ચિંતનઃ શિવજીનું તાંડવ કળાત્મક અભિવ્યક્તિ

હેમુ ભીખુ
જ્યારે બાળકને ‘માતા-પિતા’ વિશે પૂછવામાં આવે ત્યારે તે અતિ ઉત્સાહમાં એવી બધી બાબતો પણ જણાવી દે કે જે વાસ્તવિક ન પણ હોય. બાળક જ્યારે પોતાની માતાનું વર્ણન કરે ત્યારે તેનાં વર્ણનમાં ચોક્કસ રીતે ‘લાર્જર ધેન કેનવાસ’નો ભાવ વ્યક્ત થાય. બાળક જ્યારે માતાના ગુણગાન ગાય ત્યારે એકવાર તો એમ લાગે કે સમગ્ર સૃષ્ટિ તેની ‘એક’ માતાને જ આધીન છે.
આ સ્વાભાવિક પણ છે અને સ્વીકાર્ય પણ. આ યોગ્ય પણ છે અને મધુર પણ. આ ભાવાત્મક પણ છે અને વાસ્તવિક પણ. આમાં અંતરનો ઉમળકો પણ હોય અને પરિસ્થિતિની સમજ પણ. આમાં સ્થૂળ બાબતો સમાયેલી હોય અને સૂક્ષ્મ બાબતો વણાયેલી હોય. આમાં ક્યાંક ઉત્સાહ હોય તો ક્યાંક વિશ્વાસ ગૂંથાયેલો હોય.
બાળક જ્યારે માતા-પિતાની વાત કરે ત્યારે તેમાં સત્ય પણ હાજર હોય અને ધારણા પણ. આ સમગ્ર પ્રક્રિયા એક વ્યક્તિગત અનુભૂતિના પ્રતિબિંબ તરીકે પણ હોય અને મનમાં ઉછળતા તરંગોના વહેણ તરીકે પણ. સમગ્રતામાં જોતાં એમ કહેવાય કે આ રજૂઆત બાળકે જાતે અનુભવેલું સત્ય, જાતે અનુભવેલી ભાવના તથા જાતે પ્રમાણિત કરેલી બાબતના સમન્વય સમાન હોય. સૃષ્ટિની આ એક અદ્ભુત ઘટના છે.
જ્યારે શિવ-તાંડવની વાત આવે ત્યારે કંઈક આમ જ થતું હોવાનો ભાવ જાગ્રત થવાની સંભાવના હોય છે. દેવોના દેવ મહાદેવ બધાં જ પ્રકારની સંલગ્નતાથી અલિપ્ત હોય, કોઈપણ પરિસ્થિતિ માટે ન હોય તેમને દ્વેષ કે ન હોય રાગ, તેમની માટે કોઈપણ પરિસ્થિતિ પસંદ ન હોય અને નાપસંદ પણ ન હોય, ન હોય તેમને કોઈપણ પ્રકારની પ્રવૃત્તિની આવશ્યકતા કે ન હોય કોઈ નિવૃત્તિ માટેની ભૂમિકા.
આ પણ વાંચો…ચિંતનઃ નિશ્ચલં હિ શિવવ્રતમ્…શિવવ્રત કદાપી વિચલિત થતું નથી
મહાદેવ તો શાશ્વતતામાં, સમગ્રતામાં, સર્વત્રતામાં તથા સમાવેશીયતામાં માત્ર સાક્ષી સ્વરૂપે હોય. સંજોગો અનુસાર મહાદેવ તો માત્ર તાંડવ માટેનું નિમિત્ત બને. આ નિમિત્તપણામાં જ મહાદેવનું વાસ્તવિક સ્વરૂપ અને ઐશ્વર્ય પ્રભાવ સ્થાપિત થાય.
દેવોના દેવ મહાદેવનું તાંડવ નિમિત્ત નથી, પરંતુ નિમિત્તનું પરિણામ છે. તાંડવ કારણ નથી, પરંતુ વૈશ્વિક કારણથી ઉદ્ભવતું પરિણામ છે. તાંડવ કરવામાં આવતી ક્રિયા નથી પરંતુ ઉદ્ભવતી પરિસ્થિતિ છે. તાંડવ એ નૃત્ય નથી, પરંતુ મહાદેવના ચિંતનની કળાત્મક અભિવ્યક્તિ છે.
તાંડવ એ પરિણામલક્ષી નથી, પરંતુ તેનાથી પરિણામ સ્થાપિત થઈ શકે છે. તાંડવ એ રંજનનો વિષય નથી, સાવ ભિન્ન સ્વરૂપે સ્થાપિત કરવામાં આવતું જ્ઞાન છે. જો આ જ્ઞાન સમજમાં આવે તો જ તાંડવ સમજાય, નહિંતર તો તાંડવ માત્ર એક રૌદ્ર કલાત્મક નૃત્ય તરીકે જ સમજમાં આવે. તાંડવ તે ઉપરાંત બીજું ઘણું છે.
તાંડવ મંત્રોચ્ચાર સમાન ધ્વનિનું નૃત્યમય રૂપાંતર છે. તાંડવ એ સાત્ત્વિકતા તેમજ આધ્યાત્મિકતાનું લાલિત્ય સભર એક સ્વરૂપ છે. તાંડવ એ સમગ્ર સૃષ્ટિની દિવ્યતાને ભિન્ન રીતે નાટકીયતાથી સ્થાપિત કરવાની ચેષ્ટા છે. તાંડવ એ મહાદેવની અંત: સ્થિતિની અભિવ્યક્તિ છે, સૃષ્ટિનાં ચોક્કસ પ્રકારનાં સમીકરણો પ્રત્યે વ્યક્ત થતી ભાવના છે, મહાદેવની સંવેદનાઓની ઉમળકા ભરેલી પ્રસ્તુતિ છે,
મહાદેવની નિજાનંદ મસ્તીની સાબિતી છે, મહાદેવની સમગ્રતામાં સ્થાપિત થયેલી સમાવેશીયતા છે, મહાદેવ શિવના ભાવાત્મક પ્રસારનું અનુમોદન છે, બ્રહ્માંડની વિવિધ પ્રકારની ગતિ તથા સ્થિતિનું એકત્રીકરણ છે, સૃષ્ટિના દરેક અંગ વચ્ચે પરસ્પરની લયબદ્ધતા તથા સંલગ્નતાની સાબિતી છે, મહાદેવ અને સૃષ્ટિ વચ્ચેના સમીકરણની સમજૂતી છે અને શ્રીકૃષ્ણની રાસલીલા સમકક્ષ ઘટના છે. તાંડવ દ્વારા દિવ્ય આશ્ચર્ય, વૈશ્વિક ડર, ઐશ્વરિય ભાવ, આધ્યાત્મિક વિસ્તાર, દૈવી અનુકંપા, શાશ્વત સત્ય તથા ધાર્મિક અને સાત્ત્વિક લયબદ્ધતાનો ભાવ સ્થાપિત થતો હોય તેમ અનુભવાય છે.
આ પરિપ્રેક્ષ્યમાં એમ કહી શકાય કે તાંડવ એ વિનાશ કે પ્રલયનું પ્રતીક નથી. તાંડવ તો મહાદેવની મહેચ્છાનું મહા પ્રતિપાદન છે. સર્જનના દેવ તાંડવ દ્વારા વિનાશ માટેનું કારણ કેવી રીતે બની શકે. જે મહાદેવમાં સમગ્ર સૃષ્ટિમાં તત્ક્ષણ બદલાવ લાવવાની સંભાવના હોય તે મહાદેવ બદલાવને બદલે વિનાશની પસંદગી શું કામ કરે.
જે આરાધ્ય શિવ એક ભૃકુટીની ચેષ્ટા થકી જ મહાન કાર્ય સંપન્ન કરી શકે તેમને જે તે પ્રલય સિદ્ધ કરવા માટે તાંડવ કરવાની આવશ્યકતા કઈ. અન્ય અનેક લીલાની જેમ તાંડવ પણ એક લીલા છે- નૃત્યલીલા છે. બસ મનમાં ઊઠેલા ભાવને વ્યક્ત કરવાં માટે તે લીલા સાકાર થઈ જાય છે. તાંડવ સાથે પ્રલય વણાયેલો હોય તો તો વારંવાર પ્રલય આવે. જેમ સમાધિમાં બેસવું, જેમ મા જગદંબા સાથે શિવસૂત્રની ચર્ચા કરવી તેમ ક્યારેક તાંડવ કરવું. નૃત્ય જેવી લાલિત્ય સભર, પ્રસન્નતા દાયક તથા સુંદર અભિવ્યક્તિ દ્વારા વિનાશ માટે પ્રયત્ન કેવી રીતે થઈ શકે.
છતાં પણ તાંડવ એક સત્ય છે. તેનું સ્વરૂપ રૌદ્ર છે. ઘણી બધી બાબતોને વિચલિત કરવાં માટે તેનું સામર્થ્ય છે. વિનાશ નક્કી હોય તો તાંડવ તેનું નિમિત્તે બની શકે, પરંતુ તાંડવ થકી વિનાશને આમંત્રણ ન મળે. બ્રહ્માંડના સમીકરણમાં ચોક્કસ પ્રકારનો વિધ્વંશ જરૂરી હોય તો તાંડવોના કોઈ એક અંશ દ્વારા તે સિદ્ધ થઈ શકે, પરંતુ તાંડવ તે જ પ્રકારનું પરિણામ આપે એ ધારણા પ્રશ્ન સમાન છે. આ સાથે એ પણ સમજી લેવું પડે કે આ બધી વાતો તર્કના ક્ષેત્રની બહાર છે.
તાંડવ એક એવી પ્રક્રિયા છે કે જે બુદ્ધિની પહોંચમાં ન હોય. તાંડવ વાસ્તવિકતામાં કારણ સ્વરૂપ સૂક્ષ્મ અસ્તિત્વને આધારિત સ્થૂળ ઘટના છે, જેના મૂળમાં તો કારણ જ છે. આ કારણ એટલે જ બ્રહ્માંડના અસ્તિત્વનો આધાર, નહીં કે વિનાશનો.
દરિયા કિનારે ઊભા રહીને મઝદરિયાની વાત ન થાય. ત્યાં પહોંચ્યા પછી જ પરિસ્થિતિ સમજમાં આવે. શિવતત્ત્વ મહાદેવની કૃપા પ્રાપ્ત થયાં બાદ જ તાંડવ વિશેની વાસ્તવિકતા જાણમાં આવે. અહીં જે અભિવ્યક્તિ કરવામાં આવી છે તેનો એકમાત્ર હેતુ એ સ્થાપિત કરવાનો છે, તાંડવ ને હંમેશાં જે વિનાશાત્મકતા સાથે સાંકળવામાં આવે છે તેનાથી પણ એક ભિન્ન પણ એક વાસ્તવિકતા હોઈ શકે.
આ પણ વાંચો…ચિંતન : કૈલાસને જીતવાની ઈચ્છા!