અલખનો ઓટલોઃ ગુરુગમ પ્યાલા પિયા…

ડૉ. નિરંજન રાજ્યગુરુ
ભક્તિ અને ધર્મ એ આપણા ભારતીય જનજીવનનું એક અભિન્ન અંગ છે. સામાન્ય લોકસમાજમાં પણ પોતપોતાની આગવી ભક્તિ વિષયક માન્યતાઓ હોય છે. ‘ભક્તિ’ શબ્દ વ્યવહારમાં તો ભગવાનની સેવા કરવી કે ભગવાનની પૂજા કરવીના અર્થમાં વપરાતો આવ્યો છે. એમાં ભારતીય સંસ્કૃતિમાં વ્યાપી રહેલી પરમતત્ત્વ પ્રત્યેની ઉત્કટ ઝંખના અને ઉપાસના પ્રણાલીનું નિદર્શન થયું છે.
‘ભક્તિ’ શબ્દના વિવિધ અર્થોમાં પરમ તત્ત્વ પ્રત્યેનો આદરભાવ, અતૂટ શ્રધ્ધા, પૂર્ણ વિશ્વાસ, પૂજા, અર્ચના, સેવા, સુશ્રુષા, પ્રેમ અને લાગણી, સ્મરણ સ્તુતિ, પ્રાર્થના અને વિશિષ્ટ પ્રકારની ભાવનાનો સમાવેશ થાય છે. પવિત્ર ભાવથી પરમેશ્વર, ગુરુ,વડીલ વગેરેની સેવા કરવી, ભક્તિ ભાવનાસભર ગુણો ગાવા અને એમાં જ પરાયણ રહેવું. દેવતાને આધીન અનુકૂળ રહીને દરેક રીતે તેની ઉપાસના- આરાધના કરવી એનું નામ ભક્તિ. એમ વિવિધ સ્થળોએ કહેવાયું છે.
અધ્યાત્મમાર્ગના પ્રવાસી સંત, ભક્ત, જ્ઞાનીવેદાન્તી, યૌગિક ક્રિયાઓ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એવા સિદ્ધ સાધક-યોગીઓ અને તત્ત્વચિંતક ઉપદેશકો દ્વારા રચાયેલા સંતસાહિત્યમાં સમગ્ર માનવજાતને સંસાર-વ્યવહાર વિશે બોધ કે ચેતવણી પણ આપવામાં આવી હોય છે. સંતોની વૈરાગ્ય પ્રબોધક રચનાઓમાં વ્યસન નિષેધ એક મહત્ત્વનું અંગ છે. ભક્તિ, જ્ઞાન, યોગ, ઉપદેશ અને કથા જેવાં તત્ત્વોથી ઘડાયેલી આપણી સંતવાણી વારવાર ‘કૂડાં કરમ’ તજવાનો આદેશ આપે છે એમાં તમામ પ્રકારના વ્યસનોનો ત્યાગ કરવાની જ વાત છે.
ખાસ કરીને જૈનમુનિઓની જુદી જુદી રચનાઓમાં ‘વ્યસનની સજજાય’, ‘અવગુણોની સજજાય’, ‘ઉપદેશની સજજાય’, ‘આજ્ઞાઓ’ વગેરે કૃતિઓ આ પ્રકારનાં અફીણ વગેરેનાં વ્યસનનો ત્યાગ કરવા વિશેની જ છે. એ જ પ્રમાણે જૈનેતર આખ્યાન કવિઓએ પણ પોતાનાં આખ્યાનોમાં તક મળી ત્યાં શુભાષિતો કે સાખી-દુહાઓમાં ઉપદેશાવલી આપી છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના ‘વચનામૃત’થી માંડીને છેક દલપતરામ કવિની રચનાઓ સુધી અને ગોરખનાથ, કબીર, નાનક જેવા સમર્થ સંતકવિઓથી માંડીને અસાઈતના ભવાઈ વેશો સુધીના સાહિત્યમાંથી આપણને વ્યવહાર જ્ઞાન અને નશાકારક ચીજો તજવાનો ઉપદેશ મળી રહે છે. કળિયુગનાં વ્યસનો-હોકો, ચલમ, ભાંગ, અફીણ, ગાંજો, શરાબ વગેરે નશાકારક ચીજોના દુર્ગુણો વર્ણવતી અનેક રચનાઓ સંતસાહિત્યમાંથી, ચારણી સાહિત્યમાંથી અને લોકસાહિત્યમાંથી સાંપડે છે. એમ ગવાય છે :
ગાંજા, ભંગ, અફીમ મદ, ઊતર જાત પરભાત,
નામ ખુમારી નાનકા, ચડી રહે દિન રાત.
પણ ભક્તિની- અધ્યાત્મ સાધનાની ખુમારીને-એના કેફને સંતો વિવિધ નશાકારક ચીજોના રૂપકો દ્વારા વ્યક્ત પણ કરતા રહ્યા છે. પછી એ ભાંગ હોય, ગાંજો હોય, અફીણ કે શરાબની પ્યાલીનો નશો હોય. મીરાંબાઈના નામાચરણ સાથે એક પદ ગુજરાતના ભજનિકોમાં ગવાય છે :
મોહન ભાંગ પીલાઈ રે,
કદંબ હેઠે મોહન ભાંગ પીલાઈ,
જળ જમુનાકો શીતળ પાણી,
ગાગર ભર કર લાઈ…
સોનેકી કુંડી, રૂપેકા લોટા,
દકુંડી રતન જડાઈ રે,
કૃષ્ણએ વાટી ને બળદેવે ઘૂંટી,
રાધાએ સાફી સાઈ રે…
સોવરન પ્યાલા, પાયે મતવાલા,
અખિયાં મેં લાલન છાઈ ,
મીરાં કહે પ્રભુ ગિરધર નાગર,
ચરણ કમળ ચિત્ત લાઈ રે…
-મોહન ભાંગ પીલાઈ રે…0
વડોદરા રાજ્યના ગાયકવાડ પરિવારમાં જન્મેલા બાપુસાહેબના પિતા યશવંતરાવને ગોઠડા ગામે પોતાની જાગીર હતી. ઈ.સ.1779માં બાપુ સાહેબનો જન્મ થયો. જાગીરના વહીવટ માટે અવારનવાર ગોઠડા ગામે જવાનું થતું. ગોઠડા ગામે સંત કવિ ધીરા ભગતનો સત્સંગ થયો. એટલે બાપુસાહેબ ભક્તિના રંગે રંગાયા, ધીરે ધીરે ધીરાભક્તની કાફીઓના ઢાળમાં ભજન રચનાઓ કરતા થયા પણ આત્માને પૂરો સંતોષ નહોતો.એવામાં સંત-કવિ નિરાંત મહારાજના સંપર્કમાં આવ્યા અને પોતાના મનની સમસ્યાઓનું સમાધાન થયું. બાપુસાહેબનું મહાનિર્વાણ ઈ.સ. 1843માં થયું.
હુક્કો પીધો ગુરુ દયા થકી જ્ઞાનનો જો, દમ ખેચ્યો ધણી તારા ધ્યાનનો જો..
તન હુક્કો ઘટ ઘટ સ્વામી બોલતો જો,
પ્રેમ જળમાં હુક્કાને ઝકોળતો જો
પ્રથમ ચલમ ચતુરાઈ ખાસી કરી જો,
કૂડ કપટ તમાકુ તેના માંહી ભર્યા જો,
મેળ મેર ગુરુની પ્રીતે ર્ક્યા જો,
ચિત્ત ચિપિયે તો બ્રહ્મ અગનિ ધર્યા જો
નેહ નિરભે નારાયણ કેરા નામની જો,
શોભે દામણી તે અચળ અખે ધામની જો
ગુરુ ધીરાએ હુક્કો ભરી આપિયો જો,
દાસ બાપુને પોતાનો કરી થાપિયો જો…
આ પણ વાંચો…અલખનો ઓટલોઃ ભગતિ કેરો મારગ ફૂલડાં કેરી પાંખડી કે ખાંડાની ધાર?



