વિશેષ : વિશ્વમાં અત્ર - તત્ર - સર્વત્ર શિવ હી શિવ! | મુંબઈ સમાચાર

વિશેષ : વિશ્વમાં અત્ર – તત્ર – સર્વત્ર શિવ હી શિવ!

  • રાજેશ યાજ્ઞિક

આપણે સહુ જાણીએ છીએ કે આપણે દેવોના દેવ મહાદેવની પૂજા શિવલિંગ રૂપે કરીએ છીએ. લગભગ બધા જ દેવોને આપણે મૂર્તિ રૂપે પૂજીએ છીએ, પરંતુ મહાદેવને નિરાકાર રૂપમાં પૂજાય છે. જેમ મહાદેવ સર્વવ્યાપી છે, તેમ મહાદેવનું પવિત્ર શિવલિંગ પણ ભારત દેશની સીમાઓ ઓળંગીને અનેક ઠેકાણે જોવા મળે છે. નોંધનીય એ છે કે વિદેશોમાં માત્ર આધુનિક કાળમાં બનેલાં મંદિરો નહીં, પરંતુ પુરાતન ઇતિહાસમાં સનાતનની હાજરીના પુરાવા રૂપ શિવલિંગોનો ઇતિહાસ મળી આવે છે.

સંસ્કૃતિની શરૂઆતમાં, લોકોનું જીવન પ્રાણીઓ અને પ્રકૃતિ પર આધારિત હતું, તેથી તેઓ પ્રાણીઓના રક્ષક દેવતા તરીકે પશુપતિની પૂજા કરતા હતા. સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળેલી એક સીલ પર ત્રણ ચહેરાવાળા માણસને ઘણા પ્રાણીઓથી ઘેરાયેલો દર્શાવવામાં આવ્યો છે. આને ભગવાન શિવનું પશુપતિ સ્વરૂપ માનવામાં આવે છે.

સુમેરિયાની સંસ્કૃતિઓ ઈસા પૂર્વે 2300-2150 સુધી, બેબીલોનિયા ઈસા પૂર્વે 2000-400 સુધી, ઈરાન ઈસા પૂર્વે 2000-250 સુધી, ઇજિપ્ત ઈસા પૂર્વે 2000-150 સુધી, અસીરિયા ઈસા પૂર્વે 1450-500 સુધી, ગ્રીસ ઈસા પૂર્વે 1450-150 સુધી અને રોમ 800-500 સુધી અસ્તિત્વમાં હતી. મહાભારતનું યુદ્ધ આ બધા પહેલાં લડાયું હતું. આનો અર્થ એ થયો કે ભારતમાં અંદાજે 3500 બીસીમાં સંપૂર્ણ વિકસિત સભ્યતા હતી. તેમાં મહાદેવ પૂજાતા હોવાનું વર્ણન આપણા ગ્રંથોમાં છે જ.

  • ઇટાલીમાં મળે છે પ્રમાણ

એવું માનવાનાં પ્રબળ કારણો છે કે શિવલિંગની પૂજા યુરોપિયન દેશોમાં થતી હતી. ઇટાલિયન શહેર રોમની ગણતરી વિશ્વના પ્રાચીન શહેરોમાં થાય છે. રોમનો દ્વારા શિવલિંગની પૂજા `પ્રયાપસ’ના રૂપમાં કરવામાં આવતી હતી એવું માનવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે, ગ્રીક પૌરાણિક કથાઓ મુજબ પ્રયાપસ ફળદ્રુપતાના દેવતા ગણવામાં આવે છે, અને તેમની જનનેન્દ્રિય વિશે તેમાં વિશિષ્ટ કથા છે.

રોમના વેટિકન શહેરમાં ખોદકામ દરમિયાન એક શિવલિંગ મળી આવ્યું હતું જે ત્યાંના ગ્રેગોરિયન એટ્રુસ્કન મ્યુઝિયમમાં આજે પણ મોજૂદ છે. વેટિકનની વાત નીકળી છે તો તેનો પણ શિવલિંગ સાથેનો બીજો રસપ્રદ સંબંધ જાણવા જેવો છે. ઇટાલીનો જ હિસ્સો હોવા છતાં, વેટિકન સિટી ખ્રિસ્તી સામ્રાજ્યનો સ્વતંત્ર દેશ ગણાય છે અને ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુનું તે રહેઠાણ પણ છે. જો તમે વેટિકન સિટીની મુખ્ય ઇમારત અને તેના આગળના વિસ્તાર પર વિહંગમ દ્રષ્ટિ કરશો તો જણાઈ આવે છે કે તેનો સમગ્ર આકાર શિવલિંગના થાળા જેવો છે, જે એક અજાયબી છે. માન્યતા તો એવી પણ છે કે વેટિકન સિટીનું નામ પણ ભારતીય સંસ્કૃતિના શબ્દ `વાટિકા’ પરથી જ પડ્યું છે. આ રીતે ઇટાલીનો ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ સાથે ઊંડો સંબંધ હોવાનું માનવામાં આવે છે.

  • પુરાતન સંસ્કૃતિઓમાં પણ ભોળાનાથ

આપણે ત્યાં તો મોહેંજોદડો અને હડપ્પાની વિકસિત સંસ્કૃતિમાં પણ શિવલિંગની પૂજાના પુરાતત્ત્વીય અવશેષો મળી આવ્યા છે, જે કોઈ આશ્ચર્યની વાત નથી. પરંતુ પુરાતત્ત્વીય શોધ મુજબ, મેસોપોટેમિયા અને બેબીલોનના પ્રાચીન શહેરોમાં શિવલિંગની પૂજાના પુરાવા મળી આવ્યા છે.

  • આયર્લેન્ડમાં પણ મહાદેવ

આયર્લેન્ડના તારા હિલમાં એક લાંબો અંડાકાર આકારનો રહસ્યમય પથ્થર આવેલો છે, જે શિવલિંગ જેવો દેખાય છે. તેને ભાગ્યશાળી પથ્થર (લ્યા ફેઇલ સ્ટોન ઓફ ડેસ્ટિની) કહેવામાં આવે છે. ઈસવીસન 1632-1636 વચ્ચે ફ્રેન્ચ સાધુઓ દ્વારા લખાયેલા એક પ્રાચીન દસ્તાવેજ અનુસાર, આ પથ્થર 4 અલૌકિક જીવો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો.

  • આફ્રિકામાં પણ શિવલિંગ

દક્ષિણ આફ્રિકામાં સુદ્વારા નામની ગુફામાં, પુરાતત્ત્વવિદોને મહાદેવનું 6,000 વર્ષ જૂનું શિવલિંગ મળી આવ્યું છે જે કઠણ ગ્રેનાઈટ પથ્થરથી બનેલું છે. આ શિવલિંગ શોધનારા પુરાતત્ત્વવિદોને આશ્ચર્ય થયું છે કે આ શિવલિંગ અત્યાર સુધી અહીં કેવી રીતે સુરક્ષિત રહ્યું? જોકે, સુદ્વારાના સત્તાવાર સૂત્રો તે શિવલિંગ હોવાનું નકારે છે, અને કહે છે કે નજીકના નેલ્સ્પ્રુટ નેચર રિઝર્વમાં એક ખડકની રચના છે. સાથે એટલું તો સ્વીકારે છે કે 1800 વર્ષ પહેલાં ભારતીય પ્રવાસીઓ તેની પૂજા કરતા હતા.

વિયેતનામ એક જીવંત વૈદિક સંસ્કૃતિનું ઘર હતું. ઘણાં અદ્ભુત મંદિરો અને શિલ્પો આજે પણ ત્યાં અસ્તિત્વમાં છે. સમગ્ર વિયેતનામમાં હજારો વર્ષ જૂનાં ઘણાં પ્રાચીન શિવલિંગ મળી આવ્યાં છે. આ સમગ્ર વિશ્વમાં વૈદિક સંસ્કૃતિના વિશાળ વિસ્તરણનો વધુ પુરાવો છે.

આપણ વાંચો:  ગીતા મહિમા : ક્રોધની વિનાશકતા…

  • ઇન્ડોનેશિયામાં પણ દેવોના દેવ

પુરાતત્ત્વવિદોને ઇન્ડોનેશિયાના યોગ્યકાર્તામાં એક પ્રાચીન મંદિર મળી આવ્યું છે, જેના ખંડેરમાંથી હિન્દુ દેવતા શિવને વહન કરતા પવિત્ર બળદ નંદીની પ્રતિમા મળી આવી છે. યોગ્યકાર્તા પ્રાચીન વસ્તુઓ અને અવશેષો સંરક્ષણ એજન્સીના ખોદકામ ટીમના વડાએ જણાવ્યું હતું કે, આ પ્રતિમા ઉત્કૃષ્ટ છે. આ શિલ્પ નંદીની અન્ય પ્રતિમાઓથી અલગ રીતે કોતરવામાં આવ્યું છે. `ઇન્ડોનેશિયન ઇસ્લામિક યુનિવર્સિટી કેમ્પસ’માં સ્થિત આ સ્થળ પર અગાઉ થયેલી શોધમાં ગણેશજીની પ્રતિમા; અને શિવલિંગ મળી આવ્યાં હતાં.

આપણને એ જાણીએ આશ્ચર્ય પણ થાય, હે શિવભક્ત તરીકે આનંદ પણ થાય, કે વિશ્વમાં અત્ર, તત્ર, સર્વત્ર, શિવ હોવાના પ્રમાણ મળે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button