ભજનનો પ્રસાદ : ભક્ત નરસિંહનાં પદોમાં અમર્યાદ શૃંગાર નિરૂપણ છે…

- ડૉ. બળવંત જાની
॥ કૃષ્ણભક્તિની અને સહજાનંદપ્રીતિની કવિતા ॥
લગભગ મોટેભાગે સ્વામિનારાયણીય સંપ્રદાયની કૃષ્ણભક્તિ કવિતામાં નંદસંતકવિઓએ શ્રીહરિને જ કૃષ્ણ રૂપે કલ્પીને પદરચનાનું સર્જન કર્યું છે. પણ પ્રેમસખી પ્રેમાનંદે કૃષ્ણભક્તિભાવથી કૃષ્ણ ભક્તિના ઘણાં સ્વતંત્ર પદો રચ્યાં જણાયા છે. મુનશીથી માંડીએ હરિપ્રસાદ ઠક્કર સુધીના અભ્યાસીઓ દ્વારા એ પ્રકારની રચનાઓનો અલગથી અભ્યાસ પણ થયો છે. મેં પ્રેમસખીનાં પદોનો ઊંડાણથી અભ્યાસ કરતી વેળાએ સ્વામિનારાયણ સંતકવિ પ્રેમસખી કઈ રીતે કૃષ્ણભક્તિગાનમાં નરસિંહ, મીરા અને દયારામથી અલગ પડીને સ્વામિનારાયણ સંપ્રદાયના વૈરાગ્ય, સરળ અને એકાંતિક ભાવનાને જાળવીને કૃષ્ણલીલાગાન – વૃંદાવનીય પ્રેમભાવને આલેખે છે તેની તપાસ કેન્દ્રમાં રાખેલી.
પ્રેમસખીની કૃષ્ણભક્તિનું ગોત્ર મીરા સાથે છે. નરસિંહ કે દયારામની કૃષ્ણભક્તિગાન પરંપરા સાથે નથી. કેટલાક અભ્યાસીઓનું મંતવ્ય છે કે નરસિંહના પદોમાં અમર્યાદ શૃંગાર નિરૂપણ છે એ પુરુષ છે એટલે અને મીરામાં નથી કારણ કે એ ી છે. કેટલાક અભ્યાસોનું કહેવું છે કે નરસિંહની પદકવિતામાં કૃષ્ણનો આત્મસાક્ષાત્કાર થયા પછીનાં ઉલ્લાસ-આનંદનો ઉદ્દેક છે અને મીરા તો સતત કૃષ્ણને પામવાનો તલસાટ અનુભવીને કૃષ્ણભક્તિમાં લીન રહી છે. એટલે પ્રભુપ્રાપ્તિની ઝંખનામાં સરળ નર્યો મર્યાદાભાવ હોય એ સ્વાભાવિક છે.
તેમ છતાં મીરાં માફક ગોપીભાવ-પ્રેમરસ-પ્રિયતમભાવ નહીં પણ પ્રેમસખી ભાવથી તેઓ સાક્ષાત પ્રેમરૂપ પરમકૃપાળુના પ્રીતિપાત્ર બનીને પણ સંપ્રદાયની સીમામાં બદ્ધ રહીને કૃષ્ણભક્તિનાં પદો રચ્યાં તેમાં મધ્યકાલીન પદ પરંપરાનું શૃંગારભાવને આલેખવાનું એમનું અનોખું રૂપ દૃષ્ટિગોચર થતું જણાયું છે.
આ માટે એમની વિપુલ પદરાશિમાંથી થોડાં દૃષ્ટાંતો અવલોકીએ:
‘સખી મને પ્રીત બાંધણી કોડિલા કાનમાં રે..
‘આજ સખી શામળિયો વાલો, સુપનામાં મુને મળિયા રે’…
‘શામળિયે સ્વપ્નામાં મારા મનનું ગમતું કીધું રે,
અલબેલે, આલિંગન ચુંબન, પ્રેમ કરીને લીધું રે’.
‘મોંઘા મૂલોરે, બેની મોહન કેમ મેલાયે,
પ્રેમાનંદ કે’રે એ સારું જે થાતા થાયે…’
‘વ્હાલા રુદિયાકમળમાં ઘાલી રે, બાંધુ પ્રેમ દોરીએ જાલી રે.
‘આવો મરમાળા મોહન, મંદિર મોરે માણો રે,
અમે અબળા હરિદાસ તમારા, અમથી ભ્રાંત મા આણો રે..’
‘મન મારું મળવા અકળાયે, બીજા કોને નવ કેવાયે રે..’
‘સગા કુટુંબ, પિયર સાસરિયા, ન રહું કોઈની ઝાલી રે,
પ્રેમસખી વાલાને વરવા, શિર કરમાં લેઈ ચાલી રે…’
‘તમ કારણ લોક કટુંબ તજીને રે,આવી વસું છું તારે ઓલીડે રે,
પ્રેમાનંદ કહે વાલા મન, કર્મ વચને, શિર તો સોંપ્યું છે તારે ખોળડે રે’.
‘અંગો તે અંગ આલિંગન લેતા, મોહન મનડું તે ભીંજે,
મનગમતું માણો મોહનજી, કોઈથી મનમાં ન બ્હીજ…’
વૃંદાવનીય ભક્તિધારાના વિલાસી શૃંગાર ભાવ તથા રાધાભાવના અપ્રતીમ તલસાટના અમર્યાદપણે શૃંગારભાવનું નિરૂપણ કરનારા નરસિંહ અને દયારામના સંદર્ભે સમર્યાદ શૃંગારભાવને આલેખતા પ્રેમસખી પ્રેમાનંદની ભક્તિભાવના બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મને ભજવાની – પ્રાપ્ત કરવાની હોઈને એમનો શૃંગારભાવ નિર્મળ અને નિર્ભેળ પ્રેમભાવના પ્રાગટ્યરૂપે અવલોકવા મળે છે. આ ભક્તિભાવસભર શૃંગાર નિરૂપણનું એક આગવું રૂપ છે. પ્રેમભાવને ભક્તિશૃંગારથી પરિષ્કૃત-પરિપ્લાવિત કરતા પ્રેમાનંદ સંમિલનથી સંપ્રાપ્તિની સુધીની સુખાનુભૂતિને તથા વિયોગની વિરહવેદનશીલતાની પીડા-અનુભૂતિને અભિવ્યક્ત કરતા અવલોકવા મળે છે.
મારી દૃષ્ટિએ તેઓ સખાની કે પ્રેયસીને બદલે સખી બન્યા અને એ પણ સામાન્ય સખી નહીં પરંતુ પ્રેમથી પ્રજ્વલિત દિવ્ય તેજ રાશિના સ્નેહસિક્ત તેજ પાથરતી પ્રેમસખી. એટલે તો તેઓ બ્રહ્માનંદની ‘શિર સાટે નટવર વરીએ’ પદાવલિને બદલે ‘શિર કરમાં લેઈ ચાલી રે’ તથા ‘શિર તો સોંપ્યું છે ત્યારે ખોળડે રે’ જેવી પદાવલિનું સર્જન કરી શક્યા છે. આમ તેઓ સખાભાવથી નહીં પણ પ્રેમભાવથી પરિસંતૃપ્ત નિષ્ઠાથી ગાય ઊઠે છે કે ‘વહાલા પ્રેમસખી છે તમારી રે.’
વૃંદાવનવિહારી કૃષ્ણ પરત્વેની ભક્તિથી આ અને સખીયુક્ત પ્રીતિભાવથી પરિપ્લાવિત પ્રાણધારા પ્રગટાવતા પદોનો શૃંગાર આવા ભાવરૂપ કારણથી સમર્યાદ રીતે નિરૂપાયાનું જણાય છે. એટલે જ તો મુનશી જેવા રસિક અને રોમાંચક ભાવોના પુરસ્કર્તાએ ઈ.સ. 1902માં નોંધ્યું કે ‘ભક્તિસાહિત્યની દૃષ્ટિએ સ્વામિનારાયણ પંથમાં પ્રેમાનંદ મોટાકવિ છે એટલું જ નહીં પણ નરસિંહ મહેતા પછી મધ્યકાળના સાહિત્યમાં જો કોઈના કાવ્યોમાં શુદ્ધ ભક્તિની આંચ દેખાતી હોય તો આ પ્રેમાનંદમાં છે.’
વૃંદાવનીય શ્રીકૃષ્ણની ભક્તિ સાથે ભગવાન સ્વામિનારાયણ પરત્વેની ભક્તિનાં પદોને સમુચિત રીતે વિજરાય વૈદ્યે ‘પ્રાર્થનાભાવનાં કવિતા-ભજનો’ ગણ્યા છે. પ્રેમાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના પ્રત્યક્ષ દર્શન મિલનભાવને રમણીય રૂપસૃષ્ટિ અર્પી છે. ચમત્કારિક રૂપરાશિ અને ચિતાકર્ષક વ્યવહાર – વર્તનોને આલેખતા લીલાચરિત્રનાં પદો આનું ઊજળું ઉદાહરણ છે. ભગવાન સ્વામિનારાયણની સૌમ્ય, સૌહાર્દભાવ પ્રગટાવતી કિશોરરૂપની પ્રતિમા વડતાલધામના મંદિરના દક્ષિણ દેશમાં પ્રતિષ્ઠિત છે. એના ડાબા હાથમાં પદ્મ છે અને એ દ્વારા અભયદાન અર્પે છે. આવા સહજાનંદજી પોતાના ભક્તોના ભાવને અનુવર્તીને વિવિધ વાભૂષણો, સ્વાદિષ્ટ ભોજન સમયના વર્ણનના તેમજ ઉત્સવ ઊજવણી સમયના અલૌકિક, ઐશ્ર્વર્યયુકત મહાત્મ્યસિક્ત મહિમામંડનના પદો, બારમાસી, કીર્તન પ્રેમાનંદ સ્વામીનાં પદોનું બીજું અનોખું રૂપ છે. તેઓ જુજવા રૂપે જુજવા સંગે જુજવા નામે ઓળખાયા હોઈ આવા અનંતરૂપો ભગવાન સ્વામિનારાયણના ગણાવતા-આલેખતા દૃષ્ટિગોચર પણ થાય છે. એમની ‘શિક્ષાપત્રી’ કૃતિ એનું દૃષ્ટાંત છે.
આપણ વાંચો: શિવ રહસ્ય : શું મારા પિતાનો વધ કરવામાં સરસ્વતી, લક્ષ્મી ને પાર્વતીનો સહકાર હતો?
‘રાધા સંગે હોય ત્યારે રાધાકૃષ્ણ પ્રભુ જ એ,
રુક્મિણિ-લક્ષ્મીજી સંગે લક્ષ્મીનારાયણ જ એ
અર્જુન સંગમાં એહ નરનારાયણ પ્રભુ.
બળભદ્રાદિની સંગે તે તે નામે કથાય તે’
આવા ભગવાન સ્વામિનારાયણ પરત્વે તેઓને અપાર પ્રીતિ છે. અહર્નિશ એમની સેવામાં જ સમર્પિત છે. એમણે ધારણ કરેલ વ. આભૂષણોની સજાવટના દર્શનથી મોહિત થયેલા પ્રેમસખી પ્રેમઘેલા થઈને એના આંખને મટકે, હાથને લટકે અને જરીના પટકે હૃદયમાં કેવા ભાવોનું પ્રાગટ્ય થતું એ ભક્તિભાવને હૃદયસ્પર્શી અભિવ્યક્તિ અર્પતું પદ અવલોકીએ.
‘લીધું ચિત્ત હરીને, હેલી મારું ચિત્ત હરીને
લાડીલે લટકા કરીને.’
એમની દિવ્ય રૂપરાશિથી અનુરક્ત ભાવે રાગાત્મક ભાવોનું સંવેદનવિશ્ર્વ ખડું કરતી પ્રેમસખી પદાવલિ ‘મારા વાલાજીનું રૂડું રૂપ જોઈને હું તો મોહી’ એવું ગાન સહજ રીતે ગેયતા ધારણ કરતું અવલોકવા મળે છે.
(ક્રમશ:)