ધર્મતેજ

માનસ મંથનઃ જો હરિકથામાં ચિત્ત પરોવાઈ જાય તો દુનિયાના સંતાપો આપણને નહીં નડે

મોરારિબાપુ

मदाश्रयाः कथामृष्टाः श्रुणवन्ति कथयन्ति व।
तपन्ति विविधास्तापा नैतान्म्दत वेतस॥

હું તો પુરા વિશ્વાસથી બોલી રહ્યો છું. હરેક કથામાં અનુભવ સાથે બોલી રહ્યો છું. પરમાત્મામાં ચિત્ત લગાડવાનું સરળ, સુગમ, અનુગ્રહ અને સર્વપ્રાપ્ય કોઈ સાધન હોય તો ભગવત કથા છે. હા, જરૂર, પતંજલિ ભગવાનના માર્ગ દ્વારા ગણ્યા ગાંઠિયા સાધકો ચિત્તવૃત્તિ નિરોધ કરી અને યાત્રા કરી શકે. બાકી ઈશ્વરમાં ચિત્ત જોડવા માટે ભગવત કથા શ્રેષ્ઠ ઉપાય છે.

એક વખતનું ભોજન આપણા માટે 24 કલાકનો આરામ છે. એક વખતનું ભોજન માણસને 24 કલાકની પુષ્ટિ આપે તેમ કથા દરમિયાન પણ ચિત્તનો નિરોધ, ચિત્તની પરમાત્મામાં સમર્પિત થવાની વૃત્તિ એ સરળતાથી કથા દ્વારા થોડો સમય પણ સમય જાય તો ઈશ્વરમાં ગયેલા ચિત્તથી અને પછી જે ચેતના પ્રગટ થાય એનાથી વ્યક્તિગત જીવન અને વૈશ્વિક જીવનની કેટલીય સમસ્યાઓનો ઉકેલ આવે.

ભગવાન કપિલ કહે છે દેવહુતિને-સાધુઓના લક્ષણોનું એક લિસ્ટ આપતી વખતે કહે છે. ઉપરના શ્લોકમાં લખેલા લક્ષણો કહે છે. ભગવાન કપિલ કહે છે કે `મા, સાધુઓનું બળ કયું? સાધુ કેવો હોય?’ મદાશ્ર્યા મારા સંબંધી જ ચર્ચા કરતો હોય, જેને મારો આશ્રય હોય, કૃષ્ણાશ્રય હોય. જેનામાં શરણાગતિ હોય, દ્રઢ ભરોસો હોય.

વૈષ્ણવ સંપ્રદાયના શબ્દોમાં કહું તો આશરો એકનો, એક ધણીનો હોય. એના સિવાય બીજી કોઈ ચર્ચા નહીં. તો, જે શ્રવણ કરે, કથન કરે એને સંસારના કોઈ વિવિધ તાપ, કોઈ સમસ્યાઓ પરેશાન નથી કરી શકતી. કોને? જેનું ચિત્ત મારામાં પરોવાયેલું છે !એનામાં પરોવાઈ જાય, ફરી કથામાં પરોવાઈ જાય તો દુનિયાના કોઈ સંતાપો મને અને તમને કંઈ ન કરી શકે! પણ આપણુ ચિત એમાં રહે.

વેદાંતમાં એક કથા છે. એક સિંહણ ગર્ભવતી હતી. ખોરાકની શોધમાં જંગલમાં ફરતી રહેતી હતી. એક વખત શિકારની શોધમાં ક્યાંક જતી હતી ને રસ્તામાં નદી આવી. એણે તો નદીમાં છલાંગ લગાવી. આવી રીતે નદી પાર કરવાની તેને આદત હતી.

છલાંગ લગાવીને જ્યાં નદીમાં અડધે પહોંચી ત્યાં એને પ્રસવ થયો. બચ્ચું પાણીમાં પડી ગયું. મા તો સામે પાર જતી રહી. પશુના બચ્ચામાં કુદરતી રીતે પાણીમાં તરવાની શક્તિ હોય છે એટલે એ બચ્ચું તરવા લાગ્યું. પ્રવાહમાં તરતું તરતું દૂર નીકળી ગયું. એક કિનારા પર હરણોનું ઝૂંડ પાણી પીતું હતું. નાદાન સિંહનું બચ્ચું એ ઝૂંડમાં ભળી ગયું અને હરણોની સાથે રહેવા લાગ્યું. પોતે એ ભૂલી ગયું કે હું સિંહ છું, એ તો પોતાને પણ હરણ માનવા લાગ્યું. સંગદોષ થઈ ગયો.

આ વાતને ઘણો સમય વિત્યો હશે કે એક સિંહ શિકારની શોધમાં નીકળ્યો, જે આ હરણોનાં ઝૂંડને જોવે છે. હરણો તો સિંહને જોઇને ભાગે છે. એમાં પેલું બચ્ચું કે જે હવે તો મોટું થઈ ગયું હતું, તે પણ ભાગે છે. સિંહ જોઈ રહ્યો છે આ ઘટના! તેને થયું કે આ તો મારી જાતિનો છે અને હરણોનાં ઝૂંડમાં ભાગ્યો? કમાલ છે.

હરણો ભાગી ગયા પણ સિંહે પેલા બચ્ચાંને પૂછ્યું કે તું તો મારી જાતિનો છે, આમાં કેમ? આપણી જાતિ એક છે. બચ્ચું માને નહિ જ ને. સિંહ તેને નદીના પાણીમાં લઈ ગયો અને પાણીમાં પ્રતિબિંબમાં બતાવ્યું કે જો, આપણે બંને એક જેવા જ છીએ. તું મારી જ જાતિનો છો. પછી સિંહે ગર્જના કરી અને બચ્ચાંને કહ્યું કે તું પણ દહાડ. એ બચ્ચાંએ જ્યારે ગર્જના કરી ત્યારે તેને પોતાની જાતનું ભાન થયું.

માણસ પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે પ્યારે! કોઈ ઘેટાંનાં ટોળામાં ભળી ગયું છે તો કોઈ બકરીનાં ટોળામાં. હરિનામ, હરિકથા વ્યક્તિને આત્મભાન કરાવે છે અને કલિ કલ્મષથી મુક્ત કરે છે. કથાથી કલિના પાપ મટી જાય છે. માણસને પોતાના મૂળ સ્વરૂપનું ભાન કરાવે, સુશોભિત કરે,આભૂષિત કરે અને વિભૂષિત કરે એનું નામ કથા. સૂનો રામકથા, ગાઓ રામકથા, સ્મરો રામકથા તમારાં કલિકલ્મષનો નાશ થઈ જશે. હરિની સ્મૃતિ સૌથી મોટું સુકૃત છે.

રામકથા એક વૈશ્વિક બુલાવા છે. આપણે પાંચ લોકોનું મનોરંજન નથી કરી શકતાં. મેરે ભાઈ-બહેન, આખો સંસાર રામકથામાં ઝૂમે છે, કેમ? કારણ કે ભગવાનની કથા કલિયુગના કલિ કલ્મષને હરે છે. તો આનાથી વધુ સરળ ઉપાય બીજો કયો હોઈ શકે? આપણામાં જે કલિયુગના મેલ હશે તેને છોડાવી દેશે રામકથા. ધીરે ધીરે છૂટશે. જૂઠું બોલવા જશો ને `માનસ’ની ચોપાઈ યાદ આવશે તો જૂઠું બોલતાં બાધ્ય કરશે.

અસત્યમાં જીવવું, અપવિત્રતામાં જીવવું, હિંસક અને ક્રૂર બનીને જીવવું, નિર્દયી અને કઠોર બનીને જીવવું, નિરંતર ભયભીત રહેવું, આયુષ્ય ઓછું છે છતાં મારે આટલું કરી લેવું છે એવી સમજનો અભાવ અને ભગવદ્ સુમિરનનો વેગ ઘટી જવો, એ બધા કલિકલ્મષ છે.

તુલસી કહે છે દંભ, પાખંડ, દ્વેષ, કપટ, મદ, માર એ બધાં આખા બ્રહ્માંડમાં વ્યાપી રહ્યા છે. લોકો કરશે તો પણ તામસ તપ, જપ કરશે. એકબાજુ આટલી ભીષણતા છે પાપોની અને બીજી તરફ કેટલું સરળ સાધન, ઉપાય છે કે સૂનો રામકથા, ગાઓ રામકથા અને સ્મરો રામકથા, તમારાં કલિકલ્મષનો નાશ થઈ જશે !

મેં કેટલીયે વાર કહ્યું છે કથામાં આનંદ આવે છે, કારણ કે કથા પાપોનો નાશ કરે છે. પાપ હી આનંદ નથી લેવા દેતાં. આનંદ તો આપણો સ્વધર્મ છે. આનંદ કંઈ ખરીદ કરવા નથી જવું પડતું, પણ પાપ છાયેલાં છે અને કથામાં આનંદ આવે છે, કારણ પાપ મિટે છે. મન રંજન થાય છે, કથામાં એ કામ કરી દીધું, આપણાં કલ્મષ મિટાવી દીધાં, આપણા સ્વરૂપનું આપણને ભાન કરાવી દીધું.

તમે થોડો સમય કથા શ્રવણ કરો છો તે વખતે સંસારને ભૂલો છો, સંસારની આધિ, વ્યાધિ, ઉપાધિઓ, કેટલી સમસ્યાઓ ચુકાઈ જાય છે! કારણ કથા દરમિયાન ચિત્ત હરિમાં જોડાય છે. આ કળિયુગમાં જ્યારે મન અને સમય બંને મલિન છે, કાળ મલિન છે એવા સમયે ચિત્તને ભગવતસ્મરણમાં લગાવવા માટે કથા એક સફળ પ્રયોગ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button