વિશેષઃ શું આપણે ખરા અર્થમાં શિવલિંગને જાણીએ છીએ ખરા? | મુંબઈ સમાચાર

વિશેષઃ શું આપણે ખરા અર્થમાં શિવલિંગને જાણીએ છીએ ખરા?

રાજેશ યાજ્ઞિક

શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થઇ ગયો છે. ઉત્તરમાં કેદારનાથથી લઈને દક્ષિણમાં રામેશ્વરમ સુધી દેશ શિવમય બની ગયો છે. આ પવિત્ર માસમાં જાન્હવી ગંગાનું પવિત્ર જળ લઈને શિવલિંગ પર અભિષેક કરવાનું અનેરું મહત્ત્વ છે. પણ જે શિવના લિંગમય સ્વરૂપને આપણે પૂજીએ છીએ, તે લિંગ છે શું? આપણે જાણીએ છીએ ખરા? મહર્ષિ વેદ વ્યાસે લિંગ મહાપુરાણની રચના કરી છે. તેમાં શિવલિંગ વિશે વિસ્તૃત સમજ આપી છે. શિવ ભક્ત તરીકે, સનાતની તરીકે પણ આપણે તે જાણવું જોઈએ.

શિવલિંગના 3 ભાગ છે. પહેલો ભાગ એ છે જે ભૂગર્ભમાં રહે છે. વચ્ચેના ભાગમાં, આઠેય બાજુ એક સરખી બેઠક વ્યવસ્થા છે. છેલ્લે, તેનો ઉપરનો ભાગ, જે અંડાકાર છે, તેની પૂજા કરવામાં આવે છે. આ શિવલિંગની ઊંચાઈ સમગ્ર વર્તુળ અથવા પરિઘના ત્રીજા ભાગ જેટલી હોય છે, કે હોવી જોઈએ.

આ 3 ભાગો: બ્રહ્મા (નીચે), વિષ્ણુ (મધ્ય) અને શિવ (ઉપર) નું પ્રતીક છે. આપણે શિવલિંગના શીર્ષ પર જળ અર્પણ કરીએ છીએ, જે મધ્યભાગ જેને આપણે સામાન્ય ભાષામાં લિંગનું થાળું કહીએ છીએ, તેમાં વહેતું અંતે નીચેના ભાગ તરફ વહીને બહાર નીકળે છે. આ થાળાને ગૌરી પીઠ પણ કહેવામાં આવે છે. બધા શિવ મંદિરોના ગર્ભગૃહમાં, ગોળાકાર પાયાની મધ્યમાં એક વક્ર અને અંડાકાર આકારનું શિવલિંગ હોય છે. પ્રાચીન ઋષિઓ અને મુનિઓએ બ્રહ્માંડના વૈજ્ઞાનિક રહસ્યને સમજીને અને તેને ઉજાગર કરીને આ સત્યના વિવિધ ખુલાસા આપ્યા છે.

આ પણ વાંચો: વિશેષ: પાનની દુકાન ને ઘરની જવાબદારી સાથે આ બાબુમોશાયે લખ્યા છે દસ પુસ્તક!

શિવલિંગનો અર્થ

શિવલિંગ ભગવાન શિવની પવિત્ર શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે, જે સર્જનાત્મક અને વિનાશક બંને છે. જોકે, કમનસીબે કેટલાક લોકો તેનું ખોટું અર્થઘટન કરે છે. એક જ શબ્દના ઘણા અર્થ હોઈ શકે. જેવી રીતે ‘અર્થ’ શબ્દનો ભાવાર્થ સંપત્તિ પણ થાય અને મતલબ તરીકે પણ લેવાય. ‘સૂત્ર’ શબ્દનો અર્થ દોરો પણ થાય અને ભાષ્ય કે શ્ર્લોક પ્રમાણે લેખન પણ થાય. તેવી રીતે લિંગનો અર્થ માત્ર જનનેન્દ્રિય ન થતા, તેનાથી ચિન્હ, નિશાની, ગુણ અથવા પ્રતીક અભિપ્રેત છે. શૂન્યતા, આકાશ, અનંતતા, બ્રહ્માંડ અને નિરાકાર પરમાત્માનું પ્રતીક હોવાથી તેને ‘લિંગ’ કહેવામાં આવે છે.

ભારતીય ઋષિઓએ ઘણી જગ્યાએ ભગવાનના ત્રણ સ્વરૂપોનો ઉલ્લેખ કર્યો છે – ‘વ્યક્ત’, ‘અવ્યક્ત’ અને ‘વ્યક્તાવ્યક્ત’. ‘લિંગ પુરાણ’માં શિવના ત્રણ સ્વરૂપોમાં આ ભાવના વ્યક્ત કરવામાં આવી છે. આલિંગમ ચૈવ લિંગમ ચ, લિંગાલિંગાનિ મુર્તય: કહીને શરૂઆતમાં જ લિંગ પુરાણમાં કહે છે કે, શિવના ત્રણ સ્વરૂપોમાંથી એક દ્વારા સૃષ્ટિ (જગત)નો નાશ થયો હતો અને તે શિવ દ્વારા જ તે વ્યાપી છે. તે શિવના ત્રણ સ્વરૂપો છે: અલિંગ, લિંગ અને લિંગાલિંગ.

આ પણ વાંચો: વિશેષ : શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ તમારા વ્યક્તિત્વને નિખારે છે…

શિવલિંગને શિશ્નના રૂપમાં ભગવાન શિવનું પ્રતિનિધિત્વ માનવું કે લોકપ્રિય બનાવવું એ હાસ્યાસ્પદ છે. ભારતીય વેદ, ઉપનિષદ અને તત્વજ્ઞાનમાં સૃષ્ટિનો ઉદ્ભવ બ્રહ્મથી માનવામાં આવ્યો છે, બ્રહ્મને ન તો કોઈ આકાર છે કે ન તો કોઈ સ્વરૂપ. બ્રહ્મા શબ્દનું પ્રતીક તેના મૂર્ત સ્વરૂપમાં શિવલિંગ છે. સ્વામી વિવેકાનંદે પણ તેને અનંત બ્રહ્મ તરીકે જાણ્યું. શિવલિંગનો આકાર બ્રહ્માંડમાં ફરતી આપણી આકાશગંગા જેવો છે. આ શિવલિંગ આપણા બ્રહ્માંડમાં ફરતા પિંડોનું પ્રતીક છે.

વેદ અનુસાર, જ્યોતિર્લિંગનો અર્થ ‘વ્યાપક બ્રહ્માત્મલિંગ’ થાય છે જેનો અર્થ ‘વ્યાપક પ્રકાશ’ થાય છે. સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આકાશ પોતે એક લિંગ છે. પૃથ્વી તેની પીઠ અથવા આધાર છે અને કારણ કે તે દરેક અનંત શૂન્યમાંથી ઉત્પન્ન થાય છે અને તેમાં ઓગળી જાય છે, તેને ‘લિંગ’ કહેવામાં આવે છે.

આ પણ વાંચો: વિશેષ : વિશ્વમાં અત્ર – તત્ર – સર્વત્ર શિવ હી શિવ!

શિવલિંગના પણ વિવિધ પ્રકાર હોય છે. તેની સ્થાપના કેવી રીતે થઇ વગેરેના આધારે શિવલિંગ ઓળખાય છે. તેની વાત ક્યારેક અલગથી કરીશું. પુરાણોમાં શિવલિંગને ઘણા અન્ય નામોથી પણ સંબોધવામાં આવે છે, જેમ કે પ્રકાશ સ્તંભ લિંગ, અગ્નિ સ્તંભ લિંગ, ઊર્જા સ્તંભ લિંગ, કોસ્મિક સ્તંભ લિંગ, વગેરે.

પરંતુ બૌદ્ધ કાળ દરમિયાન, ધર્મ અને શાસ્ત્રોના વિકૃતિકરણને કારણે, લિંગને ખોટા અર્થમાં લેવાનું શરૂ થયું, જે આજે પણ પ્રચલિત છે. હવે જ્યારે આપણે શિવલિંગની પૂજા કરીએ ત્યારે તેના વાસ્તવિક અર્થને સમક્ષ રાખીને પૂજા કરીએ. આપણે માત્ર એક લિંગની પૂજા નથી કરતા, પણ ત્રિદેવની કરીએ છીએ, બ્રહ્મની કરીએ છીએ, બ્રહ્માંડની કરીએ છીએ.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button