ધર્મતેજ

ગીતા મહિમાઃ સફળતાના કર્તા

સારંગપ્રીત

ગત અંકમાં સફળતા અને સિદ્ધિ માટે અધિષ્ઠાનની અનિવાર્યતાને સમજયા. હવે ભગવાન કૃષ્ણ સફળતાનું બીજું કારણ ‘કર્તા’ એટલે કે વ્યક્તિ પોતે કેવો હોવો જોઈએ તે બતાવે છે.

સફળતા માટે સૌથી અગત્યની બાબત વ્યક્તિ કે માણસ પોતે છે. ગીતા તેને ‘કર્તા’ કહીને વર્ણવે છે. હા, વ્યક્તિની કે કર્તાની ઓળખ તેના વ્યક્તિત્વથી થાય છે. સિદ્ધિ માટે આ અતિ અનિવાર્ય તત્ત્વ છે. સફળતા અને સિદ્ધિ માટે માત્ર અધિષ્ઠાન, પ્રયત્ન કે સંજોગ પૂરતા નથી, પરંતુ મનુષ્યનું વ્યક્તિત્વ ઊંચું હોવું અનિવાર્ય છે. વ્યક્તિત્વ એ માત્ર બહારનો દેખાવ કે બોલવાની શૈલી નથી, પરંતુ મનની ઉન્નતિ, વિચારની શુદ્ધિ, વર્તનની શિસ્ત અને જીવનની મૂલ્યવ્યવસ્થા એ બધાનો સંગમ છે. કોઈ માણસ પાસે જ્ઞાન અને કુશળતા હોઈ શકે, પણ જો વ્યક્તિત્વમાં ઉદારતા, વિનમ્રતા અને સદ્ગુણોનો અભાવ હોય તો તેની સફળતા તાત્કાલિક હશે, લાંબાગાળાની નહીં.

વ્યક્તિત્વ ઊંચું થવા માટે સૌપ્રથમ જરૂરી છે સકારાત્મક દૃષ્ટિકોણ. જે વ્યક્તિ મુશ્કેલીમાં પણ અવસર શોધે છે, નિષ્ફળતા વચ્ચે પણ શીખવા જેવી બાબતો જુએ છે, તે જ સાચા અર્થમાં આગળ વધી શકે છે. બીજું મહત્ત્વનું તત્ત્વ છે ઈમાનદારી અને વિશ્વાસ. ઈમાનદાર માણસ ભલે થોડી વાર માટે પાછળ રહી જાય, પરંતુ લાંબા ગાળે તેને સમાજનો વિશ્વાસ અને માન પ્રાપ્ત થાય છે. વળી વિશ્વાસ તેને સફળતાના લાંબા પંથ સુધી દોરી જાય છે.

તદુપરાંત સફળતા માટે વ્યક્તિત્વમાં શિસ્ત, સમયની કદર અને મહેનત પણ હોવી જરૂરી છે. આ બધું હોવા છતાં જો સ્વભાવમાં વિનય અને કરુણા ન હોય તો સિદ્ધિ અધૂરી રહી જાય છે. મહાન વિજ્ઞાની, નેતા અથવા સંતોના જીવનમાં આપણે જોઇએ છીએ કે તેમની મહાનતાનું મૂળ તેમના જ્ઞાનમાં નહોતું, પરંતુ તેમના વ્યક્તિત્વની ઉંચાઈમાં હતું. ગાંધીજીનું વ્યક્તિત્વ વિશ્વને પ્રેરણા આપે છે કારણ કે તેમાં સત્ય, અહિંસા અને કરુણાનો સંગમ હતો. તેમની પાસે સૈન્ય શક્તિ કે રાજકીય પદ ન હતું, છતાં તેમના વ્યક્તિત્વમાં રહેલા સત્ય, અહિંસા અને સાદગીના તત્ત્વોએ સમગ્ર રાષ્ટ્રને એક સૂત્રમાં બાંધી દીધું.

એક સામાન્ય વકીલથી લઈને ‘રાષ્ટ્રપિતા’ બનવાનો યાત્રાપથ માત્ર તેમના વિચારોના જોરથી નહોતું, પરંતુ તેમની ઊંચી માનવતા અને નિર્મળ વ્યક્તિત્વથી શક્ય બન્યું. તેઓ પોતાના જીવનમાં જે આદર્શ અપનાવતા, એ જ આદર્શોનો ઉપદેશ આપતા, એટલે લોકોમાં તેમની વાણી પ્રેરક બની શકી.

પરંતુ વ્યક્તિત્વ ઊંચું કરવા માટે માનવને સતત આત્મચિંતન કરવું પડે છે. પોતાના દોષોને સ્વીકારીને સુધારવા, બીજાના સદ્ગુણોને અપનાવવા અને પોતાના વિચારને સતત શુદ્ધ બનાવવા પ્રયત્ન કરવો પડે છે. માત્ર ભૌતિક સિદ્ધિ જીવનને મહાન નથી બનાવતી; મહાનતા ત્યારે જ મળે છે જ્યારે સમગ્ર વ્યક્તિત્વ ઉન્નત બને છે.

પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર કહેતા કે સફળતા અને સિદ્ધિનું સાચું મૂળ ભૌતિક સંપત્તિ કે બાહ્ય ગૌરવમાં નથી, પરંતુ ઊંચા વ્યક્તિત્વમાં છે. જે મનુષ્યનું વ્યક્તિત્વ ઊંચું હોય છે, તે જ્યાં જાય ત્યાં પ્રેરણા જગાવે છે, વિશ્વાસ આપે છે અને પોતાની સફળતાથી સાથે બીજાને પણ ઊંચો ઉઠાવવાની શક્તિ ધરાવે છે.

સ્વામી વિવેકાનંદજી અમેરિકા ગયા અને વિશ્વધર્મ પરિષદમાં ભાષણ આપ્યું, ત્યારે તેમણે ‘સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા’ શબ્દોથી શરૂઆત કરી. આ માત્ર શબ્દો ન હતા, પરંતુ તેમના વ્યક્તિત્વમાંથી ઝરણા સમો પ્રેમ, સહિષ્ણુતા અને વિશ્વભરનાં લોકો પ્રત્યેની એકતા બંધુતા નીકળતી હતી. આ એક ક્ષણથી તેઓ સમગ્ર વિશ્વમાં આદરણીય બન્યા. જ્ઞાન તો ઘણાને હતું, પણ વ્યક્તિત્વની ઊંચાઈએ તેમને અનન્ય બનાવ્યા.

અબ્રાહમ લિંકન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાં સામાન્ય કુટુંબમાંથી આવ્યા હતા. આના કારણે લોકો તેમને સામાન્ય જ ગણતા. એકવાર તેમની સામે વિરોધીઓએ ઉપહાસ કર્યો કે તું તો ગરીબ પરિવારનો છે, તારા પિતા તો બૂટ રિપેર કરે છે. તું રાષ્ટ્રનું નેતૃત્વ કેવી રીતે કરી શકે? લિંકને અત્યંત શાંતિથી જવાબ આપ્યો: ‘હા, હું ગરીબ પરિવારનો છું, પરંતુ હું ક્યારેય એ ગરીબી છુપાવવાનો પ્રયાસ નથી કરતો. મારા પિતા મને સાચા અર્થમાં મહેનત કરવી શીખવાડે છે.’

આ વિનમ્રતા અને સત્યવાદિતાએ જ તેમને લોકહૃદયમાં બેસાડ્યા. આમ વિનમ્રતા, સાહસ, સત્યનિષ્ઠા, કરુણા, પ્રેમ, શ્રદ્ધા અને શિસ્ત એ જ સાચા અર્થમાં આપણા વ્યક્તિત્વને ઘડે છે. આ વ્યક્તિત્વ માનવને મહાન બનાવે છે. જ્યારે આવું મહાન વ્યક્તિત્વ હોય છે, ત્યારે સિદ્ધિ આપોઆપ તેની પાછળ ચાલતી આવે છે, અને તે સિદ્ધિ માત્ર વ્યક્તિગત નથી રહેતી, પરંતુ સમાજ અને રાષ્ટ્રને પણ પ્રકાશિત કરે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button