શ્યામ સમીપેઃ રાધા

જ્યોત્સના તન્ના
ભારતના સાંસ્કૃતિક જગતમાં અનેક પાત્રો એવાં એકરૂપ થઈને વણાઈ ગયાં છે કે તેમનું અસ્તિત્વ જુદું થઈ શકે તેમ નથી. રાધા એક એવું અનેરું પાત્ર છે. શ્રીકૃષ્ણ સાથે એકરૂપ થઈને રાધાની પૂજા થાય છે. રુક્મિણી કૃષ્ણ કે કૃષ્ણ સત્યભામાનું નામસ્મરણ નથી થતું. રાધાકૃષ્ણન, રાધામાધવ, રાધેગોવિંદ કે રાધારમણની ધૂન સર્વત્ર બોલાય છે. પ્રીતમદાસ શ્યામાશ્યામને લીધે વૃંદાવન ધન્ય થયું એમ કહે છે. જુગલજોડી કે યુગલસ્વરૂપે આ દંપતીની પૂજા પણ થાય છે, મંદિરોમાં ખાસ મૂર્તિઓ હોય છે.
ભક્તકવિ નરસિંહ મહેતા ગાઈ ઊઠ્યા હતા. ‘રાધામાધવની કરું આરતી, શોભા કહી ન જાય રે’ મીરાંબાઈનો ભાવ પણ એવો જ હતો, ‘રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા.’ રસના પરમ રૂપ અને પરમ મધુર પ્રેમના પ્રતીકસ્વરૂપ આ દંપતી છે. વળી નિમ્બાર્કાચાર્યના પરમશિષ્ય ઔદુંબરાચાર્ય જેવા વૈષ્ણવ આચાર્યે પણ તેમની આ રીતે અર્ચના કરી છે. ‘જયતિ સતત આદ્ય રાધિકાકૃષ્ણયુગ્મમ્’ અને છતાં આપણી પરંપરામાં ઈંદ્ર-ઈંદ્રાણી, વસિષ્ઠ-અરૂંધતી કે શિવ-પાર્વતીના આદર્શ દાંપત્યની જેમ રાધાકૃષ્ણના દાંપત્યની વાત નથી વણાઈ.
રાધા-આરાધ્યા કે સાધ્યા? ભક્તિની ચરમ સાધના કે નરી કલ્પના? વિરહકાતરા કે શૃંગારનાયિકા? કવિઓની કલ્પનાકુંજોમાં રાધા ન હોત તો? અનેક મધ્યકાલીન શૈલીઓની ચિત્રકલાના અવનવા સુંદર રંગમંડિત ફલક પર તો સૌંદર્યમંડિત રાધા જ છે. નૃત્યોના નૂપુરઝંકાર સાથે રાધાના મનોભાવો વણાઈ ગયા છે. ભારતના કોઈ પણ ખૂણામાં જાઓ તો રાધા અને કૃષ્ણના પ્રેમનાં ગીતો ચોરે ને ચૌટે, મંદિરો કે મહાલયોમાં ગવાઈ રહ્યાં છે.
એમ કહેવાય છે કે ‘કાના બિના ગાના નહીં’ તો એ પણ પાછું સત્ય જ કે ‘રાધા બિના કાના નહીં’ કલાજગત રાધા વિના કલ્પી ન શકાય. ઉમાશંકર જોશી ‘સ્નેહસ્પંદને વ્યાપી રાધા-કૃષ્ણ-મૂર્તિ અણુએ અણુ વિશ્ર્વને.’ શ્રીકૃષ્ણના કરાલ રૂપમાં તો સાથે છે સત્યભામા રાણી, નરકાસુરનો વધ કરવા ગયા ત્યારે સત્યભામા સાથે હતી. લલિતરૂપ જ્યારે શ્રીકૃષ્ણ વિલસે ત્યારે સાથે છે રાધા-
રાધાવલ્લભ સંપ્રદાયના આદિ આચાર્ય હિતહરિવંશની આ રચના છે. ‘રસધન મોહનમૂર્તિ અનેક કેલિ-મહોત્સવે ઉલ્લાસિત રાધાચરણે પડેલા સુંદર મોરપીંછમંડિત હરિને વંદું’. આવા મધુર રસભર્યા ચિત્રણે ભારતના સંતો, ભક્તો અને કવિઓના મનના મહાસાગરને કલ્પનાના હિલોળે ચડાવ્યો છે.
જેમ ઉમાશંકર જોશીએ લખ્યું, ‘ઉવેખવા રાધાને શક્તિ છે કોની? કૃષ્ણની? કૃષ્ણ તો મળે સર્વત્ર માત્ર રાધાને.’ જોકે આવી રાધાનો સાથ તો કૃષ્ણને આરંભના જીવનમાં ગોકુલ વૃંદાવન સુધી જ રહ્યો. શ્રીકૃષ્ણનું અવતારીકાર્ય તો બાકી જ હતું. મથુરા, દ્વારકા અને કુરુક્ષેત્રમાં અને છતાં શ્રીકૃષ્ણના જીવન સાથે સમગ્રપણે જોડાઈ ગયેલી આ રાધા કોણ?
શ્રીકૃષ્ણ તો વિષ્ણુના અવતાર ગણાય છે. આતતાયીઓ, દુષ્ટો અને અસુરોનો સંહાર કરવાનું તેમનું અવતારકાર્ય શ્રીકૃષ્ણ પણ એક અજબ પ્રતિભા છે. અનેકરૂપે એ પ્રતિભા વિસ્તરી છે. તેમના જીવનકાર્યને લગતી માહિતી સૌ પ્રથમ આપણને મળે છે મહાભારતમાં અને તેના જ ખિલપર્વ લેખાતા હરિવંશપુરાણમાં. ત્યાર પછી વિષ્ણુપુરાણ અને શ્રીમદ્ ભાગવતપુરાણમાં આ ગ્રંથો ક્રમાનુસાર પ્રાચીન છે.
કૃષ્ણ પરંપરાનું મૂળ રૂપ જ્યાં પ્રાચીનતમ વૈષ્ણવ ગ્રંથોમાં મળે છે ત્યાં ક્યાંય રાધા કૃષ્ણના અવતારકાર્યમાં નથી. આસ્તે આસ્તે કવિઓએ આકાશગામી કલ્પનાની પાંખે ઊડી પ્રણયના મેઘધનુષી રંગે રંગાઈ અને એક મધુર નાજુક પ્રેમભરી ગોપાંગનાનાં પાત્રનું સર્જન કરી શ્રીકૃષ્ણ સાથે તેને ઐકય આપી દીધું. જેમ મુસ્લિમ ભક્ત કવિ રસખાન બોલી ઊઠ્યા:
‘પ્રેમ અયનિ શ્રી રાધિકા પ્રેમ બરન નંદનંદ
પ્રેમવાટિકા કે દોઉ માલી માલિન હંદ.’
શ્રીકૃષ્ણ ગોપવેશધારી, ગોપોના એક અગ્રણી વૃષભાનુની પુત્રી રાધા, વ્રજ વૃંદાવન ગોકુળમાં હવે તે શ્રીકૃષ્ણની સખી અને પ્રાણપ્રિયા તરીકે ઓળખાઈ. રાધા આજે કૃષ્ણકથાનું મહત્ત્વનું અંગ બની ગઈ છે. રવીન્દ્રનાથ ઠાકુરે ‘ભાનુસિંહ ઠાકુર પદાવલીમાં લખ્યું ‘બજાવ રે મોહન, બંસી, રાધામય તારી વેણુ, જય જય માધવ, જય જય રાધાચરણે પ્રણમે ભાનુ.’
ભાગવતમાં એક શ્લોક છે- ‘અનયા આરાધિતો નૂનં ભગવાન હરિ…’ આ એક ગોપીએ જરૂર ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરી છે એટલે રાસક્રીડા વખતે કૃષ્ણ બીજી ગોપીઓને મૂકીને તેને એકાંતમાં લઈ ગયા. અહીં એ ગોપીનું કોઈ વિશેષ નામ નથી. વિષ્ણુપુરાણમાં પણ કોઈ ગોપીનો અહીં બેસીને કૃષ્ણે શણગાર કર્યો તેમ કહ્યું છે. એ ગોપીએ કોઈ અન્ય જન્મમાં વિષ્ણુની અર્ચના કરી હશે- અન્યજન્મનિ સર્વાત્મા વિષ્ણુ: અભ્યર્ચિત: તયા. અહીં પણ આ ગોપીનું કોઈ વિશેષ નામ આપવામાં નથી આવતું.
સાહિત્યક્ષેત્રે જોઈએ તો સંસ્કૃત ભાષાના પ્રાચીન નાટકકાર ભાસ ઈ.પૂ.ની ત્રીજી સદીથી ચોથી સદીના પૂર્વાર્ધમાં થયા, કૃષ્ણની બાળલીલા પર આધારિત તેમનું પ્રસિદ્ધ નાટક ‘બાલચરિત’ તેમાં કૃષ્ણના ગોપીઓ સાથે હલ્લીસક રાસ અને નૃત્યનું વર્ણન છે. ત્યાં પણ રાધા નામવાળું કોઈ પાત્ર નથી. સૌથી પ્રાચીન ગણાતા ગ્રંથ મહાભારતમાં તો શ્રીકૃષ્ણ અને ગોપીઓનો પણ સાથ નથી. સભાપર્વમાં વસ્ત્રહરણ પ્રસંગે દ્રૌપદી શ્રીકૃષ્ણને સહાય માટે પ્રાર્થના કરે છે તેમાં એક વાર ‘ગોપીજનપ્રિય’ એમ ઉલ્લેખ થયો છે.
‘શ્યામ સમીપ’ પુસ્તકમાંથી સાભાર.
પ્રકાશક: એન.એમ. ઠક્કરની કંપની.
(ક્રમશ:)
આપણ વાંચો: માનસ મંથનઃ મા-બાપ આકાર આપે છે, ગુરુ સંસ્કાર આપે છે…



