ચિંતનઃ નિશ્ચલં હિ શિવવ્રતમ્…શિવવ્રત કદાપી વિચલિત થતું નથી

હેમુ ભીખુ
કહેવાય છે કે ભલે સાગરો સુકાઇ જાય, હિમાલયનો પણ ક્ષય થઈ જાય, મંદાર તથા વિંધ્યાચલ પર્વત પણ વિચલિત થઈ જાય, પરંતુ શિવવ્રત કદાપી વિચલિત થતું નથી, નિષ્ફળ જતું નથી. તેનું ફળ અવશ્ય મળે છે. આ વ્રત જો શિવરાત્રીના દિવસે કરવામાં આવે તો તે ચોક્કસ વધુ ફળદાયી નીવડે.
મહાવદ તેરસની તિથિએ જે રાત્રી આવે તેને મહાશિવરાત્રી કહેવાય. આમ તો પ્રત્યેક માસની વદ તેરસ શિવરાત્રી ગણાય, પરંતુ મહા મહિનાની મહાશિવરાત્રી તરીકે સ્થાપિત આ તિથિ સૌથી વધુ આગવી, ફળદાયી, વિશેષ, શિવ-પ્રિય, પવિત્ર, સાત્ત્વિક તેમજ શિવ સમાન ગણાય છે. જ્યારે સામાન્ય દિવસોમાં શિવપૂજા નિષ્ફળ જતી ન હોય તો આ દિવસે કરેલી શિવની આરાધના, આ દિવસે કરાયેલ શિવનું વ્રત તો અચૂક પરિણામ આપે જ.
એમ કહેવાય છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ તથા તેમની શક્તિ ધરતી પર વિચરણ કરે છે. આ દિવસે કરવામાં આવેલ વ્રત, તપ, જપ, ધ્યાન, ઉપાસના, ભક્તિ, ભજન, પૂજા, ઉપવાસ, દાન, પ્રાર્થના, સત્સંગ વિશેષ ફળ આપે છે. વળી મહાદેવ કરુણાના અવતાર હોવાથી, ભોળાનાથ હોવાથી, દુ:ખભંજન હોવાથી આ ફળ ઓછાં સમયમાં પ્રાપ્ત થવાની સંભાવના આ દિવસે વધુ રહેલી હોય છે. એમ જણાય છે કે મહાશિવરાત્રી એ શિવજીની અતિ પ્રિય તિથિ છે.
ઈશાન સંહિતામાં એવો ઉલ્લેખ છે કે ભગવાન શિવના લિંગ સ્વરૂપનું આવિર્ભાવ આ દિવસની મહાનિશામાં થયું હતું. આમ તો શિવ શાશ્વત છે, સનાતન છે, કાયમ સ્થિત અને સ્થિર છે, ઉત્પત્તિ અને નાશના ધર્મથી અલિપ્ત છે, સદાકાળ સર્વત્ર છે, જેથી તેમના આવિર્ભાવની વાત અસ્થાને જણાય. પરંતુ આ લિંગ સ્વરૂપના આવિર્ભાવની વાત છે.
ઈશ્વર જુદાં જુદાં સમયે જુદું જુદું સ્વરૂપ ધારણ કરી શકે. સંજોગો અને હેતુ અનુસાર નિરાકારમાંથી સાકાર થાય. જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે ઈશ્વર નજરથી પામી અને અનુભવી શકાય તેવું સ્વરૂપ ધારણ કરે. આવું એક સ્વરૂપ, લિંગ સ્વરૂપ, આ દિવસે પ્રગટ થયું હતું તેમ શાસ્ત્રમાં જણાવ્યું છે. તેથી મહાશિવરાત્રીની તિથિ મહત્ત્વની બની રહે છે. આ દિવસે પોતાના ઇષ્ટદેવને, દેવોના દેવને, આદિ યોગીને, પ્રસન્ન કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો…ચિંતન : કૈલાસને જીતવાની ઈચ્છા!
સનાતની સંસ્કૃતિમાં ઈશ્વરની પ્રાપ્તિ માટેના જેટલાં માર્ગ સુચિત કરાયાં છે તે બધાં જ માર્ગ દ્વારા મહાદેવની કૃપા સહજમાં પ્રાપ્ત થઈ શકે છે. ભોલેનાથને પ્રસન્ન કરવાં માટે સંપૂર્ણ સમર્પણ સાથેનો ભાવયુક્ત નાનકડો પ્રયાસ પણ પૂરતો થઈ રહે.
શિવ સૂત્રમાં જે જ્ઞાન દર્શાવવામાં આવ્યું છે તે પ્રમાણેનું આચરણ, શિવને કેન્દ્રમાં રાખીને તેમને સાક્ષી માનીને કરાયેલ કર્મ, શિવના શિવત્વમાં લીન થઈને કરાયેલ ભજન-પ્રાર્થના, અનન્ય ચિંતનથી મહાદેવની કરાયેલી ભક્તિ, મહાદેવને અર્પણ કરાયેલા રુદ્રયજ્ઞ કે હોમ-હવન, મહાદેવની સ્તુતિનું શ્રવણ અને તેના અર્થનું ચિંતન, માત્ર મહાદેવ જ મનમાં વાસ કરી શકે તે માટે ઇન્દ્રિયોને વિષયોનાં ઉપવાસ જેવાં માધ્યમથી નિયંત્રિત કરવાનાં પ્રયત્ન – આ અને આવું બધું જ અંતે શિવને અર્પણ થાય છે અને મહાદેવ શુદ્ધ ભાવથી કરાયેલ આ બધાં કર્મ માન્ય રાખે છે. તેમાં પણ જો આ મહાશિવરાત્રીના દિવસે થાય તો તો અદભુત પરિણામ ઊભરે.
નવધા ભક્તિના પ્રત્યેક માર્ગથી મહાદેવ પ્રસન્ન થઈ શકે. મહાદેવનાં સ્વરૂપ તથા તેમના સ્વભાવ દર્શાવતી બાબતોનું શ્રવણ કરવાથી, મહાદેવનાં અસ્તિત્વનાં પ્રત્યેક પાસાનું ગુણગાન ગાઈ કીર્તન કરવાથી, શિવના રુચિ પ્રમાણેના સ્વરૂપનું સ્મરણ કરવાથી, શિવજીનાં ચરણોની પ્રતીકાત્મક સેવા કરવાથી, ઈષ્ટદેવ મહાદેવનું અર્ચન કરવાથી, શિવજી સમક્ષ વિવિધ સ્વરૂપે વંદન કરવાથી, શિવજીના દાસ બની તેમની સેવામાં જાણે તત્પર રહેવાથી,
આમ તો અઘરું જણાય તો પણ, મહાદેવ સાથે મિત્ર ભાવે પ્રેમપૂર્વક જાણે વ્યવહાર કરવાથી અને ઈશ્વર સમક્ષ આત્મનિવેદન કરવાથી -પોતાના અસ્તિત્વને શબ્દોમાં પરોવી ઈશ્વરનાં ચરણોમાં ધરી દેવાથી, મહાદેવ પ્રસન્ન થાય. તેમાં પણ જો આ ભક્તિ મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવે તો જે પરિણામ સ્થાપિત થાય તે અકલ્પનીય હોય.
મહાદેવનું અસ્તિત્વ ક્યારેક સંપૂર્ણ વિરોધાભાસી હોય છે. તેઓ અત્યંત દૂર પણ હોય અને તે જ વખતે સૌથી નજીક હોય. તેઓ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ હોય અને તે જ વખતે વિશ્વથી પણ વિરાટ હોય. ક્યારેક મહાદેવની પ્રતીતિ શૂન્યમાં થઈ શકે તો તે જ વખતે અન્ય કોઈ મહાદેવને અનંતતામાં જોઈ શકે. ક્યારેક મહાદેવ સર્જક જણાય તો ક્યારેય વિનાશક.
મહાદેવ ક્યારેક શાંત મુદ્રામાં સમાધિસ્થ હોય તો ક્યારેક તાંડવ કરતા સમગ્ર નક્ષત્ર મંડળને ડામાડોળ કરતાં જણાય. શિવજી ક્યારેક સૌમ્ય તો ક્યારેક પ્રચંડ, ક્યારેક નિરાકાર તો ક્યારેક સાકાર, ક્યારેક કલ્યાણકારી તો ક્યારેય રૌદ્ર, ક્યારેક જન્મના દેવ તો ક્યારેક મૃત્યુના કારણ સમાન જણાય. શિવજીની આ જ ખાસિયત છે, આ જ મહાનતા છે- તે ભક્તની રુચિ અનુસાર તેને ચિંતન કરવા યોગ્ય સ્વરૂપનું નિર્ધારણ કરવાની છૂટ આપે છે.
નંદી જેમનું વાહન છે, શૈલ્ય જેમનું આસન છે, જટા જેમની માટે મુકુટ સમાન છે જેમાંથી ગંગા પ્રવાહિત થાય છે, ડમરુ જેમને પ્રિય છે, ત્રિશુલ જેમની માટે આડંબર છે, કપાળમાં ત્રીજું નેત્ર જેમને શોભાયમાન છે, પવિત્ર નાગ જેમની માટે યજ્ઞોપવિત તથા હાર સમાન છે, ખોપરીઓની જેમણે માળા ધારણ કરી છે, આખા શરીરે જેમણે ભસ્મ ચોળી છે, સ્મશાનમાં જેમનો વાસ છે,
શક્તિ જેમની અર્ધાંગિની છે, જે સાક્ષાત કરુણાના અવતાર સમાન છે તે મહાદેવનું મહાશિવરાત્રીએ કરેલું વ્રત અચૂક ફળદાયી રહે. મહાશિવરાત્રીના પાવન પર્વ પર મહાદેવની ઉપાસના – સાધના કરવામાં આવે તો મહાદેવનું વરદાન, મહાદેવની કૃપા, મહાદેવનું અનુદાન, મહાદેવની કરુણા સહજ રીતે પ્રાપ્ત થઈ શકે. આ એક સ્થાપિત સત્ય છે.