ચિંતન: શ્રીકૃષ્ણની કેટલીક અદ્ભુત ભેટ… | મુંબઈ સમાચાર
ધર્મતેજ

ચિંતન: શ્રીકૃષ્ણની કેટલીક અદ્ભુત ભેટ…

  • હેમુ ભીખુ

પોતાના જીવનના વિવિધ તબક્કાઓમાં શ્રીકૃષ્ણ દ્વારા ઘણી વાતો સ્થાપિત કરાઈ છે. આ વાતોમાં સાત્ત્વિકતા, નૈતિકતા, આધ્યાત્મિકતા, ધાર્મિકતા, શુદ્ધતા, પવિત્રતા, નિર્દોષતા તથા ઉત્તરદાયિત્વ વણાયેલા છે. તેમના જીવનના દરેક પ્રસંગમાં, તેમના જીવન સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ સાથે તેમના સંબંધના સમીકરણમાં, જે તે સમયે ઉચ્ચારાયેલા તેમના પ્રત્યેક કથનમાં, તેમના શબ્દોમાં રૂપાંતરિત ન થયેલ સંદેશામાં, તેમના વ્યક્ત થયેલ અને વ્યક્ત ન થયેલ પ્રેમમાં અને તેમની સમજી શકાય અને ન સમજી શકાય તેવી અભિવ્યક્તિમાં અપાર ઊંડાણ રહેલું છે. શ્રીકૃષ્ણના જીવનની પ્રત્યેક બાબત સમગ્ર સૃષ્ટિ માટે અદ્ભુત ભેટ સમાન છે.

સૃષ્ટિના સમગ્ર જ્ઞાનના પ્રણેતા ઈશ્વરને જ્ઞાન આપવાની તક તો સાંદિપની ઋષિને જ મળી શકી. સમગ્ર સૃષ્ટિનું રક્ષણ કરનારની, ઈજાથી ઘાયલ થયેલ આંગળીને પાટો બાંધવાની તક દ્રૌપદીને જ મળી શકી. સમગ્ર સૃષ્ટિને પોતાની આંગળીઓના ટેરવે નચાવવા સમર્થ ઈશ્વરને માખણની લાલચ આપી ઠુમકા મરાવવાની તક ગોપીઓને જ મળી. સમગ્ર વિશ્વના જીવન નિર્વાહ કરવા માટે અન્ન પૂરું પડે તેની ગોઠવણ કરનાર ઈશ્વરના મોમાં કોળીઓ મૂકવાનું સૌભાગ્ય યશોદાને જ મળ્યું. સામાન્ય કરતાં પણ સામાન્ય કહી શકાય તેવા પૌવા માટે ઈશ્વરને વ્યાકુળ બનાવવાની તક સુદામાને જ મળી. સમગ્ર સૃષ્ટિને ચલાવનાર તે ચાલકની સારથી તરીકે સેવા લેવાની તક અર્જુનને જ મળી.

સમગ્ર સૃષ્ટિ જે ઈશ્વરના પ્રેમ માટે સદાય તત્પર રહે તે ઈશ્વર યશોદાના પ્રેમનો ઈચ્છુક રહ્યો. એક જ સાથે ઈશ્વરની વિરાટતા અને બાલ્યાવસ્થા જોઈ શકાય તેવી પરિસ્થિતિ યશોદા માટે જ ઊભી થઈ. જગતના આધારને આધાર આપવાની તક નંદબાબાને જ મળી. એક સાથે ઈશ્વરને પ્રેમ કરવો અને તેના પર ગુસ્સો કરવો, એ બંને પરિસ્થિતિ ગોપીઓ માટે જ ઊભી થઈ. પ્રેમમાં અસ્તિત્વને સમગ્રતામાં ભૂલી ગયા બાદ કશું જ માગવા જેવું ન રહે તે સત્ય સ્થાપિત કરવાની તક રાધા ને જ મળી. સમક્ષ ન હોવા છતાં પુત્રના અસ્તિત્વની જાણકારી માત્ર જીવનની એક પ્રેરક ઘટના બની રહે તે વાત દેવકી-વાસુદેવ જ સમજી શક્યાં. માગ્યા વગર પણ ઈશ્વર સર્વસ્વ લૂંટાવી દે તે સત્ય તો સુદામા જ પામી શક્યા.

આ પણ વાંચો…ચિંતનઃ શિવજીનું તાંડવ કળાત્મક અભિવ્યક્તિ

ચોરી કરાયેલ વસ્તુ પણ પ્રસાદ બની જાય તે સત્ય માખણની સમજમાં જ આવી શક્યું. કદાચ, કોઈપણ પ્રકારના પુરુષાર્થ વગર ઈશ્વરના ચરણ-સ્પર્શ માત્રથી અસ્તિત્વ મૂલ્યવાન બની જાય તેની પ્રતીતિ ગોકુલની રજકણને જ થઈ. જો ઈશ્વર સૃષ્ટિમાં લીલા કરવાની ચાહના રાખે તો રાત્રિ પણ કેટલી અદભુત બની શકે છે તેની સમજ તે વખતની શરદ પૂનમને જ પડી. પશુ પણ ઈશ્વરના પ્રેમના એટલા જ હકદાર છે તે સત્ય સૌથી વધુ ગોકુળની ગાયો એ જાણ્યું. અહંકારી ઇન્દ્રનો અહંકાર ઉતારવા પોતે પણ એક સાધન બની શકે છે એ સત્ય ગોવર્ધન પર્વતે જાણ્યું. લાકડાની પોલી છિદ્રાળુ નળી ઈશ્વરના હોઠ પર લાગે તો તેમાંથી સર્જનનું સંગીત ઉદ્ભવે તે વિધાનની સાક્ષી કૃષ્ણની વાંસળી બની. સૃષ્ટિની આ બધી નાની ઘટનાઓ નથી. આનાથી જે સંદેશો મળે છે તેનું ઊંડાણ સમજવાની જરૂર છે.

ભક્તની પ્રતિજ્ઞા પાળવા, પોતાની પ્રતિજ્ઞા ઈશ્વર કેટલી સહજતાથી તોડી નાખે છે તે જોવાની તક ભીષ્મને મળી. જ્યાં કૃષ્ણ અને હનુમાન બિરાજમાન હોય તે રથને ગમે તેટલા પ્રહારથી તસુ જેટલો જ પાછળ ધકેલી શકાય છે તે સમજ કર્ણને મળી. જીવનમાં પુત્ર મોહ કેટલો મોંઘો પડે તે દ્રોણને વ્યવસ્થિત રીતે સમજાવી દેવામાં આવ્યું. ઉચ્ચ ધ્યેય માટે અનુજનું મૃત્યુ પણ સ્વીકારવું પડે તે વાતની ઘટોત્કચ અને અભિમન્યુના પ્રસંગથી પાંડવોને શીખ મળી.

જો વિવેક વિનાનો આદર્શ સ્થાપિત કરવામાં આવે તો સ્વયં ઈશ્વર વધ પણ કરી શકે તે વાત મૃત્યુ પછી પણ બર્બરીકની સમજમાં આવી ગઈ. સારથી જો કૃષ્ણ સમાન હોય તો તેની બધી જ વાતો સમજવી જોઈએ, માનવી જોઈએ, એ વાતની યથાર્થતા અનુભવવાની તક અર્જુનને મળી. ધર્મની સ્થાપના માટે બોલાયેલ અસત્ય પણ ઇચ્છનીય છે તે સત્ય યુધિષ્ઠિરને સમજાઈ ગયું. ઈશ્વર સાથે હોય તો પણ યુદ્ધ તો જાતે જ લડવું પડે તે વાત પાંડવો સમજી ગયા હતાં. સાથે સાથે આ બધી વાત, શ્રી કૃષ્ણ દ્વારા માનવ સમાજને પણ કહી દેવાઈ.

પોતાના ધર્મનું નિષ્ઠાપૂર્વક પાલન કરવામાં આવે તો સ્વયં ઈશ્વર પોતાના અતિથિ બની શકે આ વાત વિદુર સમજી શક્યા. ધર્મ-અધર્મના યુદ્ધમાં નિષ્પક્ષ રહેવું યોગ્ય નથી તે વાત પણ મહાભારતના યુદ્ધના અંત સમયે બલરામજી સમજી શક્યા. સમગ્ર સેના એક તરફ હોય અને સ્વામી બીજી તરફ એકલા, તો પણ જીત સ્વામીની જ થાય તે વાત શ્રીકૃષ્ણની નારાયણી સેના સમજી શકી. ઈશ્વર સ્વયંના શ્રેષ્ઠ સખા હોય તો પણ નિયતિના નિયમો અનુસાર પોતાના પુત્રોનું મૃત્યુ થઈ શકે તે વાસ્તવિકતા દ્રૌપદીએ સ્વીકારવી પડી. સુભદ્રાને થયેલું જ્ઞાન તો એનાથી વધુ ઊંડાણવાળું છે.

નિયતિના નિયમ પ્રમાણે પુત્રનું મૃત્યુ તો થઈ શકે, પરંતુ પુત્રના પુત્રનું મૃત્યુ પણ સંભવ છે, એ વાત સુભદ્રા કરતાં વધુ યથાર્થ સ્વરૂપે કોઈ ન સમજી શકે. સાથે સાથે એ પણ સ્થાપિત થાય છે કે જો ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો મૃત્યુ પણ પાછું વળી શકે. જો શક્તિને પાછી વાળતા આવડતી ન હોય તો શક્તિનો ઉપયોગ ન કરવો જોઈએ એ વાત મોડે મોડે પણ અશ્વત્થામા સમજી ગયો હશે. શ્રીકૃષ્ણ પોતાના જીવનકાળમાં, પોતાના જીવન દ્વારા સમગ્ર સમાજને જે શીખ આપી ગયા છે તેનો વિસ્તાર અને ઊંડાણ અકલ્પનીય છે.

મહાભારતની યુદ્ધ ભૂમિમાં અર્જુન આગળ સંપૂર્ણ જ્ઞાન પ્રસ્તુત કર્યા પછી પણ જે કંઈ કહેવાનું બાકી રહી ગયું હતું તે સાંભળવાની તક ઉદ્ધવ-ગીતા સ્વરૂપે ઉદ્ધવને જ મળી. એ બધા સાથે વિશ્વ પાસેથી જ્ઞાન મેળવવાનું સૂચન પણ શ્રીકૃષ્ણ દ્વારા જ કરવામાં આવેલું. મહાભારતના મોતી ગણાતી છ ઘટનામાંથી ત્રણમાં તો શ્રીકૃષ્ણ સંમિલિત છે. આ એક વાતથી એ નિર્ધારિત થાય કે શ્રીકૃષ્ણનું જીવન સનાતની સંસ્કૃતિ અને માનવ જાત માટે જરૂરી જ્ઞાનની સ્થાપનામાં કેટલું મહત્ત્વ ધરાવે છે.

શ્રીકૃષ્ણએ દરેકને તક આપી, દરેક પ્રકારની તક આપી, વિવિધ સંભાવનાઓવાળી તક આપી, સ્વીકૃતિ-અસ્વીકૃતિની સ્વતંત્રતાવાળી તક આપી અને જે તે ક્ષમતાની બહારની પણ તક આપી. શ્રીકૃષ્ણએ દરેકને સંદેશો આપ્યો, દરેક પ્રકારનો સંદેશો આપ્યો. લેવા તત્પર હતો તેમને તો આપ્યો જ પરંતુ જે ઉપેક્ષા કરતા હતા તેના માટે પણ સંદેશો સ્થાપિત કર્યો. ક્યાંક આ સંદેશો સિદ્ધાંતલક્ષી રહ્યો, તો ક્યાંક પ્રક્રિયાલક્ષી, તો ક્યાંક પરિણામલક્ષી તો ક્યારેક વ્યક્તિલક્ષી પણ રહ્યો. સમગ્રતામાં માનવ જાતને ચોક્કસ પ્રકારની હકારાત્મક રીતભાત દર્શાવવાની આ પ્રક્રિયા રહી. સમગ્રતામાં જોતાં એમ જણાય છે કે જિંદગીની પ્રત્યેક પરિસ્થિતિ માટે અહીં એક સૂચન છે, જિંદગીના પ્રત્યેક પ્રશ્ન માટે અહીં સંભવિત ઉકેલની ઉપસ્થિતિ છે, જિંદગીના સત્ય માટે અહીં
પ્રસ્તુતિ છે.

આ પણ વાંચો…ચિંતન : કૈલાસને જીતવાની ઈચ્છા!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button