માનસ મંથનઃ જિસસ કહે છે તમારો ચહેરો સ્મિતથી પ્રસન્ન રાખો, તો તમારી સાધના થઈ ગઈ

મોરારિબાપુ
જિસસનું સરળ જીવન, સરળ વચન, સરળ વર્તન છે. એ જે એનાં સૂત્ર મેં કહ્યાં એનાં મૂળ વેદમાં મળે છે. તો,મારાં ભાઈ-બહેનો, દિનચર્યાનાં આ થોડાં સૂત્ર છે જિસસનાં. હવે જુઓ, કેટલાં સીધાં-સાદાં છે? કોઈ નહીં કહી શકે આ અમારાથી નહીં થાય.
પહેલું, ‘તમારો ચહેરો સ્મિતથી પ્રસન્ન અને સુશોભિત રાખવો.’ તમારા ચહેરાને મુસ્કુરાહટથી અને બરાબર સુશોભિત રાખવો. ધરમ થઈ ગયો, સાધના થઈ ગઈ. સવારે જાગો, ગાયત્રીમંત્ર જપો, ખૂબ ખૂબ પ્રણામ. પરંતુ પહેલાં મુસ્કુરાઓ. કોઈ પણ મંત્ર લો, પહેલો મંત્ર મુસ્કુરાહટ. પ્રસન્ન ચિત્તથી આપણી સવાર શરૂ થાય; અને ચહેરો સુશોભિત કરો એટલે સ્વચ્છ રાખો.
પ્રસન્ન રહો. મેં તમને ઘણીવાર કહ્યું છે, છ સમયે ક્યારેય ક્રોધ ન કરવો, પ્લીઝ. ભોજન કરતી વખતે ક્યારેય ગુસ્સો ન કરવો. ભોજન કરનારા પણ ન કરે અને પીરસનારા પણ ન કરે! અને ભજન કરતી વખતે ક્યારેય ગુસ્સો ન કરવો. ત્રીજું, ઊઠતાંવેંત ગુસ્સો ન કરવો અને ગુસ્સો કરીને રાત્રે સૂવું નહીં. પાંચમું, ઘરની બહાર જાવ ત્યારે ક્રોધ કરીને ન જાવ અને ઘરમાં પાછા ફરો ત્યારે ગુસ્સો ન કરો. એક ભાઈએ મને કહ્યું કે, તો પછી બાકી શું રહ્યું? હા,મારી એ જ રીત છે કે તમે ક્યારેય કરી જ ન શકો !
ત્રીજું, પોતાની ખોજનું લક્ષ્ય રાખો જેથી અન્યની આલોચના કરવાનો સમય ન રહે. રોજ પોતાની ખોજ કરો અને નિજખોજમાં એટલા વ્યસ્ત થઈ જાઓ જેથી બીજાની નિંદા કરવાનો સમય જ ન રહે. કેટલાં પ્રેક્ટિકલ વચન છે આ! આગળ, ‘યાદ રાખો, ગમે તેટલી મુશ્કેલી પણ હલ થઈ જ શકે છે.’ કેટલી વ્યવહારુ વાતો કરી રહ્યા છે પરમાત્માના પુત્ર!
દિવસમાં જે માણસ સાથે તમારી મુલાકાત થાય એની સાથે એને રસ પડે એવા વિષયોની ચર્ચા કરો.’ સામેવાળાને રસ પડે; અને એ વાત બધા સમજે તો પછી કોઈનો પણ રસભંગ નહીં થાય. આ હું કથા કહું છું તો પણ ધ્યાન રાખું છું કે, તમને રસ પડે એવું બોલું. છે ને? રસ પડવો જોઈએ, કેમ કે કથાનો અર્થ છે, રસ; અધ્યાત્મનો અર્થ છે, રસ.
દુનિયાભરની સમસ્યાઓને જો ભરતજીના દર્શનમાં કહેવું હોય તો એક માત્ર કારણ છે,વ્યક્તિના જીવનમાં પ્રેમનો અભાવ. દુનિયામાં આટલો ક્રોધ કેમ છે? કારણ પ્રેમનો અભાવ. પ્રેમ છે તો ખરો પણ આપણે પ્રગટ નથી કરી શકતા. દુનિયામાં એટલી નિંદા,અસૂયા,નફરત,ઈર્ષ્યા કેમ છે? દ્વેષ કેમ છે? એકમાત્ર કારણ છે પ્રેમનો અભાવ. વેર, વિગ્રહ, વિભાજન કેમ છે? પ્રેમનો અભાવ અને ભરતજી કોણ છે? રામના પ્રેમનો અવતાર. રામના પ્રેમનું સાકાર સ્વરૂપ. અને એ ચરિત્ર કેટલીયે સમસ્યાઓનો જવાબ આપે છે. ગોસ્વામીજી તો કબૂલ કરે છે, કે ભરતજી ન હોતે તો આ વિષમ કળિકાળમાં મારા જેવા વિમુખને રામ સન્મુખ કોણ કરતે?
दु:ख दाह दारहि दंभ दूषन सुजस
मिस अपहरत को|
कलिकाल तुलसी से सठन्हि
हठि राम सन्मुख करत को ॥
ફરી એકવાર યાદ કરી લ્યો. સંત, સદ્દ્ગુરુ, શાસ્ત્ર, પરમાત્મા કદી કોઈની વિમુખ થતાં નથી. એક આપણે જ વિમુખ થઈ જઈએ છીએ. અને એવી આપણી વિમુખતાને પ્રભુની સન્મુખ કોણ કરતે? જો ભરતનો જન્મ નહીં થતે. તો પ્રેમનું પ્રગટ નહીં થવું, એ જ બધી સમસ્યાઓનું મૂળ છે આ દર્શનમાં,તેથી આપણે એને ધ્યાનથી સૂત્રાત્મક રૂપમાં જોઈ રહ્યાં છે.
ધ્યાન આપજો, પ્રેમના ત્રણ સ્થાન છે, પહેલું, બીજું, ત્રીજું. પ્રેમનું આદિ સ્થાન છે, મા. અહીં કૌશલ્યાજી છે. પ્રથમ સ્થાન છે માતા, ત્યાંથી બાળકને પ્રેમની જાણકારી શરૂ થાય છે. એના પહેલાં કોઈ સ્થાન નથી. એ ભરતજીની યાત્રામાં જ વ્યાસગાદીને દેખાય છે, તેથી એની ચર્ચા કરવા હું વિવશ છું. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં પ્રેમનું પ્રાગટ્ય માતાથી શરૂ થાય છે.
મા છે પ્રેમનું ઉદગમસ્થાન. પછી પિતાને પણ આમાં મેળવી દો, મને કોઈ આપત્તિ નથી. એમનો પણ થોડો હિસ્સો તો છે, એની ના નહીં પડાય. પણ મા મા છે. તમે કદી જોયું છે કે બાળક ભૂલ કરે છે, તો બાપ સજા કરે છે મા શિક્ષા કરે છે. શિક્ષા અને સજામાં કેટલું સાહિત્યિક અંતર છે. શબ્દકોષમાં પણ બહુ અંતર બતાવ્યું છે.
માતાનો પ્રેમ શિક્ષા કરે છે. શિક્ષા અને સજામાં આટલો ફેર છે. મા કદી પણ સજા નહીં આપી શકે, સજા બાપ આપે છે, પિતા આપે છે. સ્વાભાવિક છે, એમાં પુરુષનો અહંકાર છે. ભરતજી,એ તો સાક્ષાત પ્રેમમૂર્તિ છે. પણ આપણા જીવનના માર્ગદર્શન માટે, કૌશલ્યા મા પાસેથી આ વાત મળે છે. મા શિક્ષા આપે છે. મા પ્રેમનું આદિ સ્થાન છે. મા ડાટેગી નહીં, મારે નહીં, એમ નહીં, પણ મા શિક્ષા કરે છે, બાપ સજા કરે છે.
જેવી રીતે કોઈ તમારી લોનમાં, તમારા બગીચામાં, તમારા ખેતરમાં કોઈ છોડ યા નીંદામણ વધે, એના મૂળિયાંએ આજુબાજુની જમીન પણ ઉખડ-બાખડ કરી દીધી. તો તમારામાં બાપવૃત્તિ, પિતાવૃત્તિ હશે તો તમે એને મૂળથી ઉખેડી નાંખશો, કે અહીં ઠીક નહીં. પણ માની વૃત્તિ હશે તો માળી બનીને જે શાખાઓ વધી ગઈ છે, જે મૂળિયાં જમીનને ઉખડ-બાખડ કરી રહી છે, એને ઠીક કરશો.
મા છે માળી, બાપ છે માલિક. માળી અને માલિકમાં જેટલું અંતર છે, તેટલું મા અને બાપમાં અંતર. બાપ બધાંને નિર્ભય નહીં કરી શકે, આપણા શાોએ સ્વીકાર કર્યો છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ,પરંતુ મૂલત: પ્રેમનું ઉદગમસ્થાન,આદિ કેન્દ્ર, મૂળ સ્થાન માતા છે. બીજું સ્થાન છે પ્રેમનું મહાત્મા. એ સદ્દ્ગુરુ છે.
આગળનું સૂત્ર, સૌને મિત્ર બનાવો, જેથી કોઈ શત્રુ નહીં રહે અને તમે આપોઆપ જ અજાતશત્રુ બની જશો. મૈત્રી ભાગવતીય ભક્તિનું એક સ્થાન છે. આપણે ત્યાં પરમાત્માને પણ મિત્રભાવે ભજવાની છૂટ છે. ‘રામચરિતમાનસે’ એક વચન આપ્યું છે; પરમાત્માની પ્રતિજ્ઞા છે
सखा सोच त्यागहु बल मोरें | सब बिधि घटब काज मैं तोरें ॥
તો, ભગવાન કહે છે કે, સૌની સાથે મૈત્રી રાખો જેથી કોઈ દુશ્મન ન રહે અને તમે અજાતશત્રુની અવસ્થાનો અનુભવ કરી શકો.
આગળ,‘સદૈવ આશાવાદી અને સત્યવાદી રહો.’ સદૈવ આશાવાદી રહો કે થશે, આજ નહીં તો કાલ. મારામાં ભાવ જાગશે,મને પ્રભુની અનુભૂતિ થશે. દરેક વાતમાં લોકો નકારાત્મક વિચારે છે! જીવનમાં કોઈ પણ ઘટના ઘટે, આશાવાદી રહો. આ સંસારીજીવન માટે કહું છું, અધ્યાત્મમાં આશા ખતરો છે, અધ્યાત્મમાં આશા જંજિર છે. એની સાથે જે બીજું સૂત્ર જોડ્યું છે, ‘આશાવાદી બની રહો અને સત્યવાદી બની રહો.’ હવે, જો માણસ સત્યવાદી બની રહે તો પછી સવાલ જ નથી. બહુ સારી શિખામણ છે.
આગળનું સૂત્ર,‘ઉત્સાહશક્તિ મજબૂત કરો.’ ઉત્સાહશક્તિ, જેમ કે ડિપ્રેસ ન રહો, ફ્રેશ રહો. આ જીવન છે,આ રેલવેલાઈન નથી, કે ટ્રેક પર જ ચાલે. ગંગધારા છે, ક્યારેક ઊંડું પાણી, ક્યારેક છીછરું પાણી, ક્યારેક પાણી સુકાઈ પણ જાય! આ તો જીવનની ધારા છે. નિરુત્સાહ ન બનો; અને પછી એની સાથે જોડાયેલી વાત લખી છે કે,‘બીજા ઉત્સાહિત હોય તો એની ઈર્ષ્યા ન કરવી.’ આપણે આ નથી કરી શકતા!
આપણે નથી તો ઉત્સાહમાં જીવી શકતા કે નથી બીજાને ઉત્સાહમાં જોઈ શકતા! બીજા કેમ ખુશ થઈ ગયા? ન તો ખુશ રહેવું અને ન તો કોઈની ખુશી જોઈ શકવી,એ માનવતા નથી!
(સંકલન: જયદેવ માંકડ)
આ પણ વાંચો…માનસ મંથનઃ યુવાન મિત્ર, શિષ્ય કોના બનશું? શરણાગતિ કોની કરશું?



