રાધા એટલે રાધા…

- ચિંતન -હેમુ ભીખુ
ભાગવતનું એક પરમ શુદ્ધ અને પ્રેમાળ વ્યક્તિત્વ એટલે રાધા. રાધા એટલે રાધા. અહીં કોઈ સમકક્ષ નથી, અહીં કોઈ સરખામણી નથી, અહીં કોઈ ‘આગળ’ નથી. ઈશ્વર અર્થાત શ્રી કૃષ્ણ પ્રત્યેના પ્રેમની અંતિમ સમજ એટલે રાધા. શ્રી કૃષ્ણ પ્રત્યેના સર્વ-સાત્ત્વિક સમર્પણની સ્થિતિ એટલે રાધા. શ્રી કૃષ્ણને મધુરતાથી ભક્તિ-બંધન કે પ્રેમ-બંધનમાં જકડી શકવાની સંભાવના એટલે રાધા. એમ માનવામાં આવે છે કે સર્વ સમર્થ, સર્વશક્તિમાન, સર્વજ્ઞ શ્રી કૃષ્ણની નબળાઈ એટલે રાધા. પણ વાસ્તવિકતા એ છે કે શ્રી કૃષ્ણની શક્તિ એટલે રાધા. રાધા એટલે રાધા.
કોઈ અપેક્ષા નહીં, માત્ર સમર્પણ. કોઈ માગણી નહીં, માત્ર અર્પણ. કોઈ ક્રિયાકાંડ નહીં, માત્ર તર્પણ. કોઈ અનુભવ નહીં માત્ર અંતરનો આવેગ. કોઈ સુયોજિત વિચાર નહીં, માત્ર લાગણીઓનો પ્ર-વેગ. કોઈ માર્ગદર્શન નહીં, માત્ર ઉછળતો સુ-વેગ. કોઈપણ પ્રકારની જાણકારી વગરનાં, ગણતરી વગરનાં, આયોજન વગરનાં પ્રેમનું પ્રતીક એટલે રાધા. કોઈ ગુરુ નહીં, માત્ર અંતરનો આદેશ. કોઈ વ્યવહાર નહીં, માત્ર પ્રેમ. કોઈ બાંયધરી નહીં, માત્ર વિશ્વાસ. કોઈ વિધિવિધાન નહીં, માત્ર શ્રદ્ધા. કોઈ અધિકાર નહીં, માત્ર સેવા. કોઈ શાસ્ત્ર નહીં, માત્ર પવિત્રતાનું અનુસરણ. કોઈ દેખાડો નહીં, માત્ર નિર્મળતા. કોઈ આચરણ નહીં, માત્ર પવિત્રતા. કોઈ શણગાર નહીં, માત્ર શુદ્ધિ. કોઈ વચન-અપેક્ષા નહીં, માત્ર પ્રતીક્ષા. કોઈ વર્ચસ્વ-ભાવ નહીં, માત્ર લઘુતા. કોઈ સહવાસ નહીં, માત્ર અંતરનું જોડાણ. કોઈ દ્રશ્ય નહીં, માત્ર દ્રષ્ટિ. કોઈ ધ્વનિ નહીં, માત્ર બ્રહ્મનાદ. કશું જ સાકાર નહીં, માત્ર નિરાકાર. કશું જ મર્યાદિત નહીં, બધું જ અપાર. કશું જ સમયને આધીન નહીં, બધું જ શાશ્વત. રાધાનો પ્રેમ શાશ્વત, રાધા શાશ્વત. રાધાનો પ્રેમ અપાર, રાધા અપાર. રાધાનો પ્રેમ શ્રી કૃષ્ણ, રાધા સ્વયં શ્રી કૃષ્ણ.
નહીં અહીં કે નહીં ત્યાં, સર્વત્ર. નહીં વ્યવહાર કે નહીં વિનિમય, માત્ર વાસ્તવિકતા. નહીં દિવસનો પ્રભાવ કે નહીં રાત્રીની મર્યાદા, માત્ર નિત્યતા. નહીં ભૂત કે નહીં ભવિષ્ય, માત્ર વર્તમાન. નહીં બંધન કે નહીં સ્વતંત્રતા, માત્ર સાક્ષીભાવ. રાધાનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો ભાવ એટલે નીતરતો શુદ્ધ પ્રેમ, અંતરનો પવિત્ર ઉમળકો, નિર્મળ સાત્ત્વિક ઉજાસ, અકલ્પનીય પૂર્ણ-મધુરતા, અનંત અને નિત્યનો પ્રકાશ, અંતરની સાક્ષી, ભાવનાનો પવિત્રતમ ઉમળકો; જે છે ભૂલોકની અદ્વિતીય ઘટના.
શ્રી કૃષ્ણની વાંસળીમાં રાધાનો વાસ હોય તેમ જણાય છે. આ વાંસળીમાંથી વહેતું મધમીઠું સંગીત એટલે રાધાની મધુરતા, તે સમયે સમગ્રતામાં અનુભવાતી શાંતિ એટલે રાધાના અસ્તિત્વનો પ્રભાવ, યમુનાના જળમાં ક્ષણિક સ્થપાતી સ્તબ્ધતા એટલે રાધા પ્રત્યેની મંત્રમુગ્ધતા, વાંસળીનાં સંગીતને અત્ર તત્ર સર્વત્ર પ્રસારતા પવનમાં સ્થાપિત થતી શીતળતા એટલે રાધાના મનના ભાવનું પ્રતિબિંબ, સમગ્ર પ્રકૃતિમાં છવાઈ જતી સુમધુરતા એટલે રાધાના સુ-નયનોની અસર, ચારે તરફથી વાંસળીનાં સંગીત તરફ વૃંદાવનની વનરાજીનો ઝુકાવ એટલે રાધાની હાજરી પ્રત્યેનું આકર્ષણ અને તે બધાં સાથે દેવતાઓનું ત્યાં હાજર થવું એટલે રાધા પ્રત્યેનો તેમનો એક પ્રકારનો આદર પણ ખરો અને અંદરખાનેથી ઈર્ષા પણ ખરી. રાધા છે એટલે વાંસળી છે. રાધા છે એટલે વાંસળીનું સંગીત છે. રાધા છે એટલે તે સંગીતમાં મધુરતા છે. રાધા છે એટલે તે મધુરતાની પ્રતીતિ શક્ય બને છે. આ પ્રતીતિ શક્ય બનતાં જ બધું જ રાધામય, સંગીતમય, વાંસળીમય, શ્રી કૃષ્ણમય બની જાય.
ગીતામાં શ્રી કૃષ્ણ સ્વયં કહે છે કે, ચાર પ્રકારનાં ભક્ત મને ભજે છે. આર્ત અર્થાત જે દુ:ખી છે, અર્થાર્થી અર્થાત જેને અર્થની અપેક્ષા છે, જિજ્ઞાસુ અર્થાત જેને સત્ય જાણવાની ઉત્કંઠા છે અને જ્ઞાની અર્થાત જે સત્યને પામી ચૂકેલ છે. કદાચ, રાધાની ગણના આ ચારમાં ન થઈ શકે. રાધા દુ:ખી તો હતી જ નહીં, શ્રી કૃષ્ણ પાસેથી કોઈપણ પ્રકારનો અર્થ પામવાની તેની અપેક્ષા પણ ન હતી, જિજ્ઞાસાને કારણે પણ શ્રી કૃષ્ણ પ્રત્યેનો તેનો ભાવ ન હતો. બની શકે કે તે કદાચ જ્ઞાની હોય, પરંતુ તેનાં તે જન્મનો પૌરાણિક ઇતિહાસ આમ જણાવતો નથી. અર્થાત રાધા એ પ્રકારની ભક્ત છે કે જેની ગણના સામાન્ય પરિસ્થિતિમાં, સામાન્ય વર્ગીકરણમાં ન થઈ શકે. આની પાછળ કારણ માત્ર એટલું હોઈ શકે કે રાધા દુનિયાના સમીકરણમાં બંધ બેસે તેવી વ્યક્તિ પણ ન હતી, તે પ્રમાણેનો તેનો ભાવ પણ ન હતો અને તેનું અને શ્રીકૃષ્ણ વચ્ચેનું સમીકરણ પણ લૌકિક નહીં પરંતુ અલૌકિક સ્તરનું હતું. એમ જણાય છે કે આ કોઈ બીજા જ લોકની ઘટના હોય.
અહીં પવિત્રતા છે, શુદ્ધતા છે, સાત્ત્વિકતા છે, નિર્મળતા છે, ઉચ્ચતા છે, પ્રકાશ છે, મધુરતા છે, સમર્પણ છે, કરુણા છે, સમજણ છે, વિશ્વાસ છે, શ્રદ્ધા છે, ઈશ્વરીય વૃત્તિ છે, દૈવી કૃપા છે, અપેક્ષા-વિહીનતા છે, અડગતા છે, સંપૂર્ણતા છે, શાશ્વતતા છે,
અનંતતા છે, આત્મીયતા છે, સર્વવ્યાપકતા છે, સુંદરતા છે, વાસ્તવિકતા છે, શ્રેષ્ઠતા છે, કલ્યાણ છે, યોગ છે, શાંતિ છે, પરમ આનંદ છે, ભક્તિ છે, જ્ઞાન છે – વિશ્વનો પ્રત્યેક દૈવી ભાવ છે. સ્વાર્થની વાત તો યોજનો દૂર રહી, અહીં કોઈપણ પ્રકારના ફળની અપેક્ષા પણ નથી, સૃષ્ટિના સમીકરણ સાથે સંવાદિતતા છે, વર્તમાનના સંદર્ભમાં સહયોગી અને સહભાગી થવાનો ભાવ છે, પરસ્પરનો આધાર પણ છે અને આધારિત પણ છે. વિશ્વનું અલૌકિક સાધન પણ છે અને સાધ્ય પણ છે, અહીં રાધા સ્વયં શ્રી કૃષ્ણ પણ છે અને શ્રી કૃષ્ણ સ્વયં રાધા પણ છે. એટલે જ કહેવું પડે કે રાધા એટલે રાધા.
આપણ વાંચો: ધર્મનું મૂલ્યાંકન કરવાની આપણી પાત્રતા કેટલી?