મારા નવ આશુતોષ અવતારોનું શ્રવણ અથવા 12 જ્યોતિર્લિંગની પૂજા કરશે તેમના પાપનો નાશ થશે…

શિવ રહસ્ય – ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
`વૈશ્યનાથે આપેલા શિવલિંગનું પોતે જતન ન કરી શકતાં વૈશ્યનાથે મૃત્યુને ભેટવું પડયું. માટે હવે તેણે વૈશ્યનાથની પત્ની તરીકે ધર્મ પાળવો જોઈએ અને તેમની જેમ ચિતામાં બળીને મરી તેમનું અનુગમન કરવું એ જ મારા માટે હવે ઉત્તમ ધર્મ છે, એવું વિચારી ગણિકા મહાનંદાએ પોતાની સર્વ માલ મિલકત યોગ્ય પાત્ર જોઈ દાનમાં આપી દીધી અને સતી થવા માટે તત્પર થઈ. અગ્નિથી પ્રગટેલી ચિતાની પ્રદક્ષિણા કરી ભગવાન શિવનું સ્મરણ કર્યું અને અગ્નિમાં પ્રવેશ કરવા જાય છે ત્યારે જ ભગવાન શિવ સાક્ષાત પ્રગટ થાય છે અને કહે છે,
હે મહાનંદા, હું પોતે વૈશ્યનાથના સ્વરૂપે તારી પરીક્ષા કરવા આવ્યો હતો. તું કસોટીમાંથી પાર ઊતરી છે. તું વરદાનને પાત્ર છે, તારી ઇચ્છા મુજબ વરદાન માગ.’ ગણિકા મહાનંદા કહે છે,પ્રભુ તમે વરદાન આપવા જ માગતા હોવ તો મને પુનર્જન્મના ભયથી મુક્ત કરી પરમપદ અર્પણ કરો.’ ભગવાન શિવ કહે છે, તથાસ્તુ, તમારી ઇચ્છા મુજબ હવે પછીના જીવનમાં પુનર્જન્મના ભયથી મુક્ત થશો અને પરમપદને મેળવશો અને જે મનુષ્ય આ અદ્ભુત ચરિત્રનું શ્રવણ-પઠન કરશે તેનું આત્યંતિક કલ્યાણ થશે અને પરમ પદને પામશે.’ ગણિકા મહાનંદાને પરમપદ પ્રાપ્ત થતાં ભગવાન શિવ ફરી કૈલાસ પધારે છે. માતા પાર્વતી:હે સ્વામી મહાનંદાને તો પરમપદ પ્રાપ્ત થઈ ગયું છે પણ પૃથ્વીવાસીઓ કઈ રીતે પોતાના પાપનો નાશ કરી ધન, યશ અને મનોવાંછિત ફળ મેળવી શકે તેની વ્રત વિધિ બતાવો જેથી તેમનું કલ્યાણ થાય.’
ભગવાન શિવ: પ્રિયે પૃથ્વીવાસીઓ મારા નવ આશુતોષ અવતારોનું શ્રવણ અથવા 11 જ્યોતિલિંગની પૂજા અર્ચના કરશે તેમના પાપોનો નાશ થશે અને ધન, યશ અને મનોવાંછિત ફળ મેળવી શકશે.’ માતા પાર્વતી:સ્વામી તો પૃથ્વીવાસીઓના કલ્યાણ માટે પ્રથમ તમે તમારા નવ અવતારો વિશે જણાવો.’ ભગવાન શિવ: પહેલા દ્વાપર યુગના સાતમા વરાહ કલ્પમાં નાગાધિરાજ હિમાલય ઉપર શ્વેત નામે પ્રગટ થઈશ. શ્વેત, શ્વેતાશિખ, શ્વેતાશ્વ અને શ્વેતલોહિત નામના ચાર શિષ્યો હશે.
બીજા દ્વાપર યુગમાં વ્યાસ રૂપે જ્યારે સત્ય નામના પ્રજાપતિ થશે ત્યારે હું સુતાર નામે પ્રગટ થઈશ. તે સમયે દુંદુભિ, શતરૂપ, હર્ષિક, શતરૂપ, હર્ષિક અને કેતુમાન નામે ચાર વેદવત્તા બ્રાહ્મણો મારા શિષ્ય થશે.
ત્રીજા દ્વાપર યુગમાં ભાર્ગવ વ્યાસ થઇ ગયા તે સમયે દમન નામ ધારણ કરી પ્રગટ થઈશ. તે સમયે વિશોક, વિશેષ, વિપાય અને પાપનાશન નામના મારા શિષ્યો હશે.
ચોથા દ્વાપર યુગમાં જ્યારે અંગિરા વ્યાસ હશે ત્યારે હું સુહોત્ર નામે પ્રગટ થઈશ, ત્યારે સુમુખ, દુર્મુખ, દુદર્ભ અને દુરિતક્રમ નામના મારા શિષ્યો હશે.
પાંચમા દ્વાપર યુગમાં સવિતા નામે વ્યાસ હશે ત્યારે હું કંક નામે અવતાર લઈશ. તે સમયે સનક, સનાતન, સનંદન અને સનતકુમાર નામે મારા શિષ્યો હશે.
છઠ્ઠા દ્વાપર યુગમાં મૃત્યુ નામે વ્યાસ હશે ત્યારે હું લોકાક્ષિ નામે અવતાર લઈશ. તે સમયે સુધામસ, વિરજસ, સંજય અને વિજય નામે મારા શિષ્યો હશે.
સાતમા દ્વાપર યુગમાં શતકતુ નામે વ્યાસ હશે ત્યારે હું જૈગીષવ્ય નામે અવતાર લઈશ. તે સમયે સારસ્વત, યોગીશ, મેઘવાહ અને સુવાહન નામે મારા શિષ્યો હશે.
આઠમા દ્વાપર યુગમાં મુનિ વશિષ્ઠ વ્યાસ હશે ત્યારે હું દધિવાહન નામે અવતાર લઈશ. તે સમયે કપિલ, આસુરી, પંચશિખ અને શાલ્લવ નામે મારા શિષ્યો હશે.
નવમા દ્વાપર યુગમાં મુનિ સારસ્વત વ્યાસ હશે, ત્યારે હું ઋષભ નામે અવતાર લઈશ. તે સમયે પરાશર, ગર્ગ, ભાર્ગવ અને શાલ્લવ નામે મારા શિષ્યો હશે અને તેમના દ્વારા સંસારમાં યોગમાર્ગને વધુ સુદૃઢ બનાવાશે. મારો આ ઋષભ નામનો અવતાર અતિપ્રભાવશાળી, કલ્યાણકારી અને કરૂણામયી હશે.
માતા પાર્વતી: `સ્વામી તમે કળિયુગમાં જે 12 જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થવાના છો એ બાબતે પણ જણાવો’
ભગવાન શિવ: કળિયુગમાં હું પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે સૌરાષ્ટ્ર ખાતે સોમનાથ નામે, દ્વિતીય જ્યોતિર્લિંગ તરીકે શ્રીશૈલ પર્વત ખાતે મલ્લિકાર્જુન નામે, તૃતીય જ્યોતિર્લિંગ તરીકે ઉજ્જૈન ખાતે મહાકાલ નામે, ચતુર્થ જ્યોતિર્લિંગ તરીકે નર્મદાના તટ પર ઓમકારેશ્વર-મમલેશ્વર નામે, પંચમ જ્યોતિર્લિંગ તરીકે પરળી ખાતે વૈજનાથ નામે, ષષ્ઠમ જ્યોતિર્લિંગ તરીકે ભીમાશંકર નામે, સપ્તમ જ્યોતિર્લિંગ તરીકે રામેશ્વર નામે, અષ્ટમ જ્યોતિર્લિંગ દારૂકા વન ખાતે નાગેશ્વર નામે, નવમ જ્યોતિર્લિંગ તરીકે વારાણસી ખાતે વિશ્વેશ્વર નામે, દસમ જ્યોતિર્લિંગ તરીકે ગૌતમના તટ પર ત્રંબકેશ્વર નામે, અગિયારમા જ્યોતિર્લિંગ તરીકે હિમાલય ખાતે કેદારેશ્વર અને બારમા જ્યોતિર્લિંગ તરીકે ઘૃષ્ણેશ્વર નામે પ્રગટ થઈશ. જે માનવ આ જ્યોર્તિલિંગની પૂજા-અર્ચના કરશે તેના પાપોનો નાશ થશે અને ધન, યશ અને મનોવાંછિત ફળ મેળવશે.
(ક્રમશ:)
આપણ વાંચો : શિવ રહસ્ય: બંનેએ પોતાનો અહમ ઓગાળી સમાજ કલ્યાણ માટે કાર્ય કરવાના છે