અલૌકિક દર્શનઃ સૌનાં હૃદયમાં બેઠેલા મુનિ શ્રીશુકદેવજીને હું નમસ્કાર કરું છું…

- ભાણદેવ
શુકદેવજી ગર્ભાવસ્થામાંથી બહાર તો આવ્યા, પરંતુ વ્યાસાશ્રમમાં માતાપિતા પાસે રહ્યા નહીં. જન્મીને તરત ચાલવા જ મંડ્યા. જાતકર્મ, ચૂડાકર્મ, ઉપનયન-સંસ્કાર આદિ સંસ્કારો વિના જ શુકદેવજીને પરિવ્રાજકની જેમ ચાલતા થયેલા જોઈને ભગવાન વ્યાસ વ્યાકુળ બની ગયા. ભગવાન વ્યાસ પુત્રના વિરહમાં કાતર બની ગયા. ભગવાન વ્યાસ આગળ અને વ્યાસપત્ની અરણીદેવી પાછળ, એમ બંને પુત્ર પ્રત્યેના વાત્સલ્યભાવથી પ્રેરાઈને કાતરભાવે પુત્રની પાછળ દોડી રહ્યાં છે. થોડી વાર પછી અરણીદેવી પાછાં ફરે છે. વ્યાસજી અનુગમન કરે છે.
ભગવાન વ્યાસજી ‘પુત્ર ! પુત્ર !’ કહીને બૂમો પાડી રહ્યા છે.
यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव |
पुत्रेति तन्मयतया तरवोऽभिनेदु-
स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि॥’
श्रीमद्भागवत : १-२-२
‘જે સમયે શુકદેવજીનો ઉપનયન-સંસ્કાર પણ થયો ન હતો, વૈદિક-લૌકિક કર્મોના અનુષ્ઠાનનો અવસર પણ આવ્યો ન હતો તે સમયે તેમને સંન્યાસના ઉદ્દેશથી જતા જોઈને તેમના પિતા ભગવાન વ્યાસજી વિરહથી કાતર બનીને પોકારવા લાગ્યા, ‘પુત્ર ! પુત્ર !’ તે પ્રસંગે તન્મયતા હોવાને કારણે શ્રી શુકદેવજી તરફથી વૃક્ષોએ પ્રત્યુત્તર આપ્યો. આવા સૌનાં હૃદયમાં બેઠેલા મુનિ શ્રીશુકદેવજીને હું નમસ્કાર કરું છું.’
‘શ્રીમદ્ ભાગવત’ના આ એક શ્લોક દ્વારા શ્રીશુકદેવજીનો ઘણો પરિચય મળે છે.
હજુ ઉપનયન આદિ કોઈ સંસ્કાર પણ થયા નથી તે અવસ્થામાં શુકદેવજી સંન્યાસ માટે તત્પર થઈને ગૃહત્યાગ કરીને નીકળે છે. તે પ્રસંગે વિરહકાતર વ્યાસજી ‘પુત્ર! પુત્ર!’ એમ કહેતાં-કહેતાં તેમની પાછળ દોડે છે. શુકદેવજી તો પ્રત્યુત્તર આપવા માટે પણ રોકાતા નથી. તેમણે તો માનવીય સંબંધો અને માનવીય લાગણીઓનો સ્વીકાર જ કર્યો નથી.
બ્રહ્મભાવમાં સ્થિર થઈ જવાને કારણે શુકદેવજીની ચેતના સર્વ ભૂતોની ચેતના સાથે તલ્લીન બની ગઈ છે, તેથી ભગવાન વ્યાસને શુકદેવજી પ્રત્યુત્તર આપતા નથી, પરંતુ તેમના વતી વૃક્ષો પ્રત્યુત્તર આપે છે. સર્વ પ્રાણીઓ સાથે એકાત્મભાવ સિદ્ધ થવો તે અધ્યાત્મની એક ઘણી વિશિષ્ટ અનુભૂતિ છે. અદ્વૈતસિદ્ધિની અવસ્થા તે કોઈ કલ્પના નથી, માત્ર દાર્શનિક સિદ્ધાંત નથી, તે ઘણી ગહન અને સઘન આધ્યાત્મિક અનુભૂતિ છે,
ચેતનાની વિશિષ્ટ અવસ્થા છે. આ અવસ્થામાં સ્થિત થનાર વ્યક્તિની ચેતના સર્વ પ્રાણીઓની ચેતના સાથે અદ્વૈતભાવમાં પ્રતિષ્ઠિત થાય છે. શુકદેવજી આ અદ્વૈતભાવમાં પ્રતિષ્ઠિત થયા હતા, તેથી તેમની ચેતના વૃક્ષોની ચેતના સાથે તલ્લીન બની ગઈ છે. આમ હોવાથી શુકદેવજીને બદલે વૃક્ષો પ્રત્યુત્તર આપે છે. ભક્તરાજ ધ્રુવજીની ચેતના પણ આવી રીતે સમષ્ટિચેતના સાથે એકરૂપ બની થઈ હતી તેવું વર્ણન ‘શ્રીમદ્ ભાગવત’ (4-8-80થી 82)માં છે.
શ્રી શુકદેવજી-મહારાજ આગળ અને ભગવાન વ્યાસજી તેમની પાછળ ચાલી રહ્યા છે. તેમના ચાલવાના ક્રમમાં તેઓ બંને એક સરોવર પાસેથી પસાર થયા. સરોવરમાં દેવાંગનાઓ સ્નાન કરતી હતી. શુકદેવજી મહારાજ ત્યાંથી પસાર થયા તો પણ આ સ્ત્રીઓને તેમની હાજરીથી કશો સંકોચ ન થયો. તેઓ નિર્વસ્ત્ર અવસ્થામાં હતી અને તેમ જ રહી, પરંતુ તેમની પાછળ થોડી વારમાં ભગવાન વ્યાસજી આવ્યા ત્યારે સ્ત્રીઓને સંકોચ થયો અને તેમણે પોતાનાં વસ્ત્રો ધારણ કરી લીધાં. સ્ત્રીઓના આવા વ્યવહારને જોઈને ભગવાન વ્યાસજીને નવાઈ લાગી. તેમણે પૂછ્યું: ‘મારા યુવાન પુત્રની હાજરીથી તમને કશો સંકોચ ન થયો અને મારી વૃદ્ધની હાજરીથી સંકોચ થયો તેનું કારણ શું?’
સ્ત્રીઓએ જવાબ આપ્યો:
‘ભગવન્! શુકદેવજી યુવાન પુરુષ હોવા છતાં તેમના મનમાં સ્ત્રી-પુરુષનો કોઈ ભેદ જ નથી, જ્યારે આપ સચ્ચારિત્ર્યશીલ પુરુષ હોવા છતાં, વયોવૃદ્ધ હોવા છતાં આપના મનમાં સ્ત્રી-પુરુષનો ભેદ તો છે જ. એક વર્ષના બાળકમાં કામભાવનો સર્વથા અભાવ હોય છે, તેમ શુકદેવજીમાં કામભાવનો સર્વથા અભાવ છે, પરંતુ આપ કામભાવથી સર્વથા અજાણ નથી. આ ભિન્નતાને કારણે અમને શુકદેવજીનો સંકોચ ન થયો, પરંતુ આપનો સંકોચ થયો.’
બ્રહ્મચર્યને માનવસ્વરૂપે જન્મ લેવાનું મન થયું અને શુકદેવજીનો જન્મ થયો. બ્રહ્મચર્ય તેના સર્વોત્કૃષ્ટ સ્વરૂપે શુકદેવજીમાં સિદ્ધ થયું છે. આપણા દેશમાં ‘શુકદેવ’ શબ્દ નૈષ્ઠિક બ્રહ્મચારી પર્યાયવાચક બની ગયો છે. શુકદેવ એટલે જાણે બ્રહ્મચર્યની ચરમસીમા.
ગૃહત્યાગ કરીને નીકળી ગયેલા શુકદેવજી પાછા ન જ ફર્યા. પરમહંસવૃત્તિથી અવધૂત-અવસ્થામાં તેઓ યથેચ્છ વિહરણ કરતા રહ્યા. જો પવનને બાંધી શકાય તો શુકદેવજીને ઘરમાં રોકી શકાય. ભિક્ષા લેવા જાય ત્યારે પણ ગાય દોહવામાં જેટલો સમય લાગે તેથી વધુ શુકદેવજી ક્યાંય રોકાતા નથી.
નારદજીની સૂચનાથી ભગવાન વ્યાસજીએ તેમના અનુપમ ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવત’ની રચના કરી છે. ‘શ્રીમદ્ ભાગવત’ના પાનેપાને જ્ઞાન, પ્રેમ અને યોગ પરોવાયેલાં છે. આવા અધ્યાત્મગ્રંથની રચનાથી ભગવાન શ્રીવ્યાસજીને પરમ સંતોષ થયો છે, પરંતુ હવે પ્રશ્ન એ છે કે આવો મહાન ગ્રંથ ભણાવવો કોને? આ ગ્રંથની શિક્ષા આપવી કોને? શિષ્યો તો અનેક છે, પરંતુ વ્યાસજી ‘શ્રીમદ્ ભાગવત’ માટે કોઈને લાયક ગણતા નથી.
વ્યાસજી વિચારે છે કે જો મારો પુત્ર શુકદેવ આ ગ્રંથનું શિક્ષણ પામે, આ ગ્રંથ સ્વીકારે તો ‘ભાગવત’થી શુકદેવજીનું અને શુકદેવજીને આવો મહાન ગ્રંથ ભણે તેટલો સમય એક સ્થાન પર રોકવા કેવી રીતે ? ભગવાન વ્યાસજીના મનમાં આ મૂંઝવણ હતી, પરંતુ તેનો ઉકેલ પણ મળી ગયો.
એક વાર શિષ્યોએ ભગવાન વ્યાસજીને ફરિયાદ કરી કે અરણ્યમાં અમે લાકડાં લેવા જઈએ છીએ ત્યારે અમને હિંસક પ્રાણીઓની બીક લાગે છે. ભગવાન વ્યાસજીએ તેમને કહ્યું:
‘હું તમને ‘શ્રીમદ્ ભાગવત’ના બે શ્ર્લોકો શીખવું છું. તમે આ શ્ર્લોકો કંઠસ્થ કરી લો, જ્યારે હિંસક પ્રાણી આવે ત્યારે તમારે આ શ્ર્લોકોનું ગાન કરવું. આ સાંભળીને હિંસક પ્રાણીઓ ચાલ્યાં જશે.’ આટલું કહીને ભગવાન વ્યાસજીએ પોતાના શિષ્યોને આ શ્ર્લોકો શીખવ્યા:
‘बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारम् |
बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालाम् ॥
रन्ध्रान् वेणोरधरसुधया पुरयन् गोपवृन्दै-
र्वृन्दारण्यं स्वपदरमणं प्राविशद् गीतकीर्तिः॥’
श्रीमद्भागवतः १०-२१-५
‘મયૂરપિચ્છવાળો મુગટ, બંને કાનમાં કરેણનાં પુષ્પો, સુવર્ણ-સમાન પીતાંબર તથા વૈજયંતીમાળા ધારણ કરેલા, ઉત્તમ નટ જેવા દેહવાળા, જેમની કીર્તિ સર્વત્ર ગવાય છે તેવા ભગવાન શ્રીકૃષ્ણ પોતાના નીચલા હોઠના અમૃતથી વાંસળીનાં છિદ્રોને ભરતા ગોવાળિયાઓના ટોળા સાથે પોતાનાં ચરણચિોથી રમણીય બનેલા વૃંદાવનમાં પ્રવેશ્યા.’
अहो बकी यं. स्तनकालकूटं
जिघ्रांसयापाययद्प्य साध्वी |
लेभे गतिं धात्र्युचितां ततोडन्यं
कं वा दयालुं शरणं व्रजेम ॥’
श्रीमद्भागवतः ३-२-२३
‘પાપિણી પૂતનાએ પોતાનાં સ્તનોમાં હળાહળ વિષ લગાડીને શ્રીકૃષ્ણને મારી નાખવાની ઈચ્છાથી તેમને સ્તનપાન કરાવ્યું હતું, તેને પણ ભગવાને તે પરમ ગતિ આપી જે ગતિ ધાત્રી માટે ઉચિત ગણાય. આવા શ્રીકૃષ્ણ સિવાય બીજા કોણ દયાળુ છે કે જેમનું અમે શરણ ગ્રહણ કરીએ?’
(ક્રમશ:)
આપણ વાંચો: માનસ મંથનઃ અધ્યાત્મ જગતના ઇન્ટરવ્યૂમાં તો એક જ પ્રશ્ન પુછાય, શું તમે પ્રેમ કરો છો?



