શિવ રહસ્ય : તારા થૂંકને શું ગંગાજળ જેવું પવિત્ર માને છે કે ઊભા થવાની તસ્દી પણ ન લીધી?

ભરત પટેલ
લોકમાતા ગંગા નદી પતિતપાવની છે એની ખાતરી આપ્યા બાદ માતા પાર્વતી અને ભગવાન શિવ કૈલાસ પહોંચે છે. ભગવાન કહે છે કે ‘હું લાંબા સમય માટે તપ કરવા માગું છું.’ તો માતા પાર્વતી પણ જણાવે છે કે હું પણ આરાધના કરીશ. ભગવાન શિવ તેમને કહે છે, ‘તમારે આરાધના તપની નહીં, નૃત્યની કરવી જોઈએ. થિલ્લઈ વન પર તમારું જ રાજ છે ત્યાં જઈ નૃત્ય આરાધના કરો. મારી આરાધના પૂર્ણ થતાં હું ત્યાં જ આવીશ.’ ભગવાન શિવ અને માતા પાર્વતી પોત-પોતાની આરાધનામાં લીન થઈ જાય છે, ભગવાન શિવ તેમની આરાધના પૂર્ણ કરી ત્યાં પહોંચે છે. માતા પાર્વતી તેમની નૃત્ય આરાધના કરતા જોઈ ભગવાન શિવ પણ નૃત્ય કરવા માંડે છે.
શિવ શક્તિ બંને નૃત્ય કરવા માંડતા પૃથ્વીની ધરા ડોલવા માંડી. એ જોઈ બ્રહ્માજી માતા સરસ્વતી સાથે અને શ્રીહરિ વિષ્ણુ માતા લક્ષ્મી સાથે થિલ્લઈ વન પહોંચે છે. બ્રહ્માજી માતા પાર્વતીને કહે છે ‘પાર્વતી રોકાઈ જાવ, તમારા બંનેના એકસાથેના નૃત્યથી પૃથ્વીની ધરા ડોલવા માંડી છે.’ માતા પાર્વતી તેમને કહે છે ‘તો તમે એમ કહો કે મારું નૃત્ય સ્વામિ કરતાં ઉત્તમ છે.’ શ્રીહરિ વિષ્ણુ ભગવાન શિવને કહે છે ‘રોકાઈ જાવ, તમારા બંનેના નૃત્યથી પૃથ્વીની ધરા ડોલી રહી છે.’ ભગવાન શિવ કહે છે ‘તો તમે દેવતાગણ એમ કહો કે મારો નૃત્ય પાર્વતી કરતાં ઉત્તમ છે.’ દેવતાઓ વિમાસણમાં પડી ગયા. માતા પાર્વતી અને ભગવાન શિવની એકબીજાથી ઉત્તમ મુદ્રામાં નૃત્ય કરતાં હતાં.
આ પણ વાંચો: શિવ રહસ્ય: પ્રિયે, તમારે આરાધના કરવી જ જોઈએ પણ તપની નહીં, નૃત્યની કરવી જોઈએ
અલગ અલગ મુદ્રાઓમાં ઘણી મુદ્રામાં અંગ મરોડ આવતી ત્યાં ભગવાન શિવ થોડા ઊણાં ઊતરતાં હતાં તો ત્યાં માતા પાર્વતીની શ્રેષ્ઠતા પુરવાર થઈ રહી હતી. ભગવાન શિવ પણ એમ હાર માને એમ નહોતા એટલે તેમણે ઉર્ધ્વ તાંડવ મુદ્રા કરી પોતાના એક પગને માથા ઉપર ઉઠાવીને માતા પાર્વતીને તેનું પુનરાવર્તન કરવા પડકાર ફેંકયો. સ્ત્રી મર્યાદાને કારણે માતા પાર્વતી સમગ્ર દેવતાઓ સમક્ષ આ મુદ્રાનું પુનરાવર્તન કરી ન શકયાં. તેમણે પોતાની હાર સ્વીકાર કરી લીધી અને ભગવાન શિવના આશીર્વાદ લીધા. જ્યાં શિવ-શક્તિની નૃત્ય પ્રતિયોગિતા યોજાઈ હતી એ સ્થળ પર ભગવાન શિવ નટરાજ સ્વરૂપે વિદ્યમાન છે. જેને આજે થિલ્લાઈ નટરાજ મંદિર તરીકે આપણે ઓળખીએ છીએ. જે આજનું ચિદમ્બરમ ક્ષેત્ર ચેન્નાઈમાં આવેલું છે.
બીજી એક કથા અનુસાર માતા પાર્વતી સમગ્ર દેવતાઓ સમક્ષ આ મુદ્રાનું પુનરાવર્તન કરી ન શકયાં તેમની હાર થઈ. આ હારથી માતા ક્રોધિત થઈ કાલી સ્વરૂપ ધારણ કર્યું અને થિલ્લાઈ વન છોડીને સીમાઓની બહાર સ્થાયી થઈ ગયાં. આમ, અહીં તેમને થિલ્લાઈ કાલી તરીકે પૂજાવામાં આવે છે. બ્રહ્માજીએ એ જ જગ્યાએ વેદનો જાપ કરીને માતા પાર્વતીની સ્તુતિ કરી. થિલ્લઈ કાલી પ્રસન્ન થયા અને બ્રહ્મા જેવા ચાર માથા ધરાવતું સૌમ્ય સ્વરૂપ ધારણ કર્યું અને થિલ્લઈ અમ્માન (થિલ્લઈની માતા) અથવા બ્રહ્મા ચામુંડેશ્ર્વરી તરીકે પ્રખ્યાત થયાં. મંદિરમાં દેવીનું ચાર મુખ ધરાવતા બ્રહ્મા ચામુંડેશ્ર્વરી સ્વરૂપનું ચિત્રણ કરવામાં આવ્યું છે. તો પૂર્વ તરફના મંદિરમાં, દેવી તેમના ઉગ્ર સ્વરૂપમાં દેખાય છે જેને થિલ્લાઈ કાલી કહેવામાં આવે છે.
આ પણ વાંચો: શિવ રહસ્ય: કોઈપણ માનવ શ્રદ્ધાથી ગંગાસ્નાન કરે તો તેનાં પાપ શું ખરેખર ધોવાઈ જતા હશે?
નટરાજ સ્વરૂપે સ્થાપિત થયા બાદ માતા પાર્વતી અને ભગવાન શિવ કૈલાસ તરફ પ્રયાણ કરે છે. પ્રવાસ દરમિયાન દક્ષિણ ભારતના અવન્તીનગરના એક મંદિરમાં એક નીલા નામની સ્ત્રી આરાધના કરતી દેખાય છે. માતા પાર્વતી ભગવાન શિવને પૂછે છે ‘સ્વામી આ નીલા આટલી દુ:ખી કેમ છે?’
ભગવાન શિવ: ‘આ નીલા મારા પરમ ભક્ત નીલાંકરની પત્ની છે. આ પતિ-પત્નીના હૃદયમાં આપણી ભક્તિની છોળો ઉછળે છે. શિવરાત્રીના પવિત્ર દિવસે નીલાંકર અવન્તીનગરના શિવાલયમાં શિવપૂજામાં મગ્ન હતો. પોતાની સમીપે તેની પત્ની નીલા પૂજાની સામગ્રી આપવામાં સહાય કરતી હતા. એકાએક નીલાકંરની પત્નીને ઉધરસ આવી અને શિવલિંગ પર થૂંક ઊડયું. નીલાંકર ક્રોધિત થઈ ગયો અને બોલ્યો, ‘અરે! તેં શિવલિંગને અપવિત્ર કર્યું છે, તું ઉધરસ પર એટલો પણ કાબૂ ન રાખી શકી? તું તારા મોઢામાંથી નીકળેલા થૂંકને શું ગંગાજળ જેવું પવિત્ર માને છે કે ઊભા થવાની તસ્દી પણ ન લીધી. તું મારા ઘરમાં રહેવાને લાયક જ નથી, તું અત્યારે જ મારી નજરોથી દૂર થઈ જા.’
આ પણ વાંચો: શિવ રહસ્ય: એવું વરદાન આપો કે મારું શરીર સુવર્ણ જેવું થઈ જાય ને હું પરમ સુંદરી બનું
માતા પાર્વતી: ‘સ્વામિ, તો શું એક ઉધરસને કારણે નીલાંકરે નીલાનો ત્યાગ કર્યો?’
ભગવાન શિવ: ‘નીલા એક આદર્શ પત્ની છે. ‘પતિ એ જ પરમેશ્ર્વર’ એવું માનતી હોવાથી એણે પતિની આજ્ઞા મુજબ જ એ વર્તન કરતી હતી. ક્રોધિત પતિના આદેશને શિરોમાન્ય ગણી એ ઘરે નથી ગઈ અને ત્યારથી એ આ શિવાલયમાં આરાધના કરી રહી છે.’
માતા પાર્વતી: ‘સ્વામિ, તો શું તમે નીલા માટે કંઈ નહીં કરો?’
ભગવાન શિવ: ‘ખરેખર હકીકત એવી બની હતી કે, પૂજા દરમિયાન એક કરોળિયો છત ઉપરથી શિવલિંગ ઉપર પડયો. સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે, જો કરોળિયો બાળકના શરીર ઉપર પડે તો વાત્સલ્યપ્રેમથી પ્રેરાઈને બાળકની માતા જ જે ભાગ પર કરોળિયો પડયો હોય ત્યાં થૂંકીને એ ભાગને હાથ વડે સાફ કરી નાખે. આમ કરવાનું કારણે એ છે કે, જેથી કરીને બાળકમાં કોઈ પ્રકારની વિકૃત્તિ ન આવે. માતાનો પ્રેમ આપનાર નીલાને દુ:ખી કઈ રીતે થવા દઉં.’
આ પણ વાંચો: શિવ રહસ્ય: હું રાણી વિજયાને કઈ રીતે કહી શકું કે તમારી કુંડળીમાં સંતાન યોગ નથી તેમને આઘાત લાગશે
માતા પાર્વતી અને ભગવાન શિવ રૂપ બદલીને નીલા સમક્ષ પ્રગટ થાય છે.
ભગવાન શિવ: ‘અરે બહેન તમારા પતિએ તમારો ત્યાગ કર્યો ત્યારે હું અહીંયા જ હતો, તમે ત્યારથી અહીં જ છો એવું લાગે છે, શું તમે તમારા પતિને સફાઈ આપવાની કોશિશ કરી?’
નીલા: ‘નહીં.’
માતા પાર્વતી: ‘બહેન ઘરે જઈ જે થયું એ સાચી હકિકત તમારા પતિને જણાવો.’
અજાણ્યા પતિ-પત્નીના કહેવાથી નીલા ઘરે પહોંચે છે.
નીલાંકર: ‘હે કલંકિની અહીં કેમ આવી છે?’
નીલા: ‘સ્વામિ હું તમને એ જણાવવા આવી છું કે, શિવલિંગ પર કરોળિયો પડયો એટલે મારે એ જગ્યા થૂંકથી સાફ કરવી પડી હતી. નહીં તો હું આવી અક્ષમ્ય ભૂલ કઈ રીતે કરું.’
આ પણ વાંચો: શિવ રહસ્ય : કામ્યાખ વનમાં જે યુગલ તપસ્યા કરશે તેમની દરેક મનોકામના પૂર્ણ થશે…
નીલાંકર પત્ની અંત:કરણની અતળ ઊંડાઈને માપી ન શક્યો અને પત્નીએ શિવલિંગને અપવિત્ર કર્યું છે તેવું માની લીધું. આ ઘટના એનું હૃદય કોરી ખાતી હતી. નીલાંકર કોઈ સંજોગોમાં પત્નીને માફી આપવા ઇચ્છતો ન હતો.
ફરી શિવાલય આવી નીલાએ શિવપૂજા ચાલુ કરી. અદૃશ્ય રહી વસ્તુ સ્થિતિને જોઈ રહેલાં માતા પાર્વતી અને ભગવાન શિવ નીલાને માન-સન્માન અપાવવા તૈયાર થયાં.
પત્નીએ શિવપૂજા ચાલુ રાખી, રાત્રિના સમયે તે મંદિરમાં જ હતી. નીલાકંરને ભરનીંદરમાં કોઈ દિવ્ય પ્રકાશની પ્રતીતિ થઈ. આ દિવ્ય પ્રકાશપૂંજ વચ્ચે કલાત્મય શિવલિંગ હતું. શિવલિંગમાંથી અવાજ સંભળાઈ રહ્યો હતો, ‘નીલાંકર! તારી પત્નીના થૂંકને લીધે શિવલિંગ અપવિત્ર નથી બન્યું, જે જગ્યાએ થૂંક પડયું હતું કે ભાગ નિહાળીને જરા જોઈ જો, એટલો ભાગ કેટલો ચકચકિત થઈ ગયો છે. તારી પત્ની નીલા નિર્દોષ છે, એનો સ્વીકાર કર.’
આ પણ વાંચો: શિવ રહસ્ય: માતા તમારે દેવાધિદેવ ભગવાન શિવના આદેશનું પાલન અવશ્ય કરવું જોઈએ
નીલાંકરે મંદિર તરફ દોટ મૂકી, મંદિરમાં જઈને જોયું તો પત્ની શિવપૂજામાં મગ્ન હતી અને શિવલિંગનો એ ભાગ ખરેખર ચકચકિત દેખાઈ રહ્યો હતો.
નીલાંકર: ‘નીલા મને માફ કર, હું ક્રોધિત અવસ્થામાં હતો. તારામાં રહેલા માતાના વાત્સલ્યપ્રેમને હું સમજી ન શક્યો. ઘરે ચાલ.’
પતિનેે જ પરમેશ્ર્વર માનતી નીલા નીલાંકર સાથે ઘરે જવા તૈયાર થઈ. એ જ સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થયાં અને તેમને આશીર્વાદ આપ્યા.
(ક્રમશ:)



