અલખનો ઓટલોઃ આવકાર નવા વર્ષને, સંતોની વાણીના સથવારે…

ડૉ. નિરંજન રાજ્યગુરુ
202પના વર્ષ વિદાય લઈ લીધી છે, અત્યારે તો 2026ના આરંભના તહેવારો સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહ્યા છે ત્યારે સૌ વાચકોને શુભ કામનાઓ… આ વર્ષ આપણા સૌને માટે તમામ પ્રકારનાં સુખ, સમૃદ્ધિ, શાંતિ, સ્વાસ્થ્ય, સંપત્તિ, સત્સંગ, સેવા અને સનાતન ઈશ્વરકૃપાનો અનુભવ કરાવતું રહે, લૌકિક અને આધ્યાત્મિક દરેક પ્રકારના ક્ષેત્રમાં ગતિ-પગતિ થતી રહે, યશ, કીર્તિ, નામના, સન્માનની સાથોસાથ તમામ પ્રકારના મનવાંછિત સંકલ્પો પરમાત્મા પૂર્ણ કરે, શુભ લક્ષ્મીનો કાયમી નિવાસ થાય, ભારતીય સંસ્કૃતિના તપ, ત્યાગ, સેવા, સાધના, સત્સંગ, જીવમાત્ર પ્રત્યે કરૂણા અને સ્નેહ તથા ખરેખરા જરૂરિયાતમંદો માટે હમદર્દી જેવા સંસ્કારોની સરવાણી સૌના હૃદયમાં વહેતી રહે, ભવિષ્યની અનેક પેઢીઓ સુધી આપણો આ દિવ્ય વારસો જળવાતો રહે એવી પરમકૃપાળુ પરમાત્માને પાર્થના કરૂં છું.
હવે પછી આવનારા અતિશય કપરા દિવસોમાં પણ આપણું તન તંદુરસ્ત રહે, મન પ્રફુલ્લિત રહે, ધન ખરેખર આત્માની શાશ્વત પ્રસન્નતા મળે એવી કલ્યાણકારી પ્રવૃત્તિમાં વપરાય અને શુદ્ધ અંતરયાત્રા-અંતર્યાગ તરફ આપણે સૌ ગતિમાન થઈ શકીએ એવી શુભ ભાવના વ્યક્ત કરવાનો આ સમય છે. એટલે પાણીનું એકએક બુંદ, વાણીનો એકએક શબ્દ, અનાજનો એકએક કણ અને જીવનની એકએક ક્ષણને બચાવતા રહીએ. એ આપણી અમૂલ્ય વિરાસત છે.
આજે તો દુન્યવી મનોરંજન માટે મનુષ્ય સતત ઝંખતો રહે છે અને પોતે આ સંસારનો સૌથી વધુ ભાગ્યશાળી છે એમ માનીને ઈશ્વરના ભજન-કીર્તન, દેવદર્શન, દયા, કરુણા, જીવમાત્ર પત્યે પેમ છોડીને સ્વાર્થમાં આંધળોભીત બનીને દોડ્યા કરે છે. છત્રી પલંગમાં- સુંવાળી સેજમાં સૂનારા પોતાની આંખોમાં છવાયેલા માયાના ઘેનને કારણે એવી ભ્રમણામાં રહે છે કે જાણે આ ધરતી પર પોતાનું કાયમી શાશ્વત સ્થાન અને માન રહેવાનું છે, આવા મિથ્યા અહંકારને વશ થઈને જગતનો તિરસ્કાર કરતા રહે છે, પોતે અમરપટૃો લખાવીને નથી આવ્યા.
આ તો ચાર દિવસની ચાંદની છે, ક્યારે અંધારી બિહામણી કાળી ડિબાંગ રાત્રી આવી જશે એનો વિચાર એને નથી આવતો. આપણા સંતો-ભક્તોએ એટલે તો રાજા-મહારાજાઓ તરફથી સામેથી મળતા ગામ- ગરાસ- વૈભવનો સ્વીકાર નહોતો ર્ક્યો.
તેઓ જાણતા હતા કે એમના શિષ્યો કે વંશજોમાં અધ્યાત્મસાધના, તપ, ત્યાગ, સેવા, સત્સંગ, ભજન કે કરૂણા ઓછી થતી જશે, માયાના અહંકારમાં મૂળ પુરુષના સંસ્કારો લૂપ્ત થઈ જશે અને સત્તા અને સંપત્તિના મોહમાં અનેક અનાચારો શરૂ થઈ જશે. એટલે તો કેટલાક સંત-ભક્તોએ પરમાત્મા પાસે નખોદ માગ્યું હતું, નિર્વંશ રહેવાની યાચના કરેલી.
તમામ ધર્મ-પંથ-સંપદાયોમાં એક ઘટના વારંવાર નામફેરે કહેવાતી રહે છે કે એક શ્રીમંતે કરુણાવશ થઈને એક નપાણિયા મુલકના ધોરી રસ્તા પર તરસ્યા મુસાફરોની તરસ છીપાવે એવી વાવ ગળાવી, એના ગુરુજી કે પરમાત્મા પોતે પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું ત્યારે એ ધનપતિએ પોતે નિર્વંશ રહે એવી માગણી કરી. કારણ કે એને ભય હતો કે ભવિષ્યમાં મારા દ્વારા ગળાવેલી આ વાવના કાંઠે બેસીને મારા વંશજો તરસ્યા વટેમાર્ગુઓની તરસ છીપાવતા પાણી માટે પણ એમ કહીને દોકડા માગશે- કે `અમારા દાદાએ આ વાવ બંધાવી આપેલી માટે અમને એનું મૂલ્ય લેવાનો અધિકા2 છે..’
એટલે તો જે સંત સ્થાનકો અભ્યાગતોનો આશરો હતાં, સમાજથી તરછોડાયેલાં નિર્ધનો માટેનું આશ્રયસ્થાન હતાં તે આજે ??? વારંવાર આપણા દેશી ભજનિકો- `તુલસી હાય ગરીબકી, કબુ ન ખાલી જાય, મૂએ ઢોર કે ચામસે, લોહા ભસમ હો જાય..’ જેવી સાખીઓ ગાઈ ગાઈને સમસ્ત માનવજાતને ચેતવતા રહે છે પણ લગભગ તમામ સંપદાયોના સંસાર છોડીને સાધુ બનેલા કહેવાતા વિરક્તો પણ યુવાનીના તોર, અપાર સંપત્તિ અને સત્તાના અહંકારમાં અંધ બનીને આવા ઉપદેશાત્મક ભજનોની સાથે મનોરંજક-ઉત્તેજક સંગીત પીરસનારા કલાકારો ઉપર નાણાંનો વરસાદ વરસાવતા રહે છે.
એને સંતવાણીના શબ્દો સાથે કોઈ જ નિસ્બત હોતી નથી, અધ્યાત્મ કે આત્મસાધના સાથે કોઈ જ નાતો હોતો નથી, જગતમાં ખોટી ખુશામત કરીને એકબીજાની વાહવાહ કરનારી જમાતોના નાયક બનીને ફૂલાતા અને પોરસાતા રહે છે. સંત કબીરસાહેબની એક વાણી સંદેશો સમગ્ર માનવજાતને આપે છે.
તારા ઘટમાં છે કિરતાર,
મનવા હવે ખોજી લે કાયા ગઢ નગરી…
કાળ પારધી શિર ઉપર બેઠા, પલમેં પ્રાણ હરનાર,
કલજુગમેં તૂ સુમિરન કરલે, ક્યોં ભટકે દુ:ખિયાર…
તારા ઘટમાં સરજનહાર,
માનવી ખોજ કાયા ગઢ નગરી…
હદ બેહદમેં ભાઈ સબ ખેલે,
અનહદ જાવે નૈં કોઈ ;
અનહદ કે મેદાનમેં રમે,
વાં તો કબીરા સોઈ…
તારા ઘટમાં છે કિરતાર,
મનવા હવે ખોજી લે કાયા ગઢ નગરી…
આ પણ વાંચો…અલખનો ઓટલોઃ ‘મેં અલેકિયા પીર પછમ રા, સતની ઝોળી મેરે કાંધે ધરી’ના ગાનારા મુંડિયાસ્વામી



