શિવ રહસ્ય: હું રાણી વિજયાને કઈ રીતે કહી શકું કે તમારી કુંડળીમાં સંતાન યોગ નથી તેમને આઘાત લાગશે | મુંબઈ સમાચાર
ધર્મતેજ

શિવ રહસ્ય: હું રાણી વિજયાને કઈ રીતે કહી શકું કે તમારી કુંડળીમાં સંતાન યોગ નથી તેમને આઘાત લાગશે

-ભરત પટેલ

બુધ તેની માતા તારાને સમજાવે છે અને કહે ‘ભગવાન શિવના આદેશનું પાલન અને પિતાશ્રીની માફી જ તમને અપરાધ ભાવથી મુક્ત કરી શકશે.’ સામે પક્ષે ભગવાન શિવના ક્રોધથી બચવા છુપાયેલા ચંદ્રદેવને રોહિણી પૂછે છે: ‘સ્વામિ, કેટલાય દિવસથી તમે અહીં છુપાયા છો, પહેલા મને એ જણાવો કે થયું છે શું? તમે ચાલો હું ભગવાન શિવ સમક્ષ માફી માગીશ. સ્વામિ તમારી ગણના દેવોમાં થાય છે, તમારા આવા કાર્યએ દેવત્વને શર્મશાર કર્યું છે. હવે આનું નિવારણ ભગવાન શિવની આરાધનામાં જ હોઈ શકે.’ રોહિણીની વાત યોગ્ય લાગતાં ચંદ્રદેવ અને રોહિણી એકાંત વનમાં શિવ આરાધના કરે છે. બીજી તરફ બુધ અને તેની માતા તારા દેવ ગુરુ બૃહસ્પતિ પાસે પહોંચે છે. ક્રોધિત દેવગુરુ બૃહસ્પતિ ત્યાંથી ચાલી જવા કહે છે પણ તારા કહે છે, ‘સ્વામિ, બુધના જન્મથી હું અપરાધ ભાવથી પિડાતી હતી અને એ અપરાધ ભાવથી તમારી સમક્ષ ઉપસ્થિત થવાની હિંમત નહોતી કરી શકી. એ અપરાધભાવથી મુક્તિ તમારાં શરણોમાંથી જ મળશે એવી માતા પાર્વતીની સલાહથી તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું. મને માફ કરો.’ દેવગુરુ બૃહસ્પતિને શાંત પાડવા બુધ કહે છે, ‘મારી માતાના પાપનું પ્રાયશ્ર્ચિત્ત હું કરીશ, હું તમારી શરણે છું, તમે મારા ધર્મના પિતા છો, આદેશ આપો હું મારી માતાના પાપનું પ્રાયશ્ર્ચિત્ત કઈ રીતે કરું?’ બુધની આજીજીને શરણે થતા દેવગુરુ બૃહસ્પતિ બુધને કહે છે કે ‘તમારે માતાના પાપનું પ્રાયશ્ર્ચિત્ત કરવા પૃથ્વીલોક જઈ તપસ્વી તરીકે ભગવાન શિવની ત્યાં સુધી આરાધના કરવી પડશે કે જ્યાં સુધી તમે એક મહાન પુત્રના પિતા ન બની જાઓ. જે પુત્ર એના મહાન કાર્યથી પિતા અને તેની માતાના કલંકને ધોઈ શકે.’ આટલી વાત સાંભળી ગભરાયેલો બુધ કહે છે ‘ગુરુદેવ મને ફરી ધર્મ સંકટમાં ન નાખો, એક તપસ્વી પિતા કઈ રીતે બની શકે.’ તેના જવાબમાં દેવગુરુ બૃહસ્પતિ કહે છે ‘બુધ, તમે શિવ લીલા પર વિશ્ર્વાસ રાખો. ‘ઈક્ષ્વાકુવંશી મહારાજ મનુના પુત્ર મહારાજ ઈલ પાસે જઈ તપસ્યા કરવા માટે કામ્યાખ વનમાં તપોભૂમિની માગ કરો. ભવિષ્યમાં ત્યાંથી ભગવાન શિવ અને માતા પાર્વતીની લીલાનો એક અધ્યાય શરૂ થશે. જાઓ સફળ થાઓ.’ દુ:ખી તારા કહે છે, ‘સ્વામિ મને પણ આજ્ઞા આપો, જ્યાં સુધી મારો પુત્ર બુધ તેની તપસ્યામાં સફળ ન થાય ત્યાં સુધી હું પણ ભગવાન શિવની આરાધનામાં રત રહીશ.’

બુધ અને માતા તારા દેવગુરુ બૃહસ્પતિની સલાહ મેળવી ભગવા વેશ ધારણ કરી પૃથ્વીલોક તરફ પ્રયાણ કરે છે. પ્રયાણ દરમિયાન તેમના પર દેવર્ષિ નારદની દૃષ્ટિ પડે છે.

આ પણ વાંચો: શિવ રહસ્ય: માતા તમારે દેવાધિદેવ ભગવાન શિવના આદેશનું પાલન અવશ્ય કરવું જોઈએ

દેવર્ષિ નારદ: બુધ તમે અને તારા આ ભગવા વેશમાં ક્યાં જઈ રહ્યા છો.

બુધ: દેવર્ષિ તમે બધુ જ જાણવાની કોશિશ કરો છો એ યોગ્ય નથી.

દેવર્ષિ નારદ: બુધ તમે અને તારા ક્યાં જઈ રહ્યા છો એ તો બતાવો.

બુધ: હું દેવગુરુ બૃહસ્પતિની સલાહથી પૃથ્વીલોક જઈ રહ્યો છું.

દેવર્ષિ નારદ: મહેરબાની કરી મને એનું આયોજન બતાવો તો યોગ્ય રહેશે.

બુધ: નહીં દેવર્ષિ અમારો પીછો છોડો, અને તમારા કામમાં વ્યસ્ત રહો.

દેવર્ષિ નારદ: દેવગુરુ બૃહસ્પતિ મારા પણ ગુરુ છે, હું તેમની પાસેથી જાણી જ લઈશ.

બુધ: જેવી તમારી ઇચ્છા.

આ પણ વાંચો: શિવ રહસ્ય : જનક આદરણીય હોય છે ને જનકને દંડ આપી શકાતો નથી

કંટાળેલા બુધ અને તારા પૃથ્વીલોક તરફ પ્રયાણ કરે છે તો દેવર્ષિ નારદ દેવગુરુ બૃહસ્પતિને મળવા સ્વર્ગલોક તરફ પ્રયાણ કરે છે.

ઇક્ષ્વાકુવંશી રાજા ઈલ તેમના શયનકક્ષમાં નિદ્રાધીન હોય છે. અચાનક નિદ્રા તૂટતાં જુએ છે કે રાણી વિજયા ઝરુખા સામે ઊભા છે.

રાજા ઈલ: પ્રિયે મધરાતે આમ ઝરુખે કેમ ઊભાં છો?

રાણી વિજયા: મહારાજ આપણા લગ્નને 12-12 વર્ષ વિતી ગયા છે, હજી સુધી આપણે રાજ્યને રાજકુમાર આપી શક્યા નથી. પ્રજાજનો રાજકુમારની પ્રતીક્ષા કરી રહ્યા છે.

રાજા ઈલ: પ્રિયે ચિંતા ન કરો, હું રાજવૈદ્ય અને રાજજ્યોતિષ સાથે ચર્ચા કરીશ.

આ પણ વાંચો: શિવ રહસ્ય: જો તમે ઈર્ષા ને અહંકારનો ત્યાગ કરશો તો તમારા કૂવાનું પાણી પણ મીઠું થઈ જશે…

બીજે દિવસે પ્રભાતે રાજા ઈલ તેમના રાજવૈદ્યને બોલાવે છે અને કહે છે: રાજવૈદ્યજી અમારા લગ્નને 12-12 વર્ષ વિતી ગયા છે પ્રજાજનો રાજકુમારની પ્રતીક્ષા કરી રહ્યા છે. તમે ઉત્તમ ઔષધી અમને આપો જેથી પ્રજાજનોની ઇંતેજારીનો અંત આવે. રાજા ઈલના આદેશથી રાજ વૈદ્ય ઔષધી બનાવી રાજા ઈલ અને રાણી વિજયાને આપે છે. ફરી પાછો સમય વિતવા માંડયો. એક રાતે રાજા ઈલે રાણી વિજયાને ફરી ઝરુખે ઊભેલાં જોયાં. તેઓ વિચલીત થયા અને બીજે દિવસે રાજજ્યોતિષને બોલાવ્યા. તેમની સાથે ચર્ચા કરી. રાજજ્યોતિષે રાજા ઈલ અને રાણી વિજયાની જન્મકુંડળી બનાવી ચર્ચા કરી. રાજ જ્યોતિષે જણાવ્યું કે, મહારાજ રાણી વિજયાની કુંડળીમાં સંતાન યોગ જ નથી, પણ તમારી કુંડળીમાં સંતાન યોગ અવશ્ય છે. હું એમ ધારું છું કે તમારે બીજા લગ્ન કરવા જોઈએ, જેથી રાજ્યને રાજકુમારની પ્રાપ્તિ થાય.’

રાજા ઈલ: રાજજ્યોતિષ હું રાણી વિજયાને કઈ રીતે કહી શકું કે તમારી કુંડળીમાં સંતાન યોગ નથી તેમને આઘાત લાગશે. હું તેમને ખૂબ પ્રેમ કરું છું, હું બીજા લગ્ન કઈ રીતે કરી શકું?

રાજ જ્યોતિષ: મહારાજ આપ પર ભગવાન શિવની કૃપા છે. શિવકૃપા પ્રાપ્ત વ્યક્તિ કદીય સંતાન વિહિન ન રહી શકે. ભગવાન શિવની કૃપાથી તમારી બધી સમસ્યા દૂર થશે.

આ પણ વાંચો: શિવ રહસ્ય: પ્રભુ તમારા આશીર્વાદ અમને મળ્યા ને શિવગણ તરીકે કૈલાસ ખાતે સ્થાન મળ્યું એનાથી વિશેષ શું હોઈ શકે

રાજ જ્યોતિષ સાથે સંતાન યોગ બાબતે ચર્ચાથી રાજા ઈલ દુ:ખી થાય છે. એ જ સમયે બુધ તેમની સમક્ષ ઉપસ્થિત થાય છે.

બુધ: મહારાજ ઈલની જય હો.

મહારાજ ઈલ: બોલો તપસ્વી તમારી શું સેવા કરી શકું?

બુધ: મહારાજ હું અને મારી માતા કામ્યાખ વનમાં આરાધના કરવા માગીએ છીએ.

મહારાજ ઈલ: તપસ્વી તમે જરાય ફિકર ન કરો, રાજ્ય તમને આરાધના કરવા કામ્યાખ વનમાં નદી કિનારે તુરંત આશ્રમ બનાવી આપશે.

બુધ: નહીં મહારાજ તમારે આશ્રમ બનાવી આપવાની જરૂર નથી, હું મારો આશ્રમ પોતે બનાવી લઈશ. હું ફક્ત તમારી અનુમતિ લેવા આવ્યો છું.

આ પણ વાંચો: શિવ રહસ્ય: નિત્ય શિવપૂજન જ જીવનનું એકમાત્ર કર્મ હોવું જોઈએ

મહારાજ ઈલ: તપસ્વી તમારે મારી અનુમતિ લેવાની કોઈ જરૂર નથી.

બુધ: નહીં મહારાજ, ભગવાન શિવે પોતે આરાધના માટે રાજા હિમાલય પાસે અનુમતિ લીધી હતી.

મહારાજ ઈલ: તપસ્વી જેવી તમારી ઇચ્છા, કામ્યાખ વનમાં તમે આરાધના કરી શકો છો, ક્યારેય મદદની આવશ્યકતા હોય આ દાસ તમારી સેવામાં રહેશે.

બુધ: કામાખ્યા વનમાં આશ્રમ બનાવવાની તમારી અનુમતિ મળી ગઈ એ જ પર્યાપ્ત છે. ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે.

(ક્રમશ:)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button