માનસ મંથન: કોઈ સાચી વાત કરે તો વિચલિત ન થાવ, ને ખોટું કહે તો ક્રોધની જરૂરત નથી… | મુંબઈ સમાચાર
ધર્મતેજ

માનસ મંથન: કોઈ સાચી વાત કરે તો વિચલિત ન થાવ, ને ખોટું કહે તો ક્રોધની જરૂરત નથી…

  • મોરારિબાપુ

`સત્ય’ શબ્દ કેટલો મોટો શબ્દ છે, પણ માણસ ઈચ્છે તો ખેલખેલમાં સત્ય જીવી શકે છે. થોડી મુશ્કેલી આવે તો આવશે, પણ જીવી શકે છે. કેટલાક લોકો કહે છે, પેલો માણસ અમારા પર જુઠો આરોપ લગાવે છે, તેથી અમને ચોટ લાગી. જુઠા આરોપથી દુનિયામાં કદી કોઈને ચોટ નથી લગતી, સાવધાન. ચોટ સત્ય જ કરે છે. જ્યારે કોઈએ તમને કઈંક કહ્યું ને તમે વિચલિત થઈ ગયા, તો સમજજો કે તમારા વિશે એમણે તમને કંઈક સાચું કહી દીધું, જે તમે જાણો છો, દુનિયા નથી જાણતી. કોઈ જુઠું કહે તો આપણે વિચલિત થવાનું શું કારણ છે? જે શસ્ત્ર જ નથી, એ આપણો વધ શું કરવાનો? જે મૂલત: શસ્ત્ર જ નથી. ઘણીવાર શું થાય છે કે સંસારમાં સદીઓ સુધી કોઈ ને કોઈ ઊલટું દર્શન આવી જાય છે. નાસ્તિક દર્શનોએ એવી બહુ ગરબડ કરી નાખી છે. કોઈપણ ક્રિયા-સત્ય, બ્રહ્મચર્ય આદી હિંસક હોય તો પાપ થઈ જાય છે. તમારો અપરિગ્રહ પણ હિંસક હોય તો પાપ બની જાય છે, સત્ય પણ અહિંસક હોવું જોઈએ. સત્ય પણ પ્રિય બોલો. તમને અધિકાર નથી કે તમારા કઠોર કડવા સત્યથી બીજાનું દિલ દુભાય. ઘણા કહે છે ને કે સત્ય કડવું હોય છે. તમને સત્ય બોલવાનું આવે ને એ કટુ હોય તો ન બોલો તમારા બોલવાથી કામ નથી બનવાનું,એના અંત:કરણમાં પ્રભુ બેઠેલા છે, તે એને પ્રેરણા કરશે. કટુ શબ્દ ન બોલો. શાસ્ત્ર મના કરે છે, હરિ પર છોડી દો. અશ્વત્થામાનું મૃત્યુ થયું નથી, હાથી મરાયો છે, એ સત્ય પણ હિંસક સાબિત થયું. ધર્મરાજનો રથ જે સદૈવ (જમીનથી) ઉપર રહેતો હતો, તે જમીન પર આવી ગયો.

આ પણ વાંચો: માનસ મંથન : સાદગી ને સરળતાભર્યું જીવન ભલે હોય પરંતુ તેવું જીવન રસપૂર્ણ હોવું જોઈએ

આખી પૃથ્વી પર કહે છે, ત્રણસો દર્શન છે. મુખ્ય મુખ્ય છે. ભરતના મનીષિઓએ તો ત્રણસો નહીં, કેવળ છ પર્યાપ્ત છે. પરંતુ કદી કદી એક વાત પ્રતિપાદિત થઈ જાય છે, પછી બહુ સમય સુધી એ નુકસાન કરતી રહે છે. કેમ તમે ઉલઝી જાઓ છો ? કેમ તમે વિચલિત થઈ જાઓ છો ? આપણા પર એણે જુઠો આરોપ લગાવ્યો. જુઠો આરોપ લગાવ્યો, તો વિચલિત થવાનું કોઈ કારણ નથી. હું તો અનેકવાર કહ્યા કં છું, ફરીથી કહું કે કોઈએ તમારા વિશે જો સહી વાત કરી છે, તમને ક્રોધ કરવાનો અધિકાર નથી. અને જો કોઈએ તમારા વિશે ખોટું કહ્યું છે, તો તમને ક્રોધ કરવાની જરૂરત નથી. બંને સત્ય છે. મારાં શ્રાવકો, ક્રોધ પાપનું મૂળ છે. ગીતામાં ભગવાન કૃષ્ણને અર્જુને પૂછ્યું છે કે ઈચ્છા ન હોય તો પણ આ જીવ કોની પ્રેરણાથી પાપ કરે છે? કોને લીધે આ પાપ કરે છે? કોણ એવાં શસ્ત્રો છે? ત્યારે ભગવાન કહે છે કે કામ એષ: ક્રોધ એષ: રજોગુણ સમુદ્ભવ. બહુ ભૂખ્યાં, ખાઉધરા અને મહાપાપી આ તત્ત્વો છે. કામ અને ક્રોધ એ જ પાપ કરાવે છે. ક્રોધની જન્મસ્થળી કઈ છે? ક્રોધ કઈ માનો દીકરો છે? દ્વૈતબુદ્ધિ ક્રોધને પેદા કરે છે. ક્રોધ કરવાથી ધર્મ રહેતો નથી. ધર્મની એક રજકણ પણ નહીં મળે જ્યારે માણસ ક્રોધ કરશે.

આ પણ વાંચો: માનસ મંથન : જેનો આદિ ને અંત કોઈ નથી પામી શક્યું તે ભગવાન જગન્નાથ છે

મારાં ભાઈ-બહેનો, મારે ને તમારે આ શીખવા જેવું છે. ક્રોધ આવે ત્યારે ધર્મ સચવાતો નથી અને બોધ પણ નથી રહેતો. માણસને ક્રોધ આવે ત્યારે ધર્મ ચૂકાઈ જાય છે. માણસ જ્યારે ક્રોધ કરે છે ત્યારે તેની પાસે ધર્મ નથી રહેતો. એટલો સમય ધર્મ ત્યાંથી ચાલી જાય છે. ક્રોધ આવે એટલે ધર્મ જાય અને ધર્મ જાય એટલે માણસ અપરાધ કરે.ક્રોધ જેનામાં નથી તે મુનિ થઈ શકે છે. ઘણાં મુનીઓએ ક્રોધ કર્યા છે. પરશુરામ લ્યો, વિશ્વામિત્રને લ્યો. બહુ ક્રોધમાં દેખાય. દીવાસળીની પેટીનો બાળક ઉપયોગ કરે અને દાદા ઉપયોગ કરે, એમાં વિવેકનો કેટલો ફેર છે. નાનું બાળક દીવાસળી સળગાવી રમતું હોય તો કંઈ પણ સળગાવી મૂકે અને એ જ દીવાસળીની પેટી દાદા પાસે હોય તો એના ઉપયોગમાં કેટલું અંતર છે? ક્રોધ સારી વસ્તુ નથી. તેને નરકનું દ્વાર, નરકનો પંથ કહ્યો છે. છતાં ક્યારેક મુનિઓએ, ક્યારેક અવતારોએ ક્રોધ કર્યો છે, રોષે ભરાયા છે. એ જરૂરી બન્યું હશે, એ નાશવંત વૃત્તિને એમણે નિમંત્રી હશે, નૃસિંહનો ક્રોધ ઓછો હતો? પણ એ ક્રોધ પ્રહ્લાદ માટે ન હતો, દુષ્યકૃત્યના નાશ માટે હતો, જે સાધુતા મિટાવવા માગતા હતા. એ ક્રોધ આરોપિત હતો,સ્વાભાવિક નહોતો. ધ્યાન આપજો, ક્રોધ ક્યારે દોષ છે? જ્યારે સ્વાભાવિક હોય, આરોપિત હોય ત્યારે. સ્વાભાવિક કરવા અમુક ક્ષણો ક્રોધ માટે બને છે. શ્રાપ આપે એ વખતે આરોપિત ક્રોધ છે. ક્રોધ ઓછો કરો. એમાંથી જેટલા બચાય એટલા બચો. એ આપણો સ્વભાવ ન બને, એક સાધન માત્ર બને એવું હોવું જોઈએ. જરૂર હોય ત્યાં સુધી રહે.

આ પણ વાંચો: માનસ મંથન : તમારું બ્રહ્મચર્ય, સત્ય, અસ્તેય ને અપરિગ્રહ આ બધામાં અહિંસાનું મંગલાચરણ લગાડવું પડશે

આ વાતને ખાસ સમજી લ્યો. આપણે સાચા છીએ ફલાણાએ અમને ખોટું કહ્યું, તેથી અમને ચોટ લાગી છે. ગલત કહેવાથી કદી ચોટ લાગતી નથી. વંધ્યાનો સૂત કદી કોઈને મારી શકતો નથી. જે વાંઝ છે, વંધ્યા છે, કોઈ કહે કે આ વાંઝણીના દીકરાએ ફલાણાની હત્યા કરી નાખી, કદી સમભાવ નથી. વાંઝણી એને કહે છે, જેને કદી દીકરો છે જ નહીં. જે સાચું નથી, એ ચોટ કરી જ ન શકે. કોઈ પણ ચોટ હશે તો એ સત્યની જ હશે. હું તો દેખતો રહું છું. કોઈ કહે કે હું ઉલઝી ગયો, તો હું સમજી જાઉં છું કે કહેવાવાળામાં કોઈ બળ છે. એણે મર્મસ્થાનને સ્પર્શ કરી લીધો, કંઈક નસ પકડી લીધી એણે, જે સત્ય છે. તો આ શબ્દ બહુ ભારી લાગે છે. સમજ આવી જાય તો કરી શકાય, થોડી મુશ્કેલી આવી શકે,પણ આચરણ સ્વાભાવિક લાગે છે. એથી માણસ જો રહસ્ય સમજી લે, અનુભવ કરી લે તો આચરણ અઘં નથી.

(સંકલન : જયદેવ માંકડ)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button