ધર્મતેજ

ગીતા મહિમાઃ કુશળ કર્મનું બંધન

સારંગપ્રીત

ગત અંકમાં નિશ્ચિત મતનો મર્મ સમજાવીને હવે ભગવાન કૃષ્ણ કુશળતાના બંધનથી દૂર રહેવાની ચાવી આપે છે, તે સમજીએ.

ભગવદ્ગીતા માનવજીવન માટે શાશ્વત દિશાસૂચક ગ્રંથ છે. એમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન ત્રણેય માર્ગોની સમન્વિત અને સર્વોચ્ચ વ્યાખ્યા આપવામાં આવી છે. આ ત્રણેયનો સમન્વય યોગમાં કરીને ગીતા તેને જ મુખ્ય વિષય બનાવે છે. ગીતાના મર્મ અનુસાર, દરેક જીવ કર્મ કર્યા વિના રહી શકતો નથી. કર્મ કરવું જ પડે એ માનવીનો સ્વભાવ છે. પરંતુ એ કર્મ કરતી વખતે બંધન થવું કે મુક્તિ પ્રાપ્ત થવી એ કર્મના સ્વરૂપ અને વ્યક્તિના દૃષ્ટિકોણ પર આધારિત છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે નિષ્કામભાવથી, કુશળતા પૂર્વક અને નિયત કર્મ માનવને બંધનમાંથી છુટકારો અપાવે છે. કર્મ કરવું જ પડે, પરંતુ કર્મની વૃત્તિ જો અહંકારથી, સ્વાર્થથી કે ફળલોભથી કરવામાં આવે તો એ કર્મ સંસારના બંધનોમાં વધુને વધુ ફસાવે છે. પરંતુ એ જ કર્મ, જો સમતાભાવથી, નિરાહંકારત્વથી અને ભગવાનને સમર્પિત કરવાથી તો એ બંધનરૂપ ન રહી મુક્તિકારક બની જાય છે.

ગીતા કહે છે યોગ: કર્મસુ કૌશલમ્‌‍ એટલે કે કર્મમાં કુશળતા જ યોગ છે. અહીં કુશળતાનો અર્થ માત્ર હસ્તકૌશલ્ય કે બાહ્ય નિપુણતા નથી, પરંતુ કર્મ પાછળની અંતરદૃષ્ટિ, જ્ઞાન, પ્રભુ સમર્પણ અને સમતાભાવ છે. કુશળ કર્મ એટલે એવું કર્મ કે જે મનુષ્યના અંતર આત્માને શાંતિ આપે, સમાજમાં સુખ ફેલાવે અને પોતાની ફરજનું નિષ્ઠાપૂર્વક પાલન કરે. પણ જો આ કુશળતા લૌકિક પ્રાપ્તિ અને પદ્ધતિ સુધી સીમિત હશે તો અહંકાર અને બંધનનું કારણ બનશે.

માનવ પાસે જ્યારે કોઈ વિશેષ કુશળતા, પ્રતિભા કે ક્ષમતા હોય છે જેવી કે ભાષણ કરવાની, લખવાની, વ્યવહાર કરવાની, સંગીત વગાડવાની કે કોઈ કાર્ય ઝડપથી પૂરું કરવાની ત્યારે એને એ કુશળતાથી સંતોષ અને ગર્વ થવો સ્વાભાવિક છે. સમાજ પણ કુશળ વ્યક્તિને વખાણે છે, તેના કાર્યની પ્રશંસા કરે છે, અને એથી વ્યક્તિને આંતરિક આનંદ થાય છે. આ કુશળતાનું માન માણસ માટે આત્મવિશ્વાસ, પ્રેરણા અને લૌકિક પ્રગતિનું સાધન બની જાય છે.

પરંતુ ગીતા આપણને ચેતવણી આપે છે કે કુશળતા `અહંકાર’માં ફેરવાય નહીં તેનું ધ્યાન રાખવું પડે. પોતાની કુશળતા જો પ્રભુ કૃપા અને સમાજના કલ્યાણ માટે માની લેવાય, તો એ વિનમ્રતા તરફ દોરી જાય છે, પરંતુ પોતાની કુશળતાનું અતિશય અભિમાન વ્યક્તિને અન્યને નાની નજરે જોવાની વૃત્તિ તરફ લઈ જાય છે, જે અધોગતિનું કારણ બને છે.

ઉદાહરણ તરીકે, એક શિક્ષક પોતાની સુંદર શિક્ષણ પદ્ધતિને કારણે વખાણ મેળવે છે. જો તે માનને પ્રેરણા બનાવીને વધુ સાં ભણાવે, તો એ શુભ છે. પરંતુ જો એ જ ભાવના તેને અહંકારી બનાવી દે કે મારા જેવો શિક્ષક બીજો નથી, તો એ કુશળતાનું માન બંધનરૂપ બની જાય છે.

પણ સાચી બુદ્ધિ એ છે કે આ પ્રશંસા કે પ્રોત્સાહન સેવા, સમર્પણ અને આત્મવિકાસ માટે વાપરવું. જ્યારે કુશળતા વિનમ્રતા સાથે જોડાય છે, ત્યારે એ વ્યક્તિને ઊંચો બનાવે છે, પરંતુ જ્યારે અહંકાર સાથે જોડાય છે, ત્યારે એ જ કુશળતા અધોગતિનું દ્વાર ખોલી દે છે.

કુશળ કર્મ કરતી વખતે અહંકાર અને બંધન ન થાય તે ગીતાની ચેતવણી છે. કુશળ કર્મ કરવું સારી બાબત છે પણ તેમાં ફળની આસક્તિ માણસને બાંધે છે. અપેક્ષાઓ, ઇચ્છાઓ અને સ્વાર્થ એ બધા કુશળ કર્મને બંધનરૂપ બનાવે છે. પરંતુ જ્યારે કુશળ કર્મને સાધના માનીને, ભગવાનને અર્પણરૂપે કરવામાં આવે ત્યારે તે કર્મ બાંધતું નથી.

આમ દરેક કર્મમાં સમતાભાવ. સુખ-દુ:ખ, સફળતા-અસફળતા, લાભ-હાનિ, જીત-હાર એ બધાને સમાન માનવી એ કુશળ કર્મયોગીની ઓળખ છે. ગીતા કહે છે કે `સિદ્ધ્યસિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે.’ કુશળ કર્મ એ છે કે જે દરેક પરિસ્થિતિમાં અડગ રહે, ભગવાનને આશરે રહીને પોતાના કર્તવ્યનું સત્યનિષ્ઠા પૂર્વક પાલન કરે.

મહંત સ્વામી મહારાજ સમજાવે છે કે આ પ્રકારનું કુશળ કર્મ બાંધતું નથી, પરંતુ મુક્તિ આપે છે. સ્વાર્થ અને આસક્તિવાળું કર્મ બંધનરૂપ છે, જ્યારે નિષ્કામ, સમર્પણપૂર્વક અને કુશળતા સાથે કરેલું કર્મ આત્મનિષ્ઠા અને પરમાત્માની ભક્તિ તરફ લઇ જાય છે. વૈરાગ્યની અને ધર્મની ખુમારી પ્રગટાવે છે.

જો આ રીતે સમજીએ તો કુશળ કર્મ માનવને બાંધતું નથી. એ કર્મ સ્વાર્થને નહીં, પરંતુ સર્વહિતને પોષે છે. એ કર્મ વ્યક્તિને સંસારની ગાંઠોમાં નહીં, પરંતુ પ્રભુના માર્ગ પર લઈ જાય છે.

આ પણ વાંચો…ગીતા મહિમાઃ નિશ્ચિત મત

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button