ધર્મતેજ

શિવ રહસ્ય: જે દિવસે હું પોતાને દેવોના ઋષિ તરીકે માનીશ એ દિવસથી મને અભિમાન આવી જશે ને હું મારા હરિથી દૂર થઈ જઇશ

-ભરત પટેલ

નટરાજ સ્વરૂપે સ્થાપિત થયા બાદ માતા પાર્વતી અને ભગવાન શિવ કૈલાસ તરફ પ્રયાણ કરે છે. પ્રવાસ દરમિયાન દક્ષિણ ભારતના અવન્તીનગરના એક મંદિરમાં એક નીલા નામની સ્ત્રી આરાધના કરતી દેખાય છે. માતા પાર્વતી ભગવાન શિવને પૂછે છે ‘સ્વામી આ નીલા આટલી દુ:ખી કેમ છે?’ ભગવાન શિવ તેમને કહે છે કે ‘આ નીલા મારા પરમ ભક્ત નીલાંકરની પત્ની છે. શિવરાત્રીના પવિત્ર દિવસે નીલાંકર અવન્તીનગરના શિવાલયમાં શિવપૂજામાં મગ્ન હતો. એકાએક નીલાને ઉધરસ આવી અને શિવલિંગ પર થૂંક ઉડયું એટલે નીલાંકરે નીલાનો ત્યાગ કર્યો.’ માતા પાર્વતીએ કહ્યું, ‘સ્વામિ, તો શું તમે નીલા માટે કંઈ નહીં કરો?’ ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, પ્રિયે નીલા પણ મારી ભક્ત છે અવશ્ય હું એને આ સંકટમાંથી બહાર કાઢીશ.’ માતા પાર્વતી અને ભગવાન શિવ રૂપ બદલીને નીલા સમક્ષ પ્રગટ થાય છે. ભગવાન શિવ કહે છે, ‘અરે બહેન તમારા પતિએ તમારો ત્યાગ કર્યો ત્યારે હું અહીંયા જ હતો, તમે ત્યારથી અહીં જ છો એવું લાગે છે, શું તમે તમારા પતિને સફાઈ આપવાની કોશિશ કરી? ઘરે જઈ જે થયું એ સાચી હકીકત તમારા પતિને જણાવો.’ અજાણ્યા પતિ-પત્નીના કહેવાથી નીલા ઘરે પહોંચે છે. નીલાંકર એને સાંભળવા માગતો નથી, પણ અજાણ્યા પતિ-પત્નીની વાતથી સંમત થયેલી નીલા અડગ હતી તેણે કહ્યું, ‘સ્વામિ હું તમને એ જણાવવા આવી છું કે, શિવલિંગ પર કરોળિયો પડયો એટલે મારે એ જગ્યા થૂંકથી સાફ કરવી પડી હતી. નહીં તો હું આવી અક્ષમ્ય ભૂલ કઈ રીતે કરું.’ નીલાંકર પત્નીના અંત:કરણની અતળ ઊંડાઈને માપી ન શક્યો અને પત્નીએ શિવલિંગને અપવિત્ર કર્યું છે તેવું કહી તેને માફી ન આપી. નીલા ફરી શિવાલય આવી શિવ આરાધના ચાલુ કરી. અદૃશ્ય રહી વસ્તુ સ્થિતિને જોઈ રહેલાં માતા પાર્વતી અને ભગવાન શિવ નીલાને માન-સન્માન અપાવવા તૈયાર જ હતા.

નીલાકંરને ભરનીંદરમાં કોઈ દિવ્ય પ્રકાશની પ્રતીતિ થઈ. આ દિવ્ય પ્રકાશપૂંજ વચ્ચે કલાત્મક શિવલિંગ હતું. શિવલિંગમાંથી અવાજ સંભળાઈ રહ્યો હતો, ‘નીલાંકર! તારી પત્નીના થૂંકને લીધે શિવલિંગ અપવિત્ર નથી બન્યું, જે જગ્યાએ થૂંક પડયું હતું કે ભાગ નિહાળીને જરા જોઈ જો, એટલો ભાગ કેટલો ચકચકિત થઈ ગયો છે. તારા પત્ની નીલા નિર્દોષ છે, એનો સ્વીકાર કર.’ નીલાંકરે મંદિર તરફ દોટ મૂકી, મંદિરમાં જઈને જોયું તો પત્ની શિવપૂજામાં મગ્ન હતી અને શિવલિંગનો એ ભાગ ખરેખર ચકચકિત દેખાઈ રહ્યો હતો. નીલાંકરે કહ્યું, ‘નીલા મને માફ કર, હું ક્રોધિત અવસ્થામાં હતો. તારામાં રહેલા માતાના વાત્સલ્યપ્રેમને હું સમજી ન શક્યો. ઘરે ચાલ.’ પતિનેે જ પરમેશ્ર્વર માનતી નીલા નીલાંકર સાથે ઘરે જવા તૈયાર થઈ.

આ પણ વાંચો: શિવ રહસ્ય : તારા થૂંકને શું ગંગાજળ જેવું પવિત્ર માને છે કે ઊભા થવાની તસ્દી પણ ન લીધી?

એ જ સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપ્યા.

ભગવાન શિવ અને માતા પાર્વતી નીલાંકર અને નીલાને આશીર્વાદ આપી કૈલાસ તરફ પ્રયાણ કરે છે. કૈલાસ પહોંચતાં જ જુએ છે કે દેવર્ષિ નારદ ત્યાં પહેલેથી જ ઉપસ્થિત છે.

ભગવાન શિવ: ‘પ્રણામ પ્રભુ, ઘણા સમયે કૈલાસ તરફ આવી રહ્યો હતો આકાશ માર્ગે મેં અસુરગુરુ શુક્રાચાર્યને જોયા. તેઓ કોઈક વિમાસણમાં હોય એવું લાગે છે. તેમની મન:સ્થિતિ બરાબર લાગતી નથી. તેઓ પોતાના જ આશ્રમમાં દિગ્મૂઢ થઈ અહીં તહીં ફેરા મારી રહ્યા છે. મેં વિચાર્યું કે શુક્રાચાર્ય મારી અન્ય કોઈની વાત સાંભળશે કે માનશે નહીં, એ તમારા પરમ ભક્ત પણ છે. શું તમે એમને સહાય નહીં કરો…’

ભગવાન શિવ: ‘દેવર્ષિ તમે લોક કલ્યાણના કાર્યમાં વ્યસ્ત રહો છો એ તો મને ખબર છે, પણ શું તમારે અસુરગુરુ શુક્રાચાર્યને મળીને તેમને સાંત્વન ન આપવું જોઈએ?’

દેવર્ષિ નારદ: ‘પ્રભુ જેવી તમારી ઇચ્છા. હું કોશિશ કરીશ કે શુક્રાચાર્ય ફરી તેમની દૈનિક કાર્યશૈલીમાં પરોવાઈ જાય.’

સામે પક્ષે થાકી હારેલા અસુરગુરુ શુક્રાચાર્ય વિચારે છે કે, ‘હું દૈત્યગુરુ હોવા છતાં અસુરો માટે કંઈ કરી શક્યો નથી. મારા માર્ગદર્શન અને આશીર્વાદ મેળવીને અસુર સમ્રાટો પોતાનું સામ્રાજ્ય વિસ્તારી શક્યાં નથી અને અંતે તેમનો વધ પણ રોકી શક્યો નથી, હું પૂર્ણપણે નાકામ છું, મારું જીવન નકામું છે, આ નકામા જીવનના શરીરનો ત્યાગ કરવો આવશ્યક છે.’

આ પણ વાંચો: શિવ રહસ્ય: પ્રિયે, તમારે આરાધના કરવી જ જોઈએ પણ તપની નહીં, નૃત્યની કરવી જોઈએ

અંતે આવું વિચારી રહેલા અસુરગુરુ શુક્રાચાર્ય પોતાના યજ્ઞ કુંડમાં આહુતિ આપી અગ્નિને પ્રજ્વલિત કરે છે. યોગ્ય માત્રામાં અગ્નિ પ્રજ્વલિત થતાં અસુરગુરુ શુક્રાચાર્ય પોતાના શરીરને ભસ્મ કરવા યજ્ઞકુંડમાં કૂદકો મારવા તૈયાર થાય છે.

અસુરગુરુ શુક્રાચાર્ય: ‘હે અગ્નિ! દરેક બાબતે પરાજિત અને દૈત્ય સંસ્કૃતિની રક્ષા ન કરી શકનાર આ દંભી, પાપી અને અર્થહિન શુક્રાચાર્યના શરિરનો સ્વીકાર કરો.’

એ જ સમયે આ જોઈ રહેલા દેવર્ષિ નારદ તેમની સમક્ષ પ્રગટ થાય છે.

દેવર્ષિ નારદ: ‘હે દૈત્યગુરુ શુક્રાચાર્ય આપ આવો અનર્થ ના કરો.’

અસુરગુરુ શુક્રાચાર્ય: ‘હે દેવર્ષિ તમે મને ના રોકો.’

દેવર્ષિ નારદ: ‘હે દૈત્યગુરુ શુક્રાચાર્ય હું તો જનકલ્યાણ અને લોકહિતના કાર્યો માટે અહીંથી પસાર થઈ રહ્યો હતો, તમને આવું પગલું ભરતા જોઈ રોકાઈ ગયો.’

અસુરગુરુ શુક્રાચાર્ય: ‘હે દેવર્ષિ મારો આત્મદાહ અને જનકલ્યાણ-લોકહિતના કાર્યો સાથે કોઈ સંબંધ નથી તો તમે મને કેમ રોકી રહ્યા છો?’

આ પણ વાંચો: શિવ રહસ્ય: કોઈપણ માનવ શ્રદ્ધાથી ગંગાસ્નાન કરે તો તેનાં પાપ શું ખરેખર ધોવાઈ જતા હશે?

દેવર્ષિ નારદ: ‘સપ્તઋષિમાં શ્રેષ્ઠ ભૃગુઋષિના પુત્ર શુક્રાચાર્ય શું તમને ખબર નથી કે અગ્નિના માધ્યમથી મૃત્યુને પ્રાપ્ત કરી શું તમે અગ્નિના મૂળ સ્વરૂપને બદલી નાખવા માગો છો?’

અસુરગુરુ શુક્રાચાર્ય: ‘હે દેવર્ષિ, અનેક વીર અસુરોના મૃત્યુથી મારી આત્મા પશ્ર્ચાતાપના ભાવથી ગ્રસિત થઈ ગઈ છે.’

દેવર્ષિ નારદ: ‘હે શુક્રાચાર્ય તમે ભગવાન શિવના મહાન ભક્ત છો, જે વ્યક્તિને ભગવાન શિવનો સ્પર્શ થયો હોય તેને અગ્નિ બાળી શકે? કદાપિ નહીં તમને સ્પર્શીને એ અગ્નિની પ્રચંડતા ચંદન જેવી શિતળ થઇ જશે. અગ્નિમાં અગ્નિત્વ જ ન રહે તો લોકહિતના કાર્યોમાં રૂકાવટ નહીં આવે?

અસુરગુરુ શુક્રાચાર્ય: ‘હું દૈત્યોના ઉદ્ધાર માટે કંઈ ન કરી શકું તો મારા જીવનનો ઉદ્દેશ શું? જો આ અગ્નિ મને બાળી નહીં શકે તો હું પ્રાણવાયુને રોકીને ઇચ્છિત મૃત્યુ પ્રાપ્ત કરીશ.’

દેવર્ષિ નારદ: ‘હે શુક્રાચાર્ય તમે પ્રાણવાયુ રોકશો તો સંસારમાં મોટું સંકટ આવી પડશે.’

અસુરગુરુ શુક્રાચાર્ય: ‘કોઈ માર્ગ દેખાતો નથી. હું શું કરું? બધું સમાપ્ત થઈ ગયું છે.’

દેવર્ષિ નારદ: ‘હે શુક્રાચાર્ય, જો બધું સમાપ્ત થઈ ગયું હોય, કોઈ માર્ગ દેખાતો ન હોય તો ફક્ત એક કર્મ શેષ રહી જાય છે.’

અસુરગુરુ શુક્રાચાર્ય: ‘તમે કયા કર્મની વાત કરો છો દેવર્ષિ?’

દેવર્ષિ નારદ: ‘પ્રભુ નામ સ્મરણ! ભગવાન શિવ તેમના ભક્તોના કલ્યાણ માટે હંમેશાં તત્પર હોય છે. તમારા મનની ભાવનાઓ તમારા આરાધ્ય ભગવાન શિવ સુધી પહોંચી જ ગઈ હશે. તમે એમની શરણમાં જાઓ. તમારી નિરાશા અવશ્ય દૂર થશે.’

આ પણ વાંચો: શિવ રહસ્ય: એવું વરદાન આપો કે મારું શરીર સુવર્ણ જેવું થઈ જાય ને હું પરમ સુંદરી બનું

અસુરગુરુ શુક્રાચાર્ય: ‘તમે દેવર્ષિ થઈને દૈત્યોના કલ્યાણની વાત કરો છો?’

દેવર્ષિ નારદ: ‘હું પોતાને દેવર્ષિ માનતો જ્ નથી અને જે દિવસે હું પોતાને દેવોના ઋષિ તરીકે માનીશ એ દિવસથી મને પણ અભિમાન આવી જશે. હું મારા હરિથી દૂર થઈ જઇશ.’

અસુરગુરુ શુક્રાચાર્ય: ‘દેવર્ષિ મને માફ કરો. હું હંમેશાં તમને ઓળખવામાં ભૂલ કરું છું.’

(ક્રમશ:)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button