સફળતા માટે સાધનોની શુદ્ધિ

ગીતા મહિમાઃ સારંગપ્રીત
ગત અંકમાં સફળતા માટે કર્તા'ના મહત્ત્વ વિષે જાણ્યું હવેકરણ’ એટલે સાધનોની આવશ્યકતા અને શુદ્ધિ પર ભગવાન કૃષ્ણ ભાર મૂકી રહ્યા છે, તે સમજીએ…
એક યુવાન શિલ્પકાર હતો, તેની પ્રતિભા જોઈને લોકો આશ્ચર્યચકિત થતા. તે પત્થરમાંથી એવા સુંદર શિલ્પો બનાવતો કે જાણે તેમાં પ્રાણ પૂર્યા હોય. તેની પાસે એક શક્તિશાળી હથોડી હતી. આ હથોડીથી તે ઓછા સમયમાં વધુ કામ કરી શકતો હતો, પણ તેના પર રહેલી અશુદ્ધિને કારણે, તેના શિલ્પોમાં એક સૂક્ષ્મ ખામી રહી જતી હતી.
એક દિવસ તે શિલ્પકાર એક મહાન શિલ્પ ગુરુ પાસે ગયો અને પોતાના શિલ્પો બતાવ્યા. ગુરુએ ધ્યાનથી શિલ્પો જોયા અને કહ્યું, `બેટા! તારી કળા અદ્ભુત છે, પણ તારા શિલ્પોમાં એક સૂક્ષ્મ ખામી છે, જે તેની સંપૂર્ણતાને નષ્ટ કરે છે. તારા સાધનો શુદ્ધ નથી.’ ગુરુએ તેને સાધનોની શુદ્ધિનું મહત્ત્વ સમજાવ્યું અને એક નવી હથોડી આપી. યુવાને ધીરજ રાખીને, નવી અણીશુદ્ધ હથોડીથી કામ કરવાનું શરૂ કર્યું. હવે તેને વધુ સમય લાગતો હતો, પણ તેના શિલ્પો સંપૂર્ણ બનવા લાગ્યા. ધીરે ધીરે તે સમજી ગયો કે સાચી સફળતા ફક્ત પરિશ્રમમાં કે પરિણામમાં જ નથી, પરંતુ તે પરિણામ સુધી પહોંચવાના માર્ગની પવિત્રતામાં પણ રહેલી છે.
આ વાત આપણને ગહન સત્ય શીખવે છે કે કોઈ પણ ક્ષેત્રમાં સાચી અને કાયમી સફળતા મેળવવા માટે માત્ર લક્ષ્ય-ધ્યેય જ નહિ, પણ તે લક્ષ્ય સુધી પહોંચવાના સાધનો (માર્ગ) પણ સારાં, પવિત્ર અને શુદ્ધ હોવા જોઈએ. ભારતીય પરંપરા અને ધર્મગ્રંથોમાં આસિદ્ધાંતને ઊંડાણપૂર્વક સમજાવાયો છે. મહાભારતના યુદ્ધમાં, દુર્યોધન પાસે વિશાળ સેના અને સંપત્તિ હોવા છતાં છળ-કપટ અને અધર્મ પર આધારિત તેની રણનીતિ અંતે તેના વિનાશનું કારણ બની.
બીજી બાજુ, પાંડવોની સેના ઓછી હોવા છતાં, સત્ય અને ધર્મના માર્ગે ચાલવાની તેમની પ્રતિબદ્ધતાએ જ તેમને અંતિમ વિજય અપાવ્યો. ભગવદ્ ગીતા પણ કહે છે કે અસત્યના માર્ગે ચાલીને ક્યારેય સાચી સફળતા પ્રાપ્ત થતી નથી. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કર્તવ્ય અને કર્મનો માર્ગ સમજાવે છે. તેઓ ભારપૂર્વક કહે છે કે કર્મ કરવું અનિવાર્ય છે, પણ તે કર્મ કયા ભાવથી કરવામાં આવે છે તે ખૂબ મહત્ત્વનું છે.
જો નિષ્કામ કર્મ એટલે કે જે કર્મ ફળની આસક્તિ વગર કરવામાં આવે તો એ એક પ્રકારની સાધનની શુદ્ધિ જ છે. જે કર્મ માત્ર સ્વાર્થ માટે કે ફળની લાલચથી કરવામાં આવે, તો તે બંધનનું કારણ બને છે. જ્યારે આપણું મન ઈર્ષા, અહંકાર, ક્રોધ અને લોભ જેવી નકારાત્મક વૃત્તિઓથી અશુદ્ધ હોય છે, ત્યારે આપણે ભલેને કોઈ પણ સફળતા માટે સાધનો જમા કર્યા હોય, પણ અંતિમ પરિણામ ઇચ્છિત નહીં જ આવે.
આમ જો આપણે ધ્યેય પ્રાપ્ત કરવા માટે અનૈતિક કે અશુદ્ધ માર્ગ અપનાવીશું, તો ભલે ટૂંકા ગાળાની સફળતા મળે, પણ તે કાયમી અને સન્માનજનક નહીં હોય. પરંતુ જો તે કર્મ કર્તવ્ય ભાવથી, પ્રામાણિકતાથી અને નિ:સ્વાર્થ ભાવે કરવામાં આવે, તો તે મુક્તિ અને સાચી સફળતા તરફ દોરી જાય છે. આમ, સાધનની શુદ્ધિ અંતિમ વિજય માટે અનિવાર્ય છે. આપણા પૂર્વજો આને સાધ્ય' (લક્ષ્ય) અનેસાધન’ (માધ્યમ) બંનેની પવિત્રતા તરીકે જોતા.
આ મનની શુદ્ધિ જ સાધન-શુદ્ધિનો મૂળભૂત આધાર છે. આ જ રીતે ભગવાન સ્વામિનારાયણે પણ ભક્તોને પાંચ મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરી નૈતિક અને આધ્યાત્મિક જીવન જીવવાની પ્રેરણા આપી હતી. વ્યસનમુક્ત જીવન, શાકાહાર, ચોરી ન કરવી, અનૈતિક સંબંધથી દૂર રહેવું અને મન, શરીર અને આત્માની શુદ્ધતા જાળવવી. આ સિદ્ધાંતો તમામ પ્રયત્નોમાં શુદ્ધ સાધનોનો પાયો બને છે.
પ્રમુખસ્વામી મહારાજે પણ આ જ સિદ્ધાંતને તેમના જીવનનો મંત્ર બનાવ્યો હતો. તેઓ કહેતા હતા કે,`સાધનશુદ્ધિ વગર સફળતા મળતી નથી.’ તેમનું માનવું હતું કે ખોટા માર્ગથી મેળવેલી સફળતાનો કોઈ અર્થ નથી, કારણ કે તે આત્માને કલુષિત કરે છે અને સમાજને પણ નુકસાન પહોંચાડે છે.
ટાટા જેવા કોર્પોરેટ ઘરાનાઓએ દર્શાવ્યું છે કે નૈતિકતા પર ચાલીને પણ લાંબા ગાળાની સફળતા મેળવી શકાય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના 20-વર્ષના અભ્યાસે પણ આ જ તથ્યને પુષ્ટિ આપી છે. અભ્યાસમાં જણાયું કે જે MBA સ્નાતકોએ તેમની કારકિર્દીમાં નૈતિક સિદ્ધાંતોનું સમાધાન ન કરતાં, શુદ્ધ સાધનોનું અનુસરણ કર્યું, તેઓએ લાંબા ગાળે વધુ સંતોષ, આર્થિક સફળતા અને નેતૃત્વના ઉચ્ચ પદો પ્રાપ્ત કર્યા.
આજના ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં, ઘણી વાર લોકો સફળતા માટે શોર્ટકટ અપનાવે છે. અપ્રામાણિકતા, છેતરપિંડી, ભ્રષ્ટાચાર અને અનૈતિક માર્ગોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ પ્રકારની સફળતા ક્ષણિક હોય છે. લાંબા ગાળે, તેના ખરાબ પરિણામો ભોગવવા પડે છે. આમ, સાધનની શુદ્ધિ એ સફળતાનો સાચો પાયો છે. તે માત્ર અંતિમ પરિણામને જ નહીં, પરંતુ વ્યક્તિના ચારિત્ર્યને પણ ઉજાગર કરે છે.
ભગવદ્ ગીતાનો નિષ્કામ કર્મનો સિદ્ધાંત, ભગવાન સ્વામિનારાયણનો સાધના માર્ગ આ બધા એક જ વાત તરફ ઇશારો કરે છે કે ધ્યેય ભલે મહાન હોય, પણ તેને પ્રાપ્ત કરવાનો માર્ગ પણ શુદ્ધ હોવો જોઈએ. કારણ કે, સાચી સફળતા એ છે જે મુક્તિ અને આત્મસંતોષ સાથે પ્રાપ્ત થાય.
આ પણ વાંચો… ગીતા મહિમાઃ સફળતાના કર્તા



