અલૌકિક દર્શનઃ અનુલોમ-વિલોમને પ્રાણાયામના એક પ્રકાર તરીકે ગણાવેલ છે

- ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
- પ્રાણાયામનું વર્ગીકરણ
પ્રાણાયામના વર્ગીકરણની અનેક પદ્ધતિઓ છે. આપણે અહીં પ્રાણાયામના વર્ગીકરણમાંની થોડી મહત્ત્વપૂર્ણ પદ્ધતિઓ જોઈએ:
(1)વસ્તુત: પૂરક, કુંભક અને રેચક-આ ત્રણ પ્રાણાયામના એક જ આવર્તનના ત્રણ તબક્કા છે, પરંતુ કોઈક સ્થાને પૂરક, કુંભક અને રેચકને ત્રણ પ્રકારના પ્રાણાયામ પણ ગણવામાં આવ્યા છે.
प्राणायामस्त्रिधा प्रोक्तो रेचकपूरककुंभकैः|
- हठप्रदीपिका : २-७१
પૂરક, કુંભક અને રેચકમાં પ્રાણનું જુદી-જુદી રીતે સંયમન સાધવામાં આવે છે, એમ ગણીને આ વર્ગીકરણ કરવામાં આવ્યું છે.
(2) યોગસૂત્રમાં પ્રાણયામના ચાર પ્રકારો આપવામાં આવેલ છે.
-બાહ્ય: જેમાં રેચકને અંતે બાહ્ય કુંભક કરવામાં આવે છે તે.
-આભ્યંતર: જેમાં પૂરકને અંતે આંતર કુંભક કરવામાં આવે છે તે.
-સ્તંભવૃત્તિ: પૂરક કે રેચકની કોઈપણ અવસ્થાએ, પ્રારંભે, અંતે કે વચ્ચે કુંભક થઈ જાય તે.
-ચતુર્થ: આ કેવળ-કુંભક છે. રેચક કે પૂરકની અપેક્ષા વિના જ આ કુંભક ગમે ત્યારે થઈ જાય છે. કુંભકનું આ ર્સ્વોત્કૃષ્ટ કરવામાં આવ્યું છે. કુંભકના સ્થાન અને સ્વરૂપને ખ્યાલમાં રાખીને આ વર્ગીકરણ કરવામાં આવ્યું છે.
(3)‘હઠયોગ પ્રદીપિકા’માં પ્રાણાયામ માટે ‘કુંભક’ શબ્દ પ્રયોજીને અષ્ટવિધ કુંભક આ રીતે આપવામાં આવેલ છે.
सूर्यभेदनमुज्जायी सीत्कारी शीतली तथा |
भस्त्रिका भ्रामरी मूर्च्छा प्लाविनीत्यष्टकुम्भकाः ॥
-ह.प्र., २-८८
સૂર્યભેદન, ઉજ્જાયી, સીત્કારી, શીતલી, ભસ્ત્રિકા, ભ્રામરી, મૂર્છા અને પ્લાવિની-એમ આઠ પ્રકારના કુંભક (પ્રાણાયામ) છે.
હઠપ્રદીપિકામાં નાડીશોધન (અનુલોમ-વિલોમ) પ્રાણાયામનું વર્ણન છે; પરંતુ તેનો અભ્યાસ પ્રાણાયામ પહેલાં આવશ્યક નાડીશોધન માટે કરવાનો છે, તેમ ગણીને તેને કુંભકના પ્રકારોમાં ગણેલ નથી. કોઈક-કોઈક યૌગિક ગ્રંથોમાં અનુલોમ-વિલોમને પ્રાણાયામના એક પ્રકાર તરીકે ગણાવેલ છે.
એ નોંધવું રસપ્રદ થઈ પડશે કે ‘ગોરક્ષશતકમ્’ જેવા મહત્ત્વપૂર્ણ ગ્રંથમાં શ્રી ગોરક્ષનાથે માત્ર એક જ પ્રાણાયામનું વર્ણન આપેલ છે અને તે અનુલોમ-વિલોમનું.
ઘેરંડસંહિતા, શિવસંહિતા વગેરે યૌગિક ગ્રંથો થોડા ફેરફારો સાથે હઠપ્રદીપિકાને અનુસરે છે.
આ વર્ગીકરણમાં ગણાવવામાં આવેલ ભિન્ન-ભિન્ન પ્રાણાયામમાં કુંભકના સ્વરૂપમાં ભિન્નતા નથી, પરંતુ દરેકમાં પૂરક અને રેચકના સ્વરૂપમાં તફાવત છે. તેથી એમ કહી શકાય કે આ વર્ગીકરણ પૂરક-રેચકના સ્વરૂપને ખ્યાલમાં રાખીને કરવામાં આવેલ છે.
આ બધા ગ્રંથોમાં કેવલ-કુંભકને સૌથી મહત્ત્વપૂર્ણ કુંભક ગણવામાં આવેલ છે અને તેનો ઉલ્લેખ અલગ રીતે કરવામાં આવેલ છે. આમ કરીને બાકીના પ્રાણાયામના અભ્યાસનું પર્યવસાન કેવલ-કુંભકમાં થાય છે, એમ સૂચવવામાં આવેલ છે.
(4) વશિષ્ઠસંહિતામાં પ્રાણાયામના વર્ગીકરણની એક કરતાં વધુ પદ્ધતિઓ આપેલ છે.
(અ) સગર્ભ (મંતસંહિત) પ્રાણાયામ અને અગર્ભ (મંત્રવિના) પ્રાણાયામ
(બ) સહિત કુંભક (રેચકપૂરક સહિત) અને કેવલ કુંભક (રેચકપૂરક વિના).
(ક) બાહ્ય કુંભક અને આંતર કુંભક
(ડ) ઉત્તમ પ્રાણાયામ, મધ્યમ પ્રાણાયામ અને અધમ પ્રાણાયામ.
આ ત્રણ પ્રકારો પાડવાની પણ જુદી-જુદી પદ્ધતિઓ છે. કોઈક ગ્રંથમાં આ ત્રણ પ્રકારો પરિણામને આધારે પાડવામાં આવેલ છે. ગોરક્ષનાથ કહે છે-
अधमे च धनोधर्मः कंपो भवति मध्यमे |
उत्तिष्ठत्युत्तमेयोगी बद्धपद्मासनो मुहुः ॥
-गोरक्षशतकम्, ८९
‘અધમ પ્રાણાયામમાં ખૂબ પરસેવો થાય છે. મધ્યમ પ્રાણાયામમાં કંપ થાય છે અને ઉત્તમ પ્રાણાયામમાં બદ્ધ પદ્માસનસ્થ યોગી વારંવાર ઉન્નયન અનુભવે છે.’
અન્ય સ્થાને આ પ્રકારો માત્રાને આધારે પણ પાડવામાં આવેલ છે. ઘેરંડ કહે છે
उत्तमाविंशतिर्मात्रा मध्यमा षोडशी स्मृता |
अघमा द्वादशी मात्रा प्राणायामस्त्रिधा स्मृता ॥
-घेरण्डसंहिता; ५-५८
‘વીસ માત્રાયુક્ત ઉત્તમ, સોળ માત્રાયુક્ત મધ્યમ અને બાર માત્રાયુક્ત અધમ-એમ પ્રાણાયામના ત્રણ પ્રકારો છે.’
(5) પ્રાણાયામના પ્રકારોની એક સર્વગાહી પદ્ધતિ પણ છે:
ક્રમ પ્રાણાયામ પ્રકારો
- ઉજ્જાયી 60
- અનુલોમ-વિલોમ 68
- ભસ્ત્રિકા 64
- સૂર્યભેદન 8
- ચંદ્રભેદન 8
- સીત્કારી 12
- શીતલી 6
- ભ્રામરી 6
- મૂર્છા 5
- પ્લાવિની 4
- પ્રવર્તમાન પ્રાણાયામ 10
- ઉચ્ચતર ઘનિષ્ઠ પ્રાણાયામ- 17
- અતિરિક્ત પ્રાણાયામ 40
કુલ 308