શિવ રહસ્યઃ મૃત્યુ બાદ મારા શરીર પરના ગજ ચર્મને આપ એક વખત ધારણ કરો ને તમારા ચરણોમાં શરણું આપો

- ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
શુક્રાચાર્યએ ગજાસુરને કહ્યું, હું મારી શક્તિથી તમને ફરીવાર પહેલાંની જેમ શક્તિશાળી બનાવી દઈશ પણ મેં તમને પહેલા કહેલું કે ત્રિદેવીઓ સાથે ટકરાશો નહીં. અજ્ઞાની ગજાસુરે જણાવ્યું કે, જો મારી પાસે વરદાની શક્તિ હોય અને હું મારા પિતાની હત્યાનો બદલો ન લઈ શકું તો એ વરદાનનો ફાયદો શું? શુક્રાચાર્ય એને સમજાવતાં કહે છે કે વરદાનનો ફાયદો લેવો હોય તો પહેલાં કાશી જાઓ અને ત્યાંના બ્રાહ્મણોને યજ્ઞ કરતાં રોકો.
શુક્રાચાર્યનો આદેશ મળતાં જ ગજાસુર કાશી પહોંચે છે અને ચેતવણી આપતાં કહે છે, પાખંડી બ્રાહ્મણો હું તમને ચેતવણી આપું છું. તમે જો યજ્ઞ બંધ નહીં કરો તો હું તમને દંડ આપીશ, જો તમે યજ્ઞ બંધ કરી મારા દાસ બનશો તો હું તમને અભયદાન આપીશ. બ્રાહ્મણોએ ચેતવણી ન સાંભળતાં ગજાસુર ક્રોધિત થાય છે અને ગજાસુર તેના મહાકાય પગથી બધા બ્રાહ્મણોને કચડી નાખે છે.કાશીમાં હાહાકાર મચી જાય છે.
બીજી તરફ દેવર્ષિ નારદ, દેવરાજ ઈન્દ્ર સહિત દેવગણો કૈલાસ પહોંચે છે. દેવર્ષિ નારદ ભગવાન શિવને અરજ કરે છે કે, પ્રભુ કાશીના બ્રાહ્મણોની રક્ષા કરો, મેં જ કાશીના બ્રાહ્મણોને શિવ ઇચ્છા જણાવી હતી. તેઓ યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે જ ગજાસુરે તેમનો વધ કર્યો છે. દેવાધિદેવ ગજાસુરને દંડ કરો. ક્રોધિત ભગવાન શિવ કહે છે, દેવર્ષિ સમય આવી ગયો છે, ગજાસુર હું અવશ્ય દંડ આપીશ. એટલું કહી ભગવાન શિવ ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે.
ભગવાન શિવ કાશી પહોંચે છે. તેઓ મૃત બ્રાહ્મણો પર મૃત્યુંજય જળ છાંટતાં જ તેઓ જીવિત થઇ જાય છે. વિનોદરાય સહિત યજ્ઞકુંડમાં આહુતિ અપાયેલા બ્રાહ્મણો પણ યજ્ઞકુંડમાંથી જીવંત પરત ફરે છે. કાશીના દરેક બ્રાહ્મણો ભગવાન શિવના સાક્ષાત દર્શન કરતાં ભગવાન શિવનો જય જયકાર કરે છે. આ જયજયકાર સંભળાતા ગજાસુર ત્યાં આવી પહોંચે છે.
બ્રાહ્મણોને ફરી જીવંત જોઈ ગજાસુરે ભગવાન શિવ પર ક્રોધિત થાય છે અને કહે છે, ‘ઓહ તો તમે અમારા અસુરોના આરાધ્ય ભગવાન શિવ છો. હું તમને વિનંતી કરું છું કે અમે પણ તમારા ભક્ત છીએ અને આ બ્રાહ્મણો પણ આપના ભક્ત છે. તમે અમારા વચ્ચે ન આવો.’ વરદાની ગજાસુરને સમજાવતાં ભગવાન શિવ કહે છે, ગજાસુર તમે આવી વાત નહીં કરી શકો, મારા ભક્તોને જે રંજાડશે તેને હું અવશ્ય દંડ આપીશ પણ અજ્ઞાની ગજાસુર કહે છે, પ્રભુ અમે પણ તમારા ભક્ત છીએ, અમારા મતભેદ અમે ઉકેલીશું, પણ જો તમે અમારી વચ્ચે આવશો તો તમે પણ મારા ક્રોધના ભાગી બનશો. ગજાસુરની આવા પ્રકારની હિંમત જોઈ ભગવાન શિવ બોલ્યા, ગજાસુર હું તમારી બધી શક્તિઓ પરત લઉ છું, તમારી ઊંચાઈ પણ સામાન્ય થઈ જાય. ભગવાન શિવના શબ્દથી મહાકાય ગજાસુર સામાન્ય માનવી જેટલો થઈ જાય છે. બ્રાહ્મણો ભગવાન શિવનો જયજયકાર કરે છે.
ક્રોધિત ગજાસુર: ‘દેવાધિ દેવ, તમે અન્યાય કરી રહ્યા છો, મેં મેળવેલા વરદાની શસ્ત્રો મારી પાસે છે. હવે તમને કોઈ બચાવી નહીં શકે.’
ભગવાન શિવ: ‘ગજાસુર હજી સમય વિત્યો નથી, સમજી જાઓ અને તમને મળેલા વરદાનનો ઉપયોગ માનવ કલ્યાણ માટે કરો.’
ગજાસુર: ‘જય શિવશંકર અસ્ત્ર શસ્ત્ર પ્રકટ થાઓ.’
આટલું બોલતાં જ ગજાસુરના હાથમાં શસ્ત્ર પ્રકટ થયું તેણે એ શસ્ત્રથી ભગવાન શિવ પર હુમલો કર્યો પણ ભગવાન શિવના નામથી પ્રકટ થયેલું શસ્ત્ર ભગવાન શિવની પ્રદક્ષિણા કરી પરત ફર્યું.
અચંબિત ગજાસુર ફરી બોલવા માંડયો, ‘જય શિવશંકર અસ્ત્ર શસ્ત્ર પ્રકટ થાઓ’ ફરી પ્રથમ કરતાં વધુ શક્તિશાળી બીજું અસ્ત્ર પ્રગટ થયું. ગજાસુરે ફરી એ અસ્ત્રથી ભગવાન શિવ પર હુમલો કર્યો પણ ભગવાન શિવના નામથી પ્રકટ થયેલું શસ્ત્ર ભગવાન શિવની પ્રદક્ષિણા કરી પરત ફર્યું.
ગજાસુર: ‘તમારા નામથી પ્રકટ થયેલા શસ્ત્રો સાચા છે કે ખોટા એનું મારે પરીક્ષણ કરવું પડશે.’
એટલું બોલી ગજાસુરે નવા પ્રકટ થયેલા શસ્ત્રને કાશીના બ્રાહ્મણો પર ફેંકયું. ક્ષણોમાં જ અસંખ્ય બ્રાહ્મણો એ અગ્નિમાં બળવા લાગ્યા. આ જોઈ ભગવાન શિવે પોતાના કમંડળમાંથી જળનો છંટકાવ કરતાં એ શસ્ત્રની અગ્નિ શાંત પડી. કાશીના બ્રાહ્મણો ભગવાન શિવનો જયજયકાર કરવા માંડયાં.
ભગવાન શિવ: ‘મૂર્ખ ગજાસુર હવે મારા ધૈર્યનો અંત થવા આવ્યો છે, તારો અંત નિશ્ચિત છે, હજી પણ તને એક મોકો આપ છું. વરદાની શક્તિનો ઉપયોગ લોકકલ્યાણ માટે કર.’
ગજાસુર: ‘નહીં…’
આટલું સાંભળતાં જ ભગવાન શિવે પોતાનું ત્રિશુળ ગજાસુર પર ફેંકયું. ત્રિશુળ ગજાસુરની છાતીને ચીરીને આરપાર થઈ ગયું. ગજાસુર ભગવાન શિવના ત્રિશુળ પર લટકી ગયો.
ગજાસુર: ‘ૐ નમ: શિવાય, ૐ નમ: શિવાય, ૐ નમ: શિવાય, મારા પિતાના મૃત્યુ બાદ ઘણા વરસોથી પાતાળલોક પર શાસન કરી હું કંટાળી ગયો હતો, તમારા દર્શન માત્ર મારી ઇચ્છા હતી.’
ભગવાન શિવ: ‘ગજાસુર મને જ્ઞાત હતું કે તમારો ઉદ્ધાર મારા હાથે જ થશે. શુક્રાચાર્યના આદેશથી તપસ્યા કરવી અને વરદાન મેળવવું એ મારી લીલા જ હતી. ગજાસુર બોલો તમારી અંતિમ ઇચ્છા શું છે?’
ગજાસુર: ‘હે પ્રભુ મેં તમારી સામે જે ઉદ્ધતાઈ કરી કોઈ તમને યુદ્ધ માટે લલકાર્યા એ બદલ માફી ચાહું છું.’
ભગવાન શિવ: ‘ગજાસુર તમે ફક્ત માફી જ નહીં, કરુણાના પણ અધિકારી છો. તમારા મનમાં જન્મેલી શિવભક્તિનું ઈનામ તમને મળવું જ જોઈએ, મારા હાથે મૃત્યુનું વરણ કરવાથી તમને અસુર યોનિથી મુક્તિ તો અવશ્ય મળશે, પણ તમારી અંતિમ ઇચ્છા વ્યક્ત કરો.’
ગજાસુર: ‘હે પ્રભુ હું ઇચ્છું છું કે મારા મૃત્યુ બાદ મારા શરીર પરના ગજ ચર્મને આપ એક વખત ધારણ કરો અને તમારા ચરણોમાં શરણું મળે એજ મારી અંતિમ ઇચ્છા છે.’
ભગવાન શિવ: ‘તથાસ્તુ ગજાસુર, હું તમારી ઇચ્છાનું તુરંત સન્માન કરીશ.’
એજ ક્ષણે ગજાસુર મૃત્યુને વરતાં ભગવાન શિવ એના ગજચર્મને ધારણ કરે છે.
આ જોઈ ઉપસ્થિત દેવર્ષિ નારદ, દેવરાજ ઇન્દ્ર, દેવગણ અને કાશીના બ્રાહ્મણો ભગવાન શિવનો જયજયકાર કરે છે.
એજ સમયે માતા લક્ષ્મી, શ્રીહરિ વિષ્ણુ, માતા સરસ્વતી, બ્રહ્માજી, માતા પાર્વતી શિવગણો સાથે ત્યાં પધારે છે.
માતા પાર્વતી: ‘સ્વામિ આ કયો વેશ ધારણ કર્યો છે?’
ભગવાન શિવ: ‘પાર્વતી આ મારો ગજચર્મ વેશ છે. ગજાસુર આ ગજચર્મના રૂપે કૈલાસ ખાતે વિદ્યમાન હશે. ત્રણેય દેવીઓ તમે ક્રોધમાં ગજાસુરનો વધ ન કર્યો એ માટે તમારો આભાર માનું છું.’
માતા સરસ્વતી: ‘એ પણ તમારી લીલાનો જ ભાગ છે મહાદેવ.’
ભગવાન શિવ: ‘દેવરાજ ઇન્દ્ર જાઓ તમારું સ્વર્ગલોક સુરક્ષિત છે. જાઓ લોકકલ્યાણના કામોમાં વ્યસ્ત થાઓ.’
ભગવાન શિવનો આદેશ મળતાં જ દેવગણો પોતપોતાના લોક પરત ફર્યા. (ક્રમશ:)