ધર્મતેજ

ચિંતન: ગીતાની કેટલીક વાતો

  • હેમુ ભીખુ

ગીતાની કેટલીક વાતો અનેરી છે. અહીં કેટલીક વાતો સરળતાથી સહજતામાં કહેવાઈ ગઈ છે. ક્યારેક તો આ વાત એટલી સૂક્ષ્મ અને શાંત હોય છે કે નજરે પણ ન ચડે – પણ સંદેશો પહોંચી જાય. જેમ કે ગીતાના પહેલા અધ્યાયમાં દુર્યોધન 3જા શ્ર્લોકથી શરૂ કરીને 11મા શ્ર્લોક સુધી બોલે છે છતાં પણ તેના વક્તવ્ય આગળ દુર્યોધન ઉવાચ એમ નથી કહેવાયું. શાસ્ત્રમાં કોને મહત્ત્વ અપાય અને કોના નામનો ઉલ્લેખ હોવો જોઈએ તે બાબત આ પરિપ્રેક્ષ્યમાં સ્પષ્ટ થાય છે.

એ પણ સમજવા જેવી વાત છે કે, શ્રીકૃષ્ણ તો ત્રિકાળ જ્ઞાની હતા. તેઓ અર્જુનના સારા મિત્ર પણ હતા. તેથી તેમને ખબર તો પડી જ ગઈ હશે કે અર્જુન યુદ્ધના પ્રથમ દિવસે કેટલાક મૂળભૂત પ્રશ્નો ઊભા કરશે. તો પછી શ્રીકૃષ્ણએ અર્જુનને પહેલેથી જ સામે બેસાડીને ગીતા જ્ઞાન કેમ નહોતું આપ્યું. જો ગીતા જ્ઞાન પહેલેથી અપાયું હોત તો કદાચ તેને 700 શ્ર્લોકમાં સીમિત કરવાની જરૂરિયાતના રહેત. તેઓ કદાચ અર્જુનને સવિસ્તાર કેટલીક વાતો સમજાવી શક્યા હોત.

ગીતાનું જ્ઞાન પહેલેથી જ અર્જુનને કેમ સમજાવી ન દીધું. તેનો જવાબ પણ ગીતામાંથી જ મળે છે. ગીતામાં જ સાંખ્યદર્શનનો સિદ્ધાંત ટાંકીને શ્રીકૃષ્ણ જણાવે છે કે કોઈપણ કાર્યની સફળતા કે નિષ્ફળતા માટે અધિષ્ઠાન – સમય અને સ્થળ – કર્તા, જુદાં જુદાં સાધનો, જુદી જુદી ક્રિયાઓ અને દૈવ, આ પાંચ પરિબળો નિર્ણાયક રહે છે. તેથી એમ કહી શકાય કે અર્જુનને ગીતા ત્યારે જ પચાવી શકે કે જ્યારે આ પાંચ બાબતો વ્યવસ્થિત રીતના ગોઠવાઈ હોય.

બધા જાણે છે કે નારાયણના – શ્રી વિષ્ણુના દસ અવતાર છે, તેમાં કૃષ્ણાવતાર આઠમો અવતાર છે. કેટલીક વિચારધારા પ્રમાણે શ્રી વિષ્ણુના ચોવીસ અવતાર છે. સાથે સાથે ગીતામાં ઈશ્વર એમ જણાવે છે કે બહુની મે વ્યતીતાની અર્થાત મારા અનેક જન્મો થઈ ચૂક્યા છે.

દર્શાવતારનો સિદ્ધાંત સમજીએ તો શ્રીકૃષ્ણના આ પહેલાં આઠ જ અવતાર થઈ ચૂક્યા છે. તો પછી અનેક જન્મની વાત સમજવામાં કોઈકને અઘરી છે. એમ કહેવાય છે કે દરેક કલ્પમાં શ્રીકૃષ્ણ પણ અવતાર લે છે અને શ્રીરામ પણ. દરેક કલ્પમાં તેઓ ધર્મની સ્થાપના માટે પ્રયત્નશીલ રહે છે. જો આ બધાનો સરવાળો થાય તો ચોક્કસ શ્રી વિષ્ણુ દ્વારા અનેકવાર અવતાર ધારણ કરાયો છે.

ગીતાના અભ્યાસુ ખબર હોય છે કે શ્રીકૃષ્ણએ કેટલીક વાતો જ્ઞાની પર તો કેટલીક વાતો શાસ્ત્ર પર છોડી છે – ક્યાંક ગુરૂનો ઉલ્લેખ થાય છે તો ક્યાંક સાંખ્ય દર્શનનો. કાર્યની સફળતા નિષ્ફળતાની વાત માટે પણ શ્રીકૃષ્ણ સાંખ્ય દર્શન પર વાત છોડે છે. આની પાછળ શ્રીકૃષ્ણ બે સંદેશા પહોંચાડવા માગે છે. એક, ગીતાની આગળ પણ અભ્યાસ ચાલુ રહેવો જોઈએ અને બીજું, બીજા મહાનુભાવો દ્વારા સ્થાપિત થયેલી વાતો પણ એટલી જ અગત્યની છે.

ગીતાની મજા એ છે કે અન્ય પ્રશ્નોના જવાબ તો ગીતામાંથી મળી જ રહે છે, પણ ગીતામાં જે પ્રશ્નો ઊભા થાય તેનો જવાબ પણ ગીતામાં સમાયેલો જ હોય છે. ગીતામાં એક સ્થળે જણાવાયું છે કે સમત્વ એ જ યોગ છે અને સાથે સાથે અન્ય સ્થળે એમ પણ જણાવાયું છે કે કર્મમાં કુશળતા એ યોગ છે.

આ પણ વાંચો…ચિંતન: યતો ધર્મસ્તતો જય: જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે

કેટલાક લોકો આ બે બાબતને વિરોધી સમજી શકે – ભિન્ન તો સમજી જ શકે. અહીંયા સમત્વ અને કુશળતા વચ્ચેની સંલગ્નતા સમજવી જરૂરી છે. સમત્વ સ્થાપિત કરવા માટેની કુશળતા અને કુશળતા પ્રાપ્ત થયા બાદ જરૂરી સમત્વનો ભાવ – આ બંને એકબીજાને અનુસરે છે. વાસ્તવમાં જો સમત્વની સ્થિતિ પ્રાપ્ત કરી હોય તો ચોક્કસ પ્રકારની કુશળતા આપમેળે પ્રગટ થાય, અને જો વ્યક્તિ ચોક્કસ બાબતોમાં કુશળતા પ્રાપ્ત કરે તો સમત્વનો ભાવ ચોક્કસ પામી શકે.

ગીતા સહજતાથી ગૂઢ આધ્યાત્મિક સિદ્ધાંત સ્થાપિત કરી શકે છે. ત્રીજા અધ્યાયમાં જણાવ્યું છે કે તત્ત્વને જાણનાર વ્યક્તિ – તત્ત્વવેત્તા – પ્રત્યેક તત્ત્વના ગુણ અને તેને આધારિત કર્મને વ્યવસ્થિત રીતે જાણે છે. તેથી સંસારના વ્યવહારમાં, એક ગુણ બીજા ગુણમાં પ્રવૃત્ત થાય છે, તેમ માનીને કોઈ પણ કાર્યમાં તેઓ આસક્ત થતા નથી. અહીં પ્રશ્ન એ થાય કે આ બાબત માન્યતા છે કે જ્ઞાન.

અહીં મૂંઝવણ એ થાય કે આ બાબતને વ્યક્તિગત અભિપ્રાય તરીકે લઈ શકાય કે સંસારના સત્ય તરીકે. આનો જવાબ પણ ગીતામાં જ અપાઈ ગયો છે. જ્યારે શ્રીકૃષ્ણ સ્વયં કહે છે કે જે અનાદિ છે, જે બ્રહ્મ છે તેને નથી સત કહી શકાતું કે નથી અસત કહી શકાતું. અર્થાત સત અને અસતની ધારણાનો એક સાથે છેદ ઉડાડી દેવાય છે. જો સત અને અસત માટે આટલું સ્પષ્ટ વિધાન થઈ શકતું હોય તો એક ગુણના બીજા ગુણ સાથે પ્રવૃત્તિ થવાની ઘટના તો સંદર્ભિક અને સંજોગિક ઘટના જ બની રહે.

કેટલાક એ પણ પ્રશ્નો ઊભો કરતા હોય છે કે સ્થિતપ્રજ્ઞ, ગુણાતીત તથા ભક્તના ગુણધર્મો લગભગ સમાન છે. તો એ દરેકને અલગ અલગ વર્ણવવાની જરૂરિયાત ક્યાંથી ઊભી થઈ. જરૂરિયાત છે. જરૂરી નથી કે સ્થિતપ્રજ્ઞ ભક્ત હોય, ભક્ત ગુણાતીત હોય કે ગુણાતીત સ્થિત પ્રજ્ઞા હોય – હોવાની સંભાવના છે પણ હોય તે જરૂરી નથી. તેવા સંજોગોમાં દરેકને પોતાની ઓળખ મળી રહે તે ઇચ્છનીય છે. સ્થિતપ્રજ્ઞને ખબર પડવી જોઈએ પોતે કેવા પ્રકારની ભૂમિકામાં છે.

ગુણાતીતને એ સમજમાં આવવું જોઈએ કે વાસ્તવમાં ગુણોથી પર થવું એટલે શું. ભક્તએ એનું ધ્યાન રાખવું પડે કે કેવા પ્રકારના ભક્ત ઈશ્વરને વધુ પ્રિય છે. અહીં સામાન્ય બાબતો પણ છે અને વિશેષ બાબતો પણ. સામાન્ય બાબતો સર્વ સ્વીકૃત હોઈ શકે પણ વિશેષ બાબતો પર વધુ ધ્યાન આપવું જરૂરી બને.

ગીતા વિશે જેટલી વાત થઈ શકે તેટલી ઓછી છે. ઉપનિષદોનો તે નીચોડ તો છે જ પણ સાથે સાથે સનાતનની સંસ્કૃતિના દરેક દર્શનની કોઈને કોઈ વાત તેમાં સમાવાયેલી છે. આ એક ટૂંકમાં કહેવાયેલો સંપૂર્ણ ગ્રંથ છે. એમ કહેવાય છે કે યુદ્ધ ભૂમિની પૃષ્ઠ ભૂમિકામાં વર્ણવાયેલ આ સત્ય છે, પરંતુ એક વિચારધારા પ્રમાણે સમગ્ર માનવજાત માટે સર્વસ્થાને, સર્વ સમયે, યથાર્થ કહી શકાય આ તેવું આ શાસ્ત્ર વિધાન છે.

આ પણ વાંચો…ચિંતનઃ સવિકલ્પ-નિર્વિકલ્પ-ધર્મમેઘ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button