ધર્મતેજ

હું દુર્ગમાસુરને આદેશ આપું છું કે વેદોને તુરંત મુક્ત કરે

શિવ રહસ્ય – ભરત પટેલ

બ્રહ્માજી પાસેથી દેવગણોને યોગ્ય ખાતરી ન મળતાં ગભરાયેલા દેવરાજ ઇન્દ્ર અને સમસ્ત દેવગણ શ્રીહરિ વિષ્ણુ પાસે પહોંચે છે અને કહે છે, શુક્રાચાર્યએ નરકાસુરને જગાડી અદૃશ્ય અગ્નિ સુરક્ષા કવચ પ્રદાન કરી તપસ્યા માટે પ્રેરિત કર્યો છે. શુક્રાચાર્યની મહેચ્છા શું હશે એ સમજ પડતી નથી. તમે જ માર્ગદર્શન કરો, જેથી દેવગણો પર આવેલા સંકટને દૂર કરી શકાય. શ્રીહરિ વિષ્ણુ તેમને કહે છે, દેવરાજ તમે આમ વિચલિત થશો તો કઈ રીતે ચાલશે? તમો દેવોના રાજા છો. તમારે સંયમ રાખી ધર્મના માર્ગે ચાલવું જોઈએ. સમયની રાહ જુઓ બધું યોગ્ય થશે. ભગવાન શ્રીહરિ વિષ્ણુના જવાબથી સંતુષ્ટ ન થયેલા દેવરાજ ઇન્દ્ર અને દેવગણ ક્ષીરસાગરથી વિદાય લે છે. દેવરાજ ઇન્દ્ર અને દેવગણો આકાશમાર્ગે સ્વર્ગલોક તરફ જતાં તેમની નજર નરકાસુર પર પડે છે. નરકાસુર તપસ્યા કરતાં કરતાં બગાસાં ખાતો દેખાય છે. દેવરાજ ઈન્દ્ર પવનદેવને નરકાસુર તપસ્યા કરી રહ્યો છે એ દિશામાં વધુ ઠંડો પવન ફૂંકવાનું જણાવે છે. ઠંડો પવન ફૂંકાતા તે નિદ્રાવસ્થામાં પોઢી જાય છે. તક જોઈ દેવરાજ ઇન્દ્ર વ્રજ કાઢે છે અને નરકાસુરનો વધ કરવા જાય છે. એ જોઈ અસુરગુરુ શુક્રાચાર્ય ત્યાં પ્રગટ થાય છે અને દેવરાજ ઇન્દ્રનો હાથ પકડી લે છે. ગભરાયેલા દેવરાજ ઈન્દ્ર અને દેવગણ ત્યાંથી પલાયન થઈ જાય છે. શુક્રાચાર્ય નરકાસુરને ઉઠાડે છે અને બધી વિગતવાર ચર્ચા કરે છે કે દેવરાજ ઇન્દ્ર તમારો વધ કરવાના હતા. નરકાસુર શુક્રાચાર્યને કહે છે કે, ગુરુદેવ તમે મારા તારણહાર છો, મારી ભૂલ થઈ ગઈ, હવે એવી ભૂલ પરત નહીં કરું. તમારા આશીર્વાદથી મને નવજીવન મળ્યું છે, અસુર સમાજના ઉત્થાન માટે તમે કહો એમ હું કરવા તૈયાર છું. ચતુર અસુરગુરુ શુક્રાચાર્ય નરકાસુરને કહે છે, મેં તમને આપેલી શક્તિઓ તમારી નિદ્રા સાથે ભૂમિમાં વિલય થઈ ગઈ છે. ફરી બ્રહ્માજીની દુર્ગમ તપસ્યા કરો કે જેથી તમારી નજદીક કોઈ દેવતાગણ આવી ન શકે અને યાદ રહે બ્રહ્માજી પાસે વરદાન તરીકે ચારેય વેદ અને ત્રિદેવના હાથે મરણ ન પામવાનું વરદાન માગવાનું છે. અસુરગુરુ શુક્રાચાર્યના આશીર્વાદ મેળવી દુર્ગમાસુર દુર્ગમ તપસ્યા કરવા લાગ્યો. તેના શરીરમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળવા માંડી. એ અગ્નિની જ્વાળાઓ બ્રહ્મલોક સુધી પહોંચવા લાગી. બ્રહ્મલોક આવી રહેલી અગ્નિની જ્વાળાઓ ધડાકા ભડાકા કરવા લાગી. સમસ્ત દેવગણ, માતા સરસ્વતી અને બ્રહ્માજી કૈલાસ પહોંચે છે અને ભગવાન શિવને કહે છે, મહાદેવ, તમે ત્રિકાળ જ્ઞાની છો, મહાકાય પરાક્રમી દુર્ગમાસુરને વરદાન માટે તપસ્યા કરી રહ્યો છે. દુર્ગમાસુર ચારેય વેદ અને આપણા ત્રિદેવના હાથે મૃત્યુ ન થાય તેવું વરદાન માંગી રહ્યો છે. એજ સમયે માતા પાર્વતી કહે છે કે વરદાન મળ્યા બાદ અસુર સમાજના ઉત્થાનના આંચળ હેઠળ દુર્ગમાસુર દેવગણો અને પૃથ્વીવાસીઓને અન્યાય કરશે ત્યારે હું શિવઇચ્છાથી દુર્ગમાસુરને દંડ આપીશ. આટલું સાંભળતાં જ દેવગણો આનંદિત થઈ જાય છે અને માતા પાર્વતી અને ભગવાન શિવનો જયજયકાર કરતાં પોતપોતાના ધામ તરફ પ્રયાણ કરે છે.

આ પણ વાંચો: શિવ રહસ્ય : દુર્ગમાસુર દેવગણો ને પૃથ્વીવાસીઓને અન્યાય કરશે ત્યારે હું શિવઇચ્છાથી દુર્ગમાસુરને દંડ આપીશ

માતા સરસ્વતી અને બ્રહ્માજી ફરી બ્રહ્મલોક પહોંચ્યાં. ત્યાં જઈને તેઓ જુએ છે કે તેમનું બ્રહ્મલોક અડધું બળી ગયું હોય છે.

માતા સરસ્વતી: ‘બ્રહ્મદેવ દુર્ગમાસુરની તપસ્યાની અગ્નિએ અડધું બ્રહ્મલોક સળગાવી દીધું છે. હવે આપણે શું કરવું જોઈએ. આ અગ્નિ તો સમસ્ત લોકોને બાળીને ખાખ કરી દેશે. તમારે કંઈ કરવું રહ્યું.

બ્રહ્માજી: ‘દેવી દુર્ગમાસુરની તપસ્યા ચરમસીમાએ પહોંચી ગઈ છે એને વરદાન આપ્યા સિવાય છૂટકો નથી.’

માતા સરસ્વતી: ‘સ્વામી ચાર વેદ સમાજરચનામાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે. તેમને વરદાનમાં આપશો જ નહીં.’

બ્રહ્માજી અને માતા સરસ્વતી દુર્ગમાસુરને વરદાન આપવા પ્રયાણ કરે છે. બ્રહ્માજીને જોઈ વધુ આક્રમક તપસ્યા કરે છે. તેના શરીરમાંથી વધુ શક્તિશાળી અગ્નિ પ્રગટ થાય છે.

બ્રહ્માજી: ‘દુર્ગમ તપસ્યા કરનારા તપસ્વી દુર્ગમ બોલો તમને શું વરદાન જોઈએ છે.’

દુર્ગમાસુર: ‘પ્રભુ તમે મને બે વરદાન આપવાની ખાતરી આપો.’

બ્રહ્માજી: ‘હું બે નહીં ચાર વરદાન અવશ્ય આપીશ, પણ તમે ચારેય વેદનો વિચાર છોડી દો, વેદને વરદાનમાં નહીં માંગતા.’

દુર્ગમાસુર: ‘અશક્ય પ્રભુ, અસુર ગુરુ શુક્રાચાર્યએ કહ્યું છે કે કોઈપણ દેવતાની વાતમાં ભરમાઈ ન જતાં, તેઓ તેમને ભોળવીને મનવાંછિત વરદાન નહીં જ આપે.’

બ્રહ્માજી: ‘દુર્ગમાસુર સમજવાની કોશિશ કરો, ચાર વેદ પાસેથી તમને કંઈ જ નહીં મળે. તમારી પ્રકૃતિ અસુરી છે ત્યારે વેદોની પ્રકૃતિ અસુરી નથી. જિદ છોડો બીજા વરદાન માગો.’

દુર્ગમાસુર: ‘પરમપિતા જો તમે પણ અન્ય દેવતાઓની જેમ કપટ કરવાના હો અને મારા મનવાંછિત વરદાન ન આપી શકતાં હોવ તો તમે અહીંથી ચાલી જાવ, મને તમારા વરદાન નથી જોઈતાં.’

મુશ્કેલીમાં મુકાયેલા બ્રહ્માજીએ કહ્યું, ‘તથાસ્તુ.’

બ્રહ્માજીનું વરદાન મેળવતાં જ દુર્ગમાસુર આનંદિત થઈ જાય છે અને તેના હાથમાં આવેલા ચાર વેદને લઈ પાતાળલોક જાય છે. ત્યાં ચારેય વેદને બંદી બનાવી પરત ફરે છે. સમસ્ત સંસારમાં હાહાકાર મચી જાય છે. યજ્ઞ શાળામાં બેઠેલા બ્રાહ્મણો અને પુરોહિતોના મોઢેથી વેદ ઋચાઓના શ્ર્લોકો નીકળતાં નથી, તેઓ ભૂલી જાય છે.

આ પણ વાંચો: શિવ રહસ્ય : આરાધકને વરદાન આપવા સિવાય આરાધ્ય પાસે કોઈ માર્ગ હોતો નથી

પુરોહિત: ‘શિષ્યો આપણે નિત્ય વેદ ઋચાઓનો પાઠ કરીએ છીએ આજે કેમ ભૂલી રહ્યા છીએ. વેદ જ આપણા જીવનનો મૂળ આધાર છે, જેને આપણે ભૂલી ગયા છીએ. હે ભગવાન શિવ અમારી રક્ષા કરો.’

એ જ સમયે દુર્ગમાસુર અને તેના સૈનિકો ત્યાં આવી પહોંચે છે.

દુર્ગમાસૂર: ‘હે યજ્ઞકર્તાઓ, તમને મારા સિવાય કોઈ વેદનું જ્ઞાન નહીં આપી શકે. ચારેય વેદ મારા દાસ છે, મેં તેમને પાતાળલોકમાં કેદ કર્યાં છે. તમે દૈત્ય સંસ્કૃતિને અપનાવી લો અન્યથા તમને દંડિત કરવામાં આવશે.’

બ્રાહ્મણ: ‘દૈત્ય સંસ્કૃતિથી મહાન અને શક્તિશાળી કોઈ સંસ્કૃતિ નથી. અમે દૈત્ય સંસ્કૃતિ અવશ્ય અપનાવશું.’

દૈત્ય સંસ્કૃતિની જયજયકાર કરતા બ્રાહ્મણો મદિરાપાન કરવા લાગ્યા. સંસારમાંથી દેવ સંસ્કૃતિનું પતન થવા લાગ્યું. સમાજમાં દાનવ વૃત્તિઓ ફૂલીફાલવા માંડી.

પૃથ્વીલોક પર પોતાનું શાસન સ્થાપ્યા બાદ દુર્ગમાસુર સ્વર્ગલોક પહોંચે છે.

દુર્ગમાસુર: ‘દેવરાજ આ સિંહાસનનો હકદાર હું છું, હું દુર્ગમાસુર તને આદેશ આપું છું કે સ્વર્ગલોક છોડીને મારો દાસ બની જા.’

દુર્ગમાસુરને મળેલા વરદાનની શક્તિનો આભાસ હોવાથી દેવરાજ ઇન્દ્ર અને દેવગણ ત્યાંથી પલાયન થઈ જાય છે.

પૃથ્વી લોક પર ઋષિ મુનીઓની થયેલી અધોગતિથી ત્રાહિત દેવર્ષિ નારદ ઋષિ મુનીઓ સાથે કૈલાસ તરફ પ્રયાણ કરે છે. તેમને શોધતાં શોધતાં દેવરાજ ઇન્દ્ર પણ કૈલાસ પહોંચે છે.

દેવર્ષિ નારદ: ‘દેવાધિદેવ ભગવાન શિવની જય હો. દૈત્ય દુર્ગમાસુરથી પીડિત તમારા ભક્તોની રક્ષા કરો. ચારેય વેદને દુર્ગમાસુરે પાતાળલોકમાં બંદી બનાવ્યા છે. પૃથ્વીલોક અને સ્વર્ગલોકનું વાતાવરણ દૂષિત થઈ ગયું છે. રક્ષા કરો પ્રભુ રક્ષા કરો.’

માતા પાર્વતી: ‘દેવતાઓ અને માનવો અવદશા માટે અસુરગુરુ શુક્રાચાર્ય જ જવાબદાર છે, દેવગુરુ બૃહસ્પતિ સાથેની તેમની અંગત દુશ્મની તેઓ સંસારવાસીઓ પર કાઢી રહ્યા છે. સ્વામિ પહેલા તમે શુક્રચાર્યને જ દંડિત કરો.’

ભગવાન શિવ: ‘બ્રહ્મ વાક્યની રક્ષા કરવી અમારા ત્રિદેવોનું કર્તવ્ય છે. અમે દુર્ગમાસુરને દંડ નહીં આપી શકીએ પણ. શુક્રાચાર્યને સમજાવી જરૂર શકીએ છીએ.’

ભગવાન શિવના આહ્વાન પર શુક્રાચાર્ય તુરંત કૈલાસ ઉપસ્થિત થાય છે.

આ પણ વાંચો: શિવ રહસ્ય : દુષ્ટ શક્તિઓના વિનાશ માટે હું હંમેશાં તૈયાર છું

ભગવાન શિવ: ‘શુક્રાચાર્ય તમારા માર્ગદર્શનથી જ દુર્ગમાસુરનું આચરણ આટલું ક્રૂર છે. દુર્ગમાસુરને આદેશ આપો કે ચારેય વેદને તુરંત મુક્ત કરે.’

અસુરગુરુ શુક્રાચાર્ય: ‘આપનો આદેશ શિરોમાન્ય, હું દુર્ગમાસુરને આદેશ આપું છું કે વેદોને તુરંત મુક્ત કરે.’

ભગવાન શિવને નમન કરી શુક્રાચાર્ય ત્યાંથી વિદાય લે છે.

ભગવાન શિવ: ‘શુક્રાચાર્ય તો ગયા પણ, શું તેઓ વેદોને દુર્ગમાસુરની કેદમાંથી છૂટા કરાવી શકશે?’

(ક્રમશ:)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button