ધર્મતેજ

રાધાનું પાત્ર કૃષ્ણકથામાં ક્યારે વણાઈ ગયું?

શ્યામ સમીપેઃ જ્યોત્સના તન્ના

(ગતાંકથી ચાલુ)
સૌથી પ્રાચીન ગણાતા ગ્રંથ મહાભારતમાં તો શ્રીકૃષ્ણ અને ગોપીઓનો પણ સાથ નથી. સભાપર્વમાં વસ્ત્રહરણ પ્રસંગે દ્રૌપદી શ્રીકૃષ્ણને સહાય માટે પ્રાર્થના કરે છે તેમાં એક વાર `ગોપીજનપ્રિય’ એમ ઉલ્લેખ થયો છે. મહાભારતની અનેક જૂની હસ્તપ્રતો એકઠી કરી અનેક ખ્યાતનામ વિદ્વાનોએ ખૂબ ઊંડું સંશોધન કરી મહાભારતની એક પ્રમાણિત કહી શકાય તેવી આવૃત્તિ તૈયારી કરી છે. તે ભાંડારકર ઑરિયેન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ પૂનાથી પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેમાં આ પ્રાર્થનાનો ભાગ પાછળથી ઉમેરાયેલો ગણી કાઢી નાખવામાં આવ્યો છે. છતાં અહીં શ્રીકૃષ્ણના ગોકુળ-વ્રજ-મથુરાના અન્ય પ્રસંગોના ઉલ્લેખ છે.

તો રાધાનું પાત્ર કૃષ્ણકથામાં ક્યારે વણાઈ ગયું? 12મી સદીમાં કવિરાજ જયદેવના ગીતગોવિંદ’ માં તો રાધા અને માધવના પ્રેમ અને શૃંગારનું સંપૂર્ણ વર્ણન છે અને આ યુગલનો ત્યારે તો પૂર્ણપણે સ્વીકાર થઈ ચૂક્યો હતો.લગભગ તે જ અરસામાં રચાયેલા લીલાશુક બિલ્વમંગળનાકૃષ્ણકર્ણામૃત’ અને શ્રીધરદાસ દ્વારા સંકલિત સદુક્તિકૃષ્ણામૃત’માં રાધાકૃષ્ણની પ્રેમલીલાના અનેક ઉલ્લેખ મળે છે. 10મી સદીમાં રચાયેલા પુષ્પદંતનાજૈનઉત્તરપુરાણ’માં પણ ગોપાલ કૃષ્ણ અને ગોપીઓ સાથેની લીલાની વાત મળે છે.

હેમચંદ્રાચાર્યે પોતાના વ્યાકરણના ગ્રંથમાં બારમી સદીની આસપાસ આવાં શૃંગારિક કાવ્યો પ્રચલિત હતાં તેનાં ઉદાહરણ આપ્યાં છે. 9મી સદીમાં આનંદવર્ધનના ધ્વન્યાલોક’ પુસ્તકમાં રાધા અને કાલિંદીકિનારે લતામંડપોમાં કરવામાં આવેલી કેલિનું વર્ણન છે. 8મી સદીમાં ભટ્ટનારાયણના નાટકવેણીસંહાર’માં શરૂઆતની નાન્દીમાં રાધિકાને મનાવતા કંસના શત્રુ કૃષ્ણનો ઉલ્લેખ છે. એટલે આ સમય સુધીમાં રાધાકૃષ્ણની કથાઓ લોકપ્રિય થઈ ચૂકી હતી.

સામાન્ય રીતે એમ માની શકાય કે હાલ’ નામના કવિની પ્રાકૃત રચનાગાહા રાત સઈ’ એટલે ગાથાસપ્તશતી’માં વ્રજલીલા અને રાધાના પહેલા ગણી શકાય તેવા ઉલ્લેખ મળે છે. રાધિકાનું નામ પ્રાકૃત પ્રમાણેરાહીઆ’ છે. એમ માનવામાં આવે છે કે હાલ' એટલે સંસ્કૃત નામશાલિવાહન’ પ્રતિષ્ઠાપુરમાં ઈ.સ.ની પહેલી સદીમાં રાજ્ય કરતો હતો. ગાથાની ભાષામાં સ્વરૂપ અને રાજનૈતિક વગેરે અન્ય બાબતોના ઉલ્લેખથી એમ માની શકાય છે કે આ મૂળ કૃતિમાં પાછળથી ઘણા સમય સુધી ઘણા ઉમેરા થયે રાખ્યા છે.

અહીં પ્રાકૃત ભાષાના કવિઓની મૂળ રચનાઓ છે. જેનો શાલિવાહન-શાતવાહન-હાલ રાજાએ ચૂંટીને કરેલ સંગ્રહ છે. પણ પછી થયેલા અનેકાનેક ઉમેરાનો રચનાકાળ કહેવો તો અસંભવ છે અને આવું તો સંસ્કૃત સાહિત્યમાં બનતું જ આવ્યું છે. તે સમયના શૃંગારિક વાતાવરણની અસર રાધાકૃષ્ણની કથાઓમાં પણ વર્તાય છે. પ્રાકૃત ભાષા એ તો એ વખતના જનસમુદાયની ભાષા એટલે જનમાનસે રાધાના પાત્રને અપનાવી તેનો વિકાસ કર્યે રાખ્યો અને ધીરે ધીરે કૃષ્ણકથામાં રાધાના પાત્રનું મહત્ત્વ સ્વીકારાઈ ગયું. અહીં બધે રાધાનું માનવીય રૂપ છે.

એક બીજી પણ પરંપરા હતી, રાધાના દૈવી વૈકુંઠવાસી રૂપની.આ વાત અનેક ગ્રંથોમાં આલેખાઈ છે. એ બધા બહુ પાછળથી રચાયેલા ગ્રંથો છે, જેનો રચનાકાળ તારવવો અસંભવ છે. રાધોપનિષદ, અથર્વવેદીય રાધિકાતાપનીય ઉપનિષદ, ગોપાલોત્તરતપિની ઉપનિષદ, બૃહદ્ ગૌતમીય તંત્ર, ઉજવલનીમણિ, સંમોહન તંત્ર, સામરહસ્ય ઉપનિષદ, ગર્ગસંહિતા, દેવીભાગવત અને બ્રહ્મવૈવર્ત, નારદ, પદ્મ, સ્કંદ જેવાં પુરાણો વગેરે અનેક પ્રાચીન પુસ્તકોમાં રાધાના દૈવી રૂપની પરંપરા મળે છે.

બધે તે કથા જુદી જુદી રીતે આલેખાઈ છે. ક્યાંય એકરૂપતા નથી. અહીં સર્વત્ર રાધાનું દૈવી મહત્ત્વ, તેની પૂજા-અર્ચના અને તેના વિશિષ્ટ સ્થાનની વિશેષ રૂપથી ચર્ચા થઈ છે. રાધોપનિષદ પ્રમાણે રાધા અને રસસાગર કૃષ્ણ એક જ છે. પણ ક્રીડા કરવા બે રૂપ ધારણ કર્યાં છે. સામરહસ્ય ઉપનિષદ પ્રમાણે એક અનાદિ પુરુષ હતો, તેણે બે રૂપ ધારણ કર્યાં અને સમારાધન પાત્ર તે રાધા.

હવે સૃષ્ટિના સર્જન માટેની આપણી થોડી પ્રાચીન પરંપરાઓ જોઈએ. બૃહદારણ્યક ઉપનિષદ્માં કથા છે કે `તે’ એકાકી હતો, રમણ કરવા દ્વિતીયની ઈચ્છા થઈ, એટલે પોતાથી જોડીની રચના કરી. વૈષ્ણવ પરંપરાના સૌથી પ્રાચીન ગણાતા પુરાણ હરિવશમાં વૈશંપાયને જનમેજયને સમજાવ્યું કે પ્રજાપતિ બ્રહ્માએ પોતાના દેહના બે ભાગ કર્યા, એક પુરુષ, એક સ્ત્રી. કૂર્મપુરાણ, મત્સ્યપુરાણ, શિવપુરાણ અને અગ્નિપુરાણમાં જરાતરા ફેરફાર સાથે આ જ વાત મળે છે.

બ્રહ્મવૈતર્વપુરાણ પ્રમાણે (1) બ્રહ્માના મુખમાંથી દિવ્ય રૂપવાળો, શ્રીમાન અને સુંદર કુમાર ઉત્પન્ન થયો, સાથે એક સ્ત્રી પણ. (2) આત્મા યોગના સામર્થ્યથી બે રૂપવાળો થયો, જમણું અર્ધાંગ પુરુષ ડાબું અર્ધાંગ પ્રકૃતિ. વાયુપુરાણ અને માર્કન્ડેયપુરાણ પ્રમાણે બ્રહ્માના ક્રોધથી સૂર્ય જેવો તેજસ્વી અને સાક્ષાત્‌‍ અગ્નિ જેવો પુરુષ ઉત્પન્ન થયો.

જેનો દેહ અડધો પુરુષ અને અડધો સ્ત્રી જેવો હતો. તે વખતે બ્રહ્માએ તેને આ બે રૂપ જુદાં કરવાની આજ્ઞા આપી તો આ દેહ જુદો થઈ પુરુષ અને એની સ્ત્રી થયા. થોડો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે સ્ત્રીપુરુષના સર્જનની આપણી પ્રાચીન પરંપરા થોડું રૂપ બદલી વૈષ્ણવ પરંપરામાં પરિવર્તિત થઈ કૃષ્ણ અને રાધારૂપે આવી. શ્રીકૃષ્ણે સ્વેચ્છામય રહી. સૃષ્ટિ રચવાની ઈચ્છા કરી ત્યારે તેમની ઈચ્છાથી ઈશ્વરી મૂળ પ્રકૃતિ પ્રગટ થઈ તે રાધા. સહુનો આધાર.

`શ્યામ સમીપ’ પુસ્તકમાંથી સાભાર.
પ્રકાશક: એન.એમ. ઠક્કરની કંપની.
(ક્રમશ:)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button