
- ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
માતા પાર્વતી: સ્વામી હવે બીજી જ્યોતિર્લિંગ વિશે જણાવો. એજ સમયે આકાશ માર્ગે સ્વર્ગલોકની અપ્સરાઓ જવા માંડી. માતા પાર્વતીના પૂછવા પર ભગવાન શિવે જણાવ્યું કે આ અપ્સરાઓ દેવરાજ ઇન્દ્રના આદેશથી ગજાસુરની આરાધના તોડવા જઈ રહી છે. સ્વર્ગલોકની અપ્સરાઓ ગજાસુર પાસે પહોંચી અને નૃત્ય કરવા લાગી. અપ્સરાઓના નૃત્યથી ગજાસુરની આરાધનામાં વિક્ષેપ થતા તેને ક્રોધ આવ્યો. ક્રોધાવશ ગજાસુરે અપ્સરાઓને ઉંચકીને સમુદ્રમાં ફેંકી દીધી. ચિંતીત દેવગણોને બ્રહ્માજીએ સાંત્વન આપતા કહ્યું કે, તમે ચિંતા ન કરો હું દેવતાઓને અન્યાય થાય તેવું વરદાન નહીં આપું.’ થોડા જ સમયમાં ગજાસુરની આરાધનાનો સ્વર બ્રહ્મલોક સુધી પહોંચવા લાગતાં બ્રહ્માજીએ ગજાસુરને વરદાન માગવા કહ્યું. ગજાસુરે અમર થવાનું વરદાન માગતા બ્રહ્માજીએ કહ્યું,અમર થવાનું વરદાન આપવું મારા હાથમાં નથી, પણ તમને એવું વરદાન આપું છું કે તમારો વધ ફક્ત એ જ કરી શકે જેણે કામને વશ કર્યો હોય. ‘ ગજાસુરની સંમતિ મળતાં બ્રહ્માજી વરદાન આપી વિદાય થયા.
ગજાસુર વરદાન મેળવી અસુરગુ શુક્રાચાર્ય પાસે પહોંચીને જણાવ્યું કે, `ગુદેવ મેં બ્રહ્મદેવ પાસે અમર થવાનું વરદાન માગ્યું હતું, તેમણે વરદાન આપતા કહ્યું કે કામદેવને વશ કરનાર વ્યક્તિ જ તમારો વધ કરી શકશે.’ આટલું સાંભળતાં જ અસુરગુ શુક્રાચાર્ય નારાજ થતાં બોલ્યાં, અસુર શિરોમણી તમે પણ છેલ્લે બ્રહ્મદેવની કૂટનીતિમાં ફસાઈ જ ગયા. બ્રહ્મદેવની કૂટનીતિથી તમારા પિતાનો વધ ત્રિદેવીઓની શક્તિ મેળવનાર જગદંબાએ કર્યો હતો. ક્રોધિત ગજાસુરે કહ્યું હું મારા પિતાની હત્યાનો બદલો ત્રણે દેવીઓથી લઈશ. એટલું કહી ગજાસૂર ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. પ્રથમ ગજાસુર પોતાના પિતાના વધનો બદલો લેવા બ્રહ્મલોક પહોંચે છે. બ્રહ્મદેવની બાજુમાં માતા સરસ્વતીને બેઠેલા જોઈ કહે છે, હવે તમારો વધ નિશ્ચિત છે દેવી સરસ્વતી. તમે મારા પિતાજીના વધમાં સામેલ હતા, તેનો દંડ હું તમને અવશ્ય આપીશ. આટલું બોલી ગજાસુર માતા સરસ્વતી પર હુમલો કરે છે. આ જોઈ માતા સરસ્વતી કોધિત થાય છે અને તેમણે હાથમાં રહેલું કમળનું ફૂલ ગજાસુર પર ફેંકતા ગજાસુર બ્રહ્મલોકથી પછડાઈને પૃથ્વીલોક પર પડે છે.
પૃથ્વીલોક પર પડતાં જ ગજાસૂૃુર વધુ ક્રોધિત થાય છે અને માતા લક્ષ્મીને હાનિ પહોંચાડવાની તૈયારી કરે છે. એ સમયે આકાશમાર્ગથી જઈ રહેલા દેવર્ષિ ગજાસુર પાસે પહોંચે છે.
દેવર્ષિ નારદ: ગજાસુર આ શું કરી રહ્યા છો.
ગજાસુર: મારા પિતાની હત્યા કરનારા દેવી લક્ષ્મીને પાઠ ભણાવવાની તૈયારી કરું છું.
દેવર્ષિ નારદ: ગજાસુર તમે દેવી સરસ્વતીને પાઠ ભણાવવાની કોશિષ તો કરી જોઈ ત્યાર બાદ પરિણામ શું આવ્યું તે મને ખબર છે. હવે તમારે સમજી જવું જોઈએ અને અસુર પરિવારના ઉત્થાન માટે કામ કરવું જોઇએ.
ગજાસુર: દેવર્ષિ હું વરદાની છું મને સમજાવવાની કોશિષ ના કરો. હું મારા પિતાજીની હત્યાનો બદલો અવશ્ય લઈશ.
દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય લઈ કૈલાસ પહોંચે છે.
દેવર્ષિ નારદ: નારાયણ… નારાયણ… દેવાધિ દેવને પ્રણામ.
ભગવાન શિવ: દેવર્ષિ નારદ, અહીં પધારવાનું પ્રાયોજન જણાવો.
દેવર્ષિ નારદ: પ્રભુ હું હાલમાં જ ગજાસુરને મળીને આવ્યો છું, એ માતા સરસ્વતીના હાથે પછડાયો હોવા છતાંય માતા લક્ષ્મીને દંડ કરવાની તૈયારી કરી રહ્યો છે.
ભગવાન શિવ: દેવર્ષિ, ફિકર કરશો નહીં તમે ફક્ત કાશીના બ્રાહ્મણોને યજ્ઞ કરવાની સલાહ આપતા રહો, જેથી ત્યાંના બ્રાહ્મણો અવિરત યજ્ઞ સેવા કરતા રહે. ગજાસુરનો વધ નિશ્ચિત છે.
દેવર્ષિ નારદ વિદાય થતાં ભગવાન શિવ ભગવાન ગણેશને આદેશ આપે છે કે તમે હંમેશાં માતા સાથે રહેજો વરદાની ગજાસુર અવશ્ય આક્રમણ કરશે.
ભગવાન શિવની આજ્ઞા થતાં જ દેવર્ષિ નારદ કાશી પહોંચે છે.
વિનોદરાય: દેવર્ષિ નારદને પ્રણામ.
દેવર્ષિ નારદ: કાશી નગરીમાં અવિરત યજ્ઞ સેવા ચાલુ રહે તેવી શિવઇચ્છા છે, હે બ્રાહ્મણશ્રેષ્ઠ વિનોદરાય, તમને હું કાશી નગરીમાં અવિરત યજ્ઞ સેવા ચાલુ રહે તેની જવાબદારી સોંપું છું.
વિનોદરાય: જેવી શિવ ઇચ્છા, દેવર્ષિ.
વિનોદરાય દ્વારા કાશીના બ્રાહ્મણોને શિવઇચ્છાની જાણ કરાતાં તેઓ નાના નાના સમૂહમાં અસંખ્ય યજ્ઞની શરૂઆત કરે છે.
બીજી તરફ ગજાસુર ક્ષીરસાગર તરફ પ્રયાણ કરે છે. ફરી દેવર્ષિ તેનો રસ્તો રોકે છે
દેવર્ષિ નારદ: ગજાસુર હજી પણ તમને સમજાવું છું, ક્ષીરસાગર નહીં જાવ, માતા લક્ષ્મી અને શ્રીહરિ વિષ્ણુ તમને અવશ્ય પાઠ ભણાવશે.
ક્રોધિત ગજાસુર દેવર્ષિ નારદ પર આક્રમણ કરવા જતા દેવર્ષિ નારદ અદૃશ્ય થઈ જાય છે.
ગજાસુર ક્ષીરસાગર પહોંચે છે. જુએ છે કે અગાધ મહાસાગરમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ શેષશૈયા પર નિદ્રાધીન છે. તેમની પાસે માતા લક્ષ્મી વિરાજમાન છે.
આપણ વાંચો: ભજનનો પ્રસાદ : જીવાત્મા ને પરમાત્માનો નાતો અત્યંત સૂક્ષ્મ સ્નેહતત્ત્વથી જોડાયેલો છે…
ગજાસૂર: ઓહ, તો તમે દેવી લક્ષ્મી છો, હવે તમને કોઈ બચાવી નહીં શકે.
આટલું બોલી ગજાસૂર માતા લક્ષ્મી પર ફરસીથી હુમલો કરે છે. માતા લક્ષ્મી પણ પોતાના અસ્ત્રથી ગજાસૂર પર હુમલો કરે છે. માતા લક્ષ્મીનું અસ્ત્ર ગજાસુરના હાથ, પગ અને માથું શરીરથી છૂટું કરી નાંખે છે, પણ બ્રહ્મદેવનું વરદાન એના અંગો જોડી દેતાં ફરી એ અટ્ટહાસ્ય કરે છે. આ સ્થિતિમાં માતા લક્ષ્મી ક્રોધિત થાય છે અને ફૂંક મારતાં જ ગજાસુર ફરી પૃથ્વી પર પટકાય છે.
પટકાયેલો ગજાસુર ફરી ઊભો થાય છે અને કૈલાસ તરફ પ્રયાણ કરે છે. લપાતો છુપાતો ગજાસુર કૈલાસ પર્વત પર પહોંચે છે. જુએ છે માતા પાર્વતી રસોઈમાં વ્યસ્ત છે. કંઈ જ ન બોલતાં એ માતા પાર્વતી પાસે જવાની કોશિશ કરે છે. એ જોઈ ભગવાન ગણેશ પોતાની સૂંઢથી ઉંચકીને ઉછાળે છે. ઉછળેલો ગજાસુર ફરી પૃથ્વી પર પટકાય છે. આ વખતે વધુ ગતિથી પટકાતાં ગજાસુરના શરીરના હાડકાંનો ભૂક્કો બોલાઈ જાય છે.
પટકાયેલો ગજાસુર પોતાના શરીરનો ભાર પણ ઊંચકી ન શકતાં અસુર સૈનિકો તેને અસુરગુરુ શુક્રાચાર્ય પાસે લઈ જાય છે.
શુક્રાચાર્ય: ગજાસુર મેં પહેલા પણ કહ્યું હતું કે, તમે દેવી સરસ્વતી, દેવી લક્ષ્મી કે દેવી પાર્વતીને નુકસાન નહીં પહોંચાડી શકશો.
ગજાસુર: ગુરુદેવ મારી આ અવસ્થા દેવી પાર્વતીએ નથી કરી, કોઈ ગજમુખધારી દેવતાએ કરી છે. (ક્રમશ:)