ધર્મતેજ

અલૌકિક દર્શન: ભગવાન પોતે જ ભગવાનની પ્રાપ્તિ માટે સાધના કરે?

– ભાણદેવ

(ગતાંકથી ચાલુ)

  1. જીવ બ્રહ્મનિષ્ઠ કે બ્રહ્મસ્વરૂપ બની શકે છે, તો પણ બ્રહ્મનિષ્ઠ પુરુષ અને અવતાર વચ્ચે ઘણી ભિન્નતા છે, સ્વરૂપગત ભિન્નતા છે.

    બ્રહ્મનિષ્ઠ પુરુષ મુક્તાત્મા છે, છતાં તે જીવ છે અને અવતાર તો ઈશ્વર છે, વિશ્વનિયંતા છે. જીવ બ્રહ્મનિષ્ઠ બનીને બાહ્ય સાથે એકત્વ પામી શકે છે, પરંતુ ઈશ્વર બની શકતો નથી.

    ઈશ્વર કૃપા કરીને જીવને મુક્તિ આપી શકે છે, મુક્તાત્મા અન્ય જીવને મુક્તિયાત્રામાં માર્ગદર્શન અને સહાય આપી શકે છે, પરંતુ મુક્ત પુરુષ અન્ય જીવને મુક્તિ આપી શકે નહીં.

જીવ બ્રહ્મસ્વરૂપ બને તો પણ પુરુષોત્તમ બની શકે નહીં, અવતાર તો પુરુષોત્તમ છે જ.
અવતાર ઈશ્વર હોવાને નાતે સૃષ્ટિનો સ્ત્રષ્ટા, પાલનકર્તા અને સંહર્તા છે. જીવ અધ્યાત્મની ટોચ પર પહોંચે, મુક્તાત્મા બને, બ્રહ્મનિષ્ઠ બને તો પણ સૃષ્ટિનો સ્ત્રષ્ટા, પાલનકર્તા કે સંહર્તા બની શકે નહીં.

  1. અવતારની ઘટનામાં દિવ્ય ચેતનાનું અહીં આ ધરાતલ પર માનવસ્વરૂપમાં અવતરણ (descent) છે. જીવ ભગવાન પ્રત્યે આરોહણ (ascent) કરે છે. બ્રહ્મનિષ્ઠ, જીવન્મુક્ત યોગી પુરુષોનું આધ્યાત્મિક ઉત્થાન પણ ઊર્ધ્વારોહણ અર્થાત્‌‍ નીચેથી ઉપર જવાની (ascent)ની ઘટના છે. અવતારની ઘટનામાં દિવ્ય ચેતના ઉપરથી નીચે ઊતરી આવે છે તેમાં અવતરણ (descent)ની ઘટના છે.
  2. સામાન્ય બદ્ધ જીવ અજ્ઞાન અને અસમર્થ હોય છે. મુક્ત પુરુષ સજ્ઞાન હોય છે, પરંતુ સર્વજ્ઞ અને સર્વસમર્થ હોતો નથી. અવતાર પોતાના સ્વરૂપ વિશે સંપૂર્ણ સજ્ઞાન હોય છે અને તે સર્વજ્ઞ તથા સર્વસમર્થ પણ હોય છે.

    આ પણ વાંચો…અલૌકિક દર્શન : અવતાર એક આધ્યાત્મિક સત્ય છે
  3. અવતારનું માનવીય પાસું :
    અવતાર એટલે માનવસ્વરૂપે આવેલા ભગવાન. અવતારમાં મૂળભૂત રીતે ભાગવત ચેતના કાર્ય કરે છે, પરંતુ અવતારનું બાહ્મ સ્વરૂપ તો માનવનું જ હોય છે, તેથી અવતારને માનવીય પાસું પણ હોય છે. આમ હોવાથી અનેક બાબતોમાં અવતારનો વ્યવહાર માનવવ્યવહાર જેવો લાગે છે. અવતારના માનવીય પાસાનાં લક્ષણો અહીં પ્રસ્તુત છે :
  4. અવતારને શરીર, પ્રાણ, મનના ધર્મો હોય છે. અવતારનું શરીર પણ માતાપિતા દ્વારા જ જન્મે છે. અવતારનો દેહ પણ પંચમહાભૂતોનો બનેલો છે. અવતારનો દેહ પણ રસ, રક્ત, માંસ આદિ સપ્તધાતુમય હોય છે. અવતારનો ભાગવત દેહ ચિન્મય હોય છે, પરંતુ માનવદેહે તો માનવીય સ્વરૂપનો જ હોય છે.

અવતારને પણ માનવની જેમ થાક, ચિંતા, નિરાશા, વિષાદ, હર્ષ આદિ અનુભવાય છે. અવતારના શરીરને પણ બીમારી આવે છે અને અવતાર ચિકિત્સા પણ કરાવે છે.

અવતારના આવા મન:શારીરિક ધર્મોને કારણે માણસો વિમાસણમાં પડી જાય છે કે આ તો આપણા જેવા જ છે. આમને ભગવાન માનવા કેમ?

અવતારના આ બધા મન:શારીરિક ધર્મો પ્રથમ દૃષ્ટિએ માનવસહજ ધર્મો લાગે છે, છતાં સામાન્ય માનવતા આવા ધર્મો કરતાં અવતારના આ ધર્મો ઘણા ભિન્ન સ્વરૂપના છે.

અવતાર આ બધા મન:શારીરિક ધર્મો સ્વીકારે છે, પરંતુ કોઈ પણ ક્ષણે તેમને અતિક્રમી શકે છે. અવતાર માનવસહજ મન:શારીરિક ધર્મોને સ્વેચ્છાથી સ્વીકારે છે, પરંતુ અવતાર તેમનાથી બદ્ધ નથી. અવતાર આ પ્રકારના ધર્મોથી કોઈ પણ ક્ષણે મુક્ત થઈ શકે છે. અવતારના મન:શારીરિક ધર્મો તેમના પ્રારબ્ધનો ભોગ નથી, પણ તેમની લીલા છે. જીવ પોતાના મન:શારીરિક ધર્મો દ્વારા બદ્ધ છે. અવતાર મન:શારીરિક ધર્મો સ્વેચ્છાએ સ્વીકારે છે અને ઇચ્છે તો, ઇચ્છે ત્યારે તેમને અતિક્રમી શકે છે.

આ પણ વાંચો…અલૌકિક દર્શન : અવતાર કામક્રોધાદિ આવેગને આધીન હોતો નથી

  1. અવતારનો વ્યવહાર લીલામય છે, પરંતુ લીલાનો અર્થ ઢોંગ કે નાટક નથી. અવતાર જે મન:શારીરિક સંવેદનાઓ અને લાગણીઓ અનુભવે છે તે ખરેખર અનુભવે છે. અવતારના લીલામય વ્યવહારની પાંચ લાક્ષણિકતાઓ છે:
    (i) લીલામય વ્યવહાર સ્વેચ્છાએ સ્વીકારેલો હોય છે.
    (ii) અવતારના લીલામય વ્યવહારને કર્મબંધન નથી.
    (iii) અવતારના આ લીલામય વ્યવહારને તે ઇચ્છે ત્યારે એક ક્ષણમાં અતિક્રમી શકે છે.
    (iv) અવતારનો આ લીલાપૂર્ણ વ્યવહાર લીલા છે, પરંતુ ઢોંગ નથી, નાટક નથી.
    (v) અવતારના આ લીલામય વ્યવહાર વખતે પણ અવતારની ભાગવત ચેતના નિ:સંગ હોય છે.
    (vi) અવતારનાં આ કર્મો દ્વારા તેમને કર્મફળ લાગતું નથી, કારણ કે અવતાર કર્મના નિયમથી સર્વથા મુક્ત હોય છે.
  2. અવતાર સર્વસમર્થ હોવા છતાં તેની માનવલીલામાં કોઈ વાર નિષ્ફળતાને પણ સ્થાન છે. અવતાર સદાસર્વદા સફળ થવા બંધાયેલ નથી. અવતારની માનવીય લીલામાં સફળતા-નિષ્ફળતા બંનેને સ્થાન છે. નિષ્ફળતાથી અવતારનું અવતારત્વ બાધિત થતું નથી. જરાસંધથી કંટાળીને શ્રીકૃષ્ણ યાદવોને દ્વારિકામાં દોરી ગયા અને `રણછોડ’ કહેવાયા. કાલયવનથી ડરીને ભાગ્યા તો પણ શ્રીકૃષ્ણ ભગવદવતાર તો છે જ.
  3. અવતાર પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં તે સદાસર્વદા પૂર્ણ પુરુષોત્તમની જેમ જ જીવે છે તેવું નથી. અવતાર અહીં માનવસ્વરૂપ ઓઢીને આવેલા પૂર્ણ પુરુષોત્તમ છે. જો અવતાર માત્ર પૂર્ણ પુરુષોત્તમની જેમ જ જીવે અને તેમનામાં માનવીય પાસું હોય જ નહીં, તો તેમના માટે આ પૃથ્વી પર અવતાર ધારણ કરવાનો અર્થ શો છે? અવતાર માનવસ્વરૂપે આવેલા ભગવાન છે, તેથી તેમની અવતારલીલામાં માનવીય પાસું પણ હોવાનું જ.
    સીતાના વિયોગમાં રામ રુદન કરે તેથી તેમના અવતારત્વમાં કોઈ બાધા આવતી નથી, બલકે તેનાથી તેમનું અવતારત્વ વધુ સ્પષ્ટ રીતે ખીલી ઊઠે છે.
  4. અવતાર જન્મથી જ પોતાના અવતારત્વ વિશે સભાન હોય છે તેવું નથી. તો શું ભગવાન પોતાના સ્વરૂપને ભૂલી શકે? હા, ભૂલી શકે. એ જ છે ભગવાનની આત્મગોપનલીલા. અવતારના જન્મ-સમયથી જ તેમનામાં ભાગવત ચેતના તો હોય જ છે, પરંતુ આ ચેતના પડદા પાછળ હોય છે. કોઈક સુભગ ક્ષણે આ ભાગવત ચેતના પડદા પાછળથી આગળ આવે છે. ભાગવત ચેતનાનું પ્રાગટ્ય થાય છે. અવતારનું આ અવતારત્વ પ્રગટ થાય પછી પણ ભાગવત ચેતના અને માનવીય ચેતના વારાફરતી કાર્યરત રહે છે. બંનેની લીલા ચાલ્યા કરે છે.

આત્મગોપનલીલા અવતારની લીલાનું મહત્ત્વપૂર્ણ પાસું છે. અવતાર એટલે માનવચેતનાનો અંધારછેડો ઓઢીને આવેલા ભગવાન. અવતારની લીલાને સમજવા માટે આત્મગોપનની આ પ્રક્રિયાને સતત નજર સમક્ષ રાખવી જોઈએ.

  1. અવતાર સર્વસમર્થ પ્રભુ છે, તો તેમની હાજરીમાં, તેમની હયાતીમાં દેશમાં દુષ્કાળ કેમ પડે છે? યુદ્ધો કેમ થાય છે? સમાજમાં અપરંપાર વિટંબણાઓ કેમ રહે છે? આવા પ્રશ્ન કેમ ઉપસ્થિત કરવામાં આવે છે?

    અવતાર અહીં પૃથ્વી પર ચમત્કારો સર્જવા માટે આવે છે તેવું નથી. પ્રવર્તમાન સામાજિક, નૈસર્ગિક કે ધાર્મિક પરિસ્થિતિમાં ચમત્કારિક પરિવર્તનો કરી નાખે તો જ તે અવતાર ગણાય તેમ નથી. અવતાર જાદુગર નથી. અવતારનું આગમન ચમત્કારો સર્જવા માટે થાય છે તેવું નથી. અવતાર ધારે તો બધું જ કરી શકે, પરંતુ ધારે તો કંઈ પણ કર્યા વિના ચૂપ પણ બેસી શકે છે. અવતાર સદાસર્વદા ભાગવત ચેતનામાંથી વ્યવહાર કરે અને સતત ચમત્કારો જ કરે તો જ તે અવતાર ગણાય તેમ નથી. કશું જ ન કરે તો પણ જે અવતાર હોય તે અવતાર જ હોય છે.
  2. શું અવતાર પણ સાધના કરે! અવતાર પણ અધ્યાત્મપથના પથિક બની શકે? ભગવાન પોતે જ ભગવાનની પ્રાપ્તિ માટે સાધના કરે?
    (ક્રમશ:)

    આ પણ વાંચો…અલૌકિક દર્શન: હિન્દુ ધર્મમાં બધી પ્રકૃતિના માનવો માટેનો અધ્યાત્મ પથ ઉપલબ્ધ છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button