અલૌકિક દર્શન: કુંડલિની શક્તિ: સમગ્ર બ્રહ્માંડ શિવશક્તિની લીલા છે…

- ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
સુષુપ્તિ અવસ્થામાં જીવાત્માનું સ્થાન હૃદય કેન્દ્ર બતાવવામાં આવે છે.
य त्रैष एतत् सुप्तोडमूद् य एष विज्ञानमय: पुरुषतरदेषां|
प्राणानां विज्ञानेन विज्ञानमादाय य एषोडन्तर्हदय आकाशस्तस्मिच्छेते॥
‘જ્યારે આ પુરુષ વિજ્ઞાનમય સ્વભાવયુક્ત છે, ગાઢ સુષુપ્તિ અવસ્થામાં છે ત્યારે પ્રાણના વિજ્ઞાનને વિજ્ઞાન દ્વારા લઈને. હૃદયમાં આકાશ છે, તેમાં આરામ કરે છે.’
સંપ્રજ્ઞાત સમાધિ અવસ્થા દરમિયાન જીવાત્માનું સ્થાન આજ્ઞા ચક્ર માનવામાં આવે છે. અસંપ્રજ્ઞાત સમાધિ અવસ્થા દરમિયાન જીવાત્માનું સ્થાન બ્રહ્મરંધ્ર માનવામાં આવે છે.
આપણે જોયું છે કે આ ચક્રો સ્થૂળ શરીરના ભાગો નથી પરંતુ સૂક્ષ્મ દેહમાં અનુભવાતી ઘટનાઓ છે. છતાં સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર વચ્ચે એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ છે એ બંનેની રચનામાં કંઈક સમાંતર તત્ત્વો પણ છે. સૂક્ષ્મ શરીરમાં બનતી ઘટનાઓ સ્થૂળ શરીરમાં પણ કોઈક સ્વરૂપે અને કંઈક અંશે અનુભવાય છે. કુંડલિની જાગરણની ઘટના અને ચક્રોના ઉદ્ઘાટનની પ્રક્રિયા સૂક્ષ્મ શરીરમાં બનતી હોવા છતાં એનો કંઈક અનુભવ સ્થૂળ શરીરમાં પણ પહોંચે છે.
ઈડા, પિંગલા, સુષુમ્ણા વગેરે નાડીઓ સૂક્ષ્મ શરીરમાં હોવા છતાં સ્થૂળ શરીરમાં પણ તેમને સમાંતર એવી કંઈક રચના જોવા મળે છે. મેરુદંડના મણકાઓ અને તેની અંદરની રચનાનો અભ્યાસ કરવાથી આ હકીકત સમજી શકાય તેમ છે.
એ જ રીતે સાત ચક્રો પણ સૂક્ષ્મ શરીરમાં હોવા છતાં સ્થૂળ શરીરમાં પણ તેમની કંઈક સમયાંતર રચનાઓ જોવા મળે છે. આ સાતે ચક્રો મેરુદંડસ્થ સુષુમ્ણા પથ પર આવેલા છે. આ સાથે ચક્રોની સ્થૂળ શરીરમાં સમાંતર રચના ગણાય તેવી જ્ઞાનતંતુની ગ્રંથિઓ (Nerves plexus) આપણા શરીરમાં છે. સાતે ચક્રો સાથે તેમનો સંબંધ આ રીતે જોડવામાં આવે છે.
ચક્ર સમાંતર જ્ઞાનતંતુ ગ્રંથિ
- મૂલાધાર ચક્ર Felvic Plexus
- સ્વાધિષ્ઠાન ચક્ર Hypogastric Plexus
- અનાહત ચક્ર Epigastric Plexus
- વિશુદ્ધ ચક્ર Carotid Plexus
- આજ્ઞા ચક્ર Medula Plexus
- અહસ્રાર ચક્ર Cerelral Plexus
આપણે આગળ નોંધ્યું છે કે ચક્રો મેરુદંડસ્થ સુષુમ્ણાપથ પર આવેલા છે. ચક્રોના વર્ણન વખતે તેમના સ્થાન નાભિ, હૃદય, કંઠ વગેરે બતાવવામાં આવેલ છે. આ બંને વર્ણન વચ્ચે પ્રથમ દૃષ્ટિએ વિરોધાભાસ જણાય છે. ખરેખર તો ચક્રોનું સ્થાન મેરુદંડસ્થ સુષુમ્ણા પથમાં જ છે, પરંતુ આ પથમાં કયા ચક્રોનું સ્થાન ક્યાં છે તે દર્શાવવા માટે જે તે ચક્રની નજીકના નાભિ, હૃદય, કંઠ વગેરે અવયવો દ્વારા તે સૂચિત કરવામાં આવેલ છે, એમ સમજવું જોઈએ.
ચક્રોની દલ-સંખ્યા અને વર્ણોનો અર્થ પણ સમજવા જેવો છે. આપણે જોયું છે તેમ દરેક ચક્રો, કમલ સ્વરૂપ છે. દરેક ચક્રની કમલદલની સંખ્યા ભિન્નભિન્ન છે. એમ માનવામાં આવે છે કે આ સંખ્યા તે ચક્રમાં કામ કરતી શક્તિઓની સંખ્યા સૂચવે છે. વળી, પાંખડીઓ પર લખાયેલા અક્ષરો ધ્વનિ સ્વરૂપ છે. એટલે કે જ્યારે સાધકની ચેતના કોઈ પણ ચક્ર પર એકાગ્ર થાય ત્યારે ધ્યાનાવસ્થામાં તેને તે કેન્દ્રમાંથી, તે વર્ણોનો ધ્વનિ સંભળાય છે અને સૂક્ષ્મ દૃષ્ટિ ઊઘડે ત્યારે ચક્રોના આકારો પણ જોઈ શકાય છે; તેમના અધિષ્ઠાતા દેવતાના દર્શન થાય છે તત્ત્વો, બીજમંત્રો, યંત્રો વગેરે પણ સૂક્ષ્મ ચક્ષુ અને સૂક્ષ્મ કર્ણ સમક્ષ પ્રગટ થાય છે. યોગના આચાર્યોએ આ ચક્રોના આકારો, રંગ, દેવતાઓ, યંત્રો, તત્ત્વો વગેરે સૂક્ષ્મ દૃષ્ટિથી જોયા છે અને વર્ગો તથા બીજમંત્રોના ધ્વનિ પણ સૂક્ષ્મ શ્રવણેન્દ્રિયથી સાંભળ્યા છે.
એટલે ચક્રો અને નાડીઓનું જે વર્ણન કરવામાં આવ્યું છે તે કોરી કલ્પના નથી, પરીકથા નથી કે માત્ર આલંકારિક ભાષાની ગૂંથણી પણ નથી. આ વર્ણનમાં કંઈક પ્રતીકાત્મક તત્ત્વ હોવાનો સંભવ છે પરંતુ આ પ્રતીક ગૂંથણી માત્ર આલંકારિક નથી. આ ગુહ્યપ્રતીક રચના (Mystical symbolism) છે એટલે કે તેમની પાછળ કોઈક ગુહ્ય સત્ય રહેલું છે. આ બધી સૂક્ષ્મ જગતની હકીકતો છે આ હકીકતો અને તેમના રહસ્યો, જેમની દૃષ્ટિ ખૂલે તેમની સમક્ષ પ્રગટ થાય છે માત્ર બુદ્ધિથી સમજી શકાય તેવી આ હકીકતો નથી.
ચક્રો અને મુખ્ય ત્રણ નાડીઓ – ઈડા, પિંગલા અને સુષુમ્ણા પરસ્પર કેવી રીતે જોડાયેલા છે. તે રચના પણ સમજવા જેવી છે. સુષુમ્ણા મધ્યમાં પસાર થાય છે અને દરેક ચક્રને ભેદીને સીધી ઉપરની દિશામાં જાય છે. ઈડા, તેની ડાબી બાજુ અને પિંગલા જમણી બાજુ વહે છે. ઈડા અને પિંગલા સીધેસીધી ઉપર જવાને બદલે, દરેક ચક્રને એક પરિક્રમા કરીને પછી પોતાના માર્ગે આગળ વધે છે. અહીં એટલે કે દરેક ચક્ર પાસે આ બંને નાડીઓ એકબીજાને અતિક્રમીને (By crossing each other) આગળ વધે છે.
નીચેના ચક્ર મૂલાધારથી માંડીને સહસ્રાર સુધી રહેલા ચક્રો, ચેતનાની ભૂમિકાની દૃષ્ટિએ ચડતા ક્રમે વધુ ને વધુ વિકસિત અવસ્થાના સ્થાનો છે. મૂલાધાર ચક્ર સ્થૂળ ચેતનાનું સ્થાન છે. સ્વાધિષ્ઠાન ચક્ર નિમ્નપ્રાણ (કામાદિ વાસના)નું સ્થાન છે. મણિપુર ચક્ર પ્રાણમય ચેતનાનું કેન્દ્ર છે. અનાહત ચક્ર ઊર્ધ્વપ્રાણ એટલે કે ભાવનું કેન્દ્ર છે. વિશુદ્ધ મનનું કેન્દ્ર છે. આજ્ઞા ચક્ર અંત: પ્રેરણાત્મક મન (Intutive mind)નું કેન્દ્ર છે. સહસ્રાર ચક્ર માનસાતીત ચેતનાનું કેન્દ્ર છે. આપણે ચક્રોમાં રહેલ પૃથ્વી આદિ પંચભૂતો અને પ્રાણાદિ વાયુઓના સ્થાન અંગે જોઈ ગયા છીએ, તેનાથી પણ આ જ વાત સૂચિત કરવામાં આવેલ છે.
એ જ વાત ત્રિગુણનો ભાષામાં પણ કહેવામાં આવે છે. મૂલાધાર અને સ્વાધિષ્ઠાન તમોગુણના સ્થાન છે. મણિપુર અને અનાહત રજોગુણના સ્થાન છે. વિશુદ્ધ અને આજ્ઞા ચક્ર સત્ત્વગુણના સ્થાન છે અને સહસ્રાર ગુણાતીત છે.
- કુંડલિની અને તેનું જાગરણ
મૂલાધાર ચક્રના વર્ણન વખતે આપણે જોઈ ગયા છીએ કે ત્રિકોણાકાર યોનિસ્થાનની મધ્યમાં તેજોમય રક્તવર્ણ क्लीं બીજરૂપ કંદર્પ નામનો સ્થિરવાયુ વિદ્યમાન છે. તેની મધ્યમાં બ્રહ્મનાડીના મુખમાં સ્વયંભૂલિંગ છે, તેની અંદર અત્યંત તેજસ્વી, સર્પિણી સમાન કુંડલિની શક્તિ સાડા ત્રણ આંટા મારીને સુપ્ત વસ્થામાં સ્થિત છે. પોતાની પૂંછડી મુખમાં રાખીને, ગૂંચળું વળીને આ કુંડલિની પડી રહે છે.
કુંડલિની શક્તિ એ માનવદેહમાં રહેલ સુષુપ્ત પ્રાણશક્તિ છે. સમગ્ર બ્રહ્માંડ શિવશક્તિની લીલા છે. જેમ બ્રહ્માંડમાં શિવશક્તિ છે તેમ પિંડમાં પણ શિવ-શક્તિ છે. પિંડમાં-માનવ શરીરમાં શિવનું સ્થાન મસ્તક છે અને શક્તિનું સ્થાન મૂલાધાર ચક્રમાં. શક્તિ તેજ આ મહાશક્તિ કુંડલિની. આ શક્તિ જાગૃત થઈ સુષુમ્ણા માર્ગે ઉપર ચડીને યક્રો ભેદતાં ભેદતાં બ્રહ્મરંધ્ર સુધી પહોંચે છે અને ત્યાં શિવ-શક્તિનું મિલન થાય છે. આ મિલનથી સાધક કૈવલ્યાવસ્થાને પામે છે જે જીવનની પરમ કૃતાર્થતા છે.
બ્રહ્માંડસ્થ શક્તિની જેમ આ પિંડસ્થ શક્તિ-કુંડલિની પણ અનેક શક્તિઓનું અધિષ્ઠાન છે. જ્યાં સુધી કુંડલિની સુષુપ્તાવસ્થામાં હોય છે ત્યાં સુધી આ શક્તિઓ અનભિવ્યક્ત રહે છે પરંતુ જ્યારે આ કુંડલિની શક્તિ જાગૃત થઈ ઊર્ધ્વમુખી બને છે ત્યારે સાધકના આધ્યાત્મિક વિકાસ અને તેની શક્તિઓનું મહાદ્વાર ખૂલી જાય છે.
આપણે ત્યાં પ્રતીકાત્મક રીતે પૃથ્વીને શેષનાગના મસ્તક પર ટકેલી ગણવામાં આવેલ છે. આ શેષનાગ એટલે સર્જન પછી પણ શેષ રહેલી-બાકી રહેતી શક્તિ, જેના આધારે સર્જન ટકી રહ્યું છે. જેમ બ્રહ્માંડમાં આ શેષશક્તિ તેમ પિંડમાં આ કુંડલિની શક્તિ છે. બંનેના સ્વરૂપમાં સમાનતા છે તેથી જ બ્રહ્માંડસ્થ શેષશક્તિને સર્પ અને પિંડસ્થ કુંડલિની શક્તિને સર્પિણી ગણવામાં આવે છે.
(ક્રમશ:)
આપણ વાંચો: માનસ મંથન: સદ્ગુરુની જ્ઞાનદૃષ્ટિ મળી જાય તો સંસારની ઘટનાઓ વિચલિત ન કરી શકે!