ધર્મતેજ

વિશેષઃ આ ચાર ભેગા થાય તો અનર્થનું કારણ બને છે…

  • રાજેશ યાજ્ઞિક

આપણાં શાસ્ત્રોની ખાસિયત છે કે એ થોડામાં ઘણું કહી જાય છે. આપણાં શાસ્ત્રોમાં મોટાભાગનો ઉપદેશ સૂત્રાત્મક રીતે શ્ર્લોકોમાં સમાયેલો જોવા મળે છે. આવો એક સૂત્રાત્મક ઉપદેશ સનક ઋષિએ નારદ મુનિને આપતા કહ્યું, યૌવન, ધનસંપત્તિ, પ્રભુત્વ અને અવિવેક એ દરેક અનર્થનું કારણ બની શકે છે. અને જ્યારે એ ચારેય ભેગા થાય પછી પૂછવું જ શું?!

યૌવન એ જીવનનો સૌથી ઉત્તમ સમય છે. શરીરમાં શક્તિ હોય છે, જગતને જીતવાની ઈચ્છા પણ હોય છે. ઝવેરચંદ મેઘાણી કહે છે,

ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ

યૌવનના બળથી વ્યક્તિ ધનસંપત્તિ કમાઈ શકે છે, સંપત્તિવાન અને બળવાન વ્યક્તિ સમાજમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરી શકે છે. પણ આ ત્રણ ભેગા થયા પછી જો ચોથો અવિવેક તેમાં ભળે તો પેલા ત્રણેયનો નાશ કરવાનું કારણ બની જાય છે.

યૌવન જો આડે પાટે ચડી જાય તો અવળાં કર્મોને બળે આત્માની પાંખો કપાઈ જાય. યુવાનીના મદમાં જો વ્યક્તિ એવું વિચારવા લાગે કે હું તો જે ઇચ્છુ તે કરી શકું તેમ છું, મારામાં અસીમ શક્તિ છે. તો એ અહંકારના પ્રતાપે એ લોકોને ગણકારવાનું બંધ કરી દે છે. પોતાના કરતાં સહુને નિર્બળ સમજવા લાગે છે. પણ એ ભૂલી જાય છે કે, કોઈ રોગ તેના શરીરમાં ઘર કરશે તો તેની યુવાનીની બધી તાકાત હણાઈ જતા વાર નહિ લાગે.

આજે આપણે સમાજમાં અવળે રસ્તે ચડેલી યુવાનીનાં અનેક ઉદાહરણો જોઈએ છીએ. આવા યુવાનો પોતાનું જીવન તો પાપના રસ્તે ચડીને બરબાદ કરે જ છે, પરંતુ પોતાના પરિવારનું જીવન પણ નર્ક બનાવે છે. તેઓ સમાજ માટે એક બોજ બની જાય છે. જેની પાસે ધનસંપત્તિ પ્રચુર હોય છે તે પણ અહંકારથી યુક્ત થઇ જાય છે. આ પૃથ્વી પર મારા જેવો ચડિયાતો કોઈ નથી, મારી પાસે એટલી સંપત્તિ છે કે ક્યારેય ખૂટશે નહીં. પણ કાળની એવી થપાટ વાગશે કે કરોડપતિમાંથી ક્યારે રોડપતિ થઇ જશે તે ખબર નહિ પડે.

ઉચ્ચ પદ પર બેઠેલા લોકો પોતાના પ્રભુત્વના અહંકારમાં અટવાઈ જાય છે. પુણ્યકર્મના બળે, મળેલી સત્તાના મદમાં તે એવું વિચારવા લાગે છે કે હું સર્વનો પાલનહાર છું, સહુ આવીને મને નમન કરે છે, મારા જેવું કોઈ નથી. રાજકારણમાં ઊંચા પદ પર બેઠેલા હોય કે ધર્મના ક્ષેત્રે હજારો લોકો જેમના અનુયાયી હોય. અહંકાર કોઈને પણ છોડતો નથી. તેમાં અવિવેક ઉમેરાય એટલે મનુષ્યમાં દોષદૃષ્ટિ પેદા થાય છે.

અન્યના ગુણોને પણ દોષપૂર્ણ દ્રષ્ટિએ જોવાની વૃત્તિને અસૂયા કહી છે. જે વ્યક્તિમાં અસૂયાની સાથે અહંકાર આવી જાય તે વ્યક્તિ નાશના માર્ગે આગળ વધે છે. તેનામાં અન્ય લોકોનો વિરોધ પેદા થાય છે. પોતાના દેહનો નાશ અને સર્વ સંપત્તિનો અંત થાય છે. ઋષિ સનક કહે છે, અસૂયાથી ભરેલા ચિત્તવાળા પુરુષ પાસે જો સંપત્તિ આવી જાય તો ઘાસની ગંજીમાં લાગેલી આગમાં વાયુનો સંયોગ થવા જેવી સ્થિતિ નિર્માણ થાય છે. તેમની વાણી કઠોર થઇ જાય છે. તેમના પ્રિયજન, સંતાનો અને ભાઈભાંડુ પણ તેમના શત્રુ બની જાય છે.

સનક ઋષિ નારદ મુનિને કહે છે કે જે મનુષ્ય પોતાના કલ્યાણનો નાશ કરવા માગતો હોય તેણે જ બીજાનું કલ્યાણ જોઈને અસૂયા કરવી જોઈએ. અસૂયા થવાથી બીજાઓ સાથે દ્વેષ ઘણો વધી જાય છે. હજારો ગુણોનો માલિક વ્યક્તિ જો એક પણ દુર્ગુણ ધરાવતો હોય તો નાવમાં પડેલા છેદથી જેમ નાવ ડૂબી જાય છે, તેમ એ એક દુર્ગુણ તેના માટે પતનની પાઈલોટ કાર બની શકે છે. સર્વ સંપત્તિઓથી યુક્ત મનુષ્ય પણ ગુણહીન હોય તો નિંદનીય બને છે. તેથી સનક ઋષિ કહે છે કે અસૂયા જેવી કોઈ અપકીર્તિ નથી.

નાનાં સૂત્રાત્મક વાક્યો દ્વારા સનક ઋષિએ જે ઉપદેશ આપ્યો છે તે એ જ કે સંપત્તિ મળે તો તેને પુણ્યનો પ્રસાદ માનવો, યુવાનીના બળને ઈશ્વરની કૃપા માનવી, પ્રભુત્વ પ્રાપ્ત થાય તો તેને સદ્કાર્યનું સૌભાગ્ય માનવું અને વિવેકપૂર્ણ વર્તન કરવું.

આપણ વાંચો:  ગીતા મહિમાઃ આત્મનિયંત્રણ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button