આચમનઃ ઈશ્વરનો અવતાર: સંત જલારામ

અનવર વલિયાણી
ગામમાંથી પસાર થઈ રહેલી સાધુમંડળીને સીધાસામાનની જરૂર છે, પરંતુ દાણાવાળાને ચૂકવવાના પૈસા ગાંઠમાં નથી.
કોઈએ મજાકમાં કહ્યું કે, ફલાણાની દુકાને જાઓ, ત્યાં બધું મફત મળશે.’ સાધુસંતો પેલી દુકાને ગયા. સૌમ્ય ચહેરાવાળો એક યુવાન ત્યાં બેઠો હતો. તેણે સંતોને દાળચોખા, મરીમસાલો, ઘીગોળ અને કાપડના તાકા સુધ્ધાં-આપી દીધાં. એટલું જ નહીં, જાતે માલસમાન ઉપાડીને સંતોના ઉતારે મૂકી આવ્યો.
પડોશની દુકાનમાં બેઠેલા અદેખા વેપારીને ચીડ ચડી. પેલા યુવાનના બાપને જઈને ચાડી ખાધી. રોજબરોજની આવી ફરિયાદથી નારાજ થયેલા બાપા દુકાને આવ્યા અને યુવાન દીકરા પાસે માલસામાનનો હિસાબ માગ્યો. દુકાનમાંથી એક પૈસાની વસ્તુ પણ ઓછી નહોતી થઈ એ જોઈને પેલા અદેખા વેપારીની તો બોલતી બંધ થઈ ગઈ.
બાપાએ એની સામે કરડી નજર કરી, ‘કાં ખોટી ફરિયાદ કરવા દોડી આવો છો?’ વાત ત્યાં પૂરી થઈ ગઈ, પરંતુ યુવાનને એ ગમ્યું નહીં. એને થયું કે મારે ખાતર ભગવાનને નાનાં નાનાં કામ કરવા પડે છે. તેણે કશું કહ્યા વિના સંસાર છોડી દીધો. પાછળથી એ સંત જલારામ તરીકે પંકાઈ ગયા.
આ પણ વાંચો: આચમન : દસે દિશાઓમાં પ્રભુનો વાસ…
-‘મુંબઈ સમાચાર’ની ‘ધર્મતેજ’ પૂર્તિના વ્હાલા શ્રદ્ધાળુ વાચક મિત્રો!
વિદિત હશે કે રાજકોટથી જૂનાગઢ જતાં રસ્તામાં વીરપુર નામનું ગામ આવે છે. આમ તો આ નાનકડું ગામ છે. આજે તો આ ગામમાં ઘણો વિકાસ થયો છે અને અહીં આવેલા શ્રી જલારામ મંદિરને કારણે વિશ્ર્વભરમાં જાણીતું છે,
18મી સદીની આ વાત છે, જ્યારે હજુ આજના જેવો હળહળતો કળિયુગ નહોતો. તેમાંય સૌરાષ્ટ્રમાં તો ગામડે ગામડે સંત-સતીઓ થતાં હતાં. ત્યાં એક પરિવારમાં જલારામનો જન્મ થયો. બાળવયથી જલારામનું મન સંસાર વ્યવહારમાં લાગે નહીં.
વેપાર કરવાની મજા ન આવે, દુકાને બેઠા હોય અને કોઈ ગરીબ ઠંડીમાં ધ્રૂજતો ત્યાંથી નીકળે તો દુકાનમાં પડેલો ગરમ ધાબળો એને ઓઢાડે છે. કોઈને ભૂખ્યો જુએ તો એને જમાડી દે. સાધુ-સંતો કે યાત્રાળુઓ માટે પૂરી સગવડ કરી આપે. ધીમે ધીમે તેમની શાખ ગામેગામ પ્રસરી ગઈ.
રામનું નામ લેવું, દીન-દુખ્યાની સેવા કરવી અને ભક્તિમાં મસ્ત રહેવું એ તેમનો નિત્યક્રમ.
માબાપે લગ્ન કરાવી આપ્યાં અને જુદા કરી નાખ્યાં. પરંતુ કુદરત તો આ અવતારી પુરુષ પાસે સત્કાર્યો કરાવવા માગતી હશે એટલે પત્ની વીરબાઈ પણ ભક્તિના પંથે ચાલનારી મળી. પતિ-પત્ની બંને મળીને સેવા કરવા લાગ્યાં.
પાણીની નાનકડી પરબથી અને નાનકડા અન્નક્ષેત્રથી શરૂઆત કરી. ધીમે ધીમે સેવાકાર્ય વધતું ચાલ્યું. કોણ જાણે ક્યાંથી, અનાજ ભરેલાં ગાડાં આવી જતાં, ઘી-તેલનાં પીપ ભરેલા રહેતાં.
આ પણ વાંચો: આચમન : માનવતાનો સ્તંભ: સમભાવ
એકવાર અન્નક્ષેત્રમાં કશું નહોતું અને યાત્રાળુઓની મોટી મંડળી આવી ચડી. જલારામ બજારમાં માલ લેવા ગયા. વેપારીની દાનત ખોરી ટોપરા જેવી હતી. એણે જલારામને કહ્યું કે, ‘અગાઉના લેણાં ચૂકવી જાઓ તો માલ આપું.’ ગામની બધી દુકાનો ફરી આવ્યા, ક્યાંથી માલ મળ્યો નહીં.
હતાશ થઈને ઘેર આવ્યા ત્યારે જોયું તો યાત્રાળુઓ સુખેથી જમી કરીને આરામ કરતા હતા.
પત્ની વીરબાઈને પૂછ્યું તો કહે, ‘કેમ ભૂલી ગયા! તમે જાતે તો ફલાણા વેપારીને ત્યાંથી સામાન લાવેલા.’
‘તમે જાતે પીરસીને આ બધાને હોંશેહોંશે જમાડ્યા.’ જલારામ સમજી ગયા કે તેમની ગેરહાજરીમાં ખુદ ભગવાન આવીને સેવા કરી ગયા.
તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં …વ્હાલા વાચક બિરાદરો! સંત જલારામ બાપાના ચમત્કારો વિશે ઘણું બધું લખાયું છે, તેમાંનાં કેટલાંક ઉદાહરણરૂપે આવતા અંકમાં જાણીશું.