ગીતા મહિમાઃ ‘સત્’થી યુક્ત યાગ, દાન ને તપ

- સારંગપ્રીત
ગત અંકોમાં યાગ, દાન અને તપની સમજૂતી આપીને ભગવાન કૃષ્ણ હવે આ ત્રણેય મૂલ્યોને ‘સત્’ના આધારે સમજાવીને અધ્યાય 17 પૂર્ણ કરે છે.
ભારતીય સંસ્કૃતિના ત્રણ પ્રાચીન મૂલ્યનિષ્ઠ તત્ત્વો જેવા કે યાગ, દાન અને તપ મનુષ્યના આત્મિક અને સામાજિક ઉત્થાન માટે મહત્ત્વનાં સાધનો તરીકે સ્થાન પામ્યાં છે. ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્ગીતામાં આ ત્રણે તત્વોને ‘સત્’ રૂપે વ્યાખ્યાયિત કર્યાં છે. ‘સત્’નો પ્રારંભિક અર્થ થાય છે- સચ્ચાઈ, શુદ્ધતા, પ્રામાણિકતા અને નિ:સ્વાર્થતા. આ ગુણો જો યાગ, દાન અને તપમાં ઉમેરાય તો આ બધાં માત્ર ધાર્મિક કર્મો નથી રહેતા, પણ તે જીવાત્માને પરમાત્માની નજીક લાવવા માટે સેતુરૂપ બની જાય છે.
આજના આધુનિક યુગમાં જ્યાં લોભ, અહંકાર અને સ્વાર્થ વધી રહ્યા છે, ત્યાં સત્યનું પાલન, યજ્ઞની ભાવના, દાનની ઉદારતા અને તપની સાધના આપણને સંતુલિત જીવન જીવવામાં મદદ કરે છે. સત્ય એ ફક્ત સાચું બોલવું જ નથી, પણ તે એક જીવનશૈલી છે. રોજબરોજના જીવનમાં જ્યારે આપણે સાચું આચરણ કરીએ છીએ, ત્યારે આપણી વિશ્વસનીયતા વધે છે.
યજ્ઞવિધિમાં જો ‘સત્’ની ભાવના ન હોય તો તે ફક્ત લૌકિક અને ભૌતિક કૃત્ય જ બની રહેશે. યાગનો અર્થ છે- પોતાનું શ્રેષ્ઠતમ અર્પણ કરવા માટેની તૈયારી. ભગવદ્ગીતા કહે છે કે સાત્ત્વિક યાગ એ છે જે નિયમિત રીતે, શ્રદ્ધાથી અને ફળની ઇચ્છા વિના કરવામાં આવે છે. તે કર્મયોગનો અવિભાજ્ય ભાગ છે. રાજસિક યાગ એ છે જે પુષ્કળ વિધિવિધાન અને બતાવવા માટે થાય છે, તો તામસિક યાગ એ નિયમ વિરુદ્ધ કે અધર્મના માર્ગે કરવામાં આવે છે.
યજુર્વેદમાં કહેવાયું છે કે યજ્ઞ જ સર્વશ્રેષ્ઠ કર્મ છે. આમ તો આ સમગ્ર સૃષ્ટિ યજ્ઞમય છે, જે સમર્પણનાં આધારે જ ક્રિયાન્વિત થાય છે. સૂર્ય ઊર્જા અર્પે, વૃક્ષો પ્રાણવાયુ આપે, નદીઓ જળદાન કરે. આપણું જીવન પણ ત્યારે જ સફળ બને છે જ્યારે આપણે લેવા કરતાં આપવાનું વધુ શીખીએ. પ્રાચીન કાળમાં યજ્ઞો દ્વારા જ્ઞાનનો પ્રસાર થતો હતો. આજે શિક્ષકો દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા માટે ચલાવાતાં નિ:શુલ્ક વિદ્યાકેન્દ્ર વિદ્યાયજ્ઞના જ અનુષ્ઠાનો છે. યજ્ઞની આ શાસ્ત્રીય ભાવના આજે પણ આપણને શીખવે છે કે સાચી સિદ્ધિ સ્વાર્થમાં નહીં, પરમાર્થમાં જ નિહિત છે. એ જ યજ્ઞનું ‘સત્’ છે.
યજ્ઞની સાથે જ ભારતીય સંસ્કૃતિમાં દાનને પણ ધર્મનું સાર્થક સ્વરૂપ માનવામાં આવે છે. પ્રાચીન કાળથી આજ સુધી, દાનની પરંપરા આપણી સંસ્કૃતિમાં સજીવ રહી છે. મહાભારતના દાનવીર કર્ણથી લઈને રતન ટાટા સુધી, દાનની ગાથાઓ સમાજને પ્રેરણા આપે છે. દાન એ ફક્ત ધન વહેંચવાની ક્રિયા નથી, પણ તે એક સંપૂર્ણ જીવનદર્શન છે જે મનુષ્યને સ્વાર્થથી ઉપર ઉઠાડે છે. ગીતામાં દર્શાવ્યા પ્રમાણે, શ્રેષ્ઠ દાન એ છે જે યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિને, વિનામૂલ્યે અને અહંકાર વિનાના ભાવથી આપવામાં આવે છે.
કોરોનાના સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ સંકટમાં હતું, ત્યારે દેશભરની સેવાભાવી સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોએ જે રીતે અન્નક્ષેત્રો અને મદદ કેન્દ્રો દ્વારા અન્નદાન, ઓક્સિજન સિલિન્ડરની વહેંચણી, રક્તદાન શિબિરો દ્વારા જીવનદાન અને મફત દવાઓનું વિતરણ કર્યું, તે ગીતામાં વર્ણવેલ સત્ય સાથેના દાનના સિદ્ધાંતોનું જ આધુનિક સ્વરૂપ હતું.
વળી, તૃતીય વિભાગ છે તપ ! તપ એટલે ઈન્દ્રિયોને નિયંત્રિત કરીને આત્માની શુદ્ધિ તરફ પ્રયાણ કરવું. ગીતા ત્રણ તપ વિષયક માર્ગદર્શન આપે છે. કાયિક (શરીરથી કરાતું તપ), વાચિક (વાણીનો સંયમ) અને માનસ (મનનો સંયમ). કાયિક તપમાં બ્રહ્મચર્ય, સ્વચ્છતા અને ગુરુસેવા આવરી લેવામાં આવે છે. વાચિક તપમાં સત્ય, મૌન અને નમ્ર ભાષાનો ઉપયોગ થાય છે. માનસ તપ એ છે મનમાં ઈર્ષ્યા, ગુસ્સો, લોભ વગેરેમાંથી મુક્તિ અને શાંતિ તરફ પ્રયાણ.
આજે પણ ઘણાં ભક્તો સાદું અને સંયમ સાથેનું જીવન જીવે છે. આમ, આ તપસ્વીઓ તપમાં ‘સત્’નું અનુસંધાન રાખે છે.
અંતે મહંતસ્વામી મહારાજ સમજાવે છે કે “સત્”નો ઉત્કૃષ્ટ અને તાત્ત્વિક અર્થ પરબ્રહ્મ અને અક્ષરબ્રહ્મ પરક છે. હા, ‘સત્’ની આ તાત્ત્વિક વિભાવનામાં યાગ, દાન અને તપ જેવાં સાધનોને અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મની પ્રસન્નતા માટે કરવામાં આવે છે. પરિણામે આ તમામ સાધનો આત્યંતિક મુક્તિ અપાવે છે. અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મના સંબંધે યાગાદિક સર્વે ક્રિયાઓ નિર્ગુણ બની જાય છે.
આમ, ‘સત્’ના અનુસંધાન સાથે યાગ, દાન અને તપ આચરીને મુમુક્ષુ સમગ્ર સમાજ માટે પ્રકાશદાયી બની શકે છે.
આપણ વાંચો: ર્ભજનનો પ્રસાદઃ વેલનાથની વ્યક્તિમત્તાને આલેખતું ચરિત્રાત્મક ભજન



