દુહાની દુનિયાઃ મૂળભૂત સત્યને ભાખતા દુહા

ડૉ. બળવંત જાની
દુહો બધાને ખૂબ ગમે છે, દુહાને બધા ચાહે છે એની પાછળનું મૂળભૂત કારણ એમાં સનાતન સત્ય ભંડારાયેલું હોય છે. ભાવકને દુહો આવા કારણથી બહુ ભાવે છે અર્થાત્ ગમે છે.આવા કારણે દુહાને લોકપિયતા પણ ખૂબ જ પાપ્ત થઈ છે. એમાંનો ભાવબોધ ભાવકના-સમાજના ચિત્તને ઘડતો હોય છે. દુહાનું ભાવવિશ્વ આવા કારણે માત્ર અર્થપૂર્ણ જ નહીં હૃદયસ્પર્શી પણ બની રહેતું હોય છે. આવા થોડાં દુહા આસ્વાદીએ.
ધીર ધરો મનમાં સદા, સહન કરો દુ:ખપાત
સુખ દુ:ખ આવે ને જાય છે, જયમ આવે દિનરાત.
મનમાં-હૃદયમાં સદાય ધીરજ ધારણ કરવી અને દુ:ખને દુ:ખદ પસંગોને સહન કરવા. જીવનકાળ દરમ્યાન સુખ અને દુ:ખનું તો આવાગમન થતું જ રહે છે. જે રીતે દિવસ અને પછી રાત્રી આવે છે. એટલી જ સહજતાથી સુખ અને દુ:ખ માનવ જીવનમાં આવતા હોય છે.
જીવનમાં કષ્ટદાયી સમયને સ્વીકારી લેવો અને ધૈર્ય ધારણ કરવું કષ્ટદાયી સમય દૂર થાય એની રાહ શ્રદ્ધા ધારણ કરીને જોવામાં શાણપણ ડહાપણ છે. એવી ભારે મોટી શીખામણ આ દુહા દ્વારા સાંપડે છે. આવા ભાવને ભાખતો બીજો એક દુહો આસ્વાદીએ.
ધન જોબ અરુ ઠાકરી, એની ઉપર અવિવેક,
એ ચારે ભેળા હુવે, અનરથ કરે અનેક઼
પૈસા હોય, યુવાની હોય અને રજવાડું-ઠકરાત-રાજવીયણું હોય અને એમાં પાછો અવિવેક ભળે. આ ચારના મેળાપથી ઘણાં અનર્થો ઊભા થાય.
અહીં દુહા દ્વારા માણસને કુમાર્ગે-કુછંદે વાળનારા ચાર પરિબળોને દર્શાવાયા છે. ધનવાન, યુવાની અને રાજસત્તા પોતે જ મદ-અભિમાનના પાગટયરૂપ ગણાય છે. પણ આમાં જો અવિવેક ભળ્યો એટલે ખલાસ. મૂળવાત વિવેકપૂર્ણ વ્યક્તિમત્તાને કેળવવાની છે. બીજા એક દુહામાંથી પગટતો સનાતન ભાવબોધ અવલોકીએ.
પસ્તાવો નર નીર્મળું, કરે હૃદયપટ સાફ,
ક્ષમા યાચના વહી જતો, દિલનો ગંદો બાફ.
માણસ જો ખોટા કાર્યનો પસ્તાવો, પશ્ચાતાપ કરે તો માણસ એથી નિર્મળ થઈ જાય છે અને એનું ચિત્ત સાફ થઈ જાય છે. આ ઉપરાંત જો ક્ષમા-માફી-માગવામાં આવે તો હૃદયમાં જે ગંદુ-ગોબરું અગ્નિરૂપ-બાફ ઉદ્ભવ્યો હોય એનો પણ નાશ થાય છે. આમ પશ્ચાતાપ અને ક્ષમાયાચના એ બે મહાન ગુણને દુહામાં વર્ણવવામાં આવ્યા છે.
દુહામાં આવી ભાવસભર વિગતોને નિરૂપીને લોકમનને સંસ્કારવાનું, લોકસ્વભાવને ઘડવાનું બહુ મોટું કામ દુહાગીરો-રચયિતાઓ કરતા હોય છે. બીજો એક દુહો અસ્વાદીએ.
પુરણ વૈભવ પામતાં, નર હોય નાદાન,
એને પૈસો આપતાં, ભૂલ કરી ભગવાન.
અહીં પરમેશ્વરને ઉદેશીને કહેવાયું છે કે તમે માણસને પૂર્ણ વૈભવ-સુખ સાહ્યબી આપ્યા એ બહુ મોટી ભૂલ કરી છે. એટલે એ કારણથી માણસ નાદાન-અભિમાની બની જ જાય.
મૂળભૂત બાબત તો સંપત્તિની સાથે જો વિવેક દૃષ્ટિ અને નમ્રતા ન હોય તો માઠાં પરિણામ આવે એટલે દુહામાં ભગવાનને ભૂલ કરી એવો ઠપકો અપાયો છે. દુહાઓ એમાં ભંડારાયેલા આવા ભાવપૂર્ણ ઉપદેશથી ભાવકચિત્તમાં કાયમી રીતે યાદગાર રીતે સ્થાપિત થઈ જતા હોય છે. દુહાઓમાંનો સૂત્રાત્મક રીતનો અને સાર્થકરૂપનો સંદેશ સમસ્ત માનવ જાતિને સુંદર જીવન જીવવા માટે દૃષ્ટિકોણ પણ પાઠવતો હોઈને એનું મૂલ્ય આજ સુધી અકબંધ રહ્યું છે. મૂળભૂત સત્ય અને તથ્યપૂર્ણ ભાવને કારણે એ યાદગાર બની રહેતા હોય છે.
આ પણ વાંચો…દુહાની દુનિયાઃ માનવને જીવનબોધ અર્પતા દુહા


