ધર્મતેજ

આચમનઃ હિન્દના મહાન સંત રામકૃષ્ણ પરમહંસ

અનવર વલિયાણી

‘હૃદયની સચ્ચાઈથી આંસુ સારે એને જ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. જે જ્ઞાન મનને ચોખ્ખું કરે છે એ જ જ્ઞાન છે. બાકી તો અજ્ઞાન છે.’ આ શુભાષિત ભારતના યશસ્વી સંત રામકૃષ્ણ પરમહંસના છે. રામકૃષ્ણ પરમહંસનો જન્મ 1836માં બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો.

સંત તોતાપુરી પાસે એમણે સંન્યાસની દીક્ષા લઈ વેદપુરાણોનો અભ્યાસ કર્યો હતો. સ્વામી વિવેકાનંદ તેમના પ્રિય શિષ્ય હતા. તેઓ પૂજારી હતા અને મહાકાળી માતાના ભક્ત હતા. પૂજારી રામકૃષ્ણ પરમહંસને લોકો ઠાકુર કહીને પણ બોલાવતા.

રામકૃષ્ણ પરમહંસનું બાળપણનું નામ ગદાધર હતું. સૌ તેમને ગદાઈ કહી બોલાવતા હતા. તેમના પિતાનું નામ ખુદીરામ તથા માતાનું નામ ચંદ્રામણિદેવી હતું. ગદાઈના પરિવારમાં સૌને શાસ્ત્ર, કર્મકાંડ ને જ્યોતિષનું જ્ઞાન હતું, પણ ગદાઈને આ શિક્ષણમાં રસ ન પડ્યો. તેમના ભાઈ રામકુમાર એમને કલકત્તા લઈ ગયા ત્યારે એમની વય 17 વર્ષની હતી.

આપણ વાચો: આચમન: એકલી પ્રાર્થના ફળે ખરી? દાન કર્યાનો આનંદ અનેરો…!

રામકૃષ્ણ પરમહંસે નિશાળના ગણિતના બદલે પ્રકૃતિના પ્રેમાળ મનુષ્યોના સંગે આત્મપાન પ્રાપ્ત કર્યું. ગામના કુંભારો, શિલ્પીઓને ત્યાં જઈ એમનું કામ જોતા. એમાંથી જ તેમને કલા સર્જનની પ્રેરણા મળી. નૈસર્ગિક સૌંદર્ય જોઈને દિવ્ય અનુભૂતિ થતી, વેણુ વગાડતા શ્રીકૃષ્ણની ભૂમિકા હોય કે વ્યાકુળ રાધાની, કિશોર વયે તેઓ પૂરી તન્મયતાથી એ ભજવતા.

તેઓ એક ધર્મને બીજા ધર્મ વચ્ચે ભેદ ન કરતા. તેમણે જગતના બધા ધર્મોની સાધના કરી હતી. 1886ની 16મી ઓગસ્ટના રોજ તેમનો સ્વર્ગવાસ થયો. રામકૃષ્ણ પરમહંસના જીવનકાળમાં કલકત્તાને પૂર્વ ભારતનું નવું શિક્ષણ મળવા લાગ્યું. તેમને મન જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય ઈશ્વર પ્રાપ્તિ જ હતું.

તેઓ કહેતા કે, બધાં ધર્મના નામે લડે છે પણ વિચારતા નથી કે જે કૃષ્ણ કહેવાય છે એ જ શિવ છે. ઈશ્વરને અલ્લાહ પણ તે જ છે. એક રામના હજાર નામ. સરોવરના એક ઘાટ પર હિંદુ ઘડો ભરે, બીજા પર મુસ્લિમ મશક ભરે. એક જેને જળ કહે, બીજો તેને પાની, ત્રીજા ઘાટ પર ક્રિશ્ચિયન ‘વોટર’ કહે છે.

આપણ વાચો: આચમનઃ શિવલિંગ અનેક વિશેષ એનર્જીનો ભંડાર!

તેઓ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા. એક દિવસ નરેન્દ્રે (સ્વામી વિવેકાનંદ)એ તેમને પૂછ્યું, ‘આપે ઈશ્વરને જોયા છે?’ ઠાકુરે તરત કહ્યું, ‘હા, તને જોઉં છું તેવી જ રીતે હું ઈશ્વરને પણ જોઈ શકું છું. દોરામાં જો ગાંઠ પડી ગઈ હોય તો તે સોયનાં નાકમાં આવતો નથી અને તેનાથી સીવી શકાતું નથી.

મનમાં પણ જો સંકીર્ણતાની ગાંઠ પડી જાય તો તે ઈશ્વર સાથે જોડી શકાતું નથી અને જીવન લક્ષ્ય પણ મેળવી શકાતું નથી અને જીવન લક્ષ્ય પણ મેળવી શકાતું નથી.’

તેઓ નરેન્દ્રને કહેતાં, ‘ચુંબક અને પથ્થર પાણીમાં પડ્યાં રહે તો પણ તેનો લોખંડ પકડવાનો અને ઘસવાથી આગ ઉત્પન્ન થવાનો ગુણ નષ્ટ થતો નથી. વિષમ પરિસ્થિતિઓ છતાંય સજ્જન પોતાનો આદર્શવાદ છોડતો નથી. તેમ જ ઝેર સાપના પગમાં નહીં, મોંમા હોય છે.’
જીવનના માર્ગમાં ડગલે ને પગલે વાટના પથ્થર જેવા, બોધ આપનારા સંત રામકૃષ્ણ પરમહંસના ઉપદેશો પર ચાલી બંને લોકને પાવન બનાવીએ…

પ્રેરણાસ્ત્રોત:

  • સવારે બીજાને આપેલું દુ:ખ સાંજે પોતાને જ પાછું મળે છે.
  • અગ્નિ બીજાને બાળે છે, જ્યારે ક્રોધ પોતાને જ બાળે છે.
  • જ્યારે સ્નેહ તૂટે ત્યારે વેરનાં બીજ ઊગવાં શરૂ થઈ જાય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button