ્રાણપુષ્ટિ: પ્રાણપુષ્ટિનો અર્થ છે, પ્રાણ બળવાન બને.
(II) પ્રાણશુદ્ધિ : પ્રાણશુદ્ધિનો અર્થ છે, પ્રાણ વિશુદ્ધ બને એટલે કે પ્રાણ ભોગાભિમુખ નહીં, પરંતુ યોગાભિમુખ બને. પ્રાણ વાસનાઓની મલિનતાથી મુક્ત બને.
(III) પ્રાણસંયમ : પ્રાણ ઉચ્છૃંખલ નહીં, પરંતુ સંયમિત હોય અર્થાત્ પ્રાણના પ્રવાહોની ગતિ સુસંવાદી બને.
(IV) પ્રાણજાગરણ : સુષુપ્ત પ્રાણ જાગ્રત બને અને ઊર્ધ્વગામી બને.
પ્રાણમય શરીરમાં ઘટતી આ ચારે ઘટનાઓ આધ્યાત્મિક વિકાસ માટે અને શરીર-મનના સ્વાસ્થ્ય માટે ખૂબ મૂલ્યવાન છે. વસ્તુત: પ્રાણાયામના અભ્યાસનો હેતુ જ આ છે.
આ હેતુ સિદ્ધ કરવા માટે પ્રાણાયામ કઈ રીતે ઉપયોગી બને છે, તે આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં મૂકવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે. પ્રાણમય શરીર અને તેની ગતિવિધિ વિશે વૈજ્ઞાનિક ગણાય તેવો ખાસ અભ્યાસ થયો પણ નથી, પરંતુ શાસ્ત્ર અને હજારો વર્ષનો, અસંખ્ય યોગીઓનો અનુભવ સાક્ષી પૂરે છે કે ઉપરોક્ત હેતુ સિદ્ધ કરવા માટે પ્રાણાયામ અજોડ સાધન છે.
(ડ) બ્રહ્મચર્ય માટે: બ્રહ્મચર્યના પાલનથી યોગસાધનામાં ઘણી સહાય મળે છે. તે સાથે એ જાણવું આવશ્યક અને રસપ્રદ છે કે યૌગિક ક્રિયાઓના અભ્યાસથી બ્રહ્મચર્યના પાલનમાં સહાય મળે છે.
પ્રાણાયામ, શીર્ષાસન, સર્વાંગાસન, વિપરીતકરણી, વજાસન, ઉડ્ડિયાન, નૌલી અને અશ્વીનીમુદ્રા બ્રહ્મચર્યપાલનમાં ઉપયોગી થાય તેવી ક્રિયાઓ છે.
આપણ વાંચો: ચિંતનઃ મહાભારતનું યુદ્ધ એટલે ન્યાયની સાબિતી