અલૌકિક દર્શનઃ આધ્યાત્મિક ખજાનાને ખોલવાની ચાવી છે કુંડલિની શક્તિ… | મુંબઈ સમાચાર
ધર્મતેજ

અલૌકિક દર્શનઃ આધ્યાત્મિક ખજાનાને ખોલવાની ચાવી છે કુંડલિની શક્તિ…

  • ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
હવે આપણે જોઈએ કે યોગવિષયક શાસ્ત્રીય ગ્રંથોમાં પ્રાણાયામ વિશે શું કહેવામાં આવ્યું છે.
(अ) योगसूत्र –
तस्मिन् सति श्वासप्रश्वासयोर्गतिविच्छेद: प्राणायाम:| -योगसूत्र 2-49
‘તેમાં (આસનમાં) સ્થિત થઈને શ્ર્વાસપ્રશ્ર્વાસની ગતિમાં વિચ્છેદ એટલે પ્રાણાયામ’

बाह्याभ्यन्तरस्तम्भवृत्ति: देशकाल संख्यामि परिदृष्टो दीर्घसूक्ष्म:| – योगसूत्र, २-५०
‘(પ્રાણાયામ) બાહ્ય, આંતર અને સ્તંભવૃત્તિ એક (ત્રણ પ્રકારના) દેશ, કાળ અને સંખ્યાથી જોવાયેલા, લાંબા કે ટૂંકા હોય છે.’

बाह्याभ्यान्तर विषयाक्षेपी चतुर्थ:| -योगसूत्र, २-५१
‘બાહ્ય અને આંતર વિષયથી નિરપેક્ષ એવો ચતુર્થ પ્રકારનો (પ્રાણાયામ) છે.’

तत: क्षीयते प्रकाशावरणम्|

  • योगसूत्र, २-५२
    ‘તેનાથી પ્રકાશના આવરણનો નાશ થાય છે.’
    धारणासु च योग्यता मनस:|
  • योगसूत्र, २-५३
    ‘અને ધારણાઓમાં મનની યોગ્યતાનું નિર્માણ થાય છે.’

(ब) गोरक्षशतकम्
प्राणो देहस्थितोवायुरायामस्तन्निबंधनम्|

  • गो.श., ४२
    ‘પ્રાણ એટલે દેહસ્થવાયુ અને આયામ એટલે તેનું નિયમન’

आसनेन रुजो हन्ति प्राणायामेन पातकम्|

  • गो.श., ५८
    ‘આસનથી રોગ અને પ્રાણાયામથી પાપ નાશ પામે છે.’

(क) वसिष्ठ संहित
प्राणापान समायोग: प्राणायाम प्रकीर्तित:|

  • व.सं., २-२
    પ્રાણ અને અપાનના સંયોગને પ્રાણાયામ કહેવાય છે.’

प्राणसंयमनं नाम देहे प्राणादि धारणं|

  • व.सं., २-३२
    ‘દેહમાં પ્રાણ વગેરે વાયુઓને ધારણ કરવા તેને પ્રાણસંયમ અર્થાત્ પ્રાણાયામ કહે છે.

चले वाते चलं चितं चितं निश्चले निश्चलं भवेत|
योगी स्थाणुत्वामाप्नोति ततो वायुं निरोधयेत॥ – ह.प्र.; २-२
‘વાયુની ગતિથી ચિત્તમાં ગતિ ઉત્પન્ન થાય છે અને વાયુ નિશ્ર્ચલ થતાં ચિત્ત નિશ્ર્ચલ થાય છે અને તેનાથી યોગી સ્થિરતા (અથવા ઈશત્વ) પામે છે. તેથી વાયુનો નિરોધ કરવો.’

(इ) घेरण्ड संहिता
प्राणायामाल्लाधवं च ध्यानात्मप्रत्यक्षमात्मनि – घे.सं १-११
‘પ્રાણાયામથી લાઘવ અને ધ્યાનથી આત્માનું પ્રત્યક્ષીકરણ થાય છે.’

ઉપરોક્ત પાંચ ગ્રંથોમાં પ્રાણાયામ વિશે જે કહેવાયું, તેમાં મુખ્ય ત્રણ બાબતોનો સમાવેશ થાય છે.
(1) પ્રાણાયામની વ્યાખ્યા
(2) પ્રાણાયામનું વર્ગીકરણ
(3) પ્રાણાયામનું ફળકથન

  1. પ્રાણાયામ શું છે?

પ્રાણાયામ = પ્રાણ + આયામ = પ્રાણનું નિયમન. પ્રાણાયામ માટે પ્રાણસંયમ, પ્રાણસંયમન આદિ શબ્દોનો ઉપયોગ પણ થાય છે. બધા શબ્દોનો અર્થ સરખો જ છે.

આપણે જોઈ ગયા છીએ કે પ્રાણ શરીર અને ચિત્ત જોડનારી કડી છે. ચિત્તની વૃત્તિઓનો ચિત્તની જ ભૂમિકા પર નિરોધ સાધવો દુષ્કર છે. તેથી જો પ્રાણનો નિરોધ સાધી શકાય તો તેના દ્વારા ચિત્તનો નિરોધ હાથવગો બને છે; પરંતુ પ્રશ્ન એ છે કે પ્રાણનો નિરોધ સાધવો કેવી રીતે?

આપણા શરીરમાં સતત વહેતો શ્વાસ શરીરની અંદર રહેલા પ્રાણ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. એટલું જ નહિ પણ બાહ્ય શ્ર્વાસ શરીરની અંદર રહેલ પ્રાણનો બાહ્ય છેડો છે, એમ કહી શકાય. જો શ્ર્વાસરૂપી બાહ્ય છેડો પકડી શકાય તો તેના દ્વારા અંદરનો પ્રાણ હાથમાં આવી શકે તેમ છે. યોગવિદ્યાની, વિશેષત: પ્રાણાયામની આ એક રહસ્યપૂર્ણ ચાવી છે.

પ્રાણાયામ દ્વારા સાધક પ્રથમ શ્ર્વાસનો સંયમ સિદ્ધ કરે છે; શ્ર્વાસના સંયમ દ્વારા તે પ્રાણનો સંયમ સાધે છે અને તેનાથી એક ડગલું આગળ વધીને પ્રાણસંયમ દ્વારા ચિત્તવૃત્તિઓનો નિરોધ સિદ્ધ કરે છે. આમ, પ્રાણાયામમાં બહિરંગ રીતે શ્વાસનો નિરોધ સાધવામાં આવતો હોય છતાં, તે માત્ર શ્વાસનિરોધ કે શ્વાસાયામ નથી, પરંતુ ચિત્તનિરોધ સિદ્ધ કરવાની સાધના છે.

પ્રાણાયામને સમજવાની ચાવી અહીં છે. કોઈ પણ સમજદાર વ્યક્તિ જો આ સરળ પણ મહત્ત્વપૂર્ણ હકીકત સમજી લે તો પ્રાણાયામની મહત્તા અને સ્વરૂપ તેના મનમાં સ્પષ્ટ બની શકે. પ્રાણાયામના સ્વરૂપને સમજવાની વાત અહીં પૂરી થતી નથી. હજુ એક મહત્ત્વપૂર્ણ હકીકત સમજવી આવશ્યક છે.

હઠયોગ શરીરને એક ખૂબ મૂલ્યવાન અને ખૂબ રહસ્યપૂર્ણ સાધન માને છે. આ પંચભૂતાત્મક શરીર ચૈતન્યનું અધિષ્ઠાન છે અને આત્મપ્રાપ્તિનું સાધન બની શકે તેમ છે. હઠયોગમાં શરીરને તિરસ્કારની દૃષ્ટિથી નહિ; પરંતુ રહસ્યોદ્ઘાટનના દ્વાર તરીકે જોવામાં આવે છે.

હઠયોગની મૂળભૂત ધારણાઓમાંની એક ધારણા એ છે કે સામાન્યત: આપણા શરીરમાં સુષુપ્ત અવસ્થામાં રહેલ કુંડલિની શક્તિનું જો જાગરણ થાય તો સાધકના જીવનમાં તેનાથી આમૂલ ક્રાન્તિ આવી શકે તેમ છે, આધ્યાત્મિક રૂપાંતર સિદ્ધ થઈ શકે તેમ છે; જે અમૂલ્ય ખજાનાથી આપણે વંચિત રહીએ છીએ તે ખજાનો હાથવગો બની શકે તેમ છે.

કુંડલિની શક્તિનું જાગરણ આધ્યાત્મિક ખજાનાને ખોલવાની ચાવી છે. કુંડલિની પ્રાણશક્તિ છે. પ્રાણાયામના અભ્યાસથી આ પ્રાણસ્વરૂપ સુષુપ્ત કુંડલિનીનું જાગરણ થાય છે અને સાધક સમક્ષ ચેતનાના ઉદ્ઘાટનનું દ્વારા ખુલ્લું થાય છે. પ્રાણાયામ શું છે, શા માટે છે અને પ્રાણાયામનું ખરું સ્વરૂપ શું છે, તે હકીકતનો ખ્યાલ ઉપરોક્ત હકીકતથી આવશે.

ઉપરોક્ત બંને ધારણાઓમાંથી પ્રથમ ધારણા પ્રાણાયામ વિશેની રાજયોગની ધારણા છે અને બીજી ધારણા પ્રાણાયામ વિશેની હઠયોગની ધારણા છે. એક જ સાધનને જોવાનાં આ બે દૃષ્ટિબિંદુ છે. બંને વચ્ચે કોઈ વિરોધ નથી. આમ છતાં દૃષ્ટિબિંદુની ભિન્નતાને કારણે સાધનાના સ્વરૂપમાં, માનસિક વલણમાં અને સાધનનાં સ્થાન, તીવ્રતા અને મહત્તામાં પણ જે ભિન્નતા આવશે તે તો આવશે જ.

  1. પ્રાણાયામનું સ્વરૂપ
    પ્રાણાયામમાં ત્રણ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે:
    (1) પૂરકમાં શ્વાસ અંદર લેવામાં આવે છે.
    (2) આંતર કુંભક કે બહિર્કુંભકમાં શ્વાસને અંદર કે બહાર રોકવામાં આવે છે.
    (3) રેચકમાં શ્વાસ બહાર કાઢવામાં આવે છે. એ વાત સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ કે શ્ર્વાસ અંદર લેવાથી, રોકવાથી કે બહાર કાઢવાથી પૂરક, કુંભક અને રેચક બનતા
    નથી. તે માટે તેમાં બીજાં ત્રણ તત્ત્વો ઉમેરવા જોઈએ. (ક્રમશ:)

આપણ વાંચો:  માનસ મંથનઃ રસ પડે તેવો એક પ્રશ્ન છે કે શું આપણાં ખરાબ કર્મો ભગવાનને અર્પણ કરાય?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button