અલખનો ઓટલોઃ શરદ પૂનમની રાતડી… | મુંબઈ સમાચાર
ધર્મતેજ

અલખનો ઓટલોઃ શરદ પૂનમની રાતડી…

ડૉ. નિરંજન રાજ્યગુરુ

ઊગતા શરદ પૂનમ ચંદ, વ્રજમાં મળી વ્રંદ વ્રંદ,
કિરણ કિરણ ઝીલી ઘૂમંત ગગન ગોફ ગૂંથે
ગહેરા ગજવી દિગન્ત મધુરી મુરલી બજન્ત,
રસભ2 નટવર રમન્ત જગ વિભૂતિ જૂથે
અરસ પરસ હસી ફસાવી, વળી વળી નયન ન નચાવી,
ઢોળી દગ રસ ભિંજાવી છબી અનૂપ છાજે
વિલસે રસના વિલાસ, રાધાવર રમત રાસ,
ઊછળે આનંદ હાસ પ્રભુતા ગાજે… જીય ઉછળે… (કવિ ન્હાનાલાલ)

દિપાવલીનો તહેવાર આવે છે શરદૠતુમાં. ને શરદૠતુ એટલે ૠતુઓનો રાજા. વર્ષાૠતુની સમાપ્તિ થઈ હોય, ધરતી લીલવરણી બની હોય, આકાશ સ્વચ્છ થયું હોય, ચોતરફ હરિયાળીમાં બિલોરી કાચ જેવા નિર્મળ પાણી ભરેલા તળાવ-સરોવરો હિલોળા લેતા હોય, ખેડુતો પોતાના પાકેલા અનાજના ખળા તૈયાર કરતાં હોય.

આપણા કૃષિ પ્રધાન દેશમાં ધરતીના છોરું હરખાતા હોય એવે ટાણે દિવાળીનો ઉત્સવ નવા વસ્ત્રો, અવનવી મીઠાઈઓ, મકાનોને રંગરોગાન અને સર્વત્ર આનંદમય વાતાવરણનો અનુભવ કરાવે છે. કસુંબલ સાડી પહેરીને લોકનારીઓ પોતાના આંગણામાં સાથિયા પૂરતી હોય, રંગોળીની રંગબેરંગી ભાત ઉપસાવતી હોય, ટોડલે તોરણ બાંધ્યા હોય ને ગોખલે દીવા મૂક્યા હોય. દિવાળીના દિવસે આપણે ત્યાં વેપારીઓ ચોપડાપૂજન કરે છે એટલે સામાન્ય લોકસમુદાયમાં દિવાળીના દિવસને લક્ષ્મીપૂજનનો દિવસ કહે છે.

મૂળમાં આ દિવસ મા શારદા-સરસ્વતી-વિદ્યાની પૂજાનો દિવસ છે. ધનતેરસના દિવસે લક્ષ્મીનું શુદ્ધિકરણ થાય, કાળી ચૌદશના દિવસે અશુભ તત્ત્વોનો વિનાશ થાય ને પછી જ શુદ્ધ-પરિશુદ્ધ-વિશુદ્ધ થયેલા અંત:કરણમાં અને મનુષ્યના ગૃહમાં મા શારદાનો પ્રવેશ થાય. જે શુભ્ર ધવલ ઉજ્જવળ વસ્ત્રો ધારણ કરે છે, હાથમાં સુંદર દંડવાળી વીણા બજાવે છે, શ્વેત કમળની પાંખડીઓ ઉપર બિરાજમાન પદમાસન ધારી વિદ્યાની અધિષ્ઠાત્રિને વાણીની દેવી શારદા-સરસ્વતી રૂપે આપણા સમગ્ર જીવતરને જ્ઞાન રૂપી દીવડાથી અજવાળે છે.

આપણા મર્મી કવિશ્રી સ્વ. મકરન્દભાઈ દવે એ ‘સૂર્યની આમંત્રણ પત્રિકા’ પુસ્તકમાં દિવાળીના તહેવારને પાંચ સોપાન તરીકે ઓળખાવ્યો છે. ‘પશુત્વમાંથી મનુષ્યે બહાર આવી જે પાંચ સિદ્ધિઓ હાંસલ કરી છે તેમાં ધનતેરસ એ લક્ષ્મી ઉપાસના કે વિનિમયનો મનુષ્યના પરસ્પર શાંત સ્નેહ વ્યવહારનો ઉત્સવ છે, તો કાળીચૌદશ પિતૃઓના સ્મરણ અને ૠણમુક્તિનો ઉત્સવ છે. ઉજાળતું પર્વ છે, નૂતનવર્ષ એ પ્રભુ ચરણે નૈવૈદ્ય ધરાવવાનો અને પ્રસાદ પ્રાપ્તિનો તથા ભાઈબીજ એ સ્ત્રી-પુરૂષમાં ભાઈ-બહેનના પવિત્ર સ્નેહને ઉજાગર કરનારો ઉત્સવ છે.

જ્યોત અને આનંદના આ પાંચ સોપાનમાં ડેલીએ દીવો થાય ત્યારે અંદર અને બહાર, આંતર અને બાહ્ય ઉજાસ પથરાય. મનુષ્ય શરીરની ડેલી છે મુખ અને આ મુખ-મોઢામાં દીવો પ્રગટે ત્યારે વાણી અને વિચારનો વિચ્છેદ મટી જાય.’આમ દિપાવલી પર્વ તો છે અંત2માં અજવાસ કરવાનું અજ્ઞાન અંધારા દૂર કરવાનું ને દિલમાં દીવો પેટાવી શુદ્ધ-સાત્ત્વિક વાણીના ઉદ્ગાતા મા શારદાની ઉપાસનાનું પર્વ. દિવાળી પછીના દિવસે જે સૂર્યોદય થાય એ નવા વર્ષની વધામણી આપતો હોય.

નૂતનવર્ષનો શુભ પ્રારંભ ‘સબ2સ’ની ખરીદીથી થાય. આજથી વિક્રમનું નવું વર્ષ શરૂ થાય. ‘નૂતનવર્ષાભિનંદન’, ‘સાલ મુબારક’, ‘હેપ્પી ન્યુ યર’ના શબ્દોથી લોકો પોતાના સ્નેહીજનોને આવતું વર્ષ સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ ને સમતાથી પસાર થાય એવી શુભેચ્છાઓ પાઠવે. વડીલો, ગુરુજનો, સ્નેહી સન્મિત્રોને વંદના કરવા લોકોનાં ટોળાં રંગબેરંગી વસ્ત્રો તથા અલંકારોથી સજ્જ થઈ નીકળી પડયાં હોય.

બેસતું વર્ષ ‘બલિ પ્રતિપદા’ના નામથી પણ જાણીતું છે, વામન ભગવાને બલિરાજાને આજના દિવસે પાતાળનું રાજ્ય સોંપી રાજ્યાભિષેક કરેલો, તો ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ગોવર્ધનપૂજા અને અન્ન- કૂટનો ઉત્સવ આરંભાયો. ખેડૂતોને ત્યાં નવું અનાજ, નવા દાણા, નવું કઠોળ, નવાં શાકભાજીના ઢગવા શરૂ થયા હોય એમાંથી સર્વપ્રથમ બધું ભગવાનને અર્પણ કરીને પ્રસાદ રૂપે પ્રાપ્ત કરવા. ભગવાનની કૃપા મેળવ્યા પછી જ પોતે મોઢામાં નાખે એવી અતૂટ ભક્તિ-શ્રદ્ધા આ અન્નકૂટના ઉત્સવ પાછળની ભાવના હોય.

આ પણ વાંચો…અલખનો ઓટલો : શિવ મહિમા- શ્રાવણે શિવ પૂજન…

ભારતના તમામ પ્રાંતોમાં અને વિશ્વમાં જયાં જયાં ભારતીયો વસે છે ત્યાં ત્યાં વિધવિધ રીતે દિવાળીનો તહેવાર ઉજવાય છે. દિપાવલીના આ પર્વ વિશે જુદા જુદા ધર્મ પંથ સંપ્રદાયોમાં અને જુદા જુદા પ્રાંતોમાં અનેક પ્રકારની ધાર્મિક-સાંસ્કૃતિક કથાઓ સંકળાયેલી જોવા મળે છે. આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોના અઢારે પૂરાણ ગ્રંથોમાં દિવાળીના દિવસે સાથે સંકળાયેલા અનેક ધાર્મિક પ્રસંગોની કથાઓ વિભિન્ન સ્વરૂપે આલેખાઈ છે.

ઈન્ના કોપ સામે વ્રજભૂમિના ગોપબાળકો અને ગાયોને ઉગારવા શ્રીકૃષ્ણે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને ધારણ ર્ક્યો, પ્રલયનાં પૂર ખાળ્યાં ને સમૂહશક્તિનો વિજય દર્શાવ્યો તેની યાદ આપતું આ પર્વ એટલે ‘કાર્તિક શુકલ પ્રતિપદા’… તો એ પછીનો દિવસ તે ‘ભાઈબીજ’ ‘યમદ્વિતીય’. આ દિવસે બહેનને ત્યાં ભાઈ જમવા જાય ને બહેનના આશીર્વાદ માગે.

યમરાજા અને તેમનાં બહેન યમી (યમુના)ના પવિત્ર સ્નેહ- સંબંધની કથા વર્ણવતો આ પ્રસંગ જેમાં યમુના પોતાના ભાઈ બહેનને ત્યાં ભોજન કરે અને રાજી કરે તથા યમુનાસ્નાન કરે તેના કુટુંબમાં કદી બાળમરણ કે અપમુત્યુ ન થાય. વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ માટે તો અન્નકૂટ, ગોવર્ધન પરિક્રમા અને યમુનાસ્નાન એ ત્રણ અતિ મહત્ત્વના ઉત્સવો છે. આમ દિપાવલી પર્વ તો છે અંતરમાં અજવાસ કરવાનું અજ્ઞાન અંધારા દૂર કરવાનું ને દિલમાં દીવો પેટાવી શુદ્ધ-સાત્ત્વિક વાણીના ઉદ્ગાતા મા શારદાની ઉપાસનાનું પર્વ.

દિલમાં દીવો કરો રે તમે, દિલમાં દીવો કરે ;
કૂડા કામ ક્રોધને પરહરો રે, તમે દિલમાં દીવો કરે…
દયા દીવેલ પ્રેમ-પરણાયું લાવો, માંહી સુરતાની દીવેટ બનાવો
હાં રે એમાં બ્રહ્મ અગ્નિને ચેતાવો રે, તમે દિલમાં દીવો કરો…
સાચ દિલનો દીવો જ્યારે થાશે, ત્યારે અંધારૂં મટી જાશે
પછી બ્રહ્મલોક્તો ઓળખાશે રે, તમે દિલમાં દીવો કરો…
દીવો અનભે પ્રગટે એવો, ટાળે તનનાં તિમિર તેવો
હાં રે એને નયણે નીરખી લેવો રે, તમે દિલમાં દીવો કરો…
દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કુંચી ને ઘડયું તાળું
થિયું ભોમંડળ અંજવાળું રે, તમે દિલમાં દીવો કરો…

આ પણ વાંચો…અલખનો ઓટલો : ભારતીય સંસ્કૃતિમાં નાગપૂજન

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button