ધર્મતેજ

શિવ રહસ્ય : આરાધકને વરદાન આપવા સિવાય આરાધ્ય પાસે કોઈ માર્ગ હોતો નથી

ભરત પટેલ

ભગવાન શિવના આશીર્વાદ લઈ અસુરગુરુ શુક્રાચાર્ય તુરત નરકલોક પહોંચે છે. તેઓ જુએ છે કે મહાકાય નરકાસુર સૂતેલો છે. તેઓ તેને જગાડવાની કોશિષ કરે છે પણ નરકાસુરને તેની કોઈ અસર થતી નથી. શુક્રાચાર્ય પોતાની જળવિદ્યાથી અસંખ્ય સૈનિકોને ઉત્પન્ન કરે છે અને એ સૈનિકોને આદેશ આપે છે કે નરકાસુરને ઊઠાડવામાં આવે. સૈનિકો નરકાસુરને ઉઠાડવાની કોશિષ કરે છે પણ તેઓ નાકામ થાય છે. થાકી હારેલા શુક્રાચાર્ય નરકાસુરને તેમના કમંડળના જળથી ઉઠાડે છે. નિદ્રામાં જ નરકાસુર પૂછે છે કે તમે કોણ છો અને ફરી સૂઈ જાય છે. ક્રોધિત શુક્રાચાર્ય તેમની યોગઅગ્નિમાં નરકાસૂરને મૂકી દે છે.

શુક્રાચાર્ય ફરી પોતાના આશ્રમ આવે છે અને પોતાના યજ્ઞ કુંડમાં અગ્નિનું આહ્વાન કરે છે. યજ્ઞકુંડમાં અગ્નિ પ્રજ્વલિત થતાં શુક્રાચાર્ય પોતાની મંત્રવિદ્યાથી નરકાસુરનું આહ્વાન કરે છે. અગ્નિમાં સમાયેલો નરકાસુર અગ્નિમાંથી બહાર નીકળી પૂછે છે કે, ‘દૈત્યગુરુ શું ઇચ્છા છે તમારી.’ નરકાસુરને પોતાની સમક્ષ જોઈ પ્રસન્ન શુક્રાચાર્ય કહે છે, ‘મારા અસંખ્ય પ્રયાસોથી તમે પૂર્ણ રૂપે જાગી ગયા છો. તમે એક મહાબલી, મહાપરાક્રમી અને મહાન યોદ્ધા છો.

આ પણ વાંચો : શિવ રહસ્ય : હવન કુંડથી બહાર આવો નરકાસુર…

તમને મહાન માતા અદિતીના સૌગદ છે તમે દૈત્ય સંસ્કૃતિનું ઉત્થાન કરો.’ માતા અદિતીનું નામ સાંભળતાં જ નરકાસુર કહે છે, ‘માતા અદિતીના નામ પર હું કંઈ પણ કરવા તૈયાર છું, કહો ગુરુદેવ.’ શુક્રાચાર્ય તેને કહે છે ‘હવે તમે પૂર્ણ રૂપે જાગૃત છો, હવે તમે એવાં કાર્ય કરો કે ત્રણેય લોક પર અસુર સામ્રાજયનો જયજયકાર થાય અને દૈત્ય શત્રુઓનો વિનાશ થાય. નરકાસુર કહે છે, ‘તમારી ઇચ્છાઓ પૂર્ણ કરવા હવે મારે શું કરવું જોઈએ તેના જવાબમાં શુક્રાચાર્ય કહે છે કે, નરકાસુર તમે તપસ્યા કરો અને ત્રિદેવોને પ્રસન્ન કરો. ત્રિદેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી, વિષ્ણુજી સૃષ્ટિના પાલક છે અને મહેશ સૃષ્ટિના સંહારક છે.

આ શક્તિઓને તપસ્યાથી પ્રસન્ન કરી તમે ઇચ્છિત વરદાન મેળવી શકો છો. તમારા પિતા અને દાદાશ્રીએ પણ ઇચ્છિત વરદાન મેળવ્યા હતા. મેં ચિંધેલા માર્ગ પર ચાલશો તો, અથાગ શરીરના સ્વામી નરકાસુર તમે વરદાન મેળવી ત્રણેય લોકો પર રાજ કરશો. તમારે બ્રહ્માજીની આરાધના કરી ચારેય વેદનું જ્ઞાન અને ત્રિદેવ વધ ન કરી શકે એવું વરદાન માંગવું. તમારા પિતાએ પણ મારી વાત ન માનતાં પોતાને ગમતાં વરદાન માગી પોતાના પતનનો માર્ગ નિશ્ર્ચિત કર્યો હતો.

નરકાસુર: ‘નહીં ગુરુદેવ… તમારી ઇચ્છા મુજબ હું બ્રહ્માજીને પ્રસન્ન કરી તમે કહેલું વરદાન જ માગીશ.’

શુક્રાચાર્ય: ‘બ્રહ્મદેવ તમને સહેલાઈથી વેદ નહીં આપે, તમને ભરમાવી અન્ય વરદાન આપવાની પણ કોશિષ કરશે.’

નરકાસુર: ‘ગુરુદેવ તમારું માર્ગદર્શન મને યોગ્ય સમયે મળ્યું છે, હું તેમની કોઈપણ યોજનામાં નહીં ફસાઉં.’

શુક્રાચાર્ય: ‘નરકાસુર મને આશંકા છે કે દેવોનો રાજા ઈન્દ્ર તમારી તપસ્યા ભંગ કરાવી શકે છે એટલે હું તમને એક સુરક્ષા કવચ બનાવી આપું છું જે અગ્નિનું હશે અને કોઈને દૃશ્યમાન પણ નહીં થાય, જેથી કોઈપણ દેવતા એ સુરક્ષા કવચને તોડીને તમારી તપસ્યા ભંગ ન કરાવી શકે.’

આ પણ વાંચો : શિવ રહસ્ય : દુષ્ટ શક્તિઓના વિનાશ માટે હું હંમેશાં તૈયાર છું

અસુરગુરુ શુક્રાચાર્યના આશીર્વાદ લઈ નરકાસૂર તપસ્યા કરવા નીકળી પડે છે. થોડા જ સમયમાં તે એક વનમાં પહોંચી એક પગે ઊભો રહી તપસ્યા કરવા લાગ્યો. નરકાસુરને તપસ્યા કરતો જોઈ દેવરાજ ઇન્દ્ર ભયભીત થઇ જાય છે.

દેવરાજ ઈન્દ્ર તુરંત સર્વ દેવગણોને બોલાવે છે. તેમની આજ્ઞાથી પવનદેવ, અગ્નિદેવ, વરુણદેવ અને અન્ય દેવો ઉપસ્થિત થાય છે.

પવનદેવ: ‘દેવરાજ અમે તમારી પાસે આવી જ રહ્યા હતા. હવે આ નરકાસુર કેમ તપસ્યા કરવા માંડયો છે એ સમજવું જરૂરી છે.’

દેવરાજ ઇન્દ્ર: ‘હું જોઈ રહ્યો છું કે આ નરકાસુર બ્રહ્માજીની તપસ્યા કરી રહ્યો છે. આની તપસ્યાનો અંત કરવો આવશ્યક છે. જાઓ દેવતાઓ નરકાસુરની તપસ્યાનો અંત લાવો.’

આ પણ વાંચો : શિવ રહસ્ય: જે દિવસે હું પોતાને દેવોના ઋષિ તરીકે માનીશ એ દિવસથી મને અભિમાન આવી જશે ને હું મારા હરિથી દૂર થઈ જઇશ

અગ્નિદેવ: ‘દેવરાજ શુક્રચાર્ય દ્વારા નરકાસુરને તેની આસપાસ અદૃશ્ય અગ્નિ સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું છે. તેને તોડવું અશક્ય છે.’

દેવરાજ ઇન્દ્ર: ‘તો આનો ઉપાય શું?’

અગ્નિદેવ: ‘નરકાસુર બ્રહ્માજીની તપસ્યા કરી રહ્યો છે આપણે તેમની શરણે જ જવું જોઈએ.’

સમસ્ત દેવગણ સહિત દેવરાજ ઇન્દ્ર બ્રહ્મલોક પહોંચે છે.

દેવરાજ ઇન્દ્ર: ‘બ્રહ્મદેવની જય હો. પરમપિતા તમે જ જુઓ શુક્રાચાર્ય ફરી કાર્યાન્વિત થઈ ગયા છે, તેમણે નરકાસુરને જગાડી અદૃશ્ય અગ્નિ સુરક્ષા કવચ પ્રદાન કરી તપસ્યા માટે પ્રેરિત કર્યો છે.’

આ પણ વાંચો : શિવ રહસ્ય : તારા થૂંકને શું ગંગાજળ જેવું પવિત્ર માને છે કે ઊભા થવાની તસ્દી પણ ન લીધી?

બ્રહ્મદેવ: ‘દેવગણો અગાઉ પણ તમે આજ પ્રશ્ર્ન લઈ અહીં ઉપસ્થિત થયા હતાં, તમને મેં કહ્યું હતું કે, મારા હાથ બંધાયેલા છે. આરાધકની ભક્તિ અને પ્રેમ સામે આરાધ્યએ નમતું જોખવું પડે છે. આરાધકને વરદાન આપવા સિવાય આરાધ્ય પાસે કોઈ માર્ગ હોતો નથી. સમયની રાહ જુઓ બધુ સમુંસૂતરું થશે.’

બ્રહ્માજી પાસેથી દેવગણોને યોગ્ય ખાતરી ન મળતાં ગભરાયેલા દેવરાજ ઇન્દ્ર દેવગણોને કહે છે કે, ચાલો આપણે ભગવાન શ્રીહરિ વિષ્ણુ પાસે જઈએ. તેઓ કોઈક માર્ગ જરૂર દાખવશે. સમસ્ત દેવગણ શ્રીહરિ વિષ્ણુ પાસે પહોંચે છે.

દેવરાજ ઈન્દ્ર: ‘ભગવાન શ્રીહરિ વિષ્ણુની જય હો. અસુર ગુરુ શુક્રાચાર્ય ફરી કાર્યાન્વિત થઈ ગયા છે, તેમણે નરકાસુરને જગાડી અદૃશ્ય અગ્નિ સુરક્ષા કવચ પ્રદાન કરી તપસ્યા માટે પ્રેરિત કર્યો છે. શુક્રાચાર્યની મહેચ્છા શું હશે એ સમજ પડતી નથી. તમે જ માર્ગદર્શન કરો, જેથી દેવગણો પર આવેલા સંકટને દૂર કરી શકાય.’

(ક્રમશ:)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button