વિશેષઃ જાણવું ને ઓળખવું વચ્ચે જે ભેદ છે તે જ્ઞાન છે

રાજેશ યાજ્ઞિક
સામાન્ય રીતે જ્ઞાન બે પ્રકારના હોય છે. શાબ્દિક જ્ઞાન અને અનુભવજન્ય જ્ઞાન. આ જ્ઞાન મેળવવા આપણે આંખો, કાન, નાક, જીભ, ત્વચા એ પાંચ જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરીએ છીએ. પણ શું તેનાથી પ્રાપ્ત જ્ઞાન એ જ જ્ઞાન છે? માત્ર ધર્મ જ નહીં, વિજ્ઞાન પણ કહે છે કે આપણે જેટલું જાણીએ છીએ તે બધું જ અંતિમ નથી!
જ્ઞાનની આપણી વ્યાખ્યા શું? શાળાએ જઈને અક્ષરજ્ઞાન મેળવ્યું એટલે જ્ઞાન. તેમાં ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, જીવશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર બધું આવી ગયું. તે સિવાય અનુભવજન્ય જ્ઞાનમાં આંખના આધારે આપણે અજવાળું અને અંધારું ઓળખીએ છીએ, નક્ષત્રો, તારાઓ અને બ્રહ્માંડની દુનિયા જોઈ શકીએ છીએ, આકૃતિઓ દ્વારા પ્રાણીઓની ઓળખાણ મેળવીએ છીએ. પણ જેને આંખ ન હોય તે? તેનું જ્ઞાન અલગ હોય છે. તે ગંધ, સ્પર્શ અને શ્રવણથી દુનિયાને ઓળખે છે. તેનો અર્થ એ થયો કે આપણે જેને ઓળખીએ છીએ, કે જાણીએ છીએ તે અંતિમ જ્ઞાન નથી. જાણવું અને ઓળખવું વચ્ચે જે ભેદ છે, તે જ જ્ઞાન છે.
પણ ધર્મની વ્યાખ્યા શું? ધર્મ તો કહે છે કે આ જ્ઞાન એ જ્ઞાન નથી. એ તો માત્ર ભૌતિક જગતની ઓળખાણ છે. એક રીતે જોઈએ તો જ્ઞાન તો બધાને જ હોય છે. જગતમાં અજ્ઞાની કોઈ નથી હોતું. પણ સાચું જ્ઞાન છે કે નહીં? તે મહત્ત્વનું છે. બાળક માટે જે કાચનો ટુકડો છે, તે કોઈ ઝવેરી માટે બહુમૂલ્ય રત્ન હોય છે.
કૂવાના દેડકા માટે કૂવો જ સમગ્ર જગત છે, પણ તે બહાર નીકળે તો તેનાથી પણ અનેકગણી વિશાળ દુનિયાનું અસ્તિત્વ છે. પૃથ્વીની બહારનું જગત આપણે જોયું નથી. ટેલિસ્કોપથી દેખાય છે તેટલું જ આપણું બ્રહ્માંડનું જ્ઞાન છે. પણ ધર્મ કહે છે, આ ઓળખાણને આધાર બનાવીને જ્યાં સુધી `હું કોણ છું?’ તેનો જવાબ ન મેળવીએ ત્યાં સુધી સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યું ન કહેવાય.
જૈન દર્શનમાં રત્નત્રયી તરીકે ઓળખાતા જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં સહુથી પહેલા જ્ઞાન છે. આ જ્ઞાન એટલે સમ્યકજ્ઞાન. સમ્યકજ્ઞાન એટલે શું? વસ્તુને તે જેવી છે, તેવી જાણવી. ન તેને તેનાથી અધિક કે ન તેનાથી ઓછી. છ આંધળા અને એક હાથીનું ઉદાહરણ બહુ પ્રચલિત છે.
આંધળાઓ હાથીના અલગ-અલગ અંગને સ્પર્શ કરે છે. પૂંછડીને સ્પર્શ કરનારને લાગે છે સાપ છે, પગને સ્પર્શ કરનારને લાગે છે થાંભલો છે, પેટને સ્પર્શ કરનારને લાગે છે દીવાલ છે, વગેરે. પણ તેમાંથી કોઈનું જ્ઞાન સાચું નથી! તેમ છતાં બધાને લાગે છે કે પોતે જ સાચો છે. અને તેમાંથી બધા વચ્ચે ઝઘડો ઊભો થાય છે.
વિશ્વમાં પણ ધર્મની બાબતમાં આ જ હકીકત નથી શું? મારો ધર્મ જે પ્રરૂપે છે, તે જ સાચું, બીજા કહે છે તે ખોટું. જગતભરના વિવાદો, વેરઝેર, યુદ્ધોનું મૂળ આ વાતમાં રહેલું છે. જ્યારે સત્ય તો એક જ છે. પણ તેમને જોવાનો દ્રષ્ટિકોણ અલગઅલગ છે. કારણકે આપણા સહુનું જ્ઞાન અધૂરું છે.
આપણે બીજાને ખોટા કહીએ ત્યારે આપણને ખોટા કહેનારા પણ હોય જ છે. શું આપણે એમ કહી શકીએ તેમ છીએ કે આપણે જે જાણીએ છીએ તે જ સત્ય છે? પૃથ્વી ગોળ છે તેમ કહેનારને જીવતો સળગાવી દેનાર લોકોનું જ્ઞાન સાચા અને ખોટા જ્ઞાનનું ઉત્તમ ઉદાહરણ છે. તેથી જ તો અખાએ કહ્યું છે,
`અખા એ જ અંધારો કૂવો, ઝઘડો ભાંગી કોઈ ન મૂઓ’!
ટ્રેનમાં લાંબી યાત્રા કરીએ ત્યારે અનેક સ્ટેશન આવે. વચ્ચેના કોઈ સ્ટેશનને આપણે અંતિમ માનીને ઊતરી જઈએ તો મંઝિલ સુધી પહોંચી શકાય ખરૂ? ધર્મની બાબતમાં પણ આ જ સત્ય છે. આપણે મંઝિલે પહોંચ્યા નથી, અધવચ્ચે છીએ અને બીજાને પણ આ જ મંઝિલ છે કહીને ખેંચી રહ્યા છીએ. ભાઈ, પહેલા તું તો તારો રસ્તો પૂરો કર!
મજાની વાત એ છે કે જેઓ મંઝિલે પહોંચી ગયા છે, તે ક્યારેય વાદવિવાદમાં પડતા નથી. એ માત્ર રાહ ચીંધવાનું કામ કરે છે. કૃષ્ણએ જેમ અર્જુનને કહ્યું તેમ, `યથેચ્છસિ તથા કુ’ કહીને વ્યક્તિના વિવેક પર છોડી દે છે. બધી પળોજણ અધૂરા ઘડાની જ છે. જેમ અધૂરો ઘડો છલકાય ઘણો અને ખાલી ચણો વાગે ઘણો, તેવું અધૂરા જ્ઞાનનું પણ છે.
અધૂરા જ્ઞાન વાળો વ્યક્તિ મિથ્યાદ્રષ્ટિ બની જાય છે, તેમ જૈન દર્શન કહે છે. શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે, કે નાસ્તિક (મિથ્યા) દ્રષ્ટિકોણથી જેમની બુદ્ધિ નષ્ટ થઇ ગઈ છે, તેમનો જન્મ આ જગતનો નાશ કરવા માટે થયો છે. તેઓ અજ્ઞાનના લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને, અપવિત્ર આચરણ કરીને આ સંસારમાં રહે છે. અર્થાત કે, તેઓ સંસારમાંથી મુક્ત થતાં નથી.


